કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/કવિ અને કવિતાઃ રમેશ પારેખ

From Ekatra Wiki
Revision as of 08:36, 13 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિ અને કવિતાઃ રમેશ પારેખ

ઝરણાની જેમ જેમને કવિતા ફૂટતી, લયબદ્ધ વહેતી એવા કવિ શ્રી રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલીમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાંથી પ્રાપ્ત કર્યું. ૧૯૫૮માં તેઓ મૅટ્રિક થયા. સુંદર મરોડદાર અક્ષરો, નાનપણથી જ ચિત્રો દોરવાનો, તબલાં અને ઢોલક વગાડવાનો શોખ. હાઈસ્કૂલમાં હતા ત્યારે સંગીતરસિક મિત્રો સાથે મળીને તેમણે ‘મોરલ મ્યુઝિક ક્લબ’ શરૂ કરેલી. ૧૯૬૫ સુધી આ સંસ્થા ચાલેલી. તેઓ જાહેરમાં સંગીતના કાર્યક્રમો પણ કરતા. ઇન્ટરમીડિયેટ ડ્રૉઇંગની પરીક્ષામાં સ્મૃતિચિત્ર માટે તેમને બોર્ડનું ઇનામ મળેલું. તેમને જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્‌સ, મુંબઈમાં ભણવા જવાની ઇચ્છા હતી. પરંતુ કુટુંબની આર્થિક મુશ્કેલીને કારણે કૉલેજમાં અભ્યાસ કરવાની ઉંમરે અમરેલી જિલ્લા પંચાયતમાં નોકરી શરૂ કરેલી. ૧૯૭૦માં તેમને કુમારચંદ્રક મળ્યો. ૧૯૮૨માં નર્મદ સુવર્ણચંદ્રક તથા ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા. ૧૯૯૪માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું. ૨૦૦૪નો નરસિંહ મહેતા ઍવૉર્ડ એનાયત થયો. આ ઉપરાંત પણ તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા હતાં. ૧૭ મે ૨૦૦૬ના રોજ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

