દેવતાત્મા હિમાલય/વર્ધમાન : કેટલાંક લઘુચિત્રો

From Ekatra Wiki
Revision as of 12:31, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વર્ધમાન : કેટલાંક લઘુચિત્રો

ભોળાભાઈ પટેલ

પશ્ચિમ બંગાળમાં આવેલું એક મોટું શહેર તે વર્ધમાન. પરંતુ વર્ધમાન કહો તો સાંભળનાર બે વાર તો પૂછે : વર્ધમાન? ક્યાં આવ્યું? પછી જ્યારે કહો બર્દવાન, ત્યારે કહેશે : હા, હા, બર્દવાન, બર્દવાન જંક્શન. આપણા વડોદરાનું બરોડા જેવું છે આ.

કદાચ અંગ્રેજોએ જ વર્ધમાનનું બર્દવાન કરી દીધું હશે – અંગ્રેજી જોડણી પણ Burdwan, પણ હવે વર્ધમાન નામ પુનઃ પ્રસ્થાપિત થયું છે. પણ બંગાળીમાં તો વ છે નહીં એટલે તેઓ તો કહેશે બર્ધમાન. આ વર્ધમાન સ્ટેશનેથી અસંખ્યવાર પસાર થવાનું થયું છે. કલકત્તાથી શાંતિનિકેતનને માર્ગે વચ્ચે આવે. કલકત્તાથી એકસો કિલોમીટર પશ્ચિમોત્તર.

આ વર્ધમાન સ્ટેશનના વેઇટિંગ રૂમમાં એક વખત એ વખતના વિશ્વભારતીના આચાર્ય કવિ ઉમાશંકર જોશી સાથે કલકત્તા જતી ગાડી માટે કલાકથી વધારે વેઇટિંગ કરેલું. પણ કદી એવો ખ્યાલ નહોતો કે વર્ધમાન એક ગમી જાય એવું નગર પણ હશે, ખાસ તો એનો આ યુનિવર્સિટી વિસ્તાર.

આ વર્ધમાન યુનિવર્સિટીના અતિથિગૃહમાં છું. અતિથિગૃહની દક્ષિણની બાલ્કનીમાંથી ડોકિયું કરું તો એક પાકા ઓવારાવાળું લાંબું પુકુર છે. સરોવર જ જાણે! આમેય વર્ધમાનમાં નાનાંમોટાં અનેક પુકુરો-તળાવો છે, પણ આ યુનિવર્સિટી વિસ્તારમાં તો અહીં-તહીં બધે નજરે પડે. અતિથિગૃહની ઉત્તરે-પશ્ચિમે ડાંગરનાં ખેતર છે.

તળાવનાં શાંત પાણીમાં બતકનું એક ઝૂંડ તરે છે. ક્યારેક કોઈ માછલી પાણીમાંથી બહાર ઊછળી સૂર્યના પ્રકાશમાં થોડું ચમકી જઈ ફરી પાણીમાં ગરકાવ થઈ જાય છે, અને એનો એ ગરક થવાનો અવાજ અહીં સુધી પહોંચે છે. તળાવ વચ્ચે વાંસની એક ઊભી અને એક ત્રાંસી પટ્ટીથી બનેલા ચીપિયાના એક પાંખા પર પાંખોના રંગ સંકેલીને કલકલિયો બેઠો છે. વાંસ અને કલકલિયાનું પ્રતિબિંબ પાણીમાં જાણે તરે છે. કોઈ ચીની ચિત્ર જોતા હોઈએ એવું લાગે.

રસ્તાની ધારે એક માણસ માથે ભારો લઈને જાય છે તેનું પ્રતિબિંબ પણ પાણી ઝીલતું જાય છે. સામે કન્યાઓની હોસ્ટેલના માર્ગ પર બે-ત્રણ કન્યાઓ તડકે ઊભી છે. આકાશમાં સમડી ઊડે છે – તે જાણે ઊડે પાણીમાં તરે છે. ટિટોડી પ્રલંબ સ્વરે બોલતી ઊડી જાય છે. પેલો કલકલિયો આંખોમાં રંગ ભરતો ઊડી ગયો અને જેના પર એ બેઠો હતો એ પેલી વાંસની ચીપો કંપતી વેરાન બની ગઈ. પણ થોડી વાર જ એક નાનકડું પંખી ઊડતું આવી નીચેની ચીપ પર બેસી ગયું, તે ટપકા જેવું લાગે છે.

વર્ધમાન સ્ટેશનેથી પસાર થઈને વર્ધમાનમાં કોઈ રમ્ય વિસ્તાર છે એવી કલ્પના કદાચ ન આવે. આ યુનિવર્સિટી તો હમણાં જ થઈ છે, તો એટલામાં આવો સુરમ્ય કૅમ્પસ તૈયાર ક્યાંથી થયો હોય? ખરેખર તો વર્ધમાનના મહારાજાની આ ભેટ છે. વર્ધમાનના મહારાજાનો જે આવાસ – અહીં એને રાજવાડી કહે છે તે ગુલાબબાગ (ગોલાપબાગ) તરીકે ઓળખાય છે. આજે ત્યાં યુનિવર્સિટીનું કેન્દ્રીય કાર્યાલય છે. આ વિસ્તાર તારાબાગ નામે ઓળખાય છે. અહીં છાત્રાવાસો, અધ્યાપકનિવાસો અને જુદી જુદી ફેકલ્ટીનાં મકાનો છે.

