દેવતાત્મા હિમાલય/ગુપ્ત વૃન્દાવન

From Ekatra Wiki
Revision as of 12:33, 17 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુપ્ત વૃન્દાવન

ભોળાભાઈ પટેલ

મુર્શિદાબાદ જવું હતું. કલકત્તાની ઉત્તરે લગભગ ૨૦૦ કિલોમીટર દૂર ગંગાતટે વસેલું છે મુર્શિદાબાદ.

કલકત્તા પહેલાં મુર્શિદાબાદ હતું રાજધાનીનું નગર. ઇતિહાસપ્રસિદ્ધ પલાસી નજીકમાં જ છે. અંગ્રેજો આ તરફ આવ્યા ત્યારે મુર્શિદાબાદનો રુઆબ જોઈ છક થઈ ગયેલા. પેલા રોબર્ટ ક્લાઈવે પણ લખ્યું છે કે, આ નગર લંડન જેવડું છે, વસતી પણ એટલી છે. ફેર માત્ર એટલો છે કે, અહીંના પૈસાદાર લોકો લંડનના પૈસાદાર લોકો કરતાં ઘણી વધારે પૈસાદાર છે. કહે છે કે, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની જેટલા રૂપિયાની લેવડદેવડ હતી એટલી લેવડદેવડ તો અહીંનો એક એક મોટો વેપારી કરતો!

એ તો બધી ભૂતકાળની વાત. અવશ્ય એ ભૂતકાળ બહુ દૂરનો તો ન કહેવાય. મુર્શિદાબાદ જવાનાં બે કારણો હતાં : એક તો ત્યાંનો હજારદુવારી મહેલ જોવો હતો અને બીજું, પલાસીનો આમબાગાન (આંબાવાડિયું – અત્યારે છે કે નહીં તે ખબર નથી.) જોવો હતો – જ્યાં ૧૭૫૭માં પલાસીની લડાઈ થઈ અને ભારતના ઇતિહાસે એકદમ નવો વળાંક લીધો.

હજારદુવારી મહેલનાં બહુ વર્ણન સાંભળ્યાં છે. નવાબ નાઝિમ હુમાયુ નજાએ એ મહેલ બંધાવ્યો હતો. હવે તો ખંડેર થવામાં છે. ત્યાંની મોતીઝલ અને હીરાઝીલ. સિરાજુદૌલા આ હીરાઝીલના મહેલમાંથી પલાસીની લડાઈ લડવા નીકળ્યો હતો. આ હજારદુવારીની બહુ બધી વાતો છે. નવાબોની અને બેગમોની રંગીનીઓની. લખલૂટ દોલતની એ બધી વાતો છે. અંગ્રેજોએ કલકત્તાને રાજધાની બનાવી તે પહેલાંનો, બંગાળનો ઇતિહાસ મુર્શિદાબાદ અને અહીંથી થોડે દૂર આવેલા ગૌડનગરનો છે.

મુર્શિદાબાદ જવા માટે બોલપુરથી બહેરામપુરની બસમાં જવાનું હતું. બહેરામપુર રાત રહી, પછી મુર્શિદાબાદ જઈ આવવું એમ વિચાર્યું હતું.

પરંતુ, મુર્શિદાબાદ જવાનું બન્યું નહીં. જે સવારે જ્યાંથી મુર્શિદાબાદ માટે બહેરામપુરા બસ પકડવાની હતી એ જ સવારે બકુડા થઈ વિષ્ણુપુર જતી બસમાં બેસી ગયા. મુર્શિદાબાદથી બરાબર અવળી દિશામાં.

આમેય વિષ્ણુપુર જવાનું હતું, પણ આ વખતે નહીં. એટલે એકાએક આમ કેમ બની ગયું તેનો વિચાર કરું છું. નિર્ણય અકારણ નહોતો બદલાયો. એનાં બીજ પડ્યાં હતાં. વર્ધમાન જતી વખતે હાવરા એક્સપ્રેસમાં સહયાત્રી હતા એક માનસચિકિત્સક-સાઇકિયાટ્રિસ્ટ, કલકત્તાના હતા. વડોદરા એક કૉન્ફરન્સમાં આવ્યા હશે. વડોદરાથી ગાડીમાં બેઠા. શરૂઆતમાં બહુ વાત ન થઈ. ગાડી ઊપડી એટલે એમણે બારી પાસે ઓશીકું ગોઠવી પુસ્તકો વાંચવા કાઢ્યાં. મારું ધ્યાન ગયું. પુસ્તકો હતાં કલામીમાંસાનાં.

ડૉક્ટર અને કલામીમાંસા? લાંબી રેલયાત્રા હોય ત્યાં હું પણ જરા કુશળતા વાપરી બારી પાસેની બેઠક મેળવવા પ્રયત્ન કરું છું અને પછી સાથે લીધેલાં પસંદગીનાં પુસ્તકો વાંચવાનો આનંદ લઉં છું. મારી અને ડૉક્ટરની વચ્ચે શરૂ થયેલી ઔપચારિક વાત પછી તો કલામીમાંસા પર જઈને ઠરી. સાહિત્યમાં પણ રસ. આ ડૉક્ટર દેવાશિષ ભટ્ટાચાર્ય ભણતા ત્યારે નક્સલ આંદોલનમાં સક્રિય હતા. ડૉક્ટર થયા પછી જાતે થઈને ગામડામાં જઈ કામ કરવાનું સ્વીકારેલું. ડૉક્ટરનો વ્યવસાય, રાજનીતિ-ક્રાંતિની રાજનીતિમાં સક્રિય ઉપરાંત એમની કલારુચિએ એમને શિલ્પ સ્થાપત્યમાં રસ લેતા કરેલા.