રમેશ પારેખની સર્જનપ્રક્રિયાની શરૂઆત તો વાર્તાલેખનથી થયેલી. તેમણે ૧૯૫૪-૫૫ની આસપાસ ‘તરણા ઓથે ડુંગર’ નવલકથા વાંચી. એની અસરમાં વાર્તાઓ લખવાની શરૂઆત થયેલી. તેમની સૌપ્રથમ વાર્તા ‘ચાંદની’માં છપાઈ. ત્યારે તેઓ દસમા ધોરણમાં ભણતા હતા. ૧૯૬૨ સુધી વાર્તા લખવાનો દોર ચાલ્યો. લગભગ સોએક જેટલી વાર્તાઓ છપાઈ. વાર્તાઓ સાથે ક્યારેક ગીત કે ગઝલ જેવી રચનાઓ પણ સર્જાઈ જતી. ૧૯૬૬-૬૭ના સમયગાળામાં અનિલ જોશી અમરેલી આવ્યા. બન્નેની મિત્રતામાંથી રમેશ પારેખમાં કવિતાની સરવાણી ફૂટી. કાવ્યસર્જનનું ઘોડાપૂર ઊમટ્યું. કવિશ્રી અનિલ જોશીના સૂચનથી નવું લખવાની શરૂઆત કરી. ‘રે મઠ’નાં સામયિક ‘કૃતિ’, ‘કવિતા’ અને ‘સમર્પણ’માં તેમની કવિતાઓ પ્રકાશિત થવા લાગી. ‘સર્જકની આંતરકથા’માં રમેશ પારેખે લખ્યું છેઃ “હું ગાતો, ફિલ્મનાં ગીતો અને ગુજરાતી ગીતો. ઉપરાંત ઠોકપાંચમ કરતાં કરતાં તબલાં ને ઢોલક પર ખૂબ સારો હાથ જામી ગયો... ... લય તાલ અને સંગીત તેમજ ચિત્રકામના મારા અનુભવોએ કોઈ ને કોઈ રીતે મારા કાવ્યસર્જનમાં ઉપકારક ફાળો આપ્યો છે.” બાળપણમાં મોટીબહેન હીંચકે બેસીને બાળક રમેશને ખોળામાં થાબડીને સુવાડતી. ત્યારે તે હરિગીત છંદમાં ગાતી. આ રીતે તેમના કાનને હરિગીત છંદનો પરિચય થયેલો. આમ જ તેઓ છંદ કે લય કાન દ્વારા જ શીખ્યા છે. બાકી તો તેમને છંદ અને અલંકાર ભણવાનો કંટાળો આવતો. ગુજરાતી કવિતાસાહિત્યમાં કવિ રમેશ પારેખ વિશિષ્ટ ભાષા લઈને આવ્યા. તેનું શ્રેય તેમણે તેમની માતા — ‘મારી સ્વ. બા ધાણીફૂટ કાઠિયાવાડી બોલી બોલતાં’ — અને તેમના સમકાલીનોની ભાષાને આપતાં તેમણે લખ્યું છેઃ “આ વાણી, આ ભાષામાંથી મારી જીભના માપનો જોડો સિવાયો   છે.” આ ‘જોડો’ પહેરીને તેઓ કવિતાના પંથે ચાલ્યા છે. આથી જ તેમની કવિતામાં બોલચાલની લઢણમાં કાઠિયાવાડી ભાષાની સીધી અસર છે. પોતાની આગવી મુદ્રા ધરાવતા આ કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’ ૧૯૭૦માં મળ્યો. એ પછી તો એમની કાવ્યસંહિતા વહેતી જ રહી. તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘ત્ત્વ’ (૧૯૮૦), ‘સનનન’ (૧૯૮૧), ‘ખમ્મા આલા બાપુને’ જેવા સંગ્રહો મળ્યા. ૧૯૮૬માં અધ્યાત્મભાવનાં કાવ્યો ‘મીરાં સામે પાર’માં પ્રગટ થયા જેમાં કવિના નવા ચહેરાનો ઉઘાડ થયો. એ પછી ‘વિતાન સુદ બીજ’ ૧૯૮૯માં અને ૧૯૯૧માં ‘અહીંથી અંત તરફ’ કાવ્યસંગ્રહો પ્રગટ થયા. ૧૯૭૦-૧૯૯૧ સુધીના તેમના બધા જ સંગ્રહોનું સંકલન કરીને ૧૯૯૧માં ‘છ અક્ષરનું નામ’ એ નામે એમની સમગ્ર કવિતાનો સંગ્રહ પ્રગટ થયો છે. એ પછી પણ તેમની કાવ્યયાત્રા ચાલુ રહી. ૧૯૯૮માં ‘છાતીમાં બારસાખ’, ૧૯૯૯માં ‘ચશ્માંના કાચ પર’ અને ૨૦૦૨માં ‘સ્વગતપર્વ’ સંગ્રહો પ્રકાશિત થયા. આ ઉપરાંત ૧૯૭૯માં ‘હાઉક’ અને ૧૯૮૦માં ‘ચીં’ અને ૧૯૮૮માં ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’ વગેરે બાળકાવ્યોના સંગ્રહો પ્રગટ થયા. એ સાથે બાળવાર્તાઓ, ટૂંકી વાર્તાઓ, નાટક, ચિંતન, કાવ્યાસ્વાદ તેમજ કેટલાંક સંપાદનો પણ તેમની પાસેથી મળ્યાં છે.

રમેશ પારેખે ગીત, ગઝલ, છાંદસ-અછાંદસ તથા માત્રામેળ છંદોમાં રચનાઓ કરી છે. પંરતુ તેમનું મહત્ત્વનું પ્રદાન ગીતોમાં છે. જેના કારણે તેઓ ગીતકવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. ભાવ, ભાષા અને ધારદાર અભિવ્યક્તિની નવીનતા, નિરૂપણરીતિ તેમની કવિતાની વિશેષતા છે. તેમનાં ગીતોમાં આવેગ, વેધકતા, ચિત્રાત્મકતા, કલ્પનાલીલા તથા વિવિધ લયઢાળ નોંધપાત્ર છે. કવિ શ્રી યોગેશ જોષીએ ‘પરબ’ ૨૦૦૬માં રમેશ પારેખની ભાષા અને કાવ્યસર્જન વિશે લખ્યું છેઃ “ધાણીફૂટ કાઠિયાવાડી બોલતી બાને રમેશ ધાવ્યો છે. કાન થકી, આંખ થકી રમેશ ધાવ્યો છે શબ્દને, ભાષાને, લોકબોલીને, લોકગીતોને, લોકસંસ્કૃતિને. આથી આ બધું એમના લોહીમાં છે, આથી ’લોકગીતો–લોકસંસ્કૃતિ–લય–કાકુ–લહેકા–લહેજા — બધું એમની સ્વયંસિદ્ધિ છે. પોતાની ભીતરના દરિયામાં એમણે મરજીવાની જેમ વારંવાર ડૂબકીઓ મારી છે ને મૂઠા ભરી ભરીને કંઈ ને કંઈ લઈ આવ્યા છે.” રમેશ પારેખું અત્યંત જાણીતું ગીતઃ