સ્ટેશનેથી પગરિક્ષા કરીને તારાબાગ વિસ્તારમાં પ્રવેશતાં આનંદ થાય. ઊંચાં ઊંચાં વૃક્ષોની વીથિઓ અને પુકુરો. આ વૃક્ષો કંઈ નહીં તોયે સો-બસો વર્ષની વયનાં હશે – મેહોગનીનાં પ્રાચીન પુરાતન વૃક્ષો. વિશાળ થડ અને વિરાટ ઊંચાઈ. આવાં વૃક્ષોની હારથી બનેલી વીથિઓ પર ચાલ્યા કરવાનું મન થાય. આવાં પુરાતન વૃક્ષોની વચ્ચે ફેકલ્ટીનાં ત્રણ-ચાર માળનાં નવાં ઊંચાં મકાનોનો મેળ ખાતો નથી, પરંતુ આ અતિથિગૃહની આસપાસનો વિસ્તાર તો ખુલ્લો છે. પીળી ડાંગર પાકીને નમી પડી છે. રવિ ઠાકુરના શબ્દોમાં સોનાર ધાન.

રવીન્દ્રનાથ ઠાકુર વિશે પાંચ દિવસનો અહીં સેમિનાર છે. જુદી જુદી ભાષાઓના – પણ ખાસ તો બંગાળીના – રવીન્દ્ર સાહિત્યના અભ્યાસીઓ આવી ગયા છે. મારા રૂમના સાથી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ચીની ભાષાના અધ્યાપક તાન ચિંગ છે, પણ એ હજુ આવ્યા નથી. તાન ચિંગ શાંતિનિકેતનમાં ચીના ભવનના સ્થાપક પ્રોફેસર તાનના સુપુત્ર છે. આજે બપોરથી સેમિનાર શરૂ થશે.

આમ તો વર્ધમાન જૂનું અને ઐતિહાસિક નગર છે, પણ ટૂરિસ્ટ મેપમાં એનું નામ આવે એવા કોઈ પુરાણા કોટકિલ્લા નથી. છતાં ઇતિહાસ અને સાહિત્યના રસિકને અહીંના એક સ્થળની મુલાકાત લેવી ગમે. તે સ્થળ છે : શેર અફઘાનનો મકબરો.

શેર અફઘાન એટલે મહેરુન્નિસાનો પ્રથમ પતિ. આ મહેરુનિસા એ જ પછી નૂરજહાં. ઇતિહાસમાં પ્રસિદ્ધ એક ભવ્યકરુણ પ્રેમકથા આ નામ સાથે અંકિત છે. શાહજાદો સલીમ મહેરુન્નિસાના પ્રેમમાં પડ્યો હતો. કદાચ આ જાણીતો પ્રસંગ સ્મરણમાં આવે. શાહજાદા સલીમે મહેરુન્નિસાના બે હાથમાં બે કબૂતરો પકડાવ્યાં હતાં. થોડી વાર પછી એ પાછો આવ્યો ત્યારે મહેરુન્નિસાના એક હાથમાંથી કબૂતર ઊડી ગયેલું. શાહજાદાએ પૂછ્યું : કેવી રીતે ઊડી ગયું?

બીજા હાથમાંનું કબૂતર ઉડાડી મૂકતાં મહેરુન્નિસાએ કહેલું : આમ.

પ્રેમમાં પડવા માટે વધારે કારણોની જરૂર ન પડી. પણ શહેનશાહ અકબરે મહેરુનિસાને શેર અફઘાન સાથે પરણાવી દીધી અને શેર અફઘાનને આ વર્ધમાનના સૂબા તરીકે નીમી દિલ્હીથી દૂર દૂર મોકલી દીધો.

સમ્રાટ બન્યા પછી જહાંગીરે પહેલું કામ કર્યું મહેરુન્નિસાને મેળવવાનું. તેણે પોતાના દૂધભાઈ કુબુદ્દીનને વર્ધમાન મોકલ્યો. સુંદર સ્ત્રીના પતિ થવાની કિંમત શેર અફઘાનને પ્રાણ આપીને ચૂકવવી પડી. લડાઈમાં શેર અફઘાન અને કુબુદ્દીન બંને માર્યા ગયા. બંનેના મકબરા જૂના વર્ધમાન શહેરમાં પાસે પાસે છે. ત્યાં ઊભા રહેતા અનેક વિચારો આવી ગયા. એ મહેરુન્નિસાએ જહાંગીરને એક વર્ષ સુધી તો દાદ ન આપી. મૃત પતિની પાછળ દાનપુણ્ય કર્યા, વિધવાનું સાદગીભર્યું જીવન વિતાવ્યું, પણ પછી એ બની સામ્રાજ્ઞી નૂરજહાં. પૂરા અર્થમાં સામ્રાજ્ઞી બની શાસન કર્યું. જહાંગીરના હૃદય પર અને હિન્દોસ્તાનની મલિકા બની હિન્દોસ્તાન પર.

