કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/કવિ અને કવિતાઃ ઝવેરચંદ મેઘાણી

From Ekatra Wiki
Revision as of 08:35, 15 September 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ ઝવેરચંદ મેઘાણી| ઝવેરચંદ મેઘાણી}} {{Poem2Open}} <center>૧<...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કવિ અને કવિતાઃ ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી

‘હું પહાડનું બાળક’ કહેતા ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઑગસ્ટ ૧૮૯૬ના રોજ ચોટીલામાં થયો હતો. મૂળ વતન બગસરા. પિતા કાળીદાસ મેઘાણી અને માતા ધોળીબા મેઘાણી. પિતા કાઠિયાવાડ એજન્સીની પોલીસમાં નોકરી કરતા. તેમની વારંવાર બદલી થતી. આથી ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળિયાદ, બગસરા વગેરે ગામોમાંથી મેળવ્યું. માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ, બગસરા અને અમરેલીમાંથી પ્રાપ્ત કર્યું. તેઓ ૧૯૧૨માં મૅટ્રિક થયા. થોડો સમય જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ભણ્યા. ૧૯૧૭માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. થયા. ભાવનગરની હાઈસ્કૂલમાં તેઓ ખંડ સમયના શિક્ષક તરીકે જોડાયા. સાથે સાથે ભાવનગરમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો તેમજ બ્રાહ્મણ બોર્ડિંગમાં ગૃહપતિ તરીકે કાર્ય પણ શરૂ કર્યું. ૧૯૧૮માં કૉલકત્તામાં જીવણલાલ ઍન્ડ કંપની — ઍલ્યુનિમિયમના કારખાનામાં જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણ-ચાર મહિના ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો. ૧૯૨૧માં બગસરા આવ્યા. ૧૯૨૨માં દમયંતીબહેન સાથે લગ્ન કર્યાં. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા. ૧૯૨૬માં છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહની લડતમાં જોડાયા. ખોટા આરોપસર બે વર્ષ જેલમાં રહ્યા. ૧૯૩૩માં દમયંતીબહેનનું અગ્નિસ્નાન. ૧૯૩૩માં ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમનું સંપાદન. ૧૯૩૪માં ચિત્રાદેવી સાથે લગ્ન. ૧૯૩૬માં બોટાદ આવ્યા. ‘ફૂલછાબ’માં તંત્રી. ૧૯૨૮માં પહેલો સુવર્ણચંદ્રક મેઘાણીને એનાયત થયો. ૯ માર્ચ ૧૯૪૭ના રોજ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

