દેવોની ઘાટી/કેરલપત્રમ્

From Ekatra Wiki
Revision as of 04:56, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કેરલપત્રમ્

ભોળાભાઈ પટેલ

બાર્ટનહિલ અદ્ભુત અદ્ભુત…
વિવેકાનંદ રૉક ગીત ગાયા પથ્થરોને
પદ્મનાભ વિષ્ણુ કોલ્લમ્ કંડાલ ઇલમ વેંડા
દરિયો દરિયો અનુવાદની કોઢમાં
પેરિયાર કાંઠેથી
જગદ્ગુરુની જન્મભૂમિ
પરશુરામની ભૂમિની વિદાય
બાર્ટનહિલ, તિરુઅનન્દપુરમ્
૩૦ ઑક્ટોબર, ૧૯૮૭

પ્રિય,

અહીં આવ્યા પછી તરત પત્ર લખવાની તારી આજ્ઞા હતી. તો આ પત્રમ્. પણ તને થશે કે તમે જવાના હતા તો ત્રિવેન્દ્રમ્ અને પહોંચી ગયા તિરુઅનન્દપુરમ્! એ જ ત્રિવેન્દ્રમ્. આપણા દેશનાં ઘણાં શહેરોમાં અંગ્રેજીકૃત નામોની જ આપણને જાણ છે. વડોદરા કહો તો કોઈ બહારનાને ક્યાં જલદી ખબર પડે છે? બરોડા કહેવું પડે. મુંબઈને બૉમ્બે અને ભરૂચને બ્રૉચ. એનું વળી હિન્દી રૂપ થઈ જાય ભડૌંચ. આ જ તો આપણી ખૂબી છે. ગઈ કાલે અહીં આવાં પરદેશી ભાષાની અસર નીચે બદલાઈ ગયેલાં વ્યક્તિનામો અને નગર-નામો વિષે ઘણી ચર્ચા થયેલી. તને તો ખબર છે કે આ અમારી ત્રણ અઠવાડિયાં સુધી ચાલનારી વર્કશૉપ અનુવાદના વિષેની છે. આઠ ભાષાના લેખકો અને અનુવાદકો એ માટે અહીં ભેગા થયા છે. એ આઠ ભાષાઓ એટલે ગુજરાતી, મરાઠી, સિંધી, કોંકણી અને તમિળ, તેલુગુ, મલયાલમ તથા કન્નડા.

ભારતીય ભાષાઓમાંથી થતા અને ભારતીય ભાષાઓમાં થતા અનુવાદના પ્રશ્નો વ્યવહારની ભૂમિકાએ ચર્ચવાનો ઉપક્રમ દિલ્હીની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ અહીં ગોઠવ્યો છે. તને જાણીને આનંદ થશે કે આ રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્ઘાટન આપણા કવિવર્ય ઉમાશંકર જોશીએ કર્યું હતું. ૨૪મી ઑક્ટોબરના દિવસે.

સાહિત્ય અકાદેમીના મંત્રી ઇન્દ્રનાથ ચૌધુરી આવ્યા હતા. પણ આ સમગ્ર શોર્ટ ટર્મ ઇન્સ્ટિટ્યૂટના નિર્દેશક અય્યીપ્પા પણિકર છે. એ પોતે મલયાલમના કવિ અને અંગ્રેજીના અધ્યાપક છે. એ અમદાવાદ આવી ગયેલા છે. અહીં ત્રિવેન્દ્રમ, નહીં તિરુઅનન્દપુરમ્‌માં બાર્ટન હિલ નામની સૌથી ઊંચી પહાડી પર આવેલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના સુવિધાપૂર્ણ ભવનમાં બધી કાર્યવાહી ચાલે છે. અમારી રહેવાની વ્યવસ્થા પણ અહીં જ છે. આ કેટલી સુંદર જગ્યા છે, એનું વર્ણન કરીને તારા મનમાં ઔત્સુક્ય જગાવવા નથી ઇચ્છતો. છતાં કલ્પના કર, કે મારી બારીમાંથી ત્રીજા મજલાની અને તે પણ ઊંચી પહાડી પર, આ ક્ષણે પશ્ચિમ ઘાટની નાતિઉચ્ચ ગિરિમાળાનો છેડો દેખાય છે. આવું તો ચિત્રમાં જોતાં હોઈએ છીએ. વચ્ચેનું એક શિખર જાપાનના ફ્યુઝિયામા પર્વતનો આકાર ધરાવતું લાગે છે. આ પશ્ચિમઘાટની પર્વતમાળા શરૂ થાય છે મહારાષ્ટ્રથી, પછી કર્ણાટક વીંધી, કેરલના કાંઠા સુધી વિસ્તરતી અહીં પહોંચી છે. આ પત્ર લખું છું એ ક્ષણે સૂરજના તડકામાં એ પહાડીઓના ખભે વરસાદનાં વાદળ સવાર થઈ રહ્યાં છે. એ પશ્ચિમઘાટની પર્વતમાળા અને આ બાર્ટન હિલ વચ્ચે માત્ર એક જ રંગનો ગાલીચો પથરાયેલો છે, અને તે રંગ છે લીલો. લીલંલીલો. જોયા વિના કલ્પી નહીં શકે. હિમાલયના કેટલાક વિસ્તારમાં દેખાતો લીલંલીલો જુદો અને આ જુદો. આ લીલો રંગ નાળિયેરી, કેળ, સોપારી વગેરેનાં વૃક્ષોનો છે. આ ટેકરી પરથી જોતાં એવું જ લાગે છે કે એકમાત્ર રંગ આ જગતમાં છે અને તે લીલો…

સિમલામાં સુંદર પહાડી હતી સમરહિલ. અહીં છે બાર્ટનહિલ. અંગ્રેજોની આ સૌન્દર્યદૃષ્ટિ છે.

લીલા રંગને ઘનનીલ કર્યે જાય છે વરસાદ. મેઘાલયના શિલોંગમાં વરસાદને તૂટી પડતો જોયો છે. અહીં પણ વરસાદ તૂટી પડે છે. ગઈ કાલની જ વાત. એમ તો આવ્યા છીએ ત્યારથી રોજ સાંજે વરસાદ પડે છે. પણ કાલે તો એણે હદ કરી. એક ઓરડામાં અમે સૌ ભેગાં મળી કવિતાની – સંગીતની ચર્ચા કરતાં હતાં. કન્નડાભાષી શ્રીમતી નિરુપમાએ કર્ણાટકી સંગીતના રાગોમાં ગીતગોવિંદ ગાવાની શરૂઆત કરી અને પછી જાણે એ ગાનને સાજનો સથવારો આપવાનો હોય એમ બારે મેઘ ખાંગા થયા. આપણે ત્યાં તો છેલ્લાં બે-ત્રણ વરસથી વરસાદને આમ મન મૂકીને વરસતો જોયો જ નથી, એટલે વરસાદનું આમ વરસવું એવું તો ગમ્યું! એના વરસવાનો ઘટ્ટ અવાજ ગીતગોવિંદના સ્વરો જેટલો કાનને ગમતો હતો. આવો વરસાદ પડે પછી બધે લીલંલીલું જ હોય ને! તેમાંય વિષુવવૃત્ત અહીંથી બહુ દૂર નથી. જોતજોતામાં જંગલ ઊગી જાય એવું લાગે.

આવું જ લાગતું હતું એર્ણાકુલમ્‌થી ગાડી બદલીને ત્રિવેન્દ્રમ્ પહોંચતાં. અમદાવાદથી ઊપડતી કોચીન એક્સપ્રેસમાં અમે નીકળ્યાં હતાં, એટલે એર્ણાકુલમ્ ગાડી બદલવી પડે. ત્યાંથી લગભગ સાગરને સમાંતર રેલલાઇન નીચે ઊતરે છે. સાગર દેખાય નહિ, પણ એ વરતાયા વિના રહે? કેરલ રાજ્ય પશ્ચિમ ઘાટની પહાડીઓ અને સાગર વચ્ચે આવેલું છે. એને ભાર્ગવભૂમિ એટલે કે પરશુરામની ભૂમિ પણ કહે છે. એ વિષે પછી લખીશ, પણ આ સાગરની વાત તો કરવી પડે. અરબી સમુદ્રનો આ છેડો. આ સાગરથી આથમણી દિશામાં આવેલો છે આફ્રિકાખંડ. જરા નીચે દક્ષિણમાં જઈએ એટલે કન્યાકુમારી આવે. ત્યાં ત્રણ સાગર ભેગા થાય છે. આ અરબી સાગર, હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર. ત્રણ નદીઓ મળે ત્યારે ત્રિવેણી કહીએ, પણ આ ત્રણ સાગર મળે ત્યારે? વેણીની કલ્પના તો કરી શકાય જ નહિ. કન્યાકુમારીના સાગરની વાત તો તને કરેલી છે. વિરાટની અનુભૂતિ આવાં સ્થળોએ થતી હોય છે. આ વખતે પણ અહીંથી ત્યાં જવાનો વિચાર છે, પણ વર્ષો પહેલાં એ ત્રિસાગરસંગમ જોયો હતો, ત્યારે યુવાવસ્થા હતી. સાહસ કરીને ખડકાળ સાગરતટે ઊછળતાં ભયંકર મોજાં વચ્ચે સ્નાન કર્યું હતું. એ વખતની માનસિકતા જુદી હતી, આજે જુદી હોય. એટલે એક ને એક સ્થળની યાત્રા માણસ બીજી વાર કરી શકતો નથી. યાદ છે? એક વખતે ચર્ચામાં કોઈ એક જ્ઞાનીની ઉક્તિ તને કહેલી – ‘એક માણસ એક જ નદીમાં બે વાર સ્નાન કરી શકતો નથી.’ મેં પૂછેલું – કેમ વળી? જવાબ હતો – નદી તો આપણે આપેલું નામ છે, બાકી એ તો વહેતું જળ છે. તમે ડૂબકી મારી બહાર આવો, ત્યાં નવું પાણી આવી ગયું હોય, એ જ સ્થળેથી બીજી વાર ડૂબકી મારો, પણ એ નદી એની એ નથી. એ તો ઠીક, ડૂબકી લગાવનાર પણ એનો એ નથી. તું કહીશ – આવું બધું તમે અસ્તિત્વવાદની ક્ષણની ચર્ચા કરતાં કહેતા હતા ખરા. ઘણી વાર આ બધું ખરું લાગે છે. ઘણી વાર સિદ્ધાંતચર્ચા.

જવા દે. તું કહીશ એક વખતે શિક્ષક એટલે હંમેશના શિક્ષક. તક મળી નથી કે ચર્ચા કરી નથી. હા, તો વાત સાગરની હતી. કેરલનો સાગરકાંઠો એટલો તો રમ્ય છે! એનાં ‘બૅકવૉટર’ની ચર્ચા સૌ પ્રવાસીઓ કરતા હોય છે. કેરલનો સાગરકાંઠો તો આપણે ‘ચેમ્મિન’ ફિલ્મમાં જોયો હતો. યાદ હશે જ. તગડી શિવશંકર પિલ્લાની એ નવલકથાની ફિલ્મને પ્રેસિડેન્ટ ઍવૉર્ડ મળેલો. અમદાવાદના રૂપાલી થિયેટરમાં એ અઠવાડિયા સુધી ચાલેલી. બપોરના હું જોઈ આવ્યો, પછી આગ્રહ કરીને તને સાંજના શોમાં લઈ ગયેલો. ફિલ્મ જોઈને તું કેટલી રાજી થયેલી! સારું થયું તમે આગ્રહ કરીને લાવ્યા – તેં કહેલું. આવું આવું તને ગમે છે એ હું જાણું ને! હા, તો કેરલના સાગરકિનારાના માછીમારોની જ એ વાત. એ ફિલ્મમાં જે સાગરકિનારો છે, તે કેરલનો છે. એ સાગરના અદ્ભુત રંગ હજી જોવાના છે. પણ વચ્ચે ક્વીલોન આવતાં એનાં બૅકવૉટર ગાડીના ડબ્બાની બારીમાંથી જોઈ મન પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું. લીલાશ વચ્ચે શાંત સ્થિર જળના પટ્ટા.

ત્રિવેન્દ્રમ્‌માં હજી ઘણું જોવાનું બાકી છે. બાકી શું, હજી એના વરસાદ વિના કશું ક્યાં જોયું છે? એનો સાગરતટ પણ રમ્યભવ્ય છે. શંખમુખમ્ એવું એ સાગરતટનું નામ છે. ત્યાં જઈશ એટલે એની વાત લખીશ. આ નગર વિષે પણ લખીશ. હિન્દુ, ખ્રિસ્તી અને મુસલમાન સંસ્કૃતિના સંગમ જેવું આ પ્રાચીન નગર છે. અહીંની સ્કાયલાઇન ઊંચાં ગિરજાઘરો, મસ્જિદના મિનારા અને પદ્મનાભસ્વામીના મંદિરના ઊંચા ગોપુરથી તથા ઊંચા યુનિવર્સિટી ટાવરથી રચાય છે. એ તો આ ઊંચી બાર્ટન હિલની ઇમારતની અગાશી ઉપરથી પણ જોઈ શકાય છે. પણ જોવાનાં તો છે અહીંનાં મોહિનીઅટ્ટમ્, કુડિયાટ્ટમ્ અને કથકલી નૃત્યો. એ જોયા વિના કેરલની સંસ્કૃતિને કેવી રીતે પમાય? ઘણી વાર થાય છે કે આપણા દેશને આપણે જોયો નથી, ઓળખ્યો નથી. ઓળખવા માગતા નથી. આપણે માટે દક્ષિણનું કહીએ એટલે બધું મદ્રાસી. ‘મદ્રાસી સૌન્દર્ય’ની ચર્ચા અમે હૉસ્ટેલ જીવનમાં કરતા. કોઈ શામળી છોકરી સુંદર હોય એટલે કોઈ છોકરો મદ્રાસ બ્યુટીનું અભિધાન આપે. પણ સમગ્ર દક્ષિણ એ મદ્રાસ નથી. અહીં આવીને જોઉં છું તો અમારી મદ્રાસી બ્યુટીની કલ્પના પણ કેટલી ભ્રાંતિમૂલક અને અજ્ઞાનજનક હતી!

ક્યાંથી ક્યાં આવીને ઊભો આ પત્ર! ‘પત્ર’ સાથે કવિ સુરેશ જોષીએ ‘છત્ર’નો પ્રાસ યોજ્યો છે. પત્ર વિરહ પર છત્ર ધરીને ઊભો છે એવી કલ્પના એમાં છે. આવું કોઈ છત્ર તને ધરવાનો ખ્યાલ આ પત્રમાં તો નથી.

ત્રિવેન્દ્રમ્ તિરુઅનન્દપુરમ્ – આ નામચર્ચાથી પત્ર લખવાની શરૂઆત કરી, ઘણી આડીઅવળી ઘણી વાતો આવી ગઈ. મારે તો માઈલો દૂર રહેલી એવી તું – એની સાથે વાત કરવી હતી. હા, પણ એક વાત લખીશ કે તારે વહેલામાં વહેલી તકે કેરલની યાત્રાનો કાર્યક્રમ ગોઠવવો જોઈએ. આ જો, તડકા વિસ્તરી ગયા છે, અને લીલા રંગે ઉજ્જ્વળતા ધારણ કરી છે. આ કોઈ પંખી ક્યારનુંય બોલી રહ્યું છે, અને બંધ બારણા બહારના ગલિયારામાં કોઈ વ્હિસલ વગાડતું ચાલ્યું જાય છે. બસ કરું.

વિવેકાનંદપુરમ્ : કન્યાકુમારી – તામિલનાડ

૪ નવેમ્બર, ૧૯૮૭

પ્રિય,

પત્ર લખ્યાના સ્થળનું નામ જોઈ તને જરા આશ્ચર્ય તો થશે કે હજી હમણાં એક પત્ર તો કેરલના તિરુઅનન્દપુરમ્‌થી લખ્યો હતો, અને કેરલનાં બીજાં સ્થળો વિષે, ખુદ ત્રિવેન્દ્રમ્ વિષે લખવાના હતા, ત્યાં તામિલનાડથી પત્ર?

પહેલાં તો એક સુધારો કરી લે. ગયા પત્રમાં તિરુઅનન્દપુરમ્ એવું લખ્યાનું સ્મરણ છે. તે ખરેખર તો તિરુવનન્તપુરમ્ જોઈએ. અહીં અનેક સ્થળે તિરુઅનન્તપુરમ્ પણ લખેલું જોવા મળે છે. તિરુનો અર્થ શ્રી થાય છે. અનન્તપુરમ્ એ અનંત નામે નાગદેવતાના નામ સાથે જોડાયેલું છે. આ નાગદેવતાના નગરમાં હજુ અમારો લાંબો નિવાસ છે, એટલે એ વિષે તો પછી લખીશ; પણ ગઈ કાલે બપોર પછી સેમિનારમાં મુક્તિ હતી; એટલે અહીં કન્નિયાકુમારી આવી ગયાં, અને એવો તો આનંદ થયો કે થયું, અહીંથી બે અક્ષર તો લખી જ નાખું.

આનંદ થવાનાં બે કારણ છે : એક તો ૧૦ દિવસની સતત બૌદ્ધિક ચર્ચા-પરિચર્ચા પછી એક બપોર પછી મુક્ત સમય મળ્યો. ભાગી છૂટ્યા પણ એ મોટી વાત નથી. ખરી વાત તો છે કન્નિયાકુમારીનાં દર્શનની. અદ્ભુત.