શેર અફઘાનની કથા હૃદયમાં કરુણા જગવી ગઈ. બાજુમાં પારિજાતનાં વૃક્ષ પરથી તાજાં પારિજાત ખર્યા હતાં જૂના પથ્થરની ફર્શ પર. એ ફૂલો જાણે આપણા હૃદયની કોમળ ભાવનાઓનું પ્રતિરૂપ ન હોય!

વર્ધમાન નગરની પાદરમાં થઈને જ જાય છે પ્રસિદ્ધ ગ્રાન્ડ ટૂંકરોડ – કલકત્તાથી પેશાવર સુધીનો માર્ગ. આ માર્ગ પર લગાતાર વાહનો દોડે જતાં હોય છે. એ માર્ગ પર પગરિક્ષાથી જઈ, થોડા જમણી બાજુએ જતા એક માર્ગે વળી જાઓ તો ૧૦૯ શિવમંદિર જોવા મળે. એકીસાથે ૧૦૮ શિવમંદિર વત્તા એક જરા દૂર. આ મંદિરોના સંકુલમાં પ્રવેશ કરો એટલે એના ભૌમિતિક રચના સૌંદર્યથી પ્રભાવિત થઈ જવાય. શિવમંદિર ચાર હારમાં છે. પ્રવેશદ્વારની બંને બાજુએ ૧૬+૧૬. પછી ૧૯+૧૯+૧૯+૧૯ એ રીતે રચના. વચ્ચે સુંદર બાંધેલા ઘાટવાળાં બે પાકાં તળાવ. એ મંદિરોને પ્રતિબિંબિત કરી રહે.

વર્ધમાનાધિપતિ મહારાજાધિરાજ તિલોકચંદ બહાદુરની મહિષી મહારાણી વિષ્ણુકુમારીએ બરાબર બસો વર્ષ પહેલાં બંધાવેલાં આ શિવાલય છે. આ બધાં શિવાલયોમાં આજે પણ શિવલિંગને બીલીપત્રો ચઢે છે. મંદિરના પ્રાંગણમાં સ્તબ્ધતા છે, માત્ર થોડે દૂર પસાર થતા પેલા ગ્રાન્ડ ટૂંકરોડ પરનાં વાહનોના અવાજ પહોંચી રહે.

પરંતુ વર્ધમાનમાં સૌથી વધારે તો ગમ્યો તારાબાગનો યુનિવર્સિટી વિસ્તાર સાંજે શાંતિદેવ ઘોષના રવીન્દ્રસંગીત સાથે સેમિનાર પૂરો થયા પછી ઊંચા મેહોગની વૃક્ષોથી રચાયેલી વીથિઓ પર ચાલ્યા કર્યું. સાથે હતાં શાંતિનિકેતનમાં મરાઠીનાં અધ્યાપિકા શ્રીમતી વીણા અલાસે. એ પણ રઝળપાટપ્રિય. તળાવના એક ભગ્ન કિનારે સૂર્યાસ્તના રંગો જોવામાં એમની તલ્લીનતા જોઈ રહ્યો. પછી ઊતરતા અંધકારમાં રસ્તો વીંધી વનવિભાગે સાચવેલા જંગલના એક ખંડની પ્રદક્ષિણા કરતાં અમે નગરની દક્ષિણ દિશાની ગલીઓમાં ફૂટ્યાં. વીણા અલાસે બિન્ધાસ્ત મહિલા. અંધારે જંગલમાં બહુ દૂર નથી જવું એમ મેં કહ્યું ત્યારે કહે: બીક લાગે છે? – ‘કોની? અંધારાની? મારી?’ પણ હું એમના જેટલો મુક્તમન થઈ શકતો નહોતો. વર્ષોથી બંગાળમાં છે. બંગાળીઓ જેવું બંગાળી બોલે. રસ્તે એક ઝૂંપડી હોટલમાં સરસ ચા પીધી.

અતિથિગૃહને માર્ગે આવતાં કન્યાછાત્રાલયની બહેનોને પુકુર કાંઠે ઝુંડમાં બેસી ગપસપ કરતી જોઈ. પુકુર ઉત્કર્ણ થઈ જાણે એ વાતો સાંભળે છે. એક શાંતસ્તબ્ધ છાયાચિત્ર.

હજી તો માંડ સાત વાગ્યા હશે, પણ અહીં તો હમણાં ચાર-પાંચ વાગ્યે જ સૂરજ આથમતો થઈ જાય છે.