વાતવાતમાં બંગાળના ટેરાકોટા શિલ્પોની વાત નીકળી અને એમણે વિષ્ણુપુરનાં મંદિરો વિશે ઉત્સાહપૂર્વક કહેવાનું શરૂ કર્યું. મેં એમને કહ્યું કે, મારો વિષ્ણુપુર જવાનો વિચાર પણ છે. ખબર પડી કે, એ મંદિર વિશે એમણે અભ્યાસલેખ કર્યો છે. તેમનો અભિગમ રૂપવાદી છે. એમણે ‘ગ્લિમ્પસિઝ ઑન ઇન્ડિયન સ્કલ્પચર્સ’ પુસ્તકનું નામ આપ્યું. આ પુસ્તકમાં આપણા પ્રસિદ્ધ કલાકાર હકુ શાહનો પણ લેખ છે – હરપ્પાના ટેરાકોટા વિશે, તે જાણવા મળ્યું. પછી તો ઘણી વાતો થતી રહી બે દિવસની લાંબી રેલયાત્રામાં. પછી કલકત્તામાં એકેડેમી ઑફ ફાઇન આર્ટ્સમાં એક સાંજે મળવાનું નક્કી કરી હાવડા સ્ટેશનેથી અમે છૂટા પડેલા.

મુર્શિદાબાદ જવાની આગલી રાતે હું શાંતિનિકેતન હતો. મારી સાથે મારા અસમિયા મિત્ર સુનિલ હતા. અગાઉથી મારી યોજના મુર્શિદાબાદ જવાની હતી, પણ વિષ્ણુપુરની વાતો થઈ અને બીજે દિવસે સવારે નિર્ણય બદલી અમે બોલપુરથી વિષ્ણુપુરની બસમાં બેસી ગયા.

બસ દુર્ગાપુર અને પછી બાંકુડા થઈને વિષ્ણુપુર જતી હતી. ડાંગર કાપવાના એ દિવસો હતા. માઈલો સુધી દાણાના ભારથી પક્વ થઈને ઝૂકી પડેલી ડાંગરનાં ખેતરો પસાર થતાં હતાં. કાપણી શરૂ થઈ ગઈ હતી. કેટલાક ક્યારડાઓમાં હારબંધ કપાયેલી ડાંગરના કિલ્લા પડ્યા હતા. સવારના કુમળા તડકામાં આ બધું જોવાનું સારું લાગતું હતું.

અમે દુર્ગાપુર પહોંચ્યા. ત્યાં તો જોયું કે, ઘણી બધી બસગાડીઓ ઊભી છે. સાંભળ્યું કે કોઈ બસ હવે આગળ નહીં જાય. બકુડામાં સડક બંધ છે. હડતાળચક્કાજામ. અમને એકદમ ફાળ પડી. સુનિલ કહે : આપણે તો મુર્શિદાબાદ ગયા હોત તો સારું. ડ્રાઇવરે ગાડી થંભાવી દીધી. કંડક્ટરે અમને ઊતરી જવા કહ્યું. બસ હવે આગળ નહીં જાય. દુર્ગાપુરથી વિષ્ણુપુરના ભાડાના પૈસા પાછા આપી દીધા.

હવે?

અમે રેલવે સ્ટેશને ગયા, પણ ત્યાંથી કોઈ ગાડી દ્વારા વિષ્ણુપુર જવાય તેમ નહોતું. દુર્ગાપુરનગર જોઈ અમે પાછા જવાનો વિચાર કરતા હતા ત્યાં કોઈએ કહ્યું કે, રાજ્ય સરકારના પરિવહન નિગમની બસો બકુડા જતી મુખ્ય સડકને બદલે ગામડાના રૂટ પર થઈ આગળ જશે.

એમ જવામાંય જોખમ તો હતું. અધવચ્ચે રસ્તે બસ ઊભી રહી જાય એમ બને. દેખા જાયેગા એમ વિચારીને અમે તો એવી એક બસમાં બેસી ગયા. લાભ જ થયો. સૌપ્રથમ તો દામોદર જલાશય યોજનાનાં દર્શન થયાં. વિશાળ જળભંડાર. પછી જોઈ પાતળી ધારામાં વહેતી દામોદર નદી. પછી બસ ગામડાને માર્ગે વળી. ગ્રામ બંગાળનો ચહેરો જોવા મળ્યો. કાચીપાકી સડકે નાનાં ગામો પસાર કરતી હતી બસ.

બંગાળનો આ પછાત વિસ્તાર છે. નગરના બંગાળીઓ આ વિસ્તારના બંગાળીઓની ભાષા વિશે મજાકમશ્કરી કરતા રહે. બાંકુડાને અડીને જ મેદિનીપુર જિલ્લો. તે છેક બંગાળના ઉપસાગર સુધી પહોંચે. રસ્તે ગામડાની ભાગોળે કોઈ મોટા વૃક્ષ નીચે થાનક હોય અને ત્યાં માટીના ઘોડા જોવા મળે. બાકુડાનો ઘોડો જાણીતો છે. ટેરાકોટાનો ઘોડો.