વન્ડરફુલ, વન્ડરફુલ, મોસ્ટ વન્ડરફુલ ઍન્ડ યેટ્ વન્ડરફુલ!…

શેક્સપિયરે એના કોઈ એક નાટકમાં ક્યાંક કોઈક પાત્રના મુખે આવો ઉદ્ગાર કરાવ્યો છે. અદ્ભુતની માત્રા વધતી ગઈ અને સૌથી અદ્ભુત કહ્યા પછી પણ અધૂરું લાગ્યું એટલે પછી એટલું જ કહ્યું – ઍન્ડ યેટ્ વન્ડરફુલ. અદ્ભુત એવું કે એને કોઈ વિશેષણ ન છાજે. શેક્સપિયરના આ ઉદ્ગારનો હું ઘણી વાર ઉપયોગ કરું છું. પણ તેથી શું? અમુક ભાવ વ્યક્ત કરવા માટે અમુક જ પંક્તિઓ સૂઝે તો શું પુનરાવર્તનની બીકથી ન બોલવી કે કહેવી?

‘ન પ્રેમીઓને પુનરુક્તિદોષ.’

કન્નિયાકુમારી, હા અહીં બધા એવું બોલે છે, અને લખે છે. પણ આપણે તો કન્યાકુમારી જ કહેતાં આવ્યાં છીએ. કન્યાકુમારી લાગે છે પણ સારું; એટલે હવે હું તો એ નામ જ લખીશ.

ટૂંકમાં મૂળ વાત, એક બપોર ખાલી મળી એનું નહીં, પણ આ સ્થળે આવીને ચિત્ત ચકિત ભ્રમિત થઈ જાય છે એનું મહત્ત્વ છે – એટલી વાત તારી સમજમાં આવે તો બસ. ‘ચકિત ભ્રમિત’ મેં વાપર્યું તો ખરું, પણ કંઈ વિશેષ ધારવાની જરૂર નથી. બરાબર ઠેકાણે છે ચિત્ત. પણ અદ્ભુતના આનંદથી છલોછલ છે, કહી શકાય કે છલકાય છે.

એમ તો ગયા પત્રમાં ત્રણ સાગરના સંગમ વિષે ઉલ્લેખ તો કર્યો હતો, પણ એ ત્રિસાગરસંગમના પુનઃદર્શનની વાત આ બીજા જ પત્રમાં લખવાની થશે, એ તો ખ્યાલ જ નહોતો. હવે જરા વાત ક્રમથી કરું.

બપોર મુક્ત હોવાથી કેટલાક મિત્રોએ તિરુવનન્તપુરમ્‌ના જગતપ્રસિદ્ધ કોવાલમ્ બીચ પર જવાનું નક્કી કર્યું. તિરુવનન્તપુરમ્‌થી દસ-બાર કિલોમીટર છે. અમે ચારેક જણાએ કન્યાકુમારી જવાનું વિચાર્યું. અમે જાહેર કર્યું હોત તો અમારું ટોળું મોટું થઈ જાત; પણ બીજા દિવસના બપોર સુધીમાં બધાથી ન પહોંચાય તો સેમિનારમાં ગાબડું પડી જાય. કન્યાકુમારી અહીંથી ૮૪ કિલોમીટર બહુ ના કહેવાય; પણ આવતાં મોડું થઈ જાય અથવા થોડું વધારે રોકાઈ જવાનું મન થઈ જાય તો? વળી રસ્તામાં જ આવે પદ્મનાભપુરમ્ – જૂના ત્રાવણકોર રાજ્યની ઐતિહાસિક રાજધાની અને શુચીન્દ્રમનું જગવિખ્યાત મંદિર. આવાં લોભાવનાર સ્થળો માર્ગમાં હોય એટલે એક વાર બહાર નીકળી પડ્યા પછી ક્યારે પાછા અવાય એનું કશું કંઈ કહેવાય નહીં.

કન્યાકુમારીના ‘આશીર્વાદ’ જ હોવા જોઈએ. આપણી ભાષામાં કહીએ તો તેમનો હુકમ થઈ ગયો હોવો જોઈએ. નીકળી પડ્યા. બાર્ટન હિલની ઊંચાઈએ પણ નીકળતાં જ રિક્ષા મળી ગઈ. એણે ચારે જણને બેસાડી પણ લીધાં. સામાનમાં તો અમારી પાસે થેલામાં એકાદ વધારાની જોડ કપડાં હતાં. જેવા અમે સ્ટેશને પહોંચ્યાં કે તરત કન્યાકુમારી જવા ઊપડું ઊપડું લક્ઝરી બસ મળી ગઈ અને તે પણ લગભગ ખાલી. અને જેવા વિવેકાનંદપુરમ્‌ના સ્ટૉપે ઊતરી વિવેકાનંદ કેન્દ્રમાં આવ્યાં કે તરત ચારને રહેવા માટે સુવિધાપૂર્ણ ઓરડો પણ મળી ગયો. થોડા અહીં લક્ઝુરિયસ ઓરડા છે. આમ તો આટલા જલદી મળતા નથી. વિવેકાનંદ કેન્દ્રમાં સરસ ભોજનગૃહ છે. જેવો નાસ્તો કરી બહાર આવ્યાં કે કેન્દ્રની બસ મળી ગઈ. વિવેકાનંદ કેન્દ્રની પોતાની બસ છે, જે યાત્રીઓને સાગરતટે, મંદિરે લઈ જાય છે. કેન્દ્ર કન્યાકુમારીના મંદિરથી ત્રણેક કિલોમીટર દૂર છે. જેવા સાગરતટે પહોંચ્યાં કે વિવેકાનંદ રૉક જવા ઊપડતી લૉન્ચ મળી ગઈ. આ બધું એવું ફટાફટ થતું ગયું કે, અમને બધાને થયું કે આ તો કન્યાકુમારીના આશીર્વાદ.

મેં બહુ ઝડપ કરી નાખી. મારે ત્રિવેન્દ્રમ્‌થી કન્યાકુમારીના માર્ગની વાત તો લખવી જ જોઈએ. આવાં સુંદર લૅન્ડસ્કેપ આપણા વૈવિધ્યબહુલ દેશમાં પણ ઓછા જોવા મળે. કેરલની એક બાજુએ સાગર છે, બીજી બાજુએ પશ્ચિમઘાટની ડુંગરમાળા. એ ડુંગરા પછી તો છેક કન્યાકુમારીના છેડા સુધી રહ્યા. માર્ગની બંને બાજુ હરિયાળી. નાળિયેરી પછી તાલવૃક્ષ. ડાંગરનાં તાજાં ચોપાયેલાં ખેતર, ક્યાંક ડાંગર ચોપાતી પણ હતી, કેડથી વાંકી વળી ડાંગર ચોપતી સ્ત્રીઓનું પ્રવાસીઓ માટે તો કાવ્યાત્મક દૃશ્ય. અહીંના લૅન્ડસ્કેપનો એક ભાગ જ. ક્યાંક લીલાકચ ધરુવાડિયામાંથી ધરુ ચૂંટાતું હતું, ક્યાંક હળ ફરતાં હતાં. જળથી છલોછલ ભૂમિ જોઈ આનંદ થાય. કેરલનું આ ઑક્ટોબર-નવેમ્બરનું બીજું ચોમાસું છે. પહેલું એક જૂન-જુલાઈમાં આવે છે. અમારી એક્સપ્રેસ બસ હતી, રસ્તા બહુ સારા. બારીમાંથી નજર અંદર લેવાની ઇચ્છા ન થાય.

અમે દેશના છેડા તરફ ધસી રહ્યાં હતાં. બસમાં બેઠાં બેઠાં ભારતનો નકશો યાદ કરી હવે નીચેનો છેડો આવવાને કેટલી વાર છે એની કલ્પના કરતો હતો. રસ્તાની બંને બાજુ ગામ, શહેર બહુ આવે. પદ્મનાભપુરમ્ આવ્યું. અહીંનો જૂનો મહેલ અને મંદિર જોવા આવવું પડશે. પછી વિજયાએ પૂછ્યું – હવે આપણે કેરલમાં કે તામિલનાડમાં? દેશના છેડાનો વિસ્તાર તામિલનાડમાં છે. લિપિ પરથી ખબર પડે. થયું તામિલનાડ આવી ગયું છે. કેરલમાં ગામનાં નામ મલયાલમ્, હિન્દી અને અંગ્રેજી ત્રણ ભાષામાં જોવા મળે. પછી બે જ ભાષા : તમિળ અને અંગ્રેજી. તામિલનાડમાં હિન્દીનો પ્રચંડ વિરોધ છે. લૅન્ડસ્કેપ થોડો બદલાયો હતો. નાળિયેરીનાં વૃક્ષો આછાં થયાં હતાં, તાલવૃક્ષો અને તે પણ આછાં આવતાં હતાં. પેલી પર્વતમાળા તો આંખોને મોહતી સાથે હતી. અનિલાબહેન ક્ષણે ક્ષણે રૂપ બદલતા એ પર્વતોને જોતાં ધરાતાં નહોતાં. એમને હતું કે, સાગરકિનારે કિનારે માર્ગ છે, તો સાગર દેખાવો જોઈએ, પણ સાગર દેખાતો નહોતો. સાગર પરથી વાતા પવનનો સ્પર્શ થયા કરતો હતો. ત્યાં શુચીન્દ્રમ્ આવ્યું. શુચીન્દ્રમ્‌ના મંદિરનું ઊંચું ગોપુર એમણે મને બતાવ્યું. વિજયા અને વીણા વાતોમાં મશગૂલ હતાં, પણ ગોપુર એમની નજરમાં પણ આવી ગયું.

હવે કન્યાકુમારી આવવામાં આજે સદ્ભાગ્યે દિવસ ખુલ્લો પણ હતો. ત્યાં એક સ્થળે બસ ઊભી રહી. જોયું વિવેકાનંદ કેન્દ્ર. અમે પણ એક ક્ષણમાં નક્કી કરી ત્યાં ઊતરી ગયાં. વિવેકાનંદ કેન્દ્ર અત્યંત સુંદર સ્થળ છે. કન્યાકુમારીનો ‘ફિલ’ લેવા માટે આ વિશાળ સ્થળમાં રહેવું જોઈએ. કેટલી બધી પ્રવૃત્તિઓ છે આ સંસ્થાની! કન્યાકુમારીના સાગરમાં સ્થાપેલું વિવેકાનંદ રૉક મેમોરિયલ પણ આ સંસ્થાને આભારી છે. અહીં પ્રવાસીઓ માટેના સમૂહ આવાસોનાં નામ ‘અયોધ્યા’, ‘કાશી’ એવાં એવાં છે. અમારા ઓરડાની બારીમાંથી સાગર દેખાયા કરે.

કેન્દ્રની બસ યાત્રીઓ પાસેથી કોઈ ભાડું લેતી નથી. બસે એકદમ સાગર પાસે લાવી દીધાં. સીધા સાગર પાસે. આ પત્ર સાથે ભારતનો નકશો સામે લઈ બેસ અને કન્યાકુમારીનું સ્થળ જો. એકદમ દક્ષિણ છેડે. નકશામાં જોઈશ – પશ્ચિમે એક બાજુ અરબી સાગર, દક્ષિણે હિંદી મહાસાગર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર. આ સ્થળ, આ બિંદુએ ત્રણ ત્રણ સાગર! હૃદય એકદમ ઊછળી રહ્યું. અમે ચારેય સાગરદર્શનથી અભિભૂત થઈ ઊભાં રહી ગયાં.

અદ્ભુત, અદ્ભુત… સૌથી અદ્ભુત અને છતાં અદ્ભુત! થોડી વાર અભિભૂત થઈને ઊભાં. પછી ઝડપ વધારી આડાઅવળા માર્ગોમાં પ્રવાસીઓની ભીડ વચ્ચે થઈ અમે લૉન્ચમાં જવા ટિકિટ લેવાના કાઉન્ટર પર પહોંચી ગયાં. હમણાં જ એક લૉન્ચ તો ઊપડી ગઈ હતી. પંદર મિનિટ પછી બીજી ઊપડશે. અમને હવે ધરપત થઈ. થોડી વારમાં લૉન્ચ આવી અને અમે તેમાં બેસી ગયાં. લૉન્ચ ઊપડી એટલે વિજયાએ કહ્યું – ‘ભારતની ધરતી પરથી વિદાય!’

સાચે જ અમે ભારતની ધરતીથી દૂર સરી રહ્યાં હતાં, એવો ભાવ થવો સ્વાભાવિક હતો. ચારે બાજુએ હવે સાગર જ સાગર. અદ્ભુત! પણ આ પત્રમાં આટલેથી અટકું. ટપાલ નીકળવામાં છે.

પ્રિય,

કન્યાકુમારીથી લખેલો પત્ર અધૂરો રહ્યો હતો. ત્યાંથી તરત બીજો પત્ર લખવાનું ધાર્યું હતું, પણ પ્રવાસમાં ધારેલા કાર્યક્રમોમાં અડચણો આવી જવાની. કન્યાકુમારીથી સીધા ત્રિવેન્દ્રમ્ આવવાને બદલે વચ્ચે શુચીન્દ્રમ્‌ના ઇતિહાસપ્રસિદ્ધ ભવ્ય મંદિરને જોવાનો કાર્યક્રમ ગોઠવ્યો અને પછી પત્ર લખવાનું રહી ગયું અને અહીં આવ્યા પછી તો સવારથી સાંજ આ અનુવાદકોની વર્કશૉપમાં ગૂંથાઈ જવાતું. દરમ્યાન ભારે વરસાદ. ઘનઘોર. બારી પાસે બેસી બહાર ઊંચાં વૃક્ષોમાં પડતો વરસાદ જોયા કરવાનું મન થાય. એક ગુલાબી ચંપાનું ઝાડ છેક મારી બારીએ અડેલું છે. તેનાં મોટાં પાંદડાં પર પડતો વરસાદ અનાદિકાળના નાદલયમાં જાણે લઈ જતો ના હોય! તને થશે કે તમને વરસાદનો અવાજ અને પવનનો અવાજ અને સાગરનાં મોજાંનો અવાજ બહુ ગમે છે અને જ્યારે ને ત્યારે એની વાત કર્યા કરો છો – પણ આ બધી વસ્તુઓ આપણી સૌંદર્યચેતનાને એવી તો આપ્લાવિત કરી દે છે કે…

શબ્દો ના આવ્યા એટલે વાક્ય એટલે જ છોડી દઉં છું. વચ્ચે જરા ગમ્મતની વાત કરી લઉં. પરમ દિવસે અહીંના ‘મલયાલમ્ મનોરમા’ અખબારમાં મારો એક મોટો ફોટો છપાઈ ગયો. હિન્દીની એક સભામાં વાર્તાલાપ આપવા ગયેલો. બીજા બે હિન્દી અધ્યાપક મલયાલમ્ ભાષી માધવન્ પિલ્લૈ અને મરાઠીભાષી સાને સાથે હતા. પ્રવચન કરતો મારો ફોટો જોઈ મને હસવું આવી ગયું. કેટલું નાનું પ્રવચન! ફોટો કેટલો મોટો! ‘મલયાલમ્ મનોરમા’ બહુ મોટો ફેલાવો ધરાવતું અખબાર છે. અહીં છાપાં અને સાપ્તાહિકોનો ફેલાવો આપણી કલ્પના બહારનો છે. એવી અહીંના પાઠકોની રુચિ, જાગૃતિ છે. ‘મલયાલમ્ મનોરમા’ની પાંચ-છ લાખ નકલો છપાય છે. બીજું એક ‘માતૃભૂમિ’ સાપ્તાહિક છે. તેની ચાર લાખ નકલો છપાતી હશે. પુસ્તકો પણ ચપોચપ વેચાય.

પરંતુ બીજી વાત પર ચઢી જવાયું. આત્મપ્રશંસાની તક મળે તો કોઈ જવા દે ખરું? એટલે હવે પેલા અધૂરા પત્રને પૂરો કરું, પણ દાર્શનિક રીતે દરેક પત્ર અધૂરો જ રહે છે. અને આ પત્રનું પણ એમ જ માનવું.

ગયા પત્રમાં કન્યાકુમારીના સાગરમાં આવેલા વિવેકાનંદ રૉકની આગળ વાત અટકેલી. આ વિવેકાનંદ રૉક ભૂમિકિનારાથી અંદર જરા દૂર સાગરમાં છે. કહે છે કે ગઈ સદીના છેલ્લા દસકામાં સ્વામી વિવેકાનંદ અહીં આવેલા. ૧૮૯૨ કે ૧૮૯૩નો શિયાળો હતો. સાગરમાં ડોકિયું કરીને યુગોથી અચલ આ ખડક સુધી તરીને ગયા અને ત્યાં બેસીને એમણે ધ્યાન કરેલું. એ ધ્યાન હશે આપણા દેશના બાંધવોના કલ્યાણનું. કન્યાકુમારીમાં મળતા ત્રણે સાગર અહીં દિનરાત ઊછળતા રહે છે – સ્વામીજી સાગરનાં મોજાં પાર કરી ખડક સુધી પહોંચ્યા હશે એવી કલ્પના કરતાં રોમાંચ થઈ આવ્યો.

અમે તો ફટાફટ પહોંચી ગયાં સ્ટીમલૉન્ચ દ્વારા. વિવેકાનંદ રૉક પર પહોંચતાં એવું લાગ્યું કે હવે આપણે ભારતભૂમિથી વિખૂટાં પડી ગયાં. વિજયા કે વીણાએ કહ્યું પણ ખરું કે દેશનો કિનારો આપણે છોડી દીધો. કાકાસાહેબ કાલેલકરે કન્યાકુમારી વિષે એક સુંદર નિબંધ લખ્યો છે, તે વાંચ્યો જ હશે. એમણે એમના નિબંધમાં ભૂમિથી વિખૂટા પડવાની વાતનો ભાવ લખ્યો છે, એવું સ્મરણ છે. વિવેકાનંદ રૉક પર પહોંચતાં એક જાતની શાતાનો અનુભવ થાય છે. આપણાં યોગશાસ્ત્રોમાં સિદ્ધશિલાઓની વાત આવે છે. સ્વામીજીએ પોતાના ધ્યાનથી આખાય ખડકને સિદ્ધશિલા બનાવી દીધો ન હોય! અહીં યાત્રીઓની અવરજવર રહ્યા જ કરે છે, પણ આખાય સડકમાર્ગ પર પવિત્રતાની અસર વર્તાય એટલી સ્વચ્છતા જળવાય છે.

