ઉપજાતિ/થંભો ઘડી

Revision as of 09:05, 16 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


થંભો ઘડી

સુરેશ જોષી

આ લંગડાતો દિન આજ ઊગ્યો, કોણે અરે ઘા અતિ કારમો ઝીંક્યો?

પૂર્વે ઉષાનાં નહિ હાસ્યછાંટણાં; આ તો દિસે રક્તઝરંત છૂંદણાં; ને સૂર્ય ક્યાં છે? વ્રણ આ ઉઘાડો, ઢાંકો, અરે ના સહ્યું જાય આ તો!

ના પુષ્પપુષ્પે ભ્રમરોનું ગુંજન, આ તો અરે છે અસહાય ક્રન્દન; પુષ્પો તણી રે મરડાઈ ડોક, વસન્તનો ઉદ્યમ સર્વ ફોક!

હવાતણો સ્પર્શ ન આજ શીતળો, – રોગી શરીરે વીંટળેલ ધાબળો!– આ તે અરે શો જ્વર તાપ આકરો, સુકાઈ જાશે નહિ સાત સાગરો?

રહીરહીને સળકો ઊઠ્યા કરે, ને પૃથ્વીની પાંસળીઓ ધ્રૂજ્યા કરે, જોજો, તમારા ધબકાર નાડીના એ તાલમાં તાલ પુરાવી દે ના. ને આ જુઓ કાળતણી તમે દશા, ક્ષણેક્ષણોના ફુરચા ઊડ્યા શા! કરોડતૂટ્યા સરીસૃપ શો એ જોઈ રહ્યો છે અતિ દીન દૃષ્ટિએ!

પ્રસારીને પાંખ પ્રચણ્ડ કો ગીધ, ટોચી રહ્યું અંગ મુમૂર્ષુ કાળનાં; ઊડી રહી માંસની પેશીઓ બધે, એ સાન્ધ્ય શોભા? અહ શી વિડમ્બના!

ધીમે ધીમે દર્દની કાય વિસ્તરે, આ વિશ્વ એને અતિ સાંકડું પડે; જેને તમે કહો શિખરો જ અદ્રિનાં તે દર્દની નીકળી ખૂંધ માત્ર!

આ ચન્દ્ર કે કામિનીગણ્ડપાણ્ડુ? ભૂલી ગયો ભાન, કવિ, તું ગંડુ! પાકી ગયો સૂર્ય, પરૂ ભરાયું, પીળો પડ્યો ઘા, નહિ દીર્ઘ આયુ!

ગર્ભાશયે જે સહુ બાળ પોઢ્યાં તેને રચી વજ્રદીવાલ રક્ષો, પેસી જશે જો રજ માત્ર દર્દની આખી થશે માનવજાત પાંગળી!

થંભી જજો રે પ્રણયી તમે ય, સંગોપજો પ્રેમ ઉરે ઊંડાણે; જો દર્દની સ્હેજ જ આંચ લાગશે તો પ્રેમની રાખ ન હાથ આવશે!

તને ય ભાઈ કવિ, હું કહું છું: વાસી જ દે કણ્ઠતણાં કમાડ; જો સૂર કોઈ છટકી ન જાય, ને દર્દ ના સંગીત કોરી ખાય!

થંભો ઘડી, ના રહી વેળ ઝાઝી, બંધાઈ જાશે હમણાં જ ઠાઠડી; અરે, જુઓ તો તમસાપ્રવાહે તરી રહ્યાં અસ્થિ, શી વાર લાગી!

કાલે પ્રભાતે કુમળું તૃણાંકુર તુષારના મૌક્તિકને ઝુલાવતું ઊંચું કરી મસ્તક ગર્વભેર ઊભું જુઓ સૂર્ય સમક્ષ જો તમે તો તો પછી સંશય ના જ રાખજો, જયધ્વજા એ ફરકી જ માનજો.

છોને પછી સૌ શિશુ ખોલી આંખ, ઊડ્યા કરે બેસી પરીની પાંખ; છો ને છકેલા પ્રણયી બધા ય આશ્લેષની માળ ગૂંથે સદા ય.

ને તું ય ભાઈ કવિ, મિત્ર મારા, બુલંદ કણ્ઠે જયગાન તારાં એવાં ગજાવી મૂક, દેવ સ્વર્ગના દોડે અધીરા ચરણે ધરાના.

થંભો ઘડી, ઘૂમતી પ્રેતછાયા, રચો પછી સૌ રમણીય માયા.