‘ઝવેરચંદ મેઘાણી’ — પરિચય-પુસ્તિકામાં દીપક મહેતાએ નોંધ્યું છે એ મુજબ ૧૯૨૯માં મેઘાણી લખે છેઃ “મારા પર એક મોટી અસર મારા જન્મસ્થાનની પણ જણાય છે. મારો જન્મ પાંચાળના સુપ્રસિદ્ધ કેન્દ્ર ચોટીલામાં, ચોટીલા ડુંગરની તળેટીમાં જ થયો છે. અને મને એમ કહેવામાં આવ્યું છે કે બચપણમાં મને તેડીને એ ડુંગરની આસપાસ જ ફેરવવા લઈ જતા. તે પછી મેં પાંચાળ ત્રીસ વર્ષે જોયો, પણ મને લાગ્યું કે મારો સ્પિરિટ માઉન્ટન- સ્પિરિટ જ છે.” મેઘાણીની કવિપ્રતિભાને ઘડનારાં પરિબળોમાં એક તો, સોરઠના પહાડી પ્રદેશમાં માણવા મળેલી દુહા અને સોરઠાની રમઝટ, કલાપીની કવિતાનું આકર્ષણ, કલકત્તામાં રહેવાથી બાઉલ-ભજનો તેમજ રવીન્દ્રનાથની કાવ્યકૃતિઓનો પરિચય, ત્યાં રવીન્દ્ર-દ્વિજેન્દ્રનાં ગીતો-નાટકો, મિત્ર મજુમદાર અને સેનના લોકસાહિત્યના ગ્રંથોનું વાચન અને અધ્યયન, અનેક વર્ગના લોકોનો પરિચય તેમજ રાષ્ટ્રીય ચળપણનો જુવાળ વગેરેને ગણાવી શકાય. મેઘાણીની કાવ્યસર્જનની પ્રક્રિયાની શરૂઆત બાળકાવ્યોથી થઈ. ૧૯૨૩માં ‘વેણીનાં ફૂલ’ અને ૧૯૩૦માં ‘કિલ્લોલ’ સંગ્રહો પ્રગટ થયા. તેમાં બાળકો વિશેનાં અને બાળકો માટેનાં કાવ્યો તથા ગીતો છે. જે મોટેભાગે લોકગીતોના લયઢાળમાં રચાયેલાં છે. એમાં બંગાળી, અંગ્રેજી અને જાપાની કવિતાની અસર પણ ઝિલાઈ છે. મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર સંગ્રહ ‘યુગવંદના’ ૧૯૩૫માં પ્રગટ થયો. જેમાં વીરરસ અને કરુણરસવાળી કાવ્યરચનાઓ છે. રાષ્ટ્રભક્તિ, પીડિતો પ્રત્યેની અનુકંપા એમાં પ્રતિબિંબિત થાય છે. તેમાં કથાકાવ્યો-ગીતો અને આત્મસંવેદનનાં કાવ્યો છે. લોકલય, લોકઢાળ અને ચારણી છટા એ એમનાં કાવ્યોની વિશેષતા છે. ૧૯૪૦માં ‘એકતારો’ સંગ્રહ પ્રગટ થયો. ૧૯૪૩માં પ્રકાશિત થયેલ ‘બાપુનાં પારણાં’માં ગાંધીજીવિષયક રચનાઓ છે. ૧૯૪૪માં પ્રગટ થયેલ ‘રવીન્દ્ર-વીણા’માં રવીન્દ્રનાથના કાવ્યસંગ્રહ ‘સંચયિતા’ને આધારે કરેલાં અનુસર્જનો, અનુરણનો કે રૂપાન્તરો છે. ૧૯૯૭માં એમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘સોના-નાવડી’ પ્રગટ થયો.

લોકસંસ્કૃતિનો રંગ મેઘાણીના લોહીમાં વહે છે, લોકજીવન એમના હૈયામાં ધબકે છે અને લોકબાની તો એમને વરેલી છે. આથી એમની કવિતામાં તેમજ અનુસર્જનો કે અનુરણનોમાં પણ તે આબાદ રીતે ઝિલાય છે, વિલસે છે, સોળે કળાએ ખીલે છે. એમનાં ગીતો અને બાળગીતો લોકજીભે સતત રમતાં રહ્યાં છે. ક્યારેક એ લોકગીત હોવાનો આભાસ પણ પેદા કરતાં રહ્યાં છે. જેમ કે,

મારે ઘેર આવજે, બેની!
નાની તારી ગૂંથવા વેણી.
... ... ...
મારી મેંદીનો રંગ ઊડી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારો કંકુનો ચાંદલો ચોળાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
... ... ...
દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
છલકે મોજાં ને છોળો મારતાં,
ખૂંદે જાણે ખોળલા મારો વીર રે! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.
... ... ...
દરિયાના બેટમાં રે’તી
પ્રભુજીનું નામ લેતી
હું દરિયાની માછલી!