ટેરાકોટાને બંગાળીમાં ‘પોડામાટી’ કહે છે. ‘પોડામાટી’ એટલે બળેલી માટી. આપણે કહીશું પકવેલી માટી. લાંબા પગવાળા, ઊંચા ડોકવાળા માટીના ઘોડા અનેક વૃક્ષો નીચે જોવા મળ્યા.

એક કલાક મોડા, પણ અમે વિષ્ણુપુર આવી ગયા ખરા. પગરિક્ષા કરી ટૂરિસ્ટ લૉજમાં પહોંચી ગયા.

ભુવનેશ્વર અને ખજુરાહોની જેમ પશ્ચિમ બંગાળના આ વિષ્ણુપુરને પણ કલાત્મક મંદિરોનું નગર કહી શકાય. ઐતિહાસિક નગર છે વિષ્ણુપુર. મલ્લરાજાઓની રાજધાની હતી. નગરના અવશિષ્ટ કોટકાંગરા કે વિશાળ દરવાજા અને કોટ ફરતે પુરાતી જતી ખાઈ એની મધ્યકાલીન પ્રાચીનતાનો અણસાર આપે છે, પરંતુ વિષ્ણુપુર ખજુરાહોની જેમ કોઈ મૃતનગર નથી, જ્યાં માત્ર અપૂજ દેવતાઓ દેશવિદેશના પ્રવાસીઓને આમંત્રિત કરતા હોય. વિષ્ણુપુર જીવતું શહેર છે – કહી શકાય કે ગ્રામીણ શહેર. શહેર રમતનું બહુ શોખીન લાગ્યું. ઠેરઠેર મેદાનોમાં રમતો ચાલતી જોવા મળી.

વિષ્ણુપુરની રામાનંદ કૉલેજ ગમી ગઈ. ‘મૉડર્ન રિવ્યૂ’ના નામાંકિત તંત્રી રામાનંદ ચેટરજીના નામથી ચાલતી કૉલેજ વિષ્ણુપુરની ભાગોળે છે. એ બાજુએ ઘણાં મંદિરો આવેલાં છે. છાત્ર-છાત્રાઓની અવરજવર અને હાસપરિહાસથી વિસ્તાર ભરપૂર લાગતો હતો.

એક-બે રિક્ષાવાળાઓએ અમને બધાં મંદિરો બતાવવાની તૈયારી બતાવી, પણ અમારે અમારી રીતે નિરાંતથી જોવું હતું. અમે પગે ચાલીને જ ફરવાનું મુનાસિબ માન્યું. પણ ક્યાંથી શરૂઆત કરવી? રેલવેના સહયાત્રી ડૉક્ટર દેવાશિષે જોડબંગલા અને શ્યામરામ એવાં બે મહત્ત્વનાં મંદિરોનો નિર્દેશ કર્યો હતો.

પરંતુ, ચાલતાં ચાલતાં અમે જે મંદિર પ્રથમ જોયું તે તો હતું એકદમ ભગ્નમંદિર. ઈંટો બહાર નીકળી ગયેલી, ઢગલો થઈ ગયેલી. મંદિર પર ઝાડવાં ઊગી ગયેલાં. બપોરના તડકામાં વધારે વેરાન લાગ્યું. એક ઊંચા વાડામાં બીજાં બે મંદિર જોયાં, પણ મંદિરોને ઓટલે અને ભીંતે છાણાં થાપેલાં હતાં. કોઈએ ઈંટો કાઢી લેવાનો પ્રયત્ન પણ કર્યો છે. એક મંદિરની દીવાલને ફોડીને પીપળો ઊગી ગયો છે.

શરૂઆત જ કેવી થઈ? પણ પછી શેરીઓ વટાવતા અમે આગળ વધ્યા, ત્યાં દૂરથી બે જોડાજોડ આવેલાં મંદિરો દેખાયાં. એક-બે મંદિરોને જોડતું એક ઊંચું શિખર શોભતું હતું. કદાચ એ જ પેલું જોડબંગલા મંદિર હશે.

હા, એ જ જોડબંગલા મંદિર હતું. એકદમ નિસ્તબ્ધ, નિર્જન.

પ્રથમ દર્શને જ અમે જિતાઈ ગયાં. પ્રાંગણમાં એક તકતીમાં લખ્યું હતું કે, ઈ.સ. ૧૬પપમાં મલ્લરાજ રઘુનાથસિંહે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં એમ પણ લખ્યું હતું કે, વાસ્તુકલાની દૃષ્ટિએ પણ મંદિર પ્રસિદ્ધ છે. બંગાળી પદ્ધતિની કુટિરોનાં આકારનાં બે પાસપાસે ઊભેલાં, કહો કે જોડાયેલાં મંદિરો પર એક શિખરાકૃતિ હતી. એટલે કદાચ નામ પડ્યું હશે જોડબંગલા મંદિર.

ઊંચી જગતી (પ્લૅટફૉર્મ) પર આવેલું આ ઇંટોનું મંદિર બંગાળી શિલ્પસ્થાપત્યની વિશિષ્ટ પરંપરા છે એવું તરત લાગે. આ બાજુ ખડના છાપરાવાળાં જે મકાનો બને છે અને એમનો જે ઘાટ હોય છે એવો જ ઘાટ છે આ મંદિરોનો. આ મંદિરો ઇંટોનાં છે.

ઉત્તર બંગાળના દાર્જિલિંગ વિસ્તારને બાદ કરો તો પછી આખા બંગાળમાં ભાગ્યે જ કોઈ પહાડ પર્વત છે. પથ્થરો ભાગ્યે જ મળે એટલે ઈંટોનાં મંદિરોની પરંપરા અહીં ઊભી થઈ હશે. આ ઈંટોનાં મંદિર શિલ્પસ્થાપત્યની ભાષામાં ટેરાકોટાનાં મંદિર કહેવાય છે.

ટેરાકોટા લેટિન ભાષાની સંજ્ઞા લાગે છે. ટેરા એટલે માટી, ભૂમિ. ટેરાકોટા એટલે પકવેલી માટી. બંગાળીમાં પોડામાટી કહે છે. પોડા એટલે બળેલી, અર્થાત્ અગ્નિમાં પકવેલી. એ રીતે ઈંટ માત્રને ટેરાકોટા કોઈ કહી શકે. કલાના માધ્યમરૂપે ટેરાકોટાની શૈલી ઘણી પ્રાચીન છે. કલાકાર શ્રી હકુ શાહે હરપ્પાની ટેરાકોટાની મૂર્તિઓની વાત કરી છે. તેમણે ગુજરાતમાં દેવને માન્યતારૂપે ધરાતી ટેરાકોટા મૂર્તિઓની વાત પોતાના એક ગ્રંથમાં લખી છે. શાંતિનિકેતનમાં તેમને મેં ટેરાકોટાના ઘોડા વિશે બોલતા સાંભળ્યા હતા.

વિષ્ણુપુર પહેલાં બંગાળનું ટેરાકોટાનું મંદિર જે સૌ પહેલાં જોયેલું તે, કેન્દુલીમાં અજય નદીકાંઠે આવેલું કવિ જયદેવનું મંદિર. કવિ ઉમાશંકર, મૈત્રેયી દેવી, નગીનદાસ પારેખ અને અન્ય મિત્રો સાથે હતાં. પછી ફરી એક વાર બીજા મિત્રો સાથે કેન્દુલી જતાં માર્ગમાં ઇલ્લમ બજારમાં ટેરાકોટાનું બીજું મંદિર જોયેલું. એ જ વખતે જોયેલા કવિ ચંડીદાસના નાનુર ગામમાં પણ એવાં કેટલાંક નાનાં મંદિર.

પરંતુ વિષ્ણુપુરની વાત જુદી છે એવું લાગ્યું. જોડબંગલા મંદિરના પ્રવેશદ્વાર જેમાં હતાં તે આખી ભીંત શિલ્પિત ઈંટોથી અલંકૃત હતી. પીળાશ પડતો ઈંટોડી રંગ તડકામાં પ્રભાવક લાગતો હતો. દૂરથી અલંકૃત લાગતી ઈંટો નજીક જઈને જોતાં જ પ્રાચીન ધાર્મિક કથાનકોની, પાત્રોની, પ્રસંગોની અને જાતજાતની શોભાકર ભાતોથી ખચિત હતી. તલપુર ખાલી નહીં. આશ્ચર્યના ઉદ્ગાર સાથે – નેત્રો સાથે મુખ પણ વિસ્ફારિત થઈ જાય.

રેતિયા પથ્થરોમાં આરસપહાણમાં, અદ્ભુત શિલ્પો ક્યાં નથી જોયાં, પણ આ પકવેલી માટીનાં – ટેરાકોટાનાં શિલ્પ તો! પથ્થરના માધ્યમથી આ માધ્યમ એક રીતે જુદું જ છે. કુંભારની માટી આ શિલ્પોનું માધ્યમ છે. કેવી રીતે આ બનાવ્યાં હશે એવો પ્રશ્ન અવશ્ય થાય. ટાંકણાથી કોરાતા પથ્થરનાં શિલ્પોમાં તીવ્ર રેખાઓ કે ત્રિપરિમાણી પ્રભાવ સિદ્ધ કરવાનું ટેરાકોટા કરતાં કદાચ આસાન લાગે.

અમે આ શિલ્પિત ઈંટોમાં પુરાણકથાઓ, પ્રસંગો, પાત્રો ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પહેલા જે નજરે પકડાયા તે શરશય્યા પર સૂતેલા ભીષ્મપિતામહ. પછી તો આખો કથાપ્રસંગ જુદી જુદી ઈંટો પર કોતરાઈ (ના, કોતરાઈ શબ્દ બરાબર નથી. આ ઈંટો કોતરીને કરેલાં શિલ્પ નથી. કાચી માટી પર પહેલાં ઉતારી કે ઉપસાવી પછી તે પકવી નાખવામાં આવતાં હશે) બધી ઈંટો સાથે જોડાતાં એક સમગ્ર એકમ તરીકે આવે છે. બાજુમાં જ અર્જુન ઊભો હતો. તો ખભે બાણનો ભાળ્યો હતો, હાથમાં ધનુષ. પાતાળ ફોડે છે. ગંગાની ધારા પાતાળમાંથી બહાર નીકળી ભીખના મુખમાં પડે છે. આ ઈંટમાં પાણીની ધારાની નમનીયતા શિલ્પીએ સિદ્ધ કરી છે.

દોડતાં હરણ અને શિકારી; સિંહ, ગાય અને વાછરડું; દેવી – હાથના ખપ્પરમાં કપાયેલું મસ્તક, બીજા હાથમાં બીજું મસ્તક, પગ નીચે ઉત્થિતલિંગ નગ્ન અસુર.

હોમ થઈ રહ્યો છે, જ્વાળાઓ પ્રકટી છે. પકવેલી માટીમાં જ્વાળાઓ પ્રકટાવી છે, જેમ ગંગાની જલધારા પ્રકટાવી છે. લડતા યોદ્ધાઓની અંગભંગી છે, જેમ દોડતાં હરણાંની ગતિ છે.

આ હિરણ્યકશિપુ – નૃસિંહ અવતાર. એ સાથે જ બીજા અવતારોની કથા. હું અને સુનીલ પ્રસંગો ઉકેલવા મથતા હતા. ત્યાં મંદિરને છેડે તળાવ તરફની દિશામાં એક અદ્ભુત પેનલ જોઈ. ગોપીના ચીરહરણનો પ્રસંગ. પ્રથમ ઇંટમાં નગ્ન ગોપી, કૃષ્ણ તરફથી મોઢું ફેરવી હાથથી લજ્જા ઢાંકી, કૃષ્ણ તરફ અડધી પીઠ કરી ઊભી છે. કદાચ રાધા છે. બંને વચ્ચે જીતનાર કદંબ છે. બીજી ઈંટમાં એ કદંબના ચોકમાં ગોપીઓનાં વસ્ત્રો ચોરી આસન જમાવી બેઠા છે કૃષ્ણ. વાંસળી વગાડે છે. નીચે બીજી ગોપીઓ ઊભી છે. ત્રીજી ઈંટમાં પ્રથમ ઇંટની રીત છે. કદંબની આજુબાજુ રાધાકૃષ્ણ છે. પણ હવે રાધાના ચહેરા પર સંકોચ નથી, પ્રસન્નતા છે. લાજ ઢાંકી નથી. પ્રભુ સામે એકદમ અનાવૃત્ત છે, ખુલ્લી છે. કોઈ આવરણ નથી. હવે પ્રિય-પ્રભુ સમક્ષ લજ્જા કેવી? કાન્તના ખંડકાવ્યમાં જોવા મળતી ચરિત્રના ભાવસંક્રમણની ક્ષણ અદ્ભુત રીતે આલેખાઈ છે આ ટેરાકોટામાં. નગ્ન રાધાના ગળામાં ચકતાનું ઘરેણું છે. શ્રીકૃષ્ણ દ્વારા ગોપીઓની ચીરહરણ લીલાનું ત્રણ ઈંટોમાં આ અદ્ભુત અર્થઘટન છે.

કૃષ્ણજીવનના ઘણા પ્રસંગો છે : યમલાર્જુન, બકાસુરવધ, કાલીયમર્દન, અગ્નિપાન.

નૌકાઓનાં ઘણાં શિલ્પ છે. અનેક ઈંટો જોડાઈ બનતી લાંબી નૌકા. નદીમાં વહેતી આ નૌકા છે એટલે વહેતા પાણીનો પ્રવાહ જોઈ શકાય.

તડકો નમવા લાગ્યો હતો. શિલ્પો જોવાનો આ બરાબર સમય હતો. તળાવકિનારે આવેલા આ મંદિરની સ્તબ્ધતાનો ભંગ માત્ર અમારા આશ્ચર્યના ઉદ્ગારોથી થતો હતો, જ્યાં દરવાજા બહાર એક બકરી બેં બેં કરી ઊઠી. ટેરાકોટામાંથી ટેરાફિરમા – સ્થિર ધરતી પર પાછા આવ્યા.

અમે ચારે તરફની ભીંતો જોતા ફરતા હતા. કેટલી ભાતોથી આ ભીંતો અલંકૃત છે. દૂર ઊંચે નજર માંડ પહોંચે ત્યાં પણ શિલ્પિત ઈંટો છે. અહીંની કેટલીક ભાતો વિષ્ણુપુરી સાડીઓમાં ઊતરી આધુનિક નારીદેહને અલંકૃત કરતી રહી છે.

અમારે હજી બીજાં મંદિરો જોવાનાં હતાં. વિષ્ણુપુરની શેરીઓમાં અમે આગળ ચાલ્યા અને રાધેશ્યામ મંદિરે પહોંચ્યા. આ મંદિર મલ્લરાજા ચૈતન્યદેવે ઈ. સ. ૧૭૧૬માં બંધાવેલું છે. ઊંચી જગતી પર બંધાયેલા આ મંદિરમાં શિલ્પ ઓછું છે, પણ એનું સ્થાપત્ય પ્રમાણમાં સારું છે. શિલ્પ પર સફેદ ચૂનો લગાડેલો છે, જે ક્યાંક ક્યાંક ખરી જવાથી અંદરનો ઢેખાળિયો પથ્થર દેખાય છે.