અહીં સ્વામી વિવેકાનંદની કાંસાની ભવ્ય મૂર્તિ છે – એમની પેલી અદબ વાળેલી પ્રસિદ્ધ મુદ્રામાં. પણ અહીં વધારે આકર્ષણીય તો છે ધ્યાનખંડ. આછા અજવાળામાં થોડી વાર પણ બેસતાં શાંતિ અનુભવાય. નજર સામે ઓમ્ ઝબક્યા કરે. અમે સૌ થોડી વાર ત્યાં બેઠાં. સદ્ભાગ્યે યાત્રીઓની અવરજવર એ મિનિટોમાં અટકી ગઈ હતી.

ત્યાંથી બહાર નીકળી બધી દિશાઓમાં વિસ્તીર્ણ ઊછળતા અબ્ધિને જોયા કર્યો. આપણે ભલે ત્રણ દિશાઓના ત્રણ સાગરને જુદાં જુદાં નામ આપ્યાં, પણ સાગર તો એ જ ને! અહીં બીજી – ગમ્મતની વાત થઈ. અનુવાદની અમારી કાર્યશાલામાં ભાગ લેનાર સૌને અનુવાદ માટે રવીન્દ્રનાથની એક અંગ્રેજીમાં અનૂદિત કવિતા અને એક અંગ્રેજી નવલકથાનાં પાનાં આપવામાં આવેલાં છે. રવીન્દ્રનાથની કવિતા છે ‘નિરુદ્દેશ યાત્રા’નો અંગ્રેજી અનુવાદ – ‘ધ ડેસ્ટિનેશન અનનોન.’ અંગ્રેજી નવલકથા છે, આઇરિશ મર્ડોકની ‘ધ સી ધ સી.’ એમાંથી એક લાંબો ખંડ લેવામાં આવ્યો છે. આઠ ભાષાના દરેક જણ પોતાની ભાષામાં એનો અનુવાદ કરે. આ બંને કૃતિઓમાં આકસ્મિકપણે જ સાગરવર્ણન કેન્દ્રમાં છે : એક એક કૃતિના લગભગ ૩૦ જેટલા અનુવાદો થયેલા છે અને તેની ચર્ચા એવી રીતે થાય છે કે બધાને બધી પંક્તિઓ મોઢે થઈ જાય. એ સાગરનાં વર્ણનોના ખંડકો કન્યાકુમારીના સાગરને અનુલક્ષીને અમે વર્ણવતા જઈએ, અને હસી પડીએ. વિજયાનું હાસ્ય કોઈ સ-રવ ફૂલ વેરતું હોય એમ વેરાતું જાય.

સાંજ પડવામાં આવી હતી. પછી અમે સૌ ચૂપ બની, સાગરને, સાંજને, સાંજ-સાગરના સંગમને અનુભવી રહ્યાં. પોણા છ વાગ્યે છેલ્લી લૉન્ચ ખડક પરથી પાછી જાય છે. અમે પાછાં વળી ગયાં. હવે અમારે ઝટપટ ચાલી એવે સ્થળે જવું જોઈએ, જ્યાંથી સાગર પર સૂર્યાસ્તનાં દર્શન થાય. અમને હતું કે કદાચ સૂર્ય હમણાં ડૂબી જશે.

પણ અમે સાગરકિનારા પરના ગાંધીસ્મારક પાસે પહોંચ્યાં. ત્યારે સૂર્ય હજી હતો. ગાંધીસ્મારક બરાબર સાગરને અડીને બાંધેલું છે. કન્યાકુમારીના દરિયા ભણી આવીએ કે પહેલું આપણી નજરમાં એ જ પડે. ૧૯૩૭માં ગાંધી અહીં આવેલા, અને કન્યાકુમારી આગળ ત્રણ સાગરનો સંગમ જોઈ એમણે કેવો ઉદ્ગાર કર્યો છે?—

‘અહીં ભૂશિરને છેડે, સમુદ્રની સન્મુખે જ્યાં ત્રણ પાણી મળે છે અને સારી દુનિયામાં એક બેનમૂન દૃશ્ય રચે છે, ત્યાંથી લખું છું. અહીં કોઈ બંદરની જેમ વહાણો નંગરાતાં નથી. કન્યાકુમારીની જેમ આ કિનારાનાં પાણી પણ કુંવારાં છે. આ નિર્જનસ્થળ ધ્યાન માટે સૌથી યોગ્ય છે.”

તને મેં આ ગુજરાતીમાં લખ્યું, તે મૂળ તો મારી પાસે અંગ્રેજીમાં છે. અંગ્રેજી તને આપું? અનુવાદ બરાબર છે કે નહિ, કહેજે. હમણાં તો દરેક વસ્તુમાં અનુવાદ લવાય છે! I am writing this at the cape in front of the sea where three waters meet and furnish a sight unequalled in the world. For this is no port of call for vassels. Like the Goddess of waters, the waters are virgin. The cape has no population worth the name. The place is eminently fitted for contemplation.

જીવનપ્રિય કાકાસાહેબે તો કહેલું જ છે કે… કન્યાકુમારીમાં એમણે જે ભવ્યતા અનુભવી છે, તેવી ભવ્યતા હિમાલય અને ગાંધીજીના જીવનને છોડીને બીજે ક્યાંય અનુભવી નથી.

અમે ગાંધીસ્મારક પાછળના ખડકો પર પહોંચી ગયાં, જ્યાં સાગરનાં મોજાં આવી ખડકાળ કાંઠે અફળાઈ પાછાં જતાં હતાં, થોડો રેતીપાટ પણ હતો. અનેક લોકો અસ્ત થતા સૂર્યનું ભવ્ય દૃશ્ય જોવા આવ્યા હતા.

પરંતુ કોઈ પણ સમારંભ વિના સૂર્ય ડૂબી ગયો. માત્ર પશ્ચિમ સાગરમાં લાલાશ પથરાઈ રહી. અનિલાબહેને સાગરસૂર્યના સંગમને ફોટામાં લેવાનો પ્રયત્ન કર્યો છે.

સ્નાન કરવું હતું, પણ ડર લાગતો હતો. અંધારું પણ થવા આવ્યું હતું. પણ છેવટે સ્નાન કરી લીધું. મોજાંમાં રેત વધારે આવતી હતી. સ્નાન પછી અમે કન્યાકુમારીનાં દર્શને ગયાં. કન્યાકુમારીનાં દર્શને જતાં પુરુષોને સીવેલ કપડાં પહેરાય નહીં. ત્રિવેન્દ્રમ્‌થી નીકળતાં જ એક કન્નડભાષી મિત્ર શારદાપ્રસાદે લુંગી આપેલી, તે પહેરી લીધી અને ઉઘાડે બદને બધાં સાથે દર્શન કરવા ઊપડ્યાં. બહેનોને કપડાંનો વાંધો નહિ. મંદિર બેઠા ઘાટનું પણ રમ્ય છે. અંદર દીપાવલિ વચ્ચે કુંવારી કન્યાનાં દર્શન કર્યાં. મંદિરના અંદરના ભાગમાં વીજળીના દીવા હજી આવ્યા નથી. ભીડ નહોતી એટલે દર્શન સારી રીતે થયાં, પણ મૂર્તિ સ્પષ્ટ દેખાય નહીં. શતાબ્દીઓથી આ મૂર્તિની પૂજા થતી આવે છે. અંધકારમાં બળતા દીવાની, ફૂલોની અર્ઘ્ય સામગ્રીની સાથે ધૂપની વાસ અને નજીકના દરિયાનો ભેજ, પૂજારી તથા ભક્તોનાં ઉઘાડાં શરીરોની વાસ – આ બધાંથી ગર્ભગૃહ ઘ્રાણેન્દ્રિય પર એક અસર મૂકી જાય. કન્યાકુમારી અર્થાત્ અહીંના ઉચ્ચારણ પ્રમાણે કન્નિયાકુમારી એટલે પાર્વતી. લગ્ન પૂર્વે શિવની પ્રતીક્ષામાં રત પાર્વતી. ઉત્તરસ્થિત પર્વતરાજ હિમાલયની પુત્રી અહીં છેક દક્ષિણ બિન્દુને છેડે!

તને ખબર છે કન્યાકુમારીની એ કથાની?

એક રાક્ષસે શિવને પ્રસન્ન કરી એવું વરદાન માગેલું કે અમુકથી ન મરું, તમુકથી ન મરું. એમ ઘણી રીતો ગણાવી. એમાં એણે કુંવારી કન્યાનું નામ ન ગણાવ્યું. બિચારાને શી ખબર? પણ પછી તો એ લોકોને પીડવા લાગ્યો. શિવે જ પાછો એનો ઉપાય કરવો પડ્યો. પાર્વતીને કુંવારી કન્યા રૂપે અવતરવા કહ્યું. લલિતાદેવી રૂપે અવતરી પાર્વતીએ રાક્ષસને હણ્યો; પછી શિવ સાથે નક્કી કર્યા પ્રમાણે હાથમાં કંકુ-ચોખા લઈ એમની રાહ જોતાં ઊભાં. શિવે કહેલું કે, જેવો એનો વધ થશે કે હું આવી પહોંચીશ. નીકળ્યા પણ ખરા, પણ રસ્તામાં દુર્વાસા મળતાં એમના સ્વાગતમાં સમય વીતી ગયો, મુહૂર્ત નીકળી ગયું, કલિયુગ બેસી ગયો. પછી તો દેવી હાથમાંથી કંકુ-ચોખા ફેંકી ત્યાં જ ઊભાં છે. કલિયુગ ક્યારે પૂરો થાય?

કુંવારી કન્યાની વાત હૃદયસ્પર્શી છે. એમનાં દર્શન કરતાં કથા યાદ આવે. સૈકાઓથી એમની પૂજા થતી આવે છે.

અમે મંદિરની અંદરના ભાગમાં પ્રદક્ષિણા કરી. પછી બહાર નીકળ્યાં. અંધારામાં સાગર ઘૂઘવતો હતો, ત્યાં એક પાળ ઉપર જઈ બેઠાં. પછી પાછા વળતાં બન્ને બાજુ મંડાયેલા હાટમાંની ચીજવસ્તુઓ જોવાનું પ્રલોભન બહેનો કેવી રીતે ખાળી શકે? શંખ, છીપલાં, શંખની બંગડીઓ, છીપલાંની માળાઓ, નાળિયેરીનાં પાંદડાંની કલાત્મક ચટાઈઓ, પર્સો – યાદગીરી માટે શું લેવું અને શું ન લેવું? બાર્ગેઇન કરવી પડે, નહિતર છેતરાઈ જવાય. અ.એ એક ચટાઈવાળાને ચટાઈની કિંમત પૂછી. એણે જે કિંમત કહી એનાથી અડધી કિંમત એમણે કહી. પેલાએ આપી દીધી! હવે એ વજન વીંઢાળો છેક સુધી. નારીકેલપર્ણનાં નાનકડાં પર્સ લીધાં છે. તને તો ગમી જશે.

સાગરરાજને વંદન કરી પછી અમે ચાલતાં ચાલતાં વિવેકાનંદ કેન્દ્ર પર પહોંચી ગયાં. ચંદ્રનું અજવાળું પથરાયું હતું. થાક લાગ્યો હતો છતાં કેન્દ્રના ખુલ્લામાં ફરવાનું બધાંને ગમ્યું. ભવ્ય સાગરનાં દર્શનના અનુભવ પછી વિશેષ.

વિવેકાનંદ કેન્દ્ર પણ સાગરતટે છે. જરા દૂર સુધી ચાલવું પડે. જમ્યા પછી અમે એ દિશામાં ચાલવા માંડ્યું, પણ પછી એવું સૂચનાવાક્ય વાંચ્યું કે સાંજના સાત પછી અહીંથી આગળ જવાની મનાઈ છે. સવારમાં સૂર્યોદય જોવા અહીં આવીશું, એમ વિચારી અમે પાછાં વળી ગયાં અને એક સ્થળે બેસી આરામ કર્યો. અમારી બારીમાંથી દિવસે સાગર દેખાતો હતો. અત્યારે ક્યાંથી દેખાય? પણ એ તો ગરજતો ઊછળી રહ્યો હશે, ભલે આપણે સૂઈ જઈએ.

તેં હિમાલયને તો ભિન્ન ભિન્ન સ્થળેથી જોયો છે, પણ તારે આ કન્યાકુમારીના સાગરને જોવા તો આવવું રહ્યું!

વન્ડરફુલ!

અટકું હવે…

પ્રિય,

પત્ર વાંચવા ગમે એટલી તું અધીર બની ગઈ હો તોપણ પહેલાં મેં તને આપેલો ભારતનો પેલો ફોલ્ડિંગ નકશો ખોલીને બેસ. અહીં આવતાં પહેલાં આપણે સાથે બેસીને મારી રેલયાત્રાનો માર્ગ અને કેરલનાં દર્શનીય સ્થળો પર આંગળી ફેરવીને ચર્ચા કરી હતી. તેં આશ્ચર્યથી કહ્યું હતું – આ કેરલ તો બીજાં રાજ્યોની સરખામણીમાં કેટલું નાનું છે!

ખરી વાત છે. મધ્યપ્રદેશના ભૌગોલિક વિસ્તાર પર નજર નાખ. એ લગભગ સાડા ચાર લાખ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે, જ્યારે કેરલનો વિસ્તાર પૂરા ચાલીસ હજાર કિલોમીટર પણ નથી. (આપણું ગુજરાત લગભગ બે લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે.) પણ તને આશ્ચર્ય થશે, બધાં રાજ્યોમાં સૌથી ગીચ વસ્તી કેરલમાં છે. આટલા પ્રમાણમાં નાના વિસ્તારમાં અઢી કરોડ કરતાંય વધારે વસ્તી છે. એટલે કે દર ચોરસ કિલોમીટરે ૬૫૫ માણસની વસ્તી થઈ! એ પણ તને કહું કે શિક્ષણની બાબતમાં આખા દેશમાં કેરલ સૌથી પહેલું છે. અહીં ૭૦ ટકા અક્ષરજ્ઞાન છે. પેલા મધ્યપ્રદેશમાં ૨૮ ટકા છે. (આપણા ગુજરાતમાં છે ૪૪ ટકા!) જોકે કહેવું જોઈએ કે ૧૯૫૬માં ભાષાવાર રાજ્યો થયાં ત્યાં સુધી અલગ કેરલનું અસ્તિત્વ જ નહોતું. કેરલ તો બન્યું અત્યંત પ્રગતિશીલ એવા ત્રાવણકોર રાજ્ય, કોચીન વિસ્તાર અને મલબાર કિનારો મળીને. (નકશો! નકશો!) બીજી એક વાતમાં પણ કેરલ પ્રથમ છે. ચૂંટાયેલી સામ્યવાદી સરકાર આખી દુનિયામાં આ રાજ્યમાં સૌથી પહેલી હતી.

આ બધા આંકડા પત્રમાં લખવા બેસી ગયો, પણ આ તો તને જરા ખ્યાલ આપવા. ‘શિક્ષકનો જીવ’ તું કહીશ પણ ખરી. ભલે તો તેમ. ‘પડી ટેવ તે તો કેમ ટાળી?’ આ કહેવત તારી એક વિચિત્ર ટેવ અંગે મેં તને વારંવાર કહેલી છે.

પણ નકશો લઈને બેસવાની જ્યારે મેં તને વાત કહેલી, ત્યારે હું બીજી વાત કહેવા માગતો હતો. તિરુવનન્તપુરમ્‌થી એટલે કે ત્રિવેન્દ્રમ્‌થી લખેલા પહેલા પત્રમાં મેં તને લખ્યું હતું કે આ કેરલના ભૂભાગને ભાર્ગવભૂમિ એટલે કે પરશુરામની ભૂમિ તરીકે પુરાણોમાં ઓળખાવાય છે. એની એક પૌરાણિક કથા છે.

કથા એમ છે કે સગર રાજાના યજ્ઞનો ઘોડો ઇન્દ્રે ચોરી કપિલમુનિના આશ્રમમાં બાંધી દીધેલો. સગરના સાઠ હજાર પુત્રો ઘોડાને શોધતા પૃથ્વી ખોદતા પાતાળ સુધી પહોંચ્યા. એથી સાગરનાં પાણી ધરતી પર આવ્યાં. એટલે ગોકર્ણનું મંદિર (નકશામાં આ તીર્થ ગોવાની નીચે કારવાર પાસે છે, તે જો.) પાણીમાં ડૂબી ગયું. ભક્તોએ સહ્યાદ્રિ પર્વત પર તપ કરતા પરશુરામને વિનંતી કરી. પરશુરામ ગોકર્ણ પહોંચી ગયા. એમણે જળના દેવતા વરુણને આજ્ઞા કરી કે અહીંથી હટી જા. પણ પાણી હઠે જ નહિ. પરશુરામે હાથમાં ધનુષબાણ લીધાં અને દરિયાનું પાણી તપ્ત થઈ ઊકળવા લાગ્યું. આખરે વરુણે કહ્યું કે તમે કહેશો તેમ કરીશ. પરશુરામે કહ્યું કે હું મારું પરશુ દક્ષિણ તરફ ફેંકું છું. એ જ્યાં જઈને પડે ત્યાં સુધીની જમીન તારે ખાલી કરવી. વરુણે સંમતિ આપી એટલે પરશુરામે દક્ષિણ દિશામાં પરશુ ફેંક્યું. તે છેક કન્યાકુમારી જઈને પડ્યું. (નકશામાં તું કારવારથી કન્યાકુમારીની પટ્ટી જો.) એટલા ભાગમાંથી દરિયો હટી ગયો. પેલું મંદિર તો બચી ગયું, પણ પછી જે જમીન ખુલ્લી થઈ એ જ આ કેરલ. પછી તો એ જમીન પરશુરામે બ્રાહ્મણોને વહેંચી દીધી.