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

કોડીલી કન્યાના મુગ્ધહૃદયના ભાવોને લોકગીતના ઢાળમાં લોકસંસ્કૃતિનાં પ્રતીકો અને લોકવાયકાઓના આધાર સાથે રજૂ કર્યા છે. ઝંખના, સ્વપ્ન, પ્રતીક્ષા, ભણકારા વગેરેના સરસ ભાવચિત્રો આલેખ્યાં છે. આંગણે પાંગરેલી નાગરવેલનાં પાંદડાં તૂટવાં, ઓરડા ઠેસે ચડવા વગેરેમાં રાહ જોઈને થાકેલી કન્યાના હૃદયની આંતરવ્યથા તીવ્રતાથી વ્યક્ત થઈ છે. ભાવવૈવિધ્ય અને ભાષાવૈવિધ્ય ધરાવતાં અનેક ગીતો રમેશ પારેખ પાસેથી મળ્યાં છેઃ

લાવો, લાવો, કાગળિયો ને દોત સોનલદેને લખીએ રે
કાંઈ ટેરવાંમાં તલપે કપોત સોનલદેને લખીએ રે

સોનલ વિના કાવ્યનાયકની કેવી સ્થિતિ છે એ પત્ર લખીને જણાવતાં નાયકની વિરહવેદના, ઝંખના ભાતીગળ પ્રતીકો દ્વારા વ્યક્ત થાય છેઃ

વેગી વન વન ઊડતા વંટોળને વાવડ પૂછીએ રે
કેમ ભભકતા લાલ હિંગળોકના થાપા લૂછીએ રે

તો પ્રિયતમને મળવાનાં સપનાંઓ જોતી મુગ્ધાના ભાવોમાં ઉમળકો અને ઉલ્લાસ તો જુઓઃ

સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રૂંવેરૂંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે

પલાશના વૃક્ષને પ્રથમ વરસાદનો જે આહ્લાદક અનુભવ થાય એવો જ આહ્લાદક અનુભવ કાવ્યનાયકને પ્રથમ વર્ષા સમી પ્રિયાના આગમનથી થયો છે. એટલે જ તો કવિને આ ચોમાસું સાચવી રાખવું છે, વાવવું છેઃ

લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું?

બીજી બાજુ ધોધમાર વરસાદ, પ્રિયજન મળવાની તીવ્ર ઝંખના, હૈયાની વ્યાકુળતા અને પ્રણયવર્ષાનું સાયુજ્ય પ્રગટ કરતું ખૂબ જાણીતું ગીત ‘વરસાદ ભીંજવે’ઃ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.

આકાશમાં સોળે કળાએ ચોમાસું ખીલ્યું છે. ક્યાંય છાલક કે છાંટ નથી. પણ દરિયા ઊભા ફાટ્યા છે, કવિની કલ્પના તો જુઓઃ

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે.
... ... ...
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.

પરોઢિયે પ્રકૃતિને નિહાળતા કવિ ઉલ્લાસભેર નાચી ઊઠેલા હૈયાના ભાવોને લયહિલ્લોળ સાથે અભિવ્યક્ત કરતા સુંદર તરલ-ગતિશીલ ચિત્રો આલેખે છેઃ

આ ઝાકળના ઝબકારા ઝાલી ઘાસ ફરે મેદાન વચ્ચે હેલ્લારો
આ સવારના રેલાઓ લૈ ટેકરીઓ દોડે પાન વચ્ચે હેલ્લારો
આ ઇત્તો ઇત્તો હેલ્લારો
આ ચાંપપલીતો હેલ્લારો

‘તમને ફૂલ દીધાંનું યાદ’, ‘એક પ્રશ્નગીત’, ‘હેલ્લારો’ જેવાં વૈવિધ્યસભર ગીતો રમેશ પારેખ પાસેથી મળ્યાં છે. તો અધ્યાત્મભાવને નિરૂપતાં ગીતો પણ તેમણે આપ્યાં છે. મીરાં અને કૃષ્ણના અનુરાગને વ્યક્ત કરતાં ગીતો જેવાં કે ‘મારાં સપનાંમાં આવ્યા હરિ’, ‘— કે કાગળ હરિ લખે તો બને,’ ‘હરિએ દઈ દીધો હરિવટો’ વગેરે. કૃષ્ણમાં લીન થયેલાં મીરાં મેવાડ છોડીને ચાલી જશે ત્યારપછી રાણાની અને મેવાડની શી દશા થશે એ ખૂબ ધારદાર રીતે કવિ વર્ણવે છેઃ

