સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રીતમલાલ કવિ/ભાવવાહી ગીતોના સર્જક
સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની; ઊડશું જીવનમાં જોડાજોડ, પાંખો જેવી પતંગની! આ ગીત એક જમાનામાં યુવાન ગુજરાતણોના કંઠે ઘરે ઘરે ગુંજતું હતું. એમાં મુગ્ધ પ્રણયની છટા છે. આવાં ભાવવાહી ગીતોના રચયિતા હતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. નડિયાદ શહેરમાં તેમનું મકાન આજે પણ ઊભું છે. એમણે નડિયાદમાં જ અભ્યાસ કર્યો, અને કમ્પાઉન્ડર તરીકે દવાની પડીકીઓ વાળતાં વાળતાં કવિતાના અમૃતને અંતરની ખરલમાં ઘૂંટવા માંડ્યું. કવિ ન્હાનાલાલ તેમના પ્રિય કવિ હતા. માત્ર સોળ વર્ષની કુમાર વયે તેમણે ‘બુદ્ધદેવ’ નાટક લખ્યું, એ મુંબઈમાં ૧૯૧૪માં ભજવાયું. ત્યારથી રસકવિ રઘુનાથની કર્મભૂમિ મુંબઈ બન્યું. ૧૮૯૨માં ૨૨મી ડિસેમ્બરે જન્મેલા કવિ નાટ્યલેખન અને ગીતલેખનમાં સોળે કલાએ ખીલ્યા. વિવિધ નાટકોનું તેમણે સર્જન કર્યું અને રંગભૂમિ ઉપર એ નાટકોએ કામણ પાથર્યાં. રઘુનાથની કલમે લખાયેલાં ગીતોમાં એક તરફ પ્રણયની, વિપ્રલંભ શૃંગારની સુકુમાર અનુભૂતિ ગુંજી રહી છે તો બીજી તરફ જગતના અનુભવો અને જ્ઞાનનો સ્પર્શ વર્તાય છે. ‘સાર આ સંસારમાં ન જોયો’, તેમજ ‘નાગરવેલીઓ રોપી તારા રાજમહેલોમાં’ જેવાં ગીતોએ એક જમાનામાં ગુજરાતણોના કંઠમાં કૂજન ભરીને મધુરભાવથી તેમનાં હૃદયને છલકાવી દીધાં હતાં. એક વખત ગુજરાતની જનતામાં અત્યંત લોકપ્રિય બનેલ ગીત—‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે!’ વર્ષોપર્યંત લોકોના કંઠમાં ગુંજ્યા કરતું હતું. આ ગીત રસકવિએ ‘છત્ર વિજય’ નાટકમાં લખેલું. એ ગીતને જાણીતી ફિલ્મ ‘મોગલે આઝમ’માં અન્ય કવિના નામે ચઢાવી દેવામાં આવ્યું. તે અંગે રસકવિએ ફિલ્મ-નિર્માતા સામે કેસ કરેલો, પણ પછી સારી એવી રકમ લઈને સમાધાન કર્યું હતું. રઘુનાથ બ્રહ્મભટ્ટનાં લખેલાં ૧૯ નાટકો મુંબઈની રંગભૂમિ પર ભજવાયાં હતાં. કુલ ૭૩ નાટકો અને ૨૦ ગુજરાતી ફિલ્મોનાં ગીતો પણ તેમણે લખ્યાં છે. [‘રૂપલબ્ધિ’ પુસ્તક: ૨૦૦૪]