તને થશે કે વૈજ્ઞાનિક આંકડાથી તમે પૌરાણિક કથામાં સરી ગયા. પણ આ બધી પ્રાગૈતિહાસિકતા પહેલાંની પૌરાણિકતા છે, એમાં કંઈક તો સારાંશ હશે. સંભવ છે કે જળમગ્ન રહેતી આ ભૂમિને પરશુરામે કૃષિયોગ્ય બનાવી હોય. પણ એમ પૌરાણિક વાતોનાં અર્થઘટનમાં જવાની જરૂર નથી. માનવી હોય તો માનવી, નહિતર કપોલકલ્પિત કથા. ગમે તેમ આ ભૂ-ભાગ બહુ ફળદ્રુપ છે. વિવિધતાભર્યો છે. એક બાજુ પશ્ચિમ ઘાટની પર્વતમાળા, બીજી બાજુ પશ્ચિમે સાગર. ઘનનીલ જંગલોનો વિસ્તાર પણ ઘણો છે. મેં તને પહેલા જ પત્રમાં કેરલના લીલંલીલા રંગની વાત લખી હતી ને! નાળિયેરી, કેળની વાત પણ લખી હતી. પણ કેરલ પ્રાચીન કાળથી વિદેશોમાં પ્રસિદ્ધ તે તો એલચી, મરી, તજ, લવિંગ વગેરે તેજાનાની પેદાશથી. અંગ્રેજીમાં એલચીને ‘કાર્ડમમ’ કહે છે. એ નામ કેરલની કાર્ડમમ નામની ટેકરી પરથી મળ્યું છે; ત્યાં એલચીની પેદાશ સારી એવી છે. અહીં કાજુનાં પણ ઝાડ છે. તને કાજુ બહુ ભાવે છે એ જાણું છું અને આવતી વખતે લેતો આવીશ. પણ આ બધી ચીજો અહીં બહુ સસ્તી છે એમ ના માનવું. અહીં નાળિયેર બહુ થાય છે. પણ ભાવ તને ખબર છે? એક લીલા નાળિયેરનું પાણી પીવું હોય તો રૂપિયા સાડા ત્રણ. પેલી વાર્તામાંના લોભિયાની જેમ છેક નાળિયેરીના ઝાડ નીચે ઊભા રહીને માગો તોયે કિંમત ઓછી નહિ. સાડા ત્રણ રૂપિયા. અને કેળાંનો ભાવ? નાના ટૂંકા એક કેળાના ચાલીશ કે પચાસ પૈસા! આપણે ત્યાં જે સામાન્ય કદનાં કેળાં છે, તે એક કેળું સિત્તેર-એંશી પૈસાથી ઓછું ન મળે! પણ એક વાત કહું : અહીં અનેક જાતનાં અને અનેક સ્વાદનાં કેળાં મળે છે. એમાં અતિ સ્વાદિષ્ટ અને મોટું કેળું દોઢ-બે રૂપિયામાં એક મળે. મારા ઓરડાના સાથી કર્ણાટકના કોંકણીભાષી ફાધર માર્ક વાલ્ડર છે. આજે જ આવાં મોંઘાં કેળાં મારે માટે લઈ આવ્યા છે. હિન્દીમાં ‘લલછૌહાં’ કહીએ એવો સુંદર એ લાંબા કેળાની છાલનો લાલાશ પડતો રંગ છે! એ જાતનાં કેળાંની ચિપ્સ થાય છે, અને બહુ વેચાય છે. જૈનોની ભાષામાં આ ચિપ્સ એટલે ખડખડિયાં!

પાછો બીજી જ વાત પર ચઢી ગયો, એટલે હવે આડીઅવળી વાત બંધ. પણ તને પત્ર લખતાં આવું જ થાય. જેમ રોજબરોજ ગપ્પાં મારવાં બેસીએ, અને એમાં કોઈ ક્રમ ન જળવાય એના જેવું, ક્યાંની વાત ક્યાં પહોંચી જાય!

તે દિવસે વહેલી સવારે જાગી ગયાં. કન્યાકુમારીના સાગરમાંથી ઊગતા સૂર્યને જોવો હતો, ચાલતાં ચાલતાં પ્રભાતના સાગરતટે. આખી રાત ગર્જન કર્યા કરવા છતાં સાગર પ્રફુલ્લિત લાગતો હતો. પૂર્વાકાશમાં આભા પથરાઈ હતી, પણ રંગછટા આ સવારે પણ ન પ્રકટી અને સૂર્યબિંબ જળ ઉપર તરી રહ્યું. થોડી વારમાં તો ઊંચે આકાશમાં. પછી સાગરતટે થોડું ભ્રમણ કરી આવાસમાં પાછા આવી તરત પાછી નીકળી પડ્યાં. તને સાચું કહું? શુચીન્દ્રમ્ જવાનો અમારો કાર્યક્રમ જ ત્યારે નહોતો. વહેલી સવારની બસ પકડી તિરુવનન્તપુરમૂમ્‌માં પહોંચી જવું. કોઈ કહેતું નહોતું, પણ દરેકના મનમાં શુચીન્દ્રમ્ જોવાની ઇચ્છા. કેન્દ્રની બસમાં સ્વચ્છ સુંદર બસ-સ્ટૅન્ડ પર પહોંચ્યાં, એટલે તિરુવનન્તપુરમ્‌ની ડાયરેક્ટ બસની વીસેક મિનિટની વાર હશે, ત્યાં શુચીન્દ્રમ્ જતી બસ હતી.

બધાંએ એકબીજાની સામે જોયું અને પૂર્વનિર્ણીત હોય, એમ એમાં બેસી ગયાં!

આવી ગયું શુચીન્દ્રમ્. નકશામાં જો, કન્યાકુમારીથી જરા જ ઉપર. શુચીન્દ્રમ્ દેખાશે. આ પત્રમાં મૂલ વાત તો એની લખવી હતી, પત્રની પ્રસ્તાવના જ લાંબી થઈ ગઈ.

શુચીન્દ્રમ્ ગામની પાદરમાં પલયાર નદી વહે છે. પણ વરસાદને કારણે નદીનાં મટમેલાં પાણી છે. શુચીન્દ્રમ્ ગામની શાંત ગલીઓ વટાવતાં અમે મંદિરના પ્રવેશદ્વારે પહોંચ્યાં. કશી ભીડભાડ નહિ. પ્રવેશદ્વારે જ એક કિશોર મળ્યો. કહે – હું મંદિર બતાવીશ. પહેલાં જ આપણને સાંભળવા મળે સ્થળપુરાણની કથા. આ એ સ્થળ છે, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે અતિથિ રૂપે જઈ મહાસતી અનસૂયા પાસે એ નગ્નાવસ્થામાં ભિક્ષા આપે એવી માગણી કરેલી. પછી અનસૂયાજીએ તો એ ત્રણેને બાળક બનાવી દીધા, અને નગ્ન થઈ ભિક્ષા આપી. પણ પછી એ ત્રણેને ઘોડિયામાં સુવાડ્યા. પછી ત્રણેયની પત્નીઓ આવી. સતીએ ત્રણે ‘પ્રભુઓ’ને બાલ્યાવસ્થામાં મુક્ત કર્યા, એક શરતે કે ત્રણે દેવોએ ત્રિમૂર્તિ રૂપે અહીં વસવાટ કરવો. આ મંદિરના લિંગમાં ત્રિમૂર્તિની કલ્પના છે. બીજી એક કથા પ્રમાણે અહલ્યા સાથેના જારકર્મથી શાપિત ઇન્દ્રની અહીં શાપમુક્તિ થયેલી એટલે શુચિ-ઇન્દ્રમ્-શુચીન્દ્રમ્ નામ.

ફરી પાછી પુરાણકથા. પણ તારે માનવી હોય તો માન; પરંતુ આ મંદિર સાચે જ ભવ્ય છે. કેરલ મહારાજા માર્તંડ વર્માએ આ મંદિર બંધાવેલું. અમે તો મંદિર બહાર ગોપુરમાં કોતરાયેલી મૂર્તિઓ જોઈને જ મોહિત થઈ ગયાં – કેમ ન થઈએ? એક મૂર્તિ તો હતી મુરલીવાદક ‘મોહન’ની! વિરાટ ગોપુરની નીચલી હારમાં આવેલી આ મૂર્તિ મન હરી ગઈ છે.

વળી પાછી મેં લુંગી પહેરી લીધી. અહીંના પુરોહિતોએ પાટલૂન પર લુંગી પહેરવાની છૂટ આપી. શરીર ઉઘાડું. મંદિરમાં અનેક મંડપો અને મંદિરો. આ મંડપો જોઈ સ્તબ્ધ થઈ જવાય. એક લાંબા મંડપમાં એક હજાર સ્તંભ છે. સ્તંભે સ્તંભે દીપધારિણીઓ છે, એટલે કે પથ્થરમાં કંડારેલી નારીમૂર્તિઓ હાથમાં દીપ લઈ ઊભી છે. રોજરોજ અહીં દીવા નથી પ્રકટતા, પણ ખાસ પ્રસંગોએ અહીં દીવા પ્રકટી ઊઠે છે. કિશોર ગાઇડ કહે, ઇલેક્ટ્રિક નહિ, કોકોનટ ઑઇલ. પહેલાં તો આ મંડપમાં દેવદાસીઓનાં નૃત્યો થતાં.

મોટા મોટા મંડપોમાં લાંબાં ડગ ભરતાં અમે મંદિરની વિશાળતાનો ખ્યાલ કરી શક્યાં. મદુરાઈનું મીનાક્ષી મંદિર કે ચિદમ્બરમ્‌નું નટરાજ મંદિર યાદ આવે. આ મંદિરમાં વાજિંત્ર સંગીતસ્તંભો છે. પથ્થરમાં કોતરેલા પાતળા સ્તંભ. એને કાન દઈ સ્તંભો પર હાથથી પ્રહાર કરો એટલે ‘સારેગમપધનિ’ એ સપ્ત સ્વરો સંભળાય. પ્રવાસીઓએ પ્રહારના અત્યાચારથી કેટલાક સ્તંભને જર્જર કરી દીધા છે. વિશેષજ્ઞો તો કહે છે કે આ સપ્ત સ્વરો તો નથી જ, પણ પથ્થરમાંથી એક અદ્ભુત ગુંજરણ ધ્વનિત થઈ આપણને આશ્ચર્ય પમાડે છે. વ્હી. શાંતારામની પેલી ફિલ્મ તને યાદ છે – ‘ગીત ગાયા પથ્થરોને…’ અહીં એવું જ લાગે શાબ્દિક અર્થમાં. પથ્થરો ગાઈ રહ્યા છે. આપણી શિલ્પકલાની આ અદ્ભુત સિદ્ધિ છે. અમે પણ તો આ સંગીતસ્તંભોને કાન દઈ વારંવાર પથ્થરનું સંગીત સાંભળવા લાગ્યાં – પેલા પ્રવાસીઓ જેમ જ. તું કહીશ, એમનામાં અને તમારામાં શો ફેર? ખરી વાત. પણ એમ થાય કે આ પથ્થરનું અનુરણન બીજે ક્યાં સાંભળવા મળશે!

ગાઇડે કેટલીક શિલ્પમૂર્તિઓની કારીગરી બતાવવા મૂર્તિના એક કાનમાં સળી નાંખી. બીજા કાનમાંથી બહાર કાઢી બતાવી. સઘન પથ્થરોમાં આ કળા કેવી રીતે સિદ્ધ કરી હશે? અને પાછી ખરેખર રમ્ય મૂર્તિઓ, વિભિન્ન મુદ્રાઓમાં.

પછી સોનેમઢી લિંગરૂપ ત્રિમૂર્તિનાં દર્શન કરી અમે અંજનેયનાં દર્શન કરવા ગયાં. અહીં અઢાર ફૂટ ઊંચી હનુમાનની મૂર્તિ છે. ગાઇડ કહે – ‘ટેમ્પલ થ્રી થાઉસન્ડ યર્સ ઓલ્ડ. હનુમાન ઓન્લી ફિફ્ટી ફોર યર્સ ઓલ્ડ.’ અહીં હનુમાનને પૂંછડે જે છેક જતું વળી એમને માથે સ્થિર છે ત્યાં ગુલાબજળ ચઢાવવાનો મહિમા છે, લંકાદહનની શાંતિ માટે. પ્રસાદમાં માખણ અને તુલસીપત્ર ચંદન સાથે મળે. મારે આ મંદિરનાં શિલ્પસ્થાપત્ય વિષે વધારે લખવું હતું.

પણ કેટલી બધી બીજી વાતોથી પત્ર ભરાઈ ગયો. અને છેવટે પૂંછડે જતાં ટૂંકાઈ પણ ગયો.

પ્રિય,

સવાર, બારીમાંથી જોઉં છું. પુરાણાં વૃક્ષોની ઊંચી ટોચો પર તડકો પડ્યો છે. કાલે રાતે ભારે વૃષ્ટિ થઈ, રહી રહીને થતી રહી. અત્યારે પણ આકાશમાં આછાં વાદળ છે. બારીમાં ડોકિયું કરતાં ચંપાનાં ધૌતપર્ણો પર હજી જળબિંદુઓ છે, અને તડકામાં ચમકે છે. પેલું આછા ગુલાબી રંગના ચંપાફૂલનું ગુચ્છ તો જળબિંદુઓથી એટલું બધું તરોતાજા લાગે છે કે થાય કે એ સજલ પુષ્પગુચ્છ કોઈના કેશમાં હોય, કે કોઈ ગાલ પર એનો મૃદુ સ્પર્શ હો.

પણ હું આ પ્રસન્ન સવારની વાત કરવા નથી બેઠો. હું ગઈ કાલની વાત કરવા માગું છું. વાત જોકે ફરી પાછી મંદિરની છે. મેં તને ત્રિવેન્દ્રમ્‌ના મૂળ નામ તિરુવનન્તપુરમ્ વિષે પહેલા જ પત્રમાં લખ્યું હતું અને જણાવ્યું હતું કે એ નામનો સંબંધ અનંતનાગ સાથે છે. અનંતની શય્યા પર યોગનિદ્રામગ્ન પ્રભુ પદ્મનાભવિષ્ણુનું અહીં મંદિર છે. પદ્મનાભ મંદિર તરીકે એ વિખ્યાત છે.

ખરેખર તો આ પદ્મનાભ તિરુવનન્તપુરમ્‌ના અધિષ્ઠાતા દેવ છે. અહીંના રાજવીઓની પુરાણી રાજધાની અહીંથી થોડે દૂર પદ્મનાભપુરમ્‌માં હતી. ત્યાં હજી જૂના રાજમહેલો છે. પદ્મનાભ વિષ્ણુ આ રાજવીઓના આરાધ્યદેવ. રાજા માર્તંડ વર્માએ અહીં પદ્મનાભ સ્વામીનું મંદિર બંધાવ્યું – લગભગ ચૌદમી સદીમાં. તને શિવાજી અને સ્વામી રામદાસની વાતની ખબર છે? શિવાજીના ગુરુ રામદાસ એક વખતે ભિક્ષા માગતા હતા. શિવાજીએ એક ચબરખી પર આખું રાજ્ય લખીને ગુરુની ઝોળીમાં પધરાવી દીધું. ગુરુજી રાજ્યને શું કરે? એમણે શિવાજીને પાછું સોંપ્યું; પણ ત્યારથી શિવાજીએ ગુરુ વતી રાજ ચલાવ્યું. એવી ઘટના અહીં છે. રાજા માર્તંડ વર્માએ પોતાનું રાજ્ય પદ્મનાભ સ્વામીને સોંપી દીધું. એટલે કે પ્રતીકાત્મક રીતે એમણે પોતાની તલવાર પદ્મનાભનાં ચરણોમાં મૂકી કહ્યું, આજથી વંશપરંપરા અમે પદ્મનાભના દાસ પદ્મનાભદાસ બનીને રહીશું. પછી પદ્મનાભ વતી એમણે રાજ કર્યું. જગન્નાથપુરીના ગજપતિ રાજાઓ પોતાને જગન્નાથદાસ કહેતા અને રથયાત્રાને દિવસે પ્રભુનો રથ સાવરણીથી – અલબત્ત સોનાની સાવરણીથી સાફ કરતા! એ પછી જ રથ ઊપડે.

તો કાલે અમે પદ્મનાભનું એ મંદિર જોવા ગયાં. તને આશ્ચર્ય થશે કે કર્ણાટકના અમારા સાથી અધ્યાપકો તો કેટલીય સવારે ત્યાં દર્શન કરી આવેલા, અને અમારે માટે પ્રસાદ લઈ આવેલા. એ અમને કહે કે તમે અમારી સાથે ચાલો.

પણ જવાનું બન્યું નહિ. એક વાર મંદિરના પ્રાંગણમાં જઈ આવ્યાં, પણ એ સમયે પ્રભુનાં દ્વાર બંધ હતાં. અંદર જવાયું નહિ, પણ કાલે સાંજે જવાનું બન્યું. દિવસ જરા ખુલ્લો હતો. અમે સાથે લીધા શિવદાસન્ અને માધવન્ કુટ્ટીને. બંને મલયાલમભાષી. એક રીતે અહીંના જ ગણાય. આ બધો ઇતિહાસ મેં જે લખ્યો, તે એમણે આપેલું જ્ઞાન.