'ગઢને હોંકારો તો કાંગરાય દેશે'
પણ ગઢમાં હોંકારો કોણ દેશે?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
... ... ...
આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ
... ... ...
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ, રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે…

કવિની ગીત-પ્રતિભાનો લાભ એમની ગઝલોને પણ મળ્યો છે. એમની ગઝલોમાં ભાષાની સાદગી અને લયની પ્રવાહિતા ધ્યાનાકર્ષક છે. તેમની પાસેથી ‘તમને’, ‘આ શ્હેર...’, ‘કાગડો મરી ગયો’, ‘રમેશમાં’, ‘ન થયાં, ‘હસ્તાયણ’, ‘પિવડાવવો છે જામ?’ જેવી તાજગીભરી ગઝલો મળી છે. કેટલાંક ઉદાહરણો જોઈએઃ

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
... ... ...
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં.
... ... ...
શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં,
મળતા નથી રમેશના રસ્તા રમેશમાં.
... ... ...
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

પાત્રો, પ્રતીકો, પ્રતિરૂપોનાં અવલંબન લઈને આંતરજીવન અને જાહેરજીવનના બેહૂદાપણાને, વિષમતાને વ્યક્ત કરતી રચનાઓ પણ રમેશ પારેખ પાસેથી મળી છે. જેમ કે, ‘ભીંડીબજારમાં’ કાવ્યમાં જીવન અને જગતના અનુભવોને વ્યંગ, વિનોદ અને વિડંબના દ્વારા રજૂ કર્યા છે. તો ‘રંગલીવિલાપ–૨’માં રંગલા-રંગલીનાં પાત્રો દ્વારા હસતા હસતા જીવનની વિષમતાઓ, ઘેરી કરુણતા અને વિષાદનું આલેખન કર્યું છે. ‘પ્રાણજીવન હરજીવન મોદી’માં કોર્ટના વાતાવરણને નાટ્યાત્મક રીતે તેમજ સરકારીતંત્ર અને જાહેરજીવનની વિષમતાઓને હળવી શૈલીમાં વિડંબનાપૂર્વક નિરૂપી છે. જ્યારે ‘રાણી સોનાંદેનું મરશિયું’માં પતિની અરથી પાછળ રડતી જતી નાયિકાની હૈયાફાટ વેદનાને નિરૂપી છે. મરશિયાના લયમાં લખાયેલી આ રચના વિશિષ્ટ છે. દીર્ઘકાવ્ય ‘લાખા સરખી વારતા’માં કાવ્યનાયકના મનમાં બાલ્યાવસ્થામાં વિસ્મયથી જોયેલું વિશ્વ સ્મૃતિપટ પર અંકાયેલું છે. એ બધું જ કાવ્યનાયકને ઘેરી વળે છે અને કૌતુકરંગે રંગાઈને ‘સેંજળ તળાવ’માં ડૂબકી મારીને આવે છે. લાખો વણઝારો, પદમણી અને અસામાન્ય કપોલકલ્પિત સમળી. પદમણીને સમળીની ‘સોનેરી મોતેરી’ ચામડી જોઈએ છે. નાયકને પદમણી જોઈએ છે. નાયક સમળી સાથે યુદ્ધે ચડીને મૃત્યુ પામે છે — એ જ લાખા વણઝારાનો રઝળપાટ. આ કાવ્યમાં રમેશ પારેખની સંવેદનશક્તિ અને કવિત્વશક્તિનો વિશેષ ઉન્મેષ પ્રગટે છે. રમેશ પારેખે ‘આલા ખાચર’ શ્રેણીનાં વિશિષ્ટ પ્રકારનાં કાવ્યોથી ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. ‘આલબાપુ આવ્યા છે’ અને ‘બાપુ ધગી ગયા’માં રજવાડું ગયા પછી બાપુના ઠાઠ રહ્યા નથી. પરંતુ એ ખાલીપો ઢાંકતા તોરતરીકાથી બાપુની કંગાલિયત છતી થાય છે. રાજ-રજવાડાં ગયા પછી આલા ખાચરની સવાર કેવી પડે છે તેનું ચિત્રાત્મક વર્ણન ‘આલા ખાચરની સવાર’માં કવિએ કર્યું છે. આ પ્રકારનાં કાવ્યોમાં વ્યંગ, વિનોદ અને હળવાશ સાથે ઘેરો કરુણરસ વહે છે. લયની લીલાના રાજવી ઊર્મિકવિ રમેશ પારેખનાં ગીતો, ગઝલો ગુજરાતના કંઠે ગવાતાં રહેશે.

૧૪-૭-૨૦૨૧— ઊર્મિલા ઠાકર