કોડિયાં/ધૂમ્રગાથા

From Ekatra Wiki
Revision as of 12:55, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધૂમ્રગાથા|}} <poem> ઊંચાં ઊંચાં શ્હેર તણાં મકાનો, ને એકમાં એકલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ધૂમ્રગાથા


ઊંચાં ઊંચાં શ્હેર તણાં મકાનો,
ને એકમાં એકલ હું પડી રહું.
કરીકરી દિન અનેક કામો,
સંધ્યા-સમે પશ્ચિમ ગોખમાં લહું.

સંધ્યા સતીના નવરંગ ગાલો,
મિલો તણા ધૂમ્ર વિષાદ આવરે;
માણિક્યના વ્યોમભર્યા મહાલો,
ધીમેધીમે ગોટમગોટ છાવરે.

અને હું જોતો બળતા નિસાસા,
ભેગા થઈ ધૂમ્ર શિખાસ્વરૂપના;
મજૂરનાં દૈન્ય અને નિરાશા,
ધુંવા મહીં જોઉં દુખો હું ધ્રૂજતાં.

ઊડે મહીં હાથ-પગો તૂટેલા,
બળીબળી ખાખ થયેલ ફેફસાં;
ફિક્કાં, સૂકાં મ્લાન મુખો ઝૂકેલાં,
સ્ત્રીઓ તણાં વસ્ત્ર વણેલ મેશનાં.

ઊણાં ઊભાં હું ઉદરો નિહાળું;
અપૂરતી ઊંઘ સૂઝેલ પાંપણે;
પ્રસ્વેદની ત્યાં સરિતા હું ભાળું;
ને માળખાં શોષિત દુ:ખ-ડાકણે.

અને હું જોતો પડતી નિશામાં,
રડી-રડી મ્લાન સૂકેલ યૌવન;
ઊભા થતા ને પડતા નશામાં,
પગો પડે અસ્થિર ઝૂંપડીમાં.

ઝીલીઝીલી એ પશુના પ્રહારો
અશક્ત ભૂખી લલના રડી ર્હે;
નિ:સત્ત્વ ગંદાં અસહાય બાળો
નિશા બધી ભોંય ભૂખ્યાં પડી રહે.

બારી કરી બંધ પથારીએ પડું!
ધુંવા તણી મૂક કથા હું સાંભળું!
24-1-’31