ત્રિવેન્દ્રમ્‌માં એક મુખ્ય માર્ગ છે આપણા અમદાવાદના રિલીફ રોડ, ના, ગાંધી રોડ જેવો. એ પણ એમ. જી. એટલે મહાત્મા ગાંધી માર્ગ. મોટા ભાગની મોટી ઇમારતો આ એમ. જી. માર્ગની બંને બાજુએ આવેલી છે. બાર્ટન હિલથી ઊપડતી બસમાં અમે બેસી ગયાં, આ માર્ગ વટાવી સીધા ઈસ્ટ ફૉર્ટ. આપણા લાલદરવાજા.

પહેલાં મને સમજાય નહિ – આ ઈસ્ટ ફૉર્ટ. નગરનો એ કેન્દ્રસ્થાન જેવો વિસ્તાર પછી સમજાયું – એટલે ગઈ કાલે, આ ઇસ્ટ ફૉર્ટ એટલે પદ્મનાભ સ્વામીના મંદિરનો પૂર્વ દરવાજો. આ વિશાળ મંદિરને ચાર દિશાના ચાર દરવાજા છે. પૂર્વ દરવાજો એટલે નગરનું હૃદય.

અમે સૂર્યાસ્ત પહેલાં નગરની ભીડને વટાવતાં ઈસ્ટ ફૉર્ટ પહોંચી ગયાં. ગોપુર પર હજી તડકો પડતો હતો. ઊંચું છતાં બેઠા ઘાટનું ગોપુર. ગોપુરથી પ્રવેશ કરો એટલે શરૂમાં બંને બાજુ બજાર, અને પછી એક બાજુ રાજાનો બંધ મહેલ અને બીજી બાજુ પથ્થરના ઓવારાવાળું મોટું તીર્થમ્-તળાવ. પછી જઈને ઊભા અમે દેવદ્વારે.

માધવન્ સાથે હોવાથી ઘણી અનુકૂળતા થઈ. મેં લુંગી સાથે લીધી હતી, તે પહેરી લીધી. અર્ચના માટેની ચિઠ્ઠી પ્રવેશદ્વારથી ફડાવી લીધી. દક્ષિણનાં બધાં મંદિરોની જેમ ખંડ પછી ખંડ. અહીં બધું ‘વિરાટ’ હોય છે. અમને અહીંના સંગીતસ્તંભોનું પણ આકર્ષણ હતું. શુચીન્દ્રમ્‌ના મંદિરના એવા સ્તંભો વિષે તને ગયા પત્રમાં જ લખ્યું છે. અહીં એક જુદો જ શિલ્પખંડ છે, જેમાં આવા સપ્તસ્વરસ્તંભો. અને બીજી અનેક દેવદેવીઓની મૂર્તિઓ છે, જોયા જ કરો. ‘કુમારસંભવમ્’ તો તેં વાંચ્યું છે. શિવપાર્વતીના વિવાહની વાત કાલિદાસે લખી છે, પણ એમના વિવાહની વાત અનેક રીતે કહેવાતી રહી છે. અહીં મંડપની એક બાજુના એક સ્તંભે સ્વયંવરા પાર્વતી અને સામેના સ્તંભે સ્વયંવરમાં જતા શિવની મૂર્તિઓ છે. એવી રીતે રુક્મિણી અને કૃષ્ણ. પણ જે મૂર્તિ આ મંડપમાં ગમી ગઈ તે તો વેણુગોપાલની – ત્રિભંગની મુદ્રામાં વેણુ વગાડતા કૃષ્ણની. શુચીન્દ્રમ્‌માં એવી કૃષ્ણમૂર્તિ જોઈ હતી.

શુચીન્દ્રમ્‌ની જેમ અહીં પણ અમે સંગીતસ્તંભે કાન ધરી પથ્થરમાંથી ગુંજતા સ્વરો સાંભળ્યા. પછી પહોંચી ગયા ગર્ભગૃહદ્વારે – અનંતશયનમ્ પ્રભુનાં દર્શને. સાંજની આરતી માટે ગર્ભગૃહનાં દ્વાર બંધ થવામાં હતાં, પણ માધવન્‌ના કહેવાથી પૂજારીઓએ ‘કૃપા’ કરી અને કહ્યું, ઝટઝટ ઉપર આવી જાઓ.

પણ પ્રભુનાં દર્શન કેવી રીતે કરવાં? ભગવાન પદ્મનાભ અનંતશયનમ્‌ની અઢાર ફૂટ લાંબી મૂર્તિ, એક દરવાજેથી તો પૂરાં દર્શન થાય નહિ. પહેલે દરવાજેથી જોયું. ભગવાનનું શિર, શિર નીચેનો હાથનો વળાંક, અનંત નાગનાં ગૂંચળાં. બીજે દરવાજેથી જોયું, ભગવાનનું નાભિકમળ અને તે પરના બ્રહ્મા. ત્રીજે દરવાજેથી જોયું ભગવાનનાં ચરણ. એક વિરાટ મૂર્તિ. પંડાઓએ બરાબર અજવાળું કરીને અમને દર્શન કરાવ્યાં. શાંતભાવે ભગવાન યોગનિદ્રામાં સૂતા છે. તને થશે – ભગવાન આમ કેવી રીતે સૂઈ શકે? એવું અમને પણ થયું. બહાર વિશ્વમાં કેટલી અંધાધૂંધી છે, અને ભગવાન યોગનિદ્રામાં સૂતા છે? ભલે સૌ એમની પૂજા કરતું હોય, પણ અહીં આ અંધારા ખંડમાં એમને કંટાળો પણ નહિ આવતો હોય? ક્યારેય ભાગી જવાનું મન નહિ થતું હોય? એક દિવસે મંદિરનાં દ્વાર ઊઘડે, અને અનંતશયનમ્ હોય જ નહિ તો?

થોડી વારમાં જ દ્વાર બંધ થઈ ગયાં. અમે પછી મુખ્ય મંદિરમાંથી નાનાં મંદિરોમાં ફર્યાં અને પછી ખુલ્લા પ્રાંગણમાં આવ્યાં. અદ્ભુત સાંજ. આકાશમાં વાદળખંડ તરતા હતા. એક તારો દેખાતો હતો. બાજુના વિશાળ મંડપમાં સ્તંભોની દીપશિખાધારિણીઓની હાર દેખાતી હતી. દર છ વર્ષે થતા ઉત્સવમાં એક લાખ દીવા પ્રકટે છે. કલ્પના કર, એ દૃશ્યની… જ્યારે લક્ષદીપકો પ્રકટી ઊઠતા હશે!

અનેક મંદિરોમાં અનેક દર્શનો કરતાં હોઈએ છીએ, પણ ક્યારેક જ મનમાં આનંદ પ્રસરી જતો હોય છે. કાલે મન પ્રસન્ન પ્રસન્ન હતું. મંદિરની ડાબી બાજુના ખુલ્લા મંડપમાં એટલું તો સારું લાગ્યું સાંધ્ય વેળાએ!

એમાં જાણે બાકી રહી જતું હોય તેમ, જ્યારે મંદિરની બહાર આવ્યાં, ત્યારે ક્યાંક સવાદ્ય સ્વરાવલિ સંભળાતી હતી. શિવદાસને કહ્યું, કથકલીનો કાર્યક્રમ લાગે છે. ચાલો, જઈએ. બાજુમાં જ સ્વાતિ તિરુનાલ સંગીતસભા તરફથી આયોજિત કથકલી સપ્તાહનો છેલ્લા દિવસનો નૃત્ય-પ્રયોગ હતો. મારે તને સ્વાતિ તિરુનાલ વિષે કહેવું જોઈએ. અહીં એના નામની અનેક સંસ્થાઓ છે. સ્વાતિ તિરુનાલ અહીંના રાજા થઈ ગયા. સંગીતજ્ઞ તો ખરા, સંગીતકાર પણ ખરા. એમણે કર્ણાટકી અને હિન્દુસ્તાની સંગીતના સમન્વયનો પણ પ્રયત્ન કરેલો. પોતે ગીતો રચ્યાં છે, હિન્દીમાં પણ. એમના નામથી કલાની આ સંસ્થા ચાલે છે.

‘કાર્તિકેય વિજય’નો ખેલ હતો. તને ખબર છે કે કેરલ કહો એટલે એની એક ઓળખ તે આ કથકલી નૃત્ય. અહીં આવો ને કથકલી ન જુઓ તો મિથ્યા ફેરો. અમને અનાયાસે જોવા મળી ગયું. આ વિષે લખવા બેસું તો અલગ પત્ર લખવો પડે. માધવને મને કથકલી મુદ્રાની એક મૂર્તિ ભેટ આપી છે. ત્યાં આવી તને બતાવીશ, ત્યારે વિગતે વાત કરીશ. કેરલની એક સુદીર્ઘ પરંપરા આ કથકલી નૃત્યોમાં જળવાઈ છે. અહીંના નૃત્યની બીજી પરંપરા તે કુડિયાટ્ટમ્ અને મોહિનીઅટ્ટમ્ છે. એક સાંજે મોહિનીઅટ્ટમ્‌ના કાર્યક્રમમાં જવાનું થયું હતું, પણ કુડિયાટ્ટમ્ હજી જોવા મળ્યું નથી. આશા છે કે એ જોવાનો સુયોગ પણ સાંપડશે.

તને મેં લખ્યું હતું કે, મારા રૂમના સાથી કેથોલિક ફાધર માર્ક વાલ્ડર છે. તેઓ રોજ સવારે વહેલા ઊઠી ચર્ચમાં પ્રાર્થના માટે જાય છે. કાલે સાંજે આવ્યા પછી મેં તેમને પદ્મનાભ મંદિર વિષે વાત કહી. પણ આ બધાં મંદિરોમાં હિન્દુઓને જ પ્રવેશ હોય છે. ફાધર મંદિરમાં નહિ જઈ શકે એનું મને દુઃખ થયું. ક્યાં સુધી? હજી ક્યાં સુધી? – આવો પ્રશ્ન થાય છે.

ચાલ ત્યારે, હવે પરિસંવાદમાં હાજર થવાનો સમય થઈ ગયો છે. આ પત્ર અહીં પૂરો કરું. બહાર નજર કરું છું તો તડકો બરાબર વ્યાપી ગયો છે અને ચંપાપુષ્પ પરનાં પેલાં જળબિંદુઓ અદૃશ્ય થઈ ગયાં છે.

પ્રિય,

આ પત્ર સાગરજળથી ભીંજાયેલો લાગે તો નવાઈ નહિ પામતી. કેરલનો સાગરતટ એના વૈવિધ્યથી પ્રસિદ્ધ છે. આ ત્રિવેન્દ્રમ્ સાગરતટે છે. એનો સાગરતટ શંખમુખમ્ નામથી ઓળખાય છે. એની જરા ઉત્તરે થુમ્બા છે અને જરા દક્ષિણે કોવાલમ્‌નો જગપ્રસિદ્ધ સાગરતટ છે. પણ કેરલનો સાગરતટ એનાં ‘બૅક વૉટર્સ’થી – લગૂનથી – અનોખો છે. ‘બૅક વૉટર્સ’ એટલે દરિયાનાં જમીનમાં દૂર સુધી પ્રવેશી ગયેલાં શાંત પાણી. આ પાણીનો એક છેડો-માર્ગ-સાગર સાથે જોડાયેલો હોય એટલું. પછી એ પાણી જમીનની વચ્ચે આસપાસ દૂર સુધી વિસ્તરીને પડ્યાં હોય, એ જળના કાંઠા પરની જમીન નારિયેળી આદિથી ભરચક હોય. એ જમીન પર ભરપૂર વસતી હોય, અપૂર્વ શોભા હોય છે આ ‘બૅક વૉટર્સ’ વિસ્તારની. ‘એ બૅક વૉટર્સ ઑફ સાઇલન્સ’ એવો બિંબાત્મક શબ્દપ્રયોગ કવિ લોર્કાએ કર્યો છે. એની સ્તબ્ધતા પણ ક્યાંક અનુભવી શકાય. આ પાણીનો સાગર સાથે સંબંધ ખરો, પણ આ પાણીમાં સાગરના ઉત્તાલ તરંગો ઉચ્છલિત થતા નથી. નારિયેળીનાં પ્રતિબિંબ ઝીલતા સાંકડા પહોળા પટ્ટામાં સ્થિર જળને પોતાના પ્રાચીન દિવસો સ્મરી ઊછળવાનું મન નહિ થતું હોય? તોફાની કૉલેજકન્યાઓ વિવાહિત જીવનમાં આ બૅક વૉટર્સ જેવી શાન્ત બની જાય છે. કદાચ આ ઉપમા તને નહિ ગમે. એ શાંત જલનો ફરી સાગરમાં પ્રવેશ થાય તો અવશ્ય ઊછળે! પણ એવો સુયોગ ક્યાં?

મેં મારા પહેલા જ પત્રમાં લખ્યું હતું કે રેલગાડીથી ત્રિવેન્દ્રમ્ આવતાં વચ્ચે ક્વીલોનનાં બૅક વૉટર્સ જોવા મળ્યાં હતાં. ત્રિવેન્દ્રમ્‌થી થોડે દૂર એવો વિસ્તાર છે વેલી. એટલે કે વેલી તો ત્રિવેન્દ્રમ્‌નો જ ભાગ ગણાય. પણ મન ક્વીલોન જવા અધીર બની ગયું હતું. એક બપોર પછી કોઈ કાર્યક્રમ નહોતો. માત્ર સમૂહતસવીર લેવાની હતી. પણ એ લોભ જવા દઈ બપોરની બેઠક પૂરી થતાં જ ક્વીલોન ભણી.

એસ. ટી. સ્ટેશનથી ક્વીલોનની બસ લેવાની હતી. ક્વીલોનની બસ કઈ? પૂછતાં જવાબ ન મળે. બસ જોડે જ હતી. પછી કોઈએ સમજાવ્યું – ‘કોલ્લમ્’ કહો. અને ઊપડું ઊપડું બસમાં બેસી ગયાં. બસ ત્રિવેન્દ્રમ્‌નગર ચીરી એટલે પેલા મુખ્ય મહાત્મા ગાંધી – એમ. જી. માર્ગ પર થઈ અમારી બાર્ટન હિલને માર્ગેથી જ પસાર થઈ.

હવે જરા પત્ર વાંચવાનું અટકાવી નકશો ખોલીશ? ત્રિવેન્દ્રમ્‌ની ઉત્તરે પહેલું મોટું શહેર આવશે કોલ્લમ્ એટલે કે ક્વીલોન. વચ્ચે વેલી કે વરકલા નામ આવશે ખરાં. વરકલામાં જનાર્દન સ્વામીનું મંદિર છે, પણ એ આજે જાણીતું છે નારાયણગુરુના આશ્રમથી. અહીં અરુવિપ્પુરમ્‌માં આજથી લગભગ સો વર્ષ પહેલાં ૧૮૮૮ની શિવરાત્રીએ નારાયણગુરુએ શિવલિંગની સ્થાપના કરેલી. ૧૯૮૮માં એ પ્રસંગની શતાબ્દી ઊજવવાની તૈયારીઓ નારાયણગુરુના અનુયાયીઓ કરી રહ્યા છે. સમય હોત તો અમે ઊતરી પડત, પણ અમારું લક્ષ્ય અત્યારે તો ક્વીલોન હતું. ત્રિવેન્દ્રમ્‌થી ક્વીલોન માત્ર સિત્તેર કિલોમીટર. અમને સદ્ભાગ્યે એક્સપ્રેસ બસ મળી ગઈ હતી અને જગ્યા બારી પાસે.

નગર બહાર નીકળ્યા પછી, જે રમણીય માર્ગ શરૂ થયો છે! એની સમાંતર રેલપથ પણ છે અને છેક ઉત્તર કેરલ વીંધી મૅંગ્લોર સુધી પહોંચી જાય. મને થયું કે જે માર્ગ શરૂ થયો છે, એનો અંત ન હો. તું કહીશ એવો તે કેવો માર્ગ? ઊંચીનીચી બંધુર ભૂમિ પર સડક પોતે ચિત્રાત્મક લાગે. ‘બંધુર’ શબ્દ તને તો પરિચિત હશે જ. આમ કહીએ તો ખાડાખૈયાવાળી ભૂમિ એવો અર્થ થાય. ક્યાંક પહાડી, ક્યાંક ખીણ. નારીદેહ માટે પણ સંસ્કૃત કવિઓ ‘બંધુર’ એવું વિશેષણ વાપરી શકે. પછી એનો અર્થ સંકોચશીલ અધ્યાપક કરશે ‘રમ્ય’. વાચ્યાર્થ નહિ સમજાવે. આપણા કવિ રાજેન્દ્ર શાહે ‘બંધુર’નો રમ્ય તરીકે ઉપયોગ કર્યો છે, એમની જાણીતી કવિતા ‘શ્રાવણી મધ્યાહ્ને’માં જ્યાં તેઓ કહે છે – ‘મેં કટકે વિરલ બંધુર રૂપ દીઠું’. પણ અહીં સડક ખરા અર્થમાં બંધુર. જોયું? આ ‘બંધુર’નું કેટલું કાંતણ થઈ ગયું તે! તો બંધુર સડકની બંને બાજુ જોયા જ કરીએ. હરિયાળી તો ખરી, પણ સડકની આસપાસની ખુલ્લી જમીનની માટી લાલ. રવિ ઠાકુરના શબ્દો અને પેલી ‘રાંગા માટિર પથ’વાળી કવિતા યાદ આવે. શાંતિનિકેતનની પાસેથી નજીકનાં ગામોમાં જતો પથ આવો લાલ માટીવાળો છે. અહીં પણ એવો પથ હવે ઉપર ડામરની સુંવાળી સડક. પણ એ લાલ રંગથી આખો લૅન્ડસ્કેપ ખીલી ઊઠે છે. પાછી લીલી ટેકરીઓ આવે, ગીચ નારિકેલ ઉદ્યાન આવે, કદલીવન આવે. એની વચ્ચે વિલાયતી – એટલે કે મૅંગ્લોરી નળિયાંવાળાં ઘર આવે.