મેઘાણીનાં અનેક ગીતો, કથાકાવ્યો પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના અભ્યાસક્રમોમાં વર્ષો સુધી સ્થાન પામ્યાં છે, જેમ કે; ‘ચારણ-કન્યા’, ‘તલવારનો વારસદાર’, ‘હાલો ગલૂડાં રમડવાં જી રે‘, ‘શિવાજીનું હાલરડું’ વગેરે. ‘ચારણ-કન્યા’માં ચારણ-કન્યાનું વર્ણન કરતા આ કથાકાવ્યમાં ‘સાવજ ગરજે!’ની સાથે સતત ‘ગરજે ગરજે’માં જાણે આપણનેય ગર્જનાઓ સંભળાય છે. ચિત્રો નજર સામે તરે છે. ‘થર! થર! કંપે’માં બાળકો, વાછડાં, પંખીઓ વગેરે તો કંપે, પરંતુ કવિની કલ્પના તો જુઓઃ ‘પહાડોના પથ્થર કંપે’ અદ્ભુત છે. એ રીતે અહીં ચારણ-કન્યાની શૂરવીરતા કાઠિયાવાડી ચારણ-રીતિએ નિરૂપી છે. ‘હાલો ગલૂડાં રમાડવાં જી’માં તો કૂતરી વિયાય એ તો જાણે શેરીનાં બાળકો માટે તો ઉત્સવ. ‘શિવાજીનું હાલરડું’ જેવું અમર કથાગીત – હાલરડું તો ગુજરાતી કવિતાસાહિત્યની અમર કૃતિ બની રહી છેઃ આભમાં ઊગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે! શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઈ ઝુલાવે. માતાની કૂખમાં પોઢેલા બાળક — શિવાજીને માતા નિરાંતે નિરાંતે સૂવા, રમવા, ઓઢવા, માતા-પિતાનો સ્નેહ, માતાનો ખોળો, ફૂલડાંની પથારી વગેરને ભોગવી લેવાની વાત કરતાં કરતાં આવનારા ભાવિ માટે તૈયાર કરે છે. ગાંધીયુગનો તેમજ સામાજિક સ્થિતિનો પ્રભાવ તેમની કવિતામાં જોવા મળે છે. ગ્રામ્યજીવન, ખેડૂતજીવન, નગરજીવન અને યંત્રજીવનનો કવિને બહોળો અનુભવ છે. એટલે જ તો દીનદલિતો-પીડિતોની દુર્દશાથી કવિહૃદય કંપી ઊઠે છે. એટલે જ તો ‘ઘણ રે બોલે ને—’માં કવિ નિઃશસ્ત્રીકરણની વાત કરે છે, નવસર્જનની વાત કરે છે. ‘ફાગણ આયો’માં પીડિતદર્શન છે. આ ‘ફાગણ’ તો ‘ધોમધખતો’ ફાગણ છે. જ્યાં પ્રભુના મંદિરમાં હિંડોળા છે, પરંતુ બહાર ભૂખ્યાં લોકોનાં ટોળાં છે. આવા પીડિતોની દુર્દશાને તાદૃશ્ય કરતાં ગીતો-કાવ્યોમાં મેઘાણીના હૈયાની સંવેદના ટપકે છે. ‘કાલ, જાગે,’ ‘કવિ, તને કેમ ગમે?’માં કવિ પોતાને ઠપકો પણ આપે છે. તો બંગાળી બાઉલ ગાનના લય-ઢાળમાં રચાયેલું ‘બીડીઓ વાળનારીનું ગીત’માં નિરાધાર નારીને ઘરના ચૂલાની ચિંતા છે. તેમાં ગરીબાઈ અને શોષણનું આબેહૂબ વર્ણન કવિએ કર્યું છે. ‘બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!’ આ બીડીઓ કેવી સ્થિતિમાં વાળે છે...! મેલવાં વા’લાં બાળક રોતાં, તાવ આવે તો મૂકવાં પોતાં, નાકનાં પાણી લ્હોતાં લ્હોતાં બીડીઓ વાળો...રે! કંથને જોશે પાન-સોપારી : બીડીઓ વાળો...રે! ... ... ... ઓરડો ઓઢી અંગ સંતાડું, બીડીઓ વાળો...રે! સાડલે લીરા, કાળજે ચીરા, બીડીઓ વાળો...રે! મેઘાણીનાં ગીતો વિના સંગીતકારોના ડાયરા-મેળાવડા પૂરા ન થાય. ‘કસુંબીનો રંગ’નું ગાન શરૂ થાય અને સાંભળનારાનાં હૈયાં કસુંબલ રંગે રંગાઈ જાય... લાગ્યો કસુંબીનો રંગ – રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ! જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજo યુવાનીનો તરવરાટ, જુસ્સો, શૌર્યને ‘તરુણોનું મનોરાજ્ય’માં કવિએ હૂબહૂ આલેખ્યાં છે. એનો ઉપાડ જ જુઓઃ ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્યમાં સ્વાધીનતા માટેની પ્રાર્થના છે. આ કાવ્ય મેઘાણીએ સત્યાગ્રહના પ્રથમ સંગ્રામમાં તેમના પર મુકાયેલા ખોટા આરોપ સમયે મૅજિસ્ટ્રેટની રજા લઈને ચાલુ અદાલતમાં ગાયેલું. એ સાંભળીને માનવમેદની રડતી હતી, ડૂસકાં ભરતી હતી. રાષ્ટ્રપ્રેમ, સ્વાતંત્ર્યસંગ્રામ, ગાંધીદર્શન વગેરે મેઘાણીનાં કાવ્યોનો વિશેષ છે. ‘ઝંડાવંદન’માં કવિ ઝંડાને ‘આશાના દીવડા’ તરીકે ઓળખાવે છે. તો ‘કોઈનો લાડકવાયો’માં રણસંગ્રામમાં સમર્પિત થયેલા લાડકવાયાઓને આંસુભરી આંખે નિહાળતાંઃ રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: આંખ સામે અનેક દૃશ્યો ખડાં થઈ જાય છે. સમગ્ર કાવ્યમાં કરુણરસ વહ્યા કરે છે. ગાંધીજી ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા છે ત્યારે કવિએ તેમને ઉદ્દેશીને લખેલું કાવ્ય ‘છેલ્લો કટોરો’ઃ છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ! સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ! જ્યારે ગાંધીજી ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા હતા એ સમયે લખેલું કાવ્ય, ‘માતા, તારો બેટડો આવે!’માં તો ગાંધીજીના હૈયાની સ્થિતિનું જાણે મેઘાણીના હૈયામાં પ્રતિબિંબ ઝિલાયું છેઃ માતા! તારો બેટડો આવે: આશાહીન એકલો આવે. ... ... ... જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર – મેઘાણીના અનુવાદો એ ‘અનુવાદ’ નથી પરંતુ અનુસર્જનો છે, અનુરણનો છે જેમાં મેઘાણીની મહેક પ્રગટે છે, મેઘાણીનો અવાજ પ્રગટે છે. અન્ય કવિઓનાં કાવ્યો પણ મેઘાણીની સર્જક-ચેતનામાં રસાઈને આવે છે. રવીન્દ્રનાથ ટાગોરનાં કેટલાંક કાવ્યોના મેઘાણીએ અનુવાદો-અનુસર્જનો કર્યાં છે, જે ‘રવીન્દ્રવીણા’માં ગ્રંથસ્થ થયેલાં છે ‘ઝવેરચંદ મેઘાણી’ — પરિચય-પુસ્તિકામાં દીપક મહેતા લખે છેઃ “ ‘રવીન્દ્રવીણા’નાં કાવ્યોનાં ભાષા, લય, પ્રતીકો વગેરેમાં સૌરાષ્ટ્રનાં જીવન અને બાનીની છાપ જોવા મળે છે. ટાગોરનાં બંગાળી કાવ્યોને મેઘાણીએ જાણે સૌરાષ્ટ્રની ભૂમિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યાં છે.’ ‘ઝાકળ બિન્દુ’, ‘ભારતતીર્થ’, ‘નવી વર્ષા’, ‘માની યાદ’, ‘કૃષ્ણકળી’, ‘દીઠી સાંતાલ નારી’, ‘સોના-નાવડી’ વગેરે મેઘાણીનાં નોંધપાત્ર અનુસર્જનો છે. તેમનું અત્યંત જાણીતું, સતત સંગીતના સૂરોમાં રેલાતું રહેતું ગીત ‘નવી વર્ષા’ઃ મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઑર, મારું મન મોર બની થનગાટ કરે. મેઘાણી લોકજીભે, લોકહૈયે સતત જિવાતાં રહેશે. ૧૭-૭-૨૦૨૧— ઊર્મિલા ઠાકર </poem>