કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૧. આલા ખાચરની સવાર

From Ekatra Wiki
Revision as of 07:50, 13 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. આલા ખાચરની સવાર|રમેશ પારેખ}} <poem> ::::પિંડી ખભા મૂછ કમાડ હુક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૧. આલા ખાચરની સવાર

રમેશ પારેખ

પિંડી ખભા મૂછ કમાડ હુક્કો
બોચી અને સાથળ ઊંઘરાટાં;
ને બાવડાં ખાઈ રહ્યાં બગાસાં
(ઊગ્યો વળી સૂરજ ગોલકીનો…?)

બાપુ લ્યે ત્રણચાર વાર ગઢમાં આંખ્યું બધે ફેરવી
એનો એ ગઢ, એ જ ભીંત, ફળિયું, જાળાં અને જાળિયાં
એનું એ તલવારનું લટકવું, વર્ષો જૂનું ખીંટીએ
એની એ જ સવારનું ઊઘડવું ને એ જ પાછી તથા.

કૂતરાં ટૂંટિયું વાળી ફળિયા વચ્ચે જ ઊંઘતાં
ધૂળમાં, કોઈ ખખ્‌ડાટી થાતાં મ્હોં સ્હેજ ઊંચકી
કાન ઊભા કરી આખ્ખી હવા શંકાળું સૂંઘતાં
ઘૂરકી, આંખ અધખૂલી પાછી બંધ કરી જતાં.

ઘોડાર્યમાં કમર પુચ્છ પગો ઉછાળી
ઘોડી કરે હણહણાટ બગાઈત્રસ્ત;
હાંફે છ્ એમ કંઈ મોજડીઓ ખૂણામાં
ફસડાઈ હોય મસ ગામતરું કરીને.

કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો
ને રાશ-વા તડકલા ગઢમાં ચડ્યા છે.

ભીંતે થતા ઉઝરડા હવાના
ને ફોતરીઓ ખરતી ચૂનાની
બારીકમાડો પછડાય ખુલ્લાં
મિજાગરા તૂટલ ચૂચવાય.

પેઢીજૂના અધમૂઆ ઝૂલચાકળામાં
લુખ્ખાં (ફૂટેલ) ભળભાંભળ આભલાંને
બાઝી સૂતેલ સહુ ચાંદરણાંય ઊંઘે
(વંદો અહીં ઘડીક ત્યાં ફરતો શું સૂંઘે?)

કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો
ને ધારદાર તડકે વહેરાય વંડી.

બગાસું ખાય બાપુ ત્યાં ખાંસવું ધોમ ઊપડે
ઝાટકે ઝાટકે બાપુ જાણે સોવાય સૂપડે.

હાંફે હલે હચમચે ઊંચકાય ધૂણે
એવા જ બેવડ વળી પછડાય બાપુ;
ઝૂઝ્યા હશે અવર તે પણ આટલા ના
બાપુ સમેત હલતા પગ ખાટલાના.

આંખની રાતડી શેડ્યું પાણી થૈ ટપકી પડે
ખાંસતાં ખાંસતાં બાપુની મૂછો લબડી પડે.

હૈડિયો આંચકા મારે રાઠોડી બળથી છતાં
જીવની જેમ બાપુને બાઝેલો કફ ના છૂટે.

યુદ્ધના ધોરણે બાપુ ઝૂઝે દારુણ પેંતરે
ખેંચીને લાવતા મોઢામાં કફ્‌ગળ્‌ફો છેવટે.

કેટલી વાર મમ્મળાવી વાગોળી જીભથી કફ
અંતમાં ગર્જના સાથે નિષ્કાસિત કરે, હફ…

યુદ્ધનાદો શમ્યા સર્વ, એકલી શાંતતા વહે
બાપુના થોભિયા માથે વીરશ્રી ઝગ્‌મગી રહે.

કાળોડિબાંગ ખખડે સ્વર કાગડાનો
ને વાંભ વાંભ તડકો પછડાય ખુલ્લો.

૬-૧૦-’૭૫
૧૦-૯-’૭૮/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૩૮૨-૩૮૪)