પણ ખરી વાત તો ‘મૌસમ બહુત અચ્છા.’ નવેમ્બરનો તડકો હતો, આજ આકાશ ખુલ્લું હતું. ઠંડો પવન ફરફર કરતો આપણા કેશ સાથે રમ્યા કરે. ગમે. બસ જેમ જેમ આગળ વધતી જાય, તેમ લાગે કે જાણે સૌંદર્યની એક પટ્ટી ખૂલતી જ જાય છે, ખૂલતી જ જાય છે. પવન ને તડકો પ્રસન્ન મિજાજથી તેમાં સાથ આપે. ‘હરિયાલી ઔર રાસ્તા’ નામની પેલી ફિલ્મની તને યાદ આવી જશે, મેં જે શબ્દો વાપર્યા છે, તેથી. પણ મેં એ ફિલ્મ જોઈ નથી. એનું ટાઇટલ-ગીત સાંભળ્યું છે – જેની પંક્તિને છેડે આવે છે – હરિયાલી ઔર રાસ્તા…

એવો ઉમંગ મારે ચિત્તે પણ હતો. એવું થાય કે વચ્ચે ક્યાંક ઊતરી જઈએ. જરા આથમણા ચાલીએ એટલે દરિયો આવી જશે. કદાચ આ મસ્ત પવન એ દરિયા પરથી આવતો હશે, એટલે આટલો કામ્ય લાગે છે. વચ્ચે ગામ પસાર થતાં હતાં. સમૃદ્ધ લાગ્યાં. આ સમૃદ્ધિને મધ્ય એશિયાના તેલસમૃદ્ધ દેશો સાથે સંબંધ છે. આ વિસ્તારના અનેક લોકો ત્યાં પહોંચી ગયા છે. ત્યાંના આરબોની પણ અહીં આવનજાવન છે. પછી કોઈએ કહેલું કે દાણચોરીની પણ આ સમૃદ્ધિ છે. પ્રકૃતિની વાત વચ્ચે દાણચોરીની વાત પાછી ક્યાંથી આવી ગઈ?

બે કલાક ક્યાં જતા રહ્યા, તેની ખબર પણ ના પડી. ક્વીલોન આવી ગયું. અજાણ્યા નગરની સડક પર ઊતરવાનો એક રોમાંચ હોય છે. થોડો અપરિચિતતાનો, થોડા અનિશ્ચિતતાનો, થોડો ભયનો ભાવ એમાં ભળતાં વિશિષ્ટ અનુભવ બની રહે છે. અમારે પહેલાં બસ-સ્ટેશને જઈ વળતાંનું રિઝર્વેશન કરાવવાનું હતું, પણ અમને થયું કે સડકથી બારોબાર બસ નીકળી જશે, એટલે સડક પર ઊતરી ગયા; પણ પછી બસ તો ગામના બસ-સ્ટેશન ભણી ગઈ.

એટલે અમે બસ-સ્ટેશન ભણી ચાલવા માંડ્યું. એ રીતે નગરને પદગત કરવાનો અવસર મળ્યો. સાફસૂથરું નગર. દરિયાકાંઠાનાં શહેરોનું એક જુદું ટેમ્પરામેન્ટ હોય છે. મુંબઈ જેવા કોલાહલમય મહાનગરની વાત નથી, પણ અહીં બધું શાંત શાંત લાગે.

આ ક્વીલોન એટલે કોલ્લમ્ – છે તો જૂનું નગર. એક નાનકડા રજવાડાની એ રાજધાની. માધવન્ પિલ્લૈએ મને કહેલું કે આ નગરના નામ પરથી મલ્યાલી વર્ષ કોલ્લમ્ વર્ષ શરૂ થયું છે, વિક્રમ સંવતની જેમ. અત્યારે કોલ્લમ્ વર્ષ ૧૧૬૪મું ચાલે છે. એટલે કે આ નગર ઘણું જૂનું છે. ખરેખર તો મલબારકાંઠાનું એક અતિ પ્રાચીન બંદર. ફિનિશિયનોનાં વહાણો અહીં નાંગરતાં. ખબર છે ને ફિનિશિયન પ્રજાની? ગ્રીકો અને રોમનોનાં વહાણો પણ અહીં પહોંચી ગયેલાં. આરબોનો તો ધમધોકાર વેપાર ચાલતો આ બંદરેથી. પણ તને જાણીને આશ્ચર્ય થશે કે મલબારને આ કાંઠે ચીના લોકોની જમઘટ ઘણી હતી. તેં કુબલાખાનનું નામ સાંભળ્યું છે – જે વિષે અંગ્રેજ કવિ કૉલરિજે એક અધૂરી કવિતા લખી છે? ઇતિહાસપ્રસિદ્ધ એ કુબલાખાને આ નગરમાં પોતાના રાજદૂત મોકલેલા. આ બધી વાતો ક્યાંની ક્યાં લઈ જાય છે – દૂર ઇતિહાસમાં, ભારતની સમૃદ્ધિના દિવસોમાં.

પણ અમે કંઈ વહાણમાર્ગે કોઈ જૂના નગરમાં નહોતા આવ્યા. ડામરની સડક પર ચાલતાં એક આધુનિક નગરનો ખ્યાલ આવતો હતો. પંચતારક જેવી ભવ્ય હોટલ જોઈ નવાઈ લાગી; પણ એ પેલા આધુનિક આરબ દેશો સાથેનો સંપર્ક. એક ઢોળાવના માર્ગે ઊતરી જેવા બસ-સ્ટૅન્ડ તરફ વળ્યાં કે સામે ઝબકી ઊઠ્યાં શાંત વારિ. આ જ પેલા બૅક વૉટર્સનો છેડો. અમે ધારે પહોંચ્યાં. એક લૉન્ચ આવી રહી હતી. ત્યાં એક તરુણ મળ્યો. એ એને ગામ જતો હતો. આ બૅક વૉટર્સને કાંઠે દૂર એનું ગામ છે. તો કેટલે સુધી આ શાંત પાણીની પટ્ટીઓ વિસ્તરી છે?

અમારે કલાક – બે કલાક આ પાણીમાં એના જુદા જુદા વિસ્તારોમાં ફરવું હતું. આ લૉન્ચ અમારે કામની નહિ; પણ મન થઈ ગયું. એમાં બેસી જઈએ. જ્યાં લઈ જાય ત્યાં જવું. ત્યાંથી ફરી પાછા અહીં. પણ એ રોમાન્ટિક વિચાર આવ્યો એવો સરી ગયો. રાતમાં ત્રિવેન્દ્રમ્ પહોંચી જવાનું હતું.

આ છેડેથી બરાબર સામેના છેડે ઍડવેન્ચર ક્લબ તરફથી નૌકાવિહારની વ્યવસ્થા છે. ત્યાં જવું રહ્યું. સામે દેખાતા એ સ્થળે રિક્ષાથી અમારે ખાસ્સે ચક્કર લગાવવું પડ્યું. દૂર દૂર સુધી પાણીના પટ્ટા પ્રવેશી ગયેલા.

રાજાનો મહેલ જ હશે. હવે હોટલ બની છે પ્રવાસન વિભાગની. ત્યાંથી થોડાં પગથિયાં ઊતરી ઘાટ પર પહોંચી ગયાં. કાંઠે ઊંચાં પુરાતન ઝાડ. અમે એક નાની સ્ટીમ લૉન્ચ કરી લીધી. અમારા સાથીને તો પોન્ટિંગની ઇચ્છા હતી. આ પોન્ટિંગ એટલે વાંસની મદદથી ચાલતી નાની નાની હોડીમાં બેસીને ફરવું. પણ એવી સગવડ અમને દૂર લઈ જઈ શકે એમ નહોતી. એટલા એટલામાં જ ફરાય એવું હતું.

ક્વીલોનનાં બૅક વૉટર્સના વિસ્તારને સ્થાનિક ભાષામાં ‘અષ્ટમુડી કાયલ’ કહે છે. અષ્ટમુડી કાયલ એટલે આઠ ખૂણાવાળું સરોવર, જેનો એક ખૂણો અરબી સમુદ્રને મળેલો છે, એટલે પાણી તો દરિયાનું, પણ અહીં પુરાઈ ગયેલું.

નાની લૉન્ચ વેગથી ઊપડી. શાંત સ્થિર પાણી પર એનો ધક્ ધક્ અવાજ ગમતો નહોતો, પણ ઉપાય નહોતો. થોડી વારમાં પુલ નીચેથી લૉન્ચ પસાર થઈ અને પછી જોયું તો દૂર સુધી બે સાંકડા કિનારા વચ્ચે જળનો વિસ્તાર. કિનારા પર અને અંદર દૂર સુધી નારિયેળીનાં વન. હું વન શબ્દ સાભિપ્રાય વાપરું છું. આવું તો ક્યાંય જોયું નથી. એ વનમાં નાની નાની વસ્તીઓ આવે. અમે જાણે ચહલપહલભર્યા નગરથી દૂર કોઈ માયાવી દ્વીપોની દુનિયામાં સરી ગયાં. સાથીને એક ગીતની લીટી યાદ આવી ગઈ – ‘પાર બસત હૈ દેશ સુન્હેરા.’

આ પાર પણ સુંદર જ છે. પાણી કિનારે ઝૂકેલ નારિયેળીથી આખો વિસ્તાર ચિત્રાત્મક લાગે છે. લૉંચ અમારી અષ્ટમુડી કાયલ – ના આઠ ખૂણામાંથી કેટલાક ખૂણે જઈ પાછી ફરી બીજે ખૂણે જતી. વચ્ચે એક બાજુથી બીજી પોન્ટિંગવાળી નાની હોડીઓની આવનજાવન. ક્યાંક માછલી પકડવા માટેની ગોઠવાયેલ ચીની જાળો નારિયેળીઝૂક્યાં આ શાંત જળમાં વાંસગૂંથણીનું ભૌમિતિક દૃશ્ય રચે છે. કુબ્લાખાનના વખતમાં આ કળા આવેલી. અષ્ટમુડી કાયલની માછલી અતિ સ્વાદિષ્ટ ગણાય છે!

જળકાંઠેના ભૂમિવિસ્તારની વસ્તી ઉદ્યમરત હોય. નારિયેળનાં છોતરાંમાંથી કાથી બનાવવાનો ભારે ગૃહઉદ્યોગ ચાલે છે, લૉન્ચમાં બેઠાં બેઠાં જોઈ શકાય – ક્યાંક નારિયેળનાં છોતરાં ભીનાં કરાય છે. ક્યાંક કુટાય છે, ક્યાંક રેષા વણાય છે. અંગ્રેજીમાં ‘કોઇર વર્ક’ – કાથીકામ કહે છે. ‘કૉયર’ નામે આ કેરલ સંસ્કૃતિને વણી લેતી તક્ષીની જાણીતી નવલકથા છે. અમને લૉન્ચમાં જોઈ નાનાં બાળકો કાંઠે ઊભાં ઊભાં અભિવાદન માટે હાથ હલાવે, અમે હાથ હલાવી જવાબ વાળીએ. ક્યાંક મુગ્ધ કન્યાઓ કામ કરતાં કરતાં જોતી ઊભી રહી જાય.

વળી એક ખૂણો માપી આવી લૉન્ચ નવા ખૂણા તરફ વળી. નજીક કિનારે એક જૂનું પાકું ઘર જોયું. કાંઠેથી પગથિયાં. ખુલ્લું પ્રાંગણ, વરંડો. બંધ ઘર લાગ્યું. અત્યારે કોઈ રહેતું હોય એવું પણ ન લાગ્યું. મન થયું – આવા ઘરમાં રહી પડીએ એકાદ દિવસ! મનોરથોને ક્યાં બંધ દેવાય છે! આપણને તો બંધ છે.

સાંજ પડવા સુધી લૉન્ચમાં આ રમ્ય પ્રદેશમાં શાંત જળમાં ઘૂમ્યા કર્યું. આંખમાં લીલો રંગ આંજી લીધો છે. આ જળમાર્ગ દૂર દૂરના વિસ્તારો સુધી લઈ જાય, ઉત્તરમાં છેક એલેપ્પી-આલપુષા સુધી. નકશામાં જરા નજર નાખી જો, ક્યાં છે એલેપ્પી. શ્રીનગરની જેમ એ પણ ભારતનું વેનિસ કહેવાય છે. ત્યાં તો ઘણા જળરસ્તા છે.

સૂર્યાસ્ત વેળાએ અમે કાંઠે પાછાં આવી ગયાં. કાંઠે તો આવવું પડે છે ને! એક સુન્હેરા દેશમાંથી પાછાં ધરતી પર. મલયાલમમાં કહેવત છે – ‘કોલ્લમ્ કંડાલ ઇલ્લમ્ વેન્ડા’ – જે કોલ્લમ્ જુએ છે, તેને પછી ઘેર જવાનું મન થતું નથી. સાચે જ ત્યાં સુધી ઘરગામ બધું ભૂલી જવાયું હતું!

પછી બસ મળવાની ચિંતા. બસની ભીડ, પણ ડાયરેક્ટ બસ મળી ગઈ. બસ અંધારામાં સરતી હતી. રહી રહીને થતું પેલી લૉન્ચમાં તો નથી ને? સૌન્દર્યનો પણ એક નશો હોય છે અને એ ઝટ ઊતરતો નથી. માથું જોરથી ધુણાવી બહાર નજર કરું છું; પણ અંધારામાં પેલા લીલા રંગથી ઝૂકેલા કિનારા ક્યાં?

બસ કરું હવે, તને થશે આ પ્રલાપ ક્યાં સુધી ચાલશે?

પુનશ્ચ :

સ્પૅનિશ કવિ લોર્કાની જે ઇમેજનો નિર્દેશ કર્યો છે, એ પંક્તિઓ તને લખવાનો લોભ ખાળી શકતો નથી. કવિએ એમાં ‘બૅક વોટર્સ’ કલ્પનનો કેટલો માર્મિક ઉપયોગ કર્યો છે, તે તું જોઈ શકીશ :

I sat down in a clearness of time it was a backwaters of silence.

પ્રિય,

બહારથી આવી ચાવીથી જેવું રૂમનું બારણું ખોલ્યું કે જોયું તો ચાંદની મારી પથારીની એક કોરે સૂઈ ગઈ છે. ચાંપ પર હાથ ગયો, પણ દબાવ ન થયો. ચંપાનાં પાંદડાંમાંથી ગળાઈને આવતી ચાંદનીની એ રમ્ય આકૃતિ જોતો રહી ગયો. બીજી પળે ચાંપનું કટ થવું અને ચાંદનીનું અદૃશ્ય બનવું એકસાથે બની ગયું. અફસોસ તો ઘણો થયો, પણ…

…પણ પછી આ પત્ર લખવા બેઠો છું ત્યારે પ્રચંડ રીતે વરસાદ પડવા લાગી ગયો છે. રૂમના સાથી ફાધર માર્ક વાલ્ડર બારી બહાર જોતાં કહે છે – ઇટ ઇઝ નૉટ રેઇનિંગ, રેઇન ઇઝ ડ્રોપ્ડ. આવો વરસાદ તો અહીં જોયો. પાણી જ પાણી. ગુજરાત આપણું પાણીના ટીપા માટે ત્રણ વર્ષથી ટટળે છે. આમેય કેરલમાં પાણીની પ્રધાનતા છે. દરિયાનાં પાણી કે પછી વરસાદનાં પાણી. ગયા પત્રમાં મેં દરિયાનાં બૅક વૉટર્સની વાત તને લખી હતી. થાય છે કે અહીંના દરિયાની વાત હવે પૂરી કરી લઉં.

પરંતુ દરિયાની વાત કદી પૂરી થતી નથી. એની વાત ચાલ્યા કરે. દરિયો નજર સામેથી હટી જાય, પણ કાનોમાં રણઝણતો રહે. પછી એ દરિયો આપણામાં ઊંડે ઊતરી જાય. હિલ્લોળાયા કરે. મેં તને અગાઉ એક વાર કહેલું કે દરિયા માટેનો પ્રેમ મનોવૈજ્ઞાનિકોને મતે મૃત્યુની પ્રચ્છન્ન કામનાનું રૂપ છે ત્યારે તું હસી પડેલી. તેં કહેલું તમને તો જીવન માટેનો એટલો બધો પ્રેમ છે કે…

દરિયાનું હિમાલય જેવું છે. હિમાલયની વાત પણ કર્યા કરવાની ગમે. અહીં છેક દક્ષિણ છેવાડે આવ્યા પછી હિમાલય વધારે યાદ આવે છે. હિંદી કવિ પંતની લીટીઓ સ્મરણમાં આવે છે :

સાગર કી ગહરાઈ ઊંચી
હિમગિરિ કી ઊંચાઈ ગહરી…

‘ઊંચી’ અને ‘ગહરી’ વિશેષણો કેવી રીતે વપરાયાં છે, તે જોયાં?

હા, તો આજે અચાનક દરિયાકિનારે પહોંચી જવાયું. ત્રિવેન્દ્રમ્ છે તો દરિયાકાંઠે, પણ સાંજે અમે વર્કશૉપમાંથી મુક્ત થઈએ કે દરિયા પાસે જવાનો સમય બહુ રહ્યો ન હોય. આજે સાંજે એક ભાષાવિજ્ઞાનની સંસ્થાએ બધાને નિમંત્રણ આપ્યું હતું. સંસ્થા તે ઇન્ટરનૅશનલ સ્કૂલ ઑફ દ્રાવિડિયન લિંગ્વિસ્ટિક્સ.