ત્યાંથી થોડે દૂર લાલજી મંદિર છે. મલ્લરાજા વીરસિંહે ૧૬૫૮માં બંધાવેલું છે. લાગે છે કે, એ દિવસોમાં મહાપ્રભુ ચૈતન્યપ્રવર્તિત વૈષ્ણવધર્મનું અહીં પ્રભુત્વ હશે. અત્યારે તો મંદિરમાં કોઈ નથી. એક પ્રકારની સ્તબ્ધતા વચ્ચે હું અને સુનીલ – માત્ર બે જણ છીએ. મંદિરનો કોટ હજુ સુરક્ષિત છે.

ચાલતા ચાલતા અમે જૂના નગરકોટના દરવાજે પહોંચી ગયા. અહીંના લોકો એને પાથર દરજા (પથ્થરનો દરવાજો) કહે છે. વિષ્ણુપુરના પ્રાચીન કિલ્લાના આ પ્રવેશદ્વારેથી હવે ભાગ્યે જ કોઈ પ્રવેશે છે. દરવાજા બહાર એક વેળા સંરક્ષણાત્મક ઉપાય તરીકે વપરાતી પુરાતી જતી ખાઈ છે.

પાથર દરજા પાસે અમે ઊભા હતા ત્યાં બે બંગાળી બાબુ આવતા દેખાયા. એક અતિઊંચા, એક અતિઠીંગણા. મને થયું : સત્યજીત રાયની ફિલ્મમાં વૈચિત્ર લાવનારી આ કોઈ જોડી તો નથી ને? અમે એમને અહીંની વિગતો પૂછી. બંને જવાબ આપવા આતુર અને ઉતાવળા.

અહીં બધાં મંદિરોમાં હાજરાહજૂર દેવતા હોય એવું મંદિર તો માતા મૃમ્ભયીનું. આવું નામ દેવીનો પૃથ્વી માતા સાથે સંબંધ જોડી દે. મૃમ્ભયી એટલે તો માટીની. મને આપણા કલાકાર હકુ શાહે વાપરેલો અંગ્રેજી શબ્દ યાદ આવે છે. મધર ક્લે. એમની ચોપડી છે : ‘ફોર્મ એન્ડ મેની ફોર્મ્સ ઑફ મધર ક્લે.’ મૃણ્મયી દેવી મલ્લરાજાઓની કુળદેવી હતાં. મંદિરના પ્રાંગણ વચ્ચે ઊભેલો વિશાળ વડ મનમાં રહી જશે. શ્રી રામકૃષ્ણ પરમહંસના જીવનપ્રસંગોમાં આ મંદિરની મુલાકાતનું વર્ણન આવે છે. ઠાકુરનું ગામ કામારપુકુર અહીંથી બહુ દૂર નથી. વિષ્ણુપુરને ઠાકુરે ગુપ્ત વૃન્દાવનનું અભિધાન આપ્યું છે.

હવે અમારે ઝડપ કરવી જોઈએ. આમેય અહીં સૂર્યાસ્ત વહેલો થાય છે અને એમાં આ તો શિયાળાના દિવસો. એક સાંકડે માર્ગે થઈ અમે શ્યામરાય મંદિર તરફ ચાલ્યા. રસ્તામાં તીર દોરીને એક મકાનની દીવાલ પર મંદિરની દિશા ચીંધવામાં આવી હતી. કદાચ આ જ યોગ્યતમ ક્ષણો હતી આ મંદિર પર અમારી પ્રથમ નજર પડે એ માટેની. સૂરજ ઢળ્યો હતો, તડકાનું પોત આછું, પણ જરા વધારે પીળું થયું હતું. ટેરાકોટાનો ગેરુ અથવા કહો કે બદામી રંગ આંખમાં વસી ગયો તે આ તડકામાં. થોડા મોડા પડ્યા હોત તો ઝાંખ વળી જાત.

મંદિરના પ્રવેશદ્વારે તકતી હતી. ઈ.સ. ૧૬૪૩માં મલ્લનરેશ રઘુનાથસિંહે આ મંદિર બનાવડાવેલું. મંદિરનું બીજું નામ છે : પંચરત્ન મંદિર. વિશાળ મંદિરને ચાર છેડે ચાર અને વચ્ચે ઊંચું એક – એમ પાંચ શિખર છે એટલે કદાચ પંચરત્નમંદિર.

છક.

આ તો મંદિરના પ્રવેશદ્વારવાળી ભીંત કે પછી કચ્છ-સૌરાષ્ટ્રની નારીએ ઈંચ ઇંચે ભરતથી ખચિત કરેલો આડો ચાકડો? આંખમાં કેમ કરી માય આટલી આકૃતિઓ? બદામી રંગ આટલો પ્રભાવક ક્યારેય નહોતો લાગ્યો.

ત્યાં પ્રવેશદ્વારે આડી સૂતેલી એક વ્યક્તિ સફળી બેઠી થઈ. આંખ ચોળી અમારી સામે જોવા લાગી. ઊભી થઈ અમારી પાસે આવી. અમારી નજર જ્યાં પડી હતી ત્યાં નજર ગોઠવી એણે કહેવાનું શરૂ કર્યું : ‘આ પંચરત્નમંદિર… આ જુઓ રામરાવણ…’

ટેરાકોટાની ઈંટોમાં રામની મૂર્તિ આટલી સુંદર હોઈ શકે? તીર ખેંચી ઊભેલા રામની ઊપસેલી મૂર્તિ પર ક્રોધનો તનાવ જોઈ શકાય. રાવણ પણ આટલો ગૌરવપૂર્ણ ક્યાંય ચીતરાયો નથી એવું લાગ્યું. બંગાળી કવિ માઈકલ મધુસૂદન દત્તે ‘મેઘનાદવધ મહાકાવ્ય લખ્યું છે. એમાં રાવણ એક પ્રતાપી પાત્ર તરીકે આવે છે. રાવણ અહીં પણ પ્રતાપી છે. બે પાસપાસેની ઈંટોમાં રામ-રાવણ જડાયેલા છે. રામના ધનુષ પરથી દશાનન ભણી તીર છૂટવાની ક્ષણ સૈકાઓથી એમ જ ઊભી રહી ગઈ છે. થયું : હમણાં જ તીર છૂટશે જાણે! સ્થિતિ અને ગતિ વચ્ચેનો તનાવ આલેખવામાં શિલ્પીની સફળતા છે.

પેલી વ્યક્તિએ ગાઈડનું કામ શરૂ કરી દીધું. કદાચ અમારું ધ્યાન ન જાત એવાં શિલ્પો ભણી આંગળી ચીંધી. હાવરાની ગાડીમાં જતાં ડૉ. દેવાશિષ ભટ્ટાચાર્ય સાથે થયેલી વાતો પણ યાદ આવી. ટેરાકોટાના આ મંદિરોની કલાગત વિશેષતાઓની ચર્ચા કરતાં તેમણે કહેલું કે, દરેક ઈંટમાં આકૃત શિલ્પ સ્વયંસંપૂર્ણ એકમ હોય અને સાથે સાથે બીજી ઈંટો સાથે જડાઈ કે જોડાઈ આખી શ્રેણીનો ભાગ પણ હોય, એને લીધે આટલાં ભરચક શિલ્પ આંખોને થકવી નાખતાં નથી. ઊલટાનું, તમે જ્યારે એક ઈંટના શિલ્પને બારીકાઈથી જોતાં હો ત્યારે, બીજાં શિલ્પો એક સંવાદી પશ્ચાદ્ભની ગરજ સારે. ફોર્મ – રૂપની વિભાવના આથી વધારે સારી રીતે કદાચ ન સમજાવી શકાય.

બની બેઠેલા અમારા ગાઇડને શરદી થઈ ગઈ હોય એમ લાગ્યું. બોલતાં બોલતાં નાક ખેંચ્યા કરે. એની વાગ્ધારામાંથી અમે કામનું સાંભળી લઈ પછી જોવામાં જ વ્યસ્ત રહેતા. એણે બતાવ્યું : નવગોપીકુંજરનું શિલ્પ. કવિતામાં અને કલામાં એ જાણીતું. મોટિફ છે. સમગ્રપણે હાથીનું શિલ્પ હોય, પણ ધ્યાનથી જુઓ તો એમાં નવ ગોપીઓ જોઈ શકાય. એ ગોપીઓના શિલ્પને એવી રીતે ઉપસાવ્યું છે કે હાથી બની રહે. આવા નારીકુંજર પર શ્રીકૃષ્ણની સવારીની વાત નરસિંહ મહેતાના કોઈ પદમાં આવે છે.

શ્યામરાયના આ મંદિરમાં કોઈ વિગ્રહ એટલે કે ઉપાસ્ય મૂર્તિ નથી. બાર ઈંટોમાં આકૃત રાસમંડલ છે. રાસમંડલનાં શિલ્પ મંદિરની ભીંતો પર અનેક છે. બે વર્તુળ ગોપીઓનાં, વચ્ચે રાધાકૃષ્ણ. બાર ઈંટોના ચોરસ વચ્ચેના વર્તુળ પછી અવશિષ્ટ ભાગો પણ વૃક્ષો અને પંખીઓની આકૃતિઓથી અલંકૃત. રાસમંડલનાં આ શિલ્પો કલાગત પૂર્ણતાનો ખ્યાલ આપી જાય. એક રાસમંડલમાં વચ્ચોવચ્ચ કદંબ નીચે રાધાકૃષ્ણ ઊભાં છે. કૃષ્ણ રાધાને અનુનય કરી રહ્યા છે. ભાગવત્, ગીતગોવિંદ અને અનેક વૈષ્ણવપદોના આપણા સંસ્કાર આ જોતાં જાગી ઊઠે.

શ્રી રામકૃષ્ણ વિષ્ણુપુરને ‘ગુપ્ત વૃન્દાવન’ કહ્યું ત્યારે, આ શિલ્પો જોઈને કહ્યું હશે કે કેમ તે ખબર નથી, પણ આ બધું જોઈ આપણને તો થાય કે આ ગુપ્ત વૃન્દાવન નહીં પણ પ્રકટ વૃન્દાવન છે.

એક ઈંટમાં રાધાકૃષ્ણ છે. રાધા નાચે છે અને કૃષ્ણ વાંસળી વગાડે છે. કદાચ વાક્ય ફેરવીને કહું કે કૃષ્ણ વાંસળી વગાડે છે અને સૂરમત્ત રાધા નાચે છે. આ જોઉં છું, એ ક્ષણે સૂરજનો આથમતો પ્રકાશ આ યુગલ પર પડે છે અને આંખો ધન્ય થાય છે. ટેરાકોટાના માધ્યમમાં રાધાકૃષ્ણનાં શિલ્પો દેશજ અને તેથી અતિપ્યારાં લાગે છે. બહુ બધાં યુગલ શિલ્પો છે. એકમાં કૃષ્ણ રાધાને ચૂમે છે. ઈંટમાં ચાર હોઠ એવા તો ઊપસ્યા છે કે એક આતુર દુર્દમ્ય આવેગની ધબક આપણી નાડીઓમાં સંભળાય. આ અનંત-અન્ અંત ચુંબન છે – અમર ચુંબન છે. માર્ચ માનવને અમરત્વ આપે છે ચુંબન; અને આ તો દેવ યુગલ છે. નાટકકાર માર્યોના ફાઉસ્ટે મેફિસ્ટો પાસે હેલનની માગણી કરી અને જ્યારે જાદુબળે હેલન આવીને ઊભી ત્યારે, એના સૌંદર્યથી ચકિત ફાઉસ્ટ બોલી ઊઠ્યો હતો :

‘Sweet Helan, make me immortal with a kiss!’

એક દિવાસળીની પેટી જેવડી ઈંટમાં બે હરણ ઉપસાવ્યાં છે. એમની ઊંચી પૂંછડીની ગતિશીલતા જીવંત બનાવી દે છે એ શિલ્પને.

દશાવતારમાં શિલ્પ છે – શિવ દુર્ગાનાં શિલ્પ છે. જગન્નાથ, સુભદ્રા અને બલરામનાં શિલ્પ છે. ઓડિશા અહીંથી દૂર નથી. પુરીના જગન્નાથનો પ્રભાવ અહીં વિસ્તર્યો છે. અન્ય સંતો સાથે મહાપ્રભુ ચૈતન્યનાં પણ એકાધિક શિલ્પ આ ભીંતો પર છે.

ગાઇડ કહે : આ ચાઇનીઝ ફેશન છે. બે લાંબી ઈંટ ઊભી સ્થિતિમાં રાખી ડ્રેગન અંકિત કરેલ છે. એણે લક્ષ્મી, કમલા, સરસ્વતી, કાલી, દુર્ગા, તારાકાલી, છિન્નમસ્તા મા – એ બધી દેવીઓનાં શિલ્પો ઓળખાવ્યાં. એક શિલ્પ તરફ એણે ધ્યાન દોર્યું. ગજકચ્છપ લડાઈ.

ઝાંખ વળવા માંડી હતી. ટેરાકોટા ઇંટોના બદામી રંગની ચમક ઓછી થવા લાગી. શિલ્પોની રેખાઓની તીક્ષ્ણતા ઘટવા લાગી. અમે ઝડપથી ફરી ફરી આ શિલ્પખચિત મંદિરની ભીંતો જોઈ લેવા લાગ્યા. પણ ઘણી વાર જ્યાં નજર પડે ત્યાં જ ચોંટી જાય. ત્યાંથી ખસે નહીં. આવે સમયે સુરદાસની રાધાની જેમ થાય કે, બે આંખથી તો આ રૂપનો પાર નહીં પમાય…

ઘડિયાળમાં જોયું. પોણાચાર થયા હતા. અમારે હજુ ઘણું ફરવાનું હતું. પણ યામરાયનું મંદિર જોયા પછી એવી ઉતાવળ થતી નહોતી. નીકળતાં નીકળતાં ફરી અંદર બહાર ઝડપથી શિલ્પસૃષ્ટિને સમગ્રપણે ચેતના પર અંકિત થવા દીધી. પેલા રામ-રાવણને ફરી જોયા, પેલા ચાર હોઠની સન્નિધિ, પેલાં રાસમંડલ…

શિલ્પ અને સ્થાપત્યની અદ્ભુત સૃષ્ટિ પથ્થરોમાં જોઈ છે. એ તો હવે જાણે લાગે છે, એક રાજસી પ્રભાવ છે. જ્યારે ટેરાકોટા પકવેલી માટીનાં શિલ્પ સ્થાપત્ય, એનો આછો ગેરુ-બદામી રંગ એક મૃદુ સાત્ત્વિક પરંતુ, રસોડૂલ વૈષ્ણવી પ્રભાવ મૂકી જાય છે.

પ્રાંગણમાં પડતી મંદિરની છાયામાં ઊભા રહી સમગ્ર પંચરત્નમંદિર પર એક નજર ફેરવી લીધી. અમારો ગાઈડ બે રૂપિયાની બક્ષિસથી રાજી થઈને ક્યારનોય ચાલ્યો ગયો હતો. એકલા મંદિરને પાછળ મૂકી અમે વિષ્ણુપુરની શેરીઓમાં ચાલ્યાં. પેલા લાંબાટૂંકા બંગાળી બાબુઓની જોડી ફરી શેરીના એક વળાંક આગળ ભેટી ગઈ.