કથાચક્ર/૫

From Ekatra Wiki
Revision as of 11:02, 15 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સુરેશ જોષી

ઘરની આજુબાજુમાંના વૃક્ષપરિવારને એ ઓળખે છે: પશ્ચિમ તરફનો એ વડ, એની ડાળ પર એક વાર જોયેલો ઊડપંખ સાપ, દક્ષિણ તરફની આમલી, આંગણામાંનાં બકુલ – એની વચ્ચેનો હીંચકો હવે નથી, ને છતાં એ બકુલોની વચ્ચેના ખાલી અવકાશમાં જાણે હવા હીંચકા ખાતી દેખાય છે. એ બધું જોતો હોય છે ત્યાં ઉપરની બારીએથી કોઈ એને સાદ દઈને બોલાવે છે. ‘ઉપર આવો ને, દાદર આ તરફ છે.’

હવે એને પાછા વળી જવાનું ઠીક નહીં લાગ્યું. એ દાદર તરફ વળ્યો. દાદરના ખૂણામાં જૂનાં ફાનસોનો ઢગલો – આંધળી આંખોનો ઉકરડો – એણે જોયો. સાંજને વખતે એ બધાં ફાનસો સળગાવાતાં ને ઘરમાં તથા બહાર સૌ સૌને સ્થાને મૂકવામાં આવતાં. દિવસના વિસ્તરેલી બાળકોની દુનિયા આ દીવાઓના તેજવિસ્તારની સીમામાં રાતે પુરાઈ જતી. રાતનો નકશો હવે એટલો સ્પષ્ટ રહ્યો નથી – દિવસે રાત, ને રાતે દિવસ…

‘શું જુઓ છો?’

‘કશું નહીં.’

‘તમને કાકા બોલાવતા હતા.’

આ વાક્ય બોલતી કન્યાને એ જોઈ રહ્યો હતો. હશે વીસબાવીસની. એનામાં કશીક અસ્વસ્થતા હતી. કશુંક છુપાવીને બેઠા પછી કોઈક આવીને એ શોધી કાઢે એવી અપેક્ષાની એનામાં અધીરતા હતી. એની આંખો અહીંતહીં ઊડાઊડ કર્યા કરતી હતી. એને જોતાં એ સહેજ ઊભો રહી ગયો. એના ભાગ્યચક્રની ત્રિજ્યા એ કન્યાની જીવનરેખાથી તો ક્યાંય દૂર નીકળી ગઈ હતી, ને તેમ છતાં, કદાચ એવું હતું તે કારણે જ, એ દૂર સરીને અસ્વસ્થતાના મધુર રૂપને જોઈ રહ્યો હતો. એને અવાક્ ઊભેલો જોઈને કન્યાને શું કરવું તે સૂઝ્યું નહીં. એ પૂછી બેઠી: ‘તમે કોને શોધો છો?’ એ પ્રશ્નને એણે મનમાં બેચાર વખત આમથી તેમ ફેરવી જોયો. એ કોને શોધતો હતો તે એને પોતાને જ સમજાયું નહીં. પોતાના મનમાં એ આ બધી ગડભાંજમાં પડ્યો હતો તે દરમ્યાન એ કન્યા કશુંક પૂછતી ગઈ, એનો એ મિતાક્ષરી જવાબ આપ્યે ગયો. એની આ અન્યમનસ્કતાનો સ્વાદ લેવાને જ એ ઘડીભર આ સ્થિતિને ટકાવી રાખવા મથવા લાગ્યો. પણ આથી એમાંથી સ્વાભાવિકતા ચાલી ગઈ. કશુંક બોલવા ખાતર એણે પ્રશ્નનો દોર પોતાના હાથમાં લીધો:

‘તું મને ઓળખે છે?’

‘હા, તમારું નામ તો સાંભળ્યું છે.’

‘કોણે કહ્યું?’

‘અહીં તો બધાં તમને ઓળખે છે. તમે નાના હતા ત્યારે અહીં જ હતા ને?’

‘હા.’

‘પછી?’

‘પછી? પછી અહીં નહોતો.’

‘તો ક્યાં હતા?’

‘મોટાં શહેરોમાં, કોલેજોમાં – જ્યાં રખડી શકાય ત્યાં.’

‘હવે રખડવાનું પૂરું થયું?’

‘કોને ખબર?’

‘તમને નથી ખબર?’

‘એ જાણવા જ તો રખડું છું.’

‘તમે તો એવો જવાબ આપો છો કે એનું કશું મોંમાથું જ હાથમાં આવતું નથી!’

‘મને જવાબ આપતાં બરાબર આવડતું જ નથી.’

‘હું પૂછું છું તેનો જવાબ આપ.’

‘મારી પાસે જવાબ સિવાય કશું લેવા જેવું જ તને નથી લાગતું, ખરું ને?’

‘વારુ, તારે શું આપવું છે?’

‘એ હું આપી ચૂક્યો હોઉં તો?’

‘કોને?’

‘કોને? તને સ્તો,બીજા કોને?’

‘તો હું કેમ જાણતી નથી?’

‘એનો જવાબ હું શી રીતે આપું?’

‘તેં આપ્યું છે તેની સાબિતી શી?’

‘તું પોતે.’

‘ચાલાકી બતાવીને વાત ઉડાવીશ નહીં. હું કહું તેનો જવાબ આપ.’

‘વારુ પૂછ.’

‘તું કેમ અહીંથી ચાલ્યો જાય છે?’

‘અભિમન્યુના કોઠાની વાત જાણે છે?’

‘એનું શું છે?’

‘જંદિગીમાં દરેકને એ અભિમન્યુકર્મ કરવાનું માથે આવે છે.’

‘તો તું પણ એવું પરાક્રમ કરવા નીકળ્યો છે?’

‘હા, જો પાછો વળું તો જયતિલક કરીશ ને?’

‘– જો પાછો વળું તો – એમ કેમ કહે છે?’

‘અભિમન્યુની વાત ભૂલી ગઈ?’

‘જા, મારે એવી વાત નથી સાંભળવી.’

‘તો?’

‘તું જાણે છે, અભિમન્યુને તો ઉત્તરા હતી.’

‘હા.’

‘તારે કોઈ છે ખરી?’

‘એક અભિમન્યુના અનુભવ પછી છ કોઠાનું જ જ્ઞાન ધરાવનાર કોઈને ઉત્તરા હવે વરતી નથી.’

‘ઉત્તરાની વાત તું શું જાણે?’

‘ઉત્તરાએ જ મને કાનમાં કહી હોય તો?’

‘તારે મને સંતાપવી જ છે, એમ ને?’

‘ના, સંતાપવી નથી, માટે તો જાઉં છું.’

‘એવો ઉપકાર મારા પર લાદવાની કશી જરૂર નથી.’

‘તેં મારા પર શું શું લાદ્યું છે તેની તને ખબર છે?’

‘ના, શું?’

‘હું નહીં કહું.’

‘વળી જીદ પકડી ને?’

‘તો શું તારો હાથ પકડું?’

કન્યા એને આશ્ચર્યથી જોઈ રહી. પછી: ‘નહીં આવડતું હોય તો શીખી લો ને!’ કન્યાની અકૈતવ ધૃષ્ટતા એને હૃદ્ય લાગી. એ હસીને બોલ્યો: ‘ચાલો શરૂ કરીએ.’

સ્ત્રીસહજ દક્ષતાથી એ આ ક્રીડામાં રસ લેવા લાગી. એ ધીમે ધીમે અન્યમનસ્ક બનીને દૂર સરી ગયો. પણ દૂર સરીને એ ક્યાં જઈ શકે એમ હતું? આ ઘર – એમાં બાર વર્ષો પહેલાંના એના અથડાતા ફરતા અવાજનાં પ્રેત – એને એ આજે ઓળખી શકે ખરો? એને પોતાની અંદર કશીક અપારદર્શકતાનો સીસાના જેવો ભાર વર્તાતો હતો. એ ભારમાં અત્યાર સુધીની બધી વદાય, બધાં મૌન, બધાં શૂન્યનો પૂરો સરવાળો હતો. એ ભાર જ એને પુષ્ટ કરતો હતો. એનાથી જ એ દૃઢ પગલે ચાલી શકતો હતો. પણ ચાલીને એ ક્યાં જતો હતો?… ભૂરો ઘોડો કૂદીકૂદીને ઊછળે છે, એને મોઢે ફીણ વળે છે, એ ફીણને ચાટવા સાપ જીભ બહાર કાઢે છે…