આ સંસ્થા થુંબાના દરિયાકાંઠા પાસે છે. થુંબા વિષે તું જાણે છે. ભારત સરકારનો અવકાશમાં રૉકેટ છોડવાનો કાર્યક્રમ થુંબાના દરિયાતટેથી થાય છે. સંસ્થાની મુલાકાતે ગયા ત્યાં કમ્પ્યૂટરની મદદથી અનુવાદ કેમ થઈ શકે તેની ચર્ચા નિદર્શન સાથે થઈ. પછી અમને ખબર પડી દરિયો નજીકમાં જ છે. અમે અપ્યપ્પા પણ્ણિકર-નિર્દેશકને કહ્યું કે, દરિયાતટે જવું જ જોઈએ. એ પોતે કવિ હતા. ના કેવી રીતે કહે?

થુંબાનો ખુલ્લો સાગરતટ જોઈ મનમાં પણ એક મોકળાશનો જાણે અનુભવ થયો. સામે ખુલ્લો સાગર, ઉપર ખુલ્લું આકાશ, મને થયું તે પણ અહીં હોત! દરિયાકાંઠાની લાલાશ પડતી રેતી, રેતીની કોરે નાળિયેરીનાં ઝુંડ, ઝુંડ વચ્ચે નાની નાની ઝૂંપડીઓ અને હોડીઓ. આ હોડી માણસની આદિમ અને અદ્ભુત શોધ છે. વિરાટ સાગર, એને કાંઠે આ નાનકડી હોડી – કંઈ કેટલીય કલ્પના કરાય.

અને કલ્પના કેમ ના થાય? વેળા પણ સૂર્યાસ્તની. આકાશમાં લાલ આભા પથરાઈ હતી. દૂર સાગર ઉપર વાદળ હતાં, પણ તે સાગરનો રંગ ધરાવતાં હતાં. કિનારો જરા વધારે પડતો ઢળતો. સૌ પ્રસન્ન. ભાષાંતર અને ભાષાવિજ્ઞાનની ચર્ચા ભુલાઈ ગઈ અને સૌ દરિયાનાં જળ સુધી પહોંચી ગયાં. ભરતીની વેળા હતી. ઊંચાં મોજાંની પ્રચંડ ફેનિલ યાળ જોઈ ડરી જવાય; પણ નજીક આવતાં જ તે ફીણ ફીણ બની પગ આગળ પથરાઈ જાય. ફીણનો પથરાટ હિમાલયના પોચા બરફની યાદ આપી જાય.

સાગર અમને ભીંજવી જવા આતુર હતો, અમે ભીંજાયાં. કેટલાક દરિયાથી દૂર ઊભા હતા. એમને અમે ખેંચી લાવ્યા. ભીંજવી દીધા. હો હો કરતા રહ્યા! પછી બધાથી અલગ પડી જઈ મેં કિનારે કિનારે ફેનિલ જળમાં દૂર સુધી ચાલ્યા કર્યું. આમ ચાલ્યા જ જવાય તો ગોવાનો દરિયો આવી જાય. નીચે તરફ જઈએ તો કન્યાકુમારી. આ કાંઠો ભવ્ય છે અને ઐકાંતિક છે. અહીં સહેલાણીઓ બહુ આવતા નથી. પાછા વળવાનું મન થાય નહિ, પણ શું થાય! ધીરે ધીરે સૂરજ જળને અડક્યો અને ડૂબી ગયો. લીલા દરિયાકાંઠા પરના આકાશમાં લાલિમા પથરાઈ રહી. આ બાજુ સૌ નાળિયેરીનું પાણી પીવા દોડી ગયાં. અમે બે-ત્રણ મિત્રો દરિયાકાંઠે થોડી વાર ઊભાં રહી ગયાં. ઝાક વળી ગઈ.

પાછાં વળતાં આપણા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનું સ્મરણ થયું. એમનું થુંબામાં અવસાન થયેલું. રૉકેટ લૉન્ચિંગ કાર્યક્રમ સન્દર્ભે આવેલા. અમે બાર્ટન હિલ પહોંચ્યાં ત્યારે વીજળી જતી રહેલી. થોડી વારમાં આવી ખરી. પછી રૂમનું બારણું ખોલ્યું તો બારીમાંથી પ્રવેશી ચાંદની પથારીની એક કોરે જોઈ..

પણ જો ને અત્યારે તો ચંદ્ર-તારા સૌ અદૃશ્ય છે અને વરસાદ પડી રહ્યો છે. એનું જોર અવશ્ય ઘટી ગયું છે, પણ એની વાત લખવી નથી. વાત દરિયાની જ ચાલુ રાખું. શંખમુખમ્‌નો ઉલ્લેખ અગાઉના પત્રમાં કરી ગયો છું. એ પણ ત્રિવેન્દ્રમ્‌નો દરિયાતટ. નામ મને ગમી ગયેલું. શંખમુખમ્. અહીં મલયાલમ ભાષામાં અનેક નામો-શબ્દોની પાછળ ‘મ’ લાગી જાય કે ‘ન’ લાગી જાય. તિરુવનન્તપુરમ્, કોવાલમ્, એર્ણાકુલમ્, માધવન, દામોદરન, વાસુદેવન…. પણ અત્યારે ભાષાની વાતમાં નહિ જાઉં. હા, તો શંખમુખમ્ એટલે શંખમુખ. દરિયાને અને શંખને સંબંધ છે જ. ગુજરાતીમાં ભલે શંખ શબ્દના અર્થનો અપકર્ષ થયો હોય, પણ શંખ તો પવિત્રતાનું પ્રતીક છે. બાર્ટન હિલથી નીચે ઊતરીએ કે નગરની બસનું એક ઉપમથક છે. બે દિવસ પહેલાં ત્યાં અમે પૂછવા ગયાં કે અહીંથી શંખમુખમ્‌ની બસ ઊપડે છે કે નહીં, તો કહે – આ સામેની બસ તમને છેક નજીક લઈ જશે. ત્યાંથી પછી રિક્ષા કરી લેજો. અમે બસમાં બેસી ગયાં. બસ અમને નગર વીંધી નગર બહાર લઈ ગઈ.

અમે ત્યાં ઊતરી ગયાં. બાજુમાં કન્યાઓની કૉલેજ હતી. પાંચ-છ કન્યાઓ ઊભી હતી. મેં મનોમન કહ્યું કૈરાલીઓ અર્થાત્ કેરલ કન્યાઓ. આપણા કવિ સિતાંશુ યશશ્ચંદ્રે કૈરાલી વિષે કવિતા લખી છે – ‘જટાયુ’ સંગ્રહમાં જોજે. અને હા, ‘કૈરાલી’ નામથી કેરલની હસ્ત-કારીગરીની ચીજો ધરાવતો એક પ્રસિદ્ધ સ્ટોર્સ પણ કેરલ સરકાર તરફથી ચાલે છે. આપણે ત્યાં જેમ ગુર્જરી. કૈરાલી અને ગુર્જરી એ સંયોગ હું જોતો રહ્યો. એક ગુર્જરીએ કૈરાલીને શંખમુખમ્‌નો માર્ગ પૂછ્યો.

રિક્ષા કરી. દરિયાતટે બાજુમાં જ એરપૉર્ટ છે; પણ અમને તો સાગર બોલાવતો હતો. લાંબો સાગરપટ. રેતાળ, પણ અહીં અનેક પ્રવાસીઓ આવે છે, પ્રેમીઓ પણ. સાગર ગરજે છે, ઊછળે છે. અહીં બોટ પાસે માછીમારો જાળ ગૂંથે છે. થોડી દૂર એમની વસ્તી છે, પણ આકાશમાં વાદળ છે. વાદળને શું થયું – વરસવા લાગ્યાં. દરિયાકાંઠે પથ્થરોનું એક છાયાઘર છે. અમે ત્યાં જઈ બેસી આકાશમાંથી પડતા જળને સમુદ્રજળમાં એક થતાં જોઈ રહ્યાં. વસ્તી ઓછી થઈ ગઈ. સાઇકલ લઈને આવેલી બે કૈરાલીઓ નિરાંતે બેઠી હતી. અમે પણ. આ દરિયાતટ વધારે સામાજિક છે. કેટલી બધી પ્રવાસી બસો આવતી હતી!

આ પત્રમાં વેલીની વાત પણ લખી દઉં. એક સાંજે અય્યપ્પા પણ્ણિકરે કહ્યું કે, ત્રણ વાગ્યે હું અને મીના (એમની દીકરી) આવીશું. તમે અને પ્રોફેસર અનિલા તૈયાર રહેજો. આપણે સૌ વેલી જઈશું. અમારામાંથી ઘણાં વેલી જઈ આવ્યાં હતાં, પણ અમે કેટલાકે કોવાલમ્ જવાનો વિચાર કર્યો હતો. પણ અય્યપ્પાને ના કેવી રીતે કહેવાય? અમારે માટે એ સ્પેશિયલ ટ્રીટ હતી. એ મોટરગાડી લઈને આવી ગયા.

વેલી એ પણ દરિયાકાંઠો, પણ અહીં પાછાં બૅક વૉટર્સ છે. જેવા વેલીએ પહોંચ્યાં કે વરસાદ. નાગોડિયો વરસાદ, તડકો હતો, માત્ર એક વાદળ વરસી રહ્યું હતું. તે ઓગળી ગયું. ત્યાં એકદમ ઇન્દ્રધનુ, પૂર્વી આકાશમાં ભવ્ય કમાન બની ગયું. નાળિયેરીઓ વચ્ચે વરસાદ, તડકો અને ઇન્દ્રધનુ અને સાથે કવિ અય્યપ્પા!

વેલીને પિકનિક સ્પૉટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. બોટિંગ ક્લબ પણ અહીં છે. પણ અય્યપ્પા અમને લઈ ગયા જરા દૂર… હાથમાં પાવડો લઈને જમીન સરખી કરતા, માથે રૂમાલ બાંધેલા એક શ્યામ સજ્જન પાસે. પરિચય કરાવ્યો – શ્રી કુંજીરામન્. મોટા કલાકાર છે. આખી વેલીનો પ્લાન એમનો છે. અત્યારે એ ઓપન એર સ્ટેજના નિર્માણમાં લાગ્યા હતા. પશ્ચાદ્ભૂમાં દરિયાનાં બૅક વૉટર્સ. કલાકાર હાથમાં પાવડો લઈ માટી સરખી કરતાં હતાં. તેમનાં પત્ની તેમની મદદમાં હતાં. કુંજીરામન્ અય્યપ્પાના મિત્ર – એક કલાકાર શિલ્પી, બીજા કવિ. પછી તો ફરી ફરીને આખી યોજના સમજાવી. આધુનિક સ્થાપત્ય, શિલ્પ આ લગુન બૅક વૉટર્સને કાંઠે છે – પણ બધાં ફંક્શનલ – ઉપયોગી. હોય શિલ્પ, પણ બેસી શકાય. બેન્ચો પણ આધુનિક. કલાની કલા અને ઉપયોગનો ઉપયોગ. એમણે એક વિરાટ શંખના નિર્માણ તરફ ધ્યાન દોર્યું. એની લોખંડની જાળીઓ તૈયાર છે, એમાં સિમેન્ટ રેડાશે – તૈયાર થશે શંખ, જેમાં બાળકો ચઢી શકે, ઊતરી શકે.

અય્યપ્પાએ અમને પૂછ્યું – આ લીલી ટેકરી જોઈ? શાનો આકાર લાગે છે? ધ્યાનથી જોયું – આહ! આ તો નારીમૂર્તિ, સૂતેલી. આ મોઢાનો ભાગ, આ છાતીનો ભાગ, આ એક ઢીંચણથી વાળેલો ઊંચો પગ અને આ એક લાંબો પગ! ‘ધ અર્થ રિલૅક્સિંગ!’ અદ્ભુત કલ્પના. કુંજીરામન્ આછું આછું હસતા હતા. કહે : આ પગ પાસેથી ચઢી શકો.

અમે સૌએ નૌકાવિહાર કર્યો, નાળિયેરનું પાણી પીધું. પછી ઊપડ્યાં કોવાલમ્. સમય ઓછો રહ્યો હતો, પણ આજે સાંજે ઘણા સાથીઓ કોવાલમ્‌ના પ્રસિદ્ધ સમુદ્રતટે જવાના હતા. અમે તે તરફ જવા ઊપડ્યાં. ઇસ્ટ ફૉર્ટથી અય્યપ્પા અમારાથી જુદા પડી ગયા.

કોવાલમ્‌નો દરિયો ખરેખર ભવ્ય છે. એના તટે ઊંચી ખડકાળ પહાડીઓ છે. પહાડી પર અને આસપાસ સહેલાણીઓ માટેના આવાસો છે. એટલે પ્રવાસીઓની ઘણી ભીડ. વિદેશી પ્રવાસીઓ પણ ઘણા. સાગરતટે ખડકોની પાસે રેતની એક સુરક્ષિત પટ્ટી છે, એ રેત પર વિદેશી નરનારીઓ લગભગ ઉઘાડાં સૂતેલાં હોય.

મેં નક્કી કર્યું હતું કે કોવાલમ્‌ના સાગરતટે સ્નાન કરીશ જ. અનેક લોકો સ્નાન કરતા હતા. પ્રચંડ મોજાં ભય તો ઉપજાવતાં હતાં, પણ નિર્ણયનો ભંગ ન કર્યો. એક વાર દરિયાનાં પાણીમાં આનંદ પડી ગયો પછી જલદી નીકળવાની ઇચ્છા ન થાય. એક પ્રચંડ મોજાએ લગભગ મને કાંઠે ફેંકી દીધો. દરિયા આગળ આપણું શું ગજું? આપણું એ ગર્વભંજન કરે છે અને નમ્ર બનાવે છે. પેલી ‘સાગરમુદ્રા’ની કવિ અજ્ઞેયની પંક્તિઓ તને યાદ છે?

યો મત છોડ દો મુઝે, સાગર
કહીં મુઝે તોડ દો, સાગર
કહીં મુઝે તોડ દો!

કોવાલમ્‌ને સાગરતટે ગંભીર સાંજ. સૂર્યાસ્ત પછીનો આછો અંધકાર ઊતરી આવ્યો. પાણીનો રંગ બદલાતો ગયો. એક ખડક પર બેસી સાગરના સાન્ધ્યરૂપને જોયા કર્યું, એના સાન્ધ્ય સંગીતને સાંભળ્યા કર્યું. પછી ચૂપચાપ અમે ઊભાં થયાં અને સાગરની વિદાય લીધી હતી, મૌન. સાગર ગરજતો રહ્યો હતો, ગરજે છે, હિલ્લોળાય છે સાગર ઊંડે મનમાં – ફરી પાછી કવિતાની પંક્તિઓ – આ વખતે લૉરેન્સની – એકદા મહાબલિપુરમ્‌ને સાગરતટે મેં જે તને કહી હતી :

ધેર ઇઝ ઓશન ઇન મી,
સ્વેઇંગ, સ્વેઇંગ ઓ, સો ડીપ…

વરસાદ ક્યારે તો બંધ થઈ ગયો? હુંય બંધ કરું. ‘ગુડ નાઇટ’ – મનોમન બોલું છું – તને જો પહોંચે તો.

પ્રિય,

સંબોધન લખીને અટકી ગયો. જે વિષે તને લખવા ધાર્યું છે તે વિષે લખું કે ન લખું એની અવઢવ થઈ. કેરલની હરિયાળી વિષે લખ્યું, કેરલના સાગરતટો વિષે લખ્યું, મંદિરો વિષે લખ્યું. આજે જ જો ને આ તિરુવનન્તપુરમ્‌માં સાંજ ટાણે ચાલતાં ચાલતાં કનકાકુનુ પૅલેસ જોઈ આવ્યાં ને ગઈ કાલે અહીંના મ્યુઝિયમ અને આર્ટ ગૅલરીમાં શિલ્પો અને ચિત્રો જોયાં છે. ચિત્રોમાં ખાસ તો રાજા રવિ વર્માનાં કેટલાંક અસલ ચિત્રો જોઈ ધન્યતાનો અનુભવ થયો. તને ખબર છે, રાજા રવિ વર્માએ આપણાં દેવદેવીઓનાં, રામાયણ-મહાભારતના પ્રસંગોનાં અનેક ચિત્રો દોર્યા છે, અને એ ચિત્રો જોઈ આપણે ઘણાંબધાં પૌરાણિક ચરિત્રોને આપણા મનમાં ઘાટ આપ્યો છે. અહીંની આર્ટ ગૅલરીમાં પ્રવેશતાં જ પ્રથમ કક્ષામાં સામે જે મોટું ચિત્ર હતું તે હંસ-દમયંતીનું. દમયંતી નળરાજાએ મોકલેલા હંસ સામે ઊભી છે. હંસ-દમયંતીનું આ ચિત્ર જોઈ મને તો કવિ પ્રેમાનંદની પેલી પ્રસિદ્ધ લીટીઓ યાદ આવી ગઈ, જેમાં હંસ દમયંતી પાસેથી જઈ એના રૂપનું નળ આગળ વર્ણન કરે છે :

ભૂપ મેં દીઠી ગર્વઘેલડી
સખી બે મધ્ય ઊભી અલબેલડી!

પણ તને આજની રમણીય સંધ્યાના રંગોની પશ્ચાદ્ભૂમાં જોયેલા બંધ છતાં એની વિશિષ્ટ બાંધણીથી ટેકરી પર ઊભેલા કનકાકુનુ મહેલની વાત લખું કે આ મ્યુઝિયમ જ્યાં રચ્યું છે, તે ઊંચાં ઊંચાં પુરાણાં વૃક્ષો અને વનસ્પતિઓવાળા સુંદર ઉદ્યાનની વાત લખું – ના, આ કોઈ વાત આજે લખવી નથી. આજે અમારા અનુવાદ-વર્કશૉપની વાત લખું એમ થાય છે.

કારણ છે. કારણ એ કે તને થતું હશે કે તમે આ બધી વાતો લખો છો, તે તો ફુરસદના સમયમાં જોયેલાં સ્થળો-પ્રસંગોની છે; પણ મુખ્યતયા તમે ત્રિવેન્દ્રની સુંદર બાર્ટન હિલ પર આવેલ ઇન્સ્ટિટ્યૂટમાં આઠ ભાષાના સાહિત્યકારો ભેગા મળીને શું કરતા હશો? મેં પહેલા જ પત્રમાં લખ્યું હતું કે દિલ્હીની સાહિત્ય અકાદેમી તરફથી આયોજિત સાહિત્યિક અનુવાદની આ વર્કશૉપમાં ગુજરાતી, મરાઠી, સિંધી, કોંકણી, તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડા – આ આઠ ભાષાઓના અનુવાદકો અંગ્રેજી મુહાવરા ‘અન્ડર વન રૂફ’ના શબ્દશઃ ભાષાંતર પ્રમાણે – એક છાપરા (ધાબા) નીચે ભેગા થયા છે અને તે પણ ઓછામાં પૂરા એકવીસ દિવસ માટે. તો એની વાત ના કરવી જોઈએ? તો હવે સજ્જ થઈને બેસ.

એ તો મેં તને લખ્યું હતું કે અનુવાદની આ વર્કશૉપનું ઉદ્ઘાટન શ્રી ઉમાશંકર જોશીએ કર્યું હતું, પણ વર્કશૉપનો શો અનુવાદ કરીશું? વર્કશૉપમાં આવેલા એક વિલાસ ગીતે નામે મરાઠી મિત્રે કૃતિસત્ર એવી સંજ્ઞા બનાવી કાઢી છે. આપણે ત્યાં કાર્યશાલા વપરાય પણ છે. મરાઠીના બીજા વિદ્વાન પ્ર. ના. પરાંજપેએ કહ્યું કે અમે પણ ‘કાર્યશાળા’ શબ્દ વર્કશૉપ માટે વાપરીએ છીએ. પણ વર્કશૉપ માટે આપણો અસલ શબ્દ તો છે કોઢ. સુથાર કે લુહારની કોઢ હોય છે ને – તે, ક્વચિત્ ઉમાશંકર જોશી પોતાના લેખનવાચનના ખંડને વિનોદમાં કોઢ કહેતા હોય છે. પણ અનુવાદની કોઢમાં કહીએ તો કેવું લાગે?

ટૂંકમાં તને આ વર્કશૉપનું પ્રયોજન અને એનું માળખું સમજાવી દઉં. હમણાં હમણાં દેશની એકતા અને અખંડિતતાની વાતો બહુ થાય છે, પણ અનેકતા આપણા દેશ અને સંસ્કૃતિની વિશેષતા છે. અનેકતા જાળવીને એકતા કેવી રીતે રાખવી? જેમ કે કેટલી બધી ભાષાઓ આપણા દેશમાં બોલાય છે? હવે બધી ભાષાઓની અસ્મિતા જાળવીને આપસ-આપસમાં વહેવાર કેવી રીતે કરવો? જુદી જુદી ભાષાવાળાઓએ એકબીજાને કેવી રીતે જાણવા? વળી દેશની બહાર દુનિયાની વાત પણ કરવી હોય ત્યારે ભાષાનું વ્યવધાન એક મુખ્ય. એ વ્યવધાન પાર કરવાનું સાધન તે ભાષાંતર-અનુવાદ.

તને આશ્ચર્ય થશે કે આપણે અંગ્રેજી સાહિત્ય વિષે તો કેટલું બધું જાણીએ છીએ? અને અંગ્રેજી મારફતે ફ્રેંચ, જર્મન, રશિયન સાહિત્ય વિષે પણ ઘણું ઘણું જાણીએ છીએ. પણ આપણી પાડોશી ભાષા મરાઠી સાહિત્ય વિષે? કદાચ મરાઠીનું તો જાણીએ છીએ થોડું, પણ તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ, કોંકણી, સિંધી વિષે શું જાણીએ છીએ? વિચાર કરીએ ત્યારે શરમ અને સંકોચ થાય. આપણા દેશને આપણે કેટલો ઓછો ઓળખીએ છીએ? દક્ષિણની ભાષા અને સાહિત્યનો કેટલો ઓછો પરિચય છે આપણને?

કારણ એ છે કે ભાષાઓના, સાહિત્યના અનુવાદો આપણને મળતા નથી. એ રીતે ગુજરાતી કે મરાઠીના સાહિત્યની એમને કંઈ જ ખબર નથી. આપણે દેશની એકતાની વાત કયે મોઢે કરી શકીએ? એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદો કર્યે જ છૂટકો છે. સાહિત્ય અકાદેમીએ એ માટે પ્રયત્નો આદર્યા છે. આ વર્કશૉપ તેનો એક ભાગ છે. અગાઉ અકાદેમીએ આવી વર્કશૉપ દિલ્હીમાં કરેલી. ત્યાં અનુવાદના સિદ્ધાંતોની ચર્ચા તરફથી વ્યાવહારિક અનુવાદ તરફ ગતિ હતી. આ વર્કશૉપમાં ઊલટો ઉપક્રમ છે. અનુવાદો કરતાં કરતાં સિદ્ધાંત તરફ જવું. વર્કશૉપના નિર્દેશક મલયાલમ કવિ અને અંગ્રેજીના અધ્યાપક અય્યપ્પા પણ્ણિકરે ઇચ્છ્યું છે કે આ રીતે આપણે સૈદ્ધાંતિક અનુવાદની ભારતીય ભૂમિકા રજૂ કરી શકીશું.

યોજના પ્રમાણે આ આઠ ભાષાઓના દરેકમાંથી ચારથી આઠ અનુવાદકોની પસંદગી કરી નિમંત્રણ આપવામાં આવ્યું. દરેક ભાષામાંથી એક એક ‘રિસોર્સ પર્સન’ એટલે કે (પાછો અનુવાદનો પ્રશ્ન) નિષ્ણાત, આધાર પુરુષ (પણ મહિલા હોય તો – એટલે ‘આધારક’), જાણકાર, તજ્‌જ્ઞની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાતીમાંથી આવા તજ્‌જ્ઞ તરીકે મને નિમંત્રણ છે. ભાગ લેનાર ચારમાંથી માત્ર એક જણ આવી શક્યાં – અધ્યાપિકા અનિલા દલાલ, તેમણે બંગાળીમાંથી અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઘણા અનુવાદ કર્યા છે. બીજી એક કોંકણી બાદ કરતાં દરેક ભાષાનો ક્વોટા ફુલ છે.

વળી પાછું તને થશે કે આઠ ભાષાવાળા મળે પછી કામ કેવી રીતે ચાલે? મેં તને એક વાર કહેલી પેલી ‘ટાવર ઑફ બેબલ’ની વાતની યાદ તું જ મને દેવડાવશે. બાઇબલમાં આવતી એ વાર્તા પ્રમાણે સ્વર્ગ સુધી પહોંચવા ટાવર બનાવતી માનવજાતિને વિધાતાએ જુદી જુદી જબાન આપી દીધી. બુમરાણ મચી ગઈ પણ કોઈ કોઈને સમજે નહીં અને ટાવર અધૂરો રહ્યો અને સ્વર્ગમાં જવાનું – પહોંચવાનું માનવજાતિનું સ્વપ્ન પણ. (પૂછીશ નહીં કે સ્વર્ગ ક્યાં છે?…) અહીં જુદી જુદી ભાષાઓવાળા છે, પણ કામ ચાલે છે; જરૂર બેબલ ટાવર જેવી જ દશા થાત જો અંગ્રેજીનો ઉપયોગ ન સ્વીકાર્યો હોત તો. બેબલનો એક અર્થ એટલે તો ‘બુમરાણ’ એવો થાય છે. જ્યૉર્જ સ્ટાઇનર નામના વિદ્વાને અનુવાદમીમાંસાના પોતાના ગ્રંથનું નામ ‘આફ્ટર બેબલ’ એવું રાખ્યું છે. અહીંની મંડળીમાં ધાક પાડવા એવાં મોટાં મોટાં થોથાં હું અહીં ઊંચકી લાવ્યો છું.

અંગ્રેજીમાં વ્યવહાર ચાલે છે, પણ દરેકે વાત તો પોતાની ભાષાની કરવાની છે. પોતાની ભાષામાંથી અંગ્રેજીમાં થતા અનુવાદની; અંગ્રેજીમાંથી પોતાની ભાષામાં થતા અનુવાદની; ભારતની ભાષામાંથી પોતાની ભાષામાં અને પોતાની ભાષામાંથી ભારતીય ભાષામાં થતા અનુવાદની ચર્ચાઓ થાય છે. ઉદાહરણોથી વાત કરું તો પાનાંનાં પાનાં ભરાય અને ગમ્મત આવી જાય. ઉમાશંકરે કબીરના હમણાં રૉબર્ટ બ્લાયે કરેલા અંગ્રેજી અનુવાદના દાખલા આપેલા : ‘અંતર તેરે કપટ કતરની’ (તારી અંદર કપટરૂપી કાતર છે) – અંગ્રેજી અનુવાદ છે : ‘ઇન યૉર માઇન્ડ ઇઝ લોડેડ ગન.’ (તારા મનમાં ભરેલી બંદૂક છે.) ‘ક્યા મથુરા, ક્યા કાશી’ એવી કબીરની પંક્તિનો એણે અનુવાદ કર્યો છે – ‘ટુ કલકત્તા ઑર ટિબેટ.’ આજના અમેરિકન વાચકને આ અનુવાદ વધારે સમજાય.

પણ આવી અને આટલી છૂટ લેવાય? અનુવાદકે મૂળ રચનાને કેટલા વફાદાર રહેવું અને એનાથી કેટલા સ્વતંત્ર રહેવું? આ પ્રશ્ન બહુ ચર્ચાય છે. પ્રથમ અઠવાડિયે દરેક ભાગ લેનાર અનુવાદક પોતે કરેલા અનુવાદ સંદર્ભે અનુવાદની મુશ્કેલીઓ અને પ્રશ્નોની ચર્ચા કરે એવો ઉપક્રમ હતો. ગુજરાતીનો પહેલો વારો હતો. તેમાં અનિલા દલાલે બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાના પ્રશ્નોની ચર્ચા કરી. પછી અનુવાદની વફાદારી વિષેની વાત કરતાં તેમણે કોઈનું અવતરણ ટાંક્યું. એ અવતરણમાં અનુવાદની સરખામણી સ્ત્રી સાથે કરવામાં આવી છે. સ્ત્રીની જેમ અનુવાદ વફાદાર તો સુંદર નહીં અને સુંદર તો વફાદાર નહીં. પછી અનુવાદ સાથે સંકળાયેલ સંજ્ઞાઓ, ભાષાંતર, ભાવાનુવાદ, સ્વૈર અનુવાદ, રૂપાંતર, પરિવર્તન, આશયાનુવાદ, પુનર્કથન, પુનર્રચના, અનુરચના, અનુલેખન, છાયા – લઈ ભાષાંતરના સ્વરૂપ વિષે ચર્ચાઓ ચાલતી રહી. અહીં જાણવા મળ્યું કે મલયાલમમાં અનુવાદ એટલે રજા, અનુમતિ, અનુવાદ માટે તર્જુમા (આપણો તરજુમો) કે વિવર્તન સંજ્ઞા વપરાય છે. મલયાલમમાં અનુવાદ માટે આ ‘તર્જુમા’ શબ્દ ક્યાંથી આવી ગયો હશે એની નવાઈ થાય. આપણી જેમ ફારસી અસર હશે.

અનુવાદની અનુભવ-આધારિત કથનીમાં કવિતાના અનુવાદના પ્રશ્નો સાવ નિરાળા હતા. ભલે જુદી જુદી ભાષાઓની વાત હોય, પણ ઘણા પ્રશ્નો સમાન હતા. કન્નડાના જાણીતા કથાકાર યુ. આર. અનંતમૂર્તિ (‘સંસ્કાર’ – પ્રસિદ્ધ)એ કથા ને કવિતાના પ્રશ્નોની છણાવટ કરેલી. એ કન્નડાના તજ્‌જ્ઞ હતા. મરાઠીમાંથી પુણે વિદ્યાપીઠના પત્રકારત્વના પ્રોફેસર પ્ર. ના. પરાંજપે હતા. ચર્ચામાં બહુ ભાગ લે છે. અમારું ઠીક જામે છે. તમિલના તજ્‌જ્ઞ કા. ના. સુબ્રહ્મણ્યમ્ છે. ડોસા એંશીએ પહોંચવામાં છે, પણ યુવાનને શરમાવે એવી ઇન્દ્રિય-તત્પરતા. બધી બેઠકોમાં બેસે, સાંજે ટાઇપરાઇટર્સ પર લેખ લખે, બપોરે પણ વાંચતા હોય. પહેલે અઠવાડિયે રોજ સવારમાં ભાગ લેનાર પોતાની કેફિયતો રજૂ કરે, બપોરની બેઠકમાં તજ્‌જ્ઞ એને વિષે વિગતે ચર્ચા કરે, એ પછી અનુવાદની કળા વિષે કોઈ એક વિદ્વાનનું વ્યાખ્યાન હોય.

દરમિયાન દરેક અનુવાદકને એક અંગ્રેજી નવલકથામાંથી પોતપોતાની ભાષામાં અનુવાદ માટે એક અંશ અને રવીન્દ્રનાથની ‘નિરુદ્દેશ યાત્રા’, નહિ પેલી કવિતા – જેની શરૂઆતની લીટીઓ હું ઘણી વાર તારી આગળ બોલું છું —

આર કત દૂરે નિએ યાબે મોરે હે સુન્દરી?
બલો કોન પાર ભિડિબે તોમાર સોનાર તરી..?

નો અંગ્રેજીમાં Destination Unknown નામે થયેલ અનુવાદ આપવામાં આવેલ. આઠ ભાષામાં સરેરાશ ચાર ગણતાં એક કાવ્યના અને એક ખંડના ૩ર અનુવાદ થયા. બીજે અઠવાડિયે આ અનુવાદના શબ્દે-શબ્દની ચર્ચા. અંગ્રેજી નવલમાંથી અનુવાદ માટેનો અંશ મેં આઇરિશ મહેંકની એક નવલકથા ‘ધ સી, ધ સી’માંથી અડસટ્ટે પસંદ કરેલો. પછી મનેય ખબર પડી કે ભલભલાને પરસેવો પાડી દે એવો હતો. જુદી જુદી ભાષાના અનુવાદકો મથતા રહ્યા. શબ્દના સ્તરે, વાક્યના સ્તરે, સંસ્કૃતિના સ્તરે… બધાને અંગ્રેજી ફકરા મોઢે થઈ ગયેલા એટલી ચર્ચા અને એમાંથી અનુવાદના પ્રશ્નોની ભૂમિકા બનતી જતી.

રવીન્દ્રનાથની કવિતાની તો બહુ મઝા થઈ. અહીં તેમની બંગાળી કવિતાના અંગ્રેજી અનુવાદનો અનુવાદ થતો હતો. મારી વિનંતીથી ઉમાશંકરભાઈએ અમદાવાદ જઈ મૂળ બંગાળી કાવ્ય ‘નિરુદ્દેશ યાત્રા’ ઝેરૉક્સ કરાવી મોકલી આપ્યું – નિર્દેશક અય્યપ્પાને સરનામે. એમને ખબર પડી કે બંગાળી આવ્યું છે. અંગ્રેજીમાંથી અનુવાદની ચર્ચા પછી મને પૂછે – મૂળ બંગાળી શું છે? જેમ કે lady of far off landનો અનુવાદ સૌ એવા અર્થમાં કરે કે ‘દૂર દેશની સુંદરી’, પણ બંગાળીમાં છે – ‘વિદેશિની.’ હવે એ શબ્દ તો સૌ એનો એ રાખી શકત. એટલે મૂળ બંગાળી કહીએ એટલે અનુવાદ ફરી જાય એવી સ્થિતિ આવે. બધાંને લાગ્યું કે ભારતની એક ભાષામાંથી અંગ્રેજીમાં થયેલા અનુવાદ પરથી બીજી ભારતીય ભાષામાં અનુવાદ કરતાં મૂળથી કેટલા દૂર જતા રહેવાય છે! રવિ ઠાકુરની આ કવિતા પણ બધાને મોઢે થઈ ગઈ છે અને સવારે ચા-નાસ્તો કરતાં, ભોજન કરતાં કે પછી દરિયાકિનારે ફરવા જતાં સૌ એમાંથી વિનોદમાં પંક્તિઓ, શબ્દોખંડો બોલે. ક્યારેક કોઈને અનુલક્ષીનેય – How much further will you lead me on, lady beautiful… વગેરે.

ખરી મજા તો આપણને મલયાલમ, કન્નડા કે તેલુગુ સાંભળતાં આવે. મરાઠી, સિંધી તો આપણને સમજાય. પ્રથમ વાર આ ભાષાની કવિતા, છંદ વગેરેની જાણકારી મળે છે, દ્રવિડ ભાષાઓ એટલે તુંબડીમાં હલાવેલા કાંકરા એવી મજાક ભૂલી જવાઈ છે. કેટલી મીઠી જબાનો છે આ! આ ભાષાઓમાં કવિતા ગાઈને જ રજૂ કરવામાં આવે છે. મલયાલમના કેકા અને કાકલી છંદમાં રવીન્દ્રનાથની કવિતાનો અનુવાદ ગવાતાં સાંભળ્યો. તમિળમાં પણ ગવાયો – ગાંધીધામના સિંધી મિત્ર કૃષ્ણાનીએ પણ ગાઈને સિંધી અનુવાદ રજૂ કરેલો.

એક બીજું કામ અમે કાર્યશાલાના કલાકોથી બહાર કરીએ છીએ, શ્રી ઉમાશંકરના સૂચનથી. અમે એકબીજાની ભાષાનાં થોડાં કાવ્યો પોતપોતાની ભાષામાં અનