સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રદ્યુમ્ન તન્ના/“ઈ તો સાંયડી રોપી છે!”
સાંભરી આવે છે સાતેક વર્ષ પહેલાંના કચ્છ-ભ્રમણ દરમિયાન ઘડયો પ્રસંગ. ભ્રમણનો મુખ્ય ઉદ્દેશ હતો એકાદા રબારી લગ્નની શક્ય એટલી દસ્તાવેજી સામગ્રી એકઠી કરવાનો. કચ્છનાં ભાતીલાં લોકવરણમાંયે રબારી જેવી રૂપાળી, ખડતલ અને ખુમારીભરી જાતિ બીજી એકેય નહીં! નમણા, ભીનેવાન પંડથી માંડી અંગનાં પહેરવેશ-આભૂષણો, ભૂંગાનાં લીંપણગૂંપણ અને ઘરવખરી : બધાંમાં આંખે ઊડીને વળગે એવી જન્મજાત રુચિ-સૂઝ. રબારીના આરાધ્યદેવ કૃષ્ણ. ને પરંપરા માગે કે રબારીનાં લગ્ન લેવાય કેવળ ગોકળ આઠમે! આમ, ગામેગામ લગ્ન હોય. મીંઢીયાણામાં ઢેબરિયા રબારીઓનો મોટો વસવાટ. એટલે ઘણાં ઘેર લગ્ન હતાં. પૂછા કરતાં ખબર પડી કે બે જાનોને નજીકના ટપર ગામે ઉતારો આપવામાં આવ્યો હતો. સાતમની બપોરે જ ટપર પહોંચી, આવેલ જાનનાં વડેરાંઓને મળી, આઠમની લગ્નવિધિને છબીઓમાં મઢવાની સંમતિ મેળવી લીધી. સાંજ થવાને હજી વાર હતી એટલે ખોરડાંનાં લીંપણ— શણગાર અને જાનૈયાઓના ઠાઠને નીરખતાં, વાસના ચોક મહીં આવ્યાં. બીચ પડ્યા ખાટલાઓમાંથી એક પરે, ગોદડાંના વીંટાને અઢેલીને એક ભાભુમા માળા ફેરવતાં બેઠાં હતાં. ખાટની પડખે જ, નાની કાંટાળી વાડના ઘેરા બીચ, આછા ભીના પોતમાં વીંટયો એક રોપો જોઈ કુતૂહલ થઈ આવ્યું, ને નજીક જઈ એ અંગે પૂછા કરી. અમને આવકારતાં હળવું હસીને બાઈ બોલ્યાં, “ઈ તો સાંયડી રોપી છે, ભલા!” પળભર તો કીધું ઊકલ્યું નહીં, પણ પછી એક અવર્ણ્ય રોમાંચ અનુભવ્યો એ સહજ સર્યા ઉત્તરની ઓળખે. “છાંયડી” રોપી હતી. બસ. લીમડો, વડ-પીપળ કે પછી આંબો-આંબલી, ઝાડના નામનુંય અગત્ય નહોતું! ને એ વધતાં પહેલાં જ ઘેટાં-બકરાં ચરી ના જાય કે ધખતા ધોમ એને સૂકવી ના દે, માટે ફરતી મેલી હતી કાંટાળી વાડ અને માથે પાતળું ભીનું પોત! કોઈ સમરથ કવિનેય ઈર્ષ્યા થઈ આવે એટલો સચોટ ને સભર શબ્દ-વિલાસ હતો એ! ને જેને વાંચતાં-લખતાંયે નહોતું આવડતું એવી એક અભણ ગ્રામનારીએ સહજ ઊભર્યા અલંકારની સાથોસાથ આપણી સંસ્કૃતિના એક મૂળભૂત મૂલ્યને પણ દોહરાવ્યું હતું! છાંયડી એટલે છત્રા-છાયા, આશ્રય અને રક્ષણ. છાંયડી, ભારતના અજોડ ઔદાર્ય અને સહિષ્ણુતાનું પરિમાણ છે. જગતના અનેક શરણાર્થીઓની પેઢાનપેઢી એ ઓથમાં નિર્ભયપણે ફૂલીફાલી છે; વિવિધ ભાષાઓ અને ધર્મની ચિંતનધારાઓ પ્રગટી-પાંગરી છે! જ્યાં લગી આપણાં જનગણમન મહીં ભાવ-કથનનું આવું સૌષ્ઠવ ભર્યું પડ્યું છે ત્યાં લગી ગુર્જરગિરાના સાતત્યને, કહો, શી આંચ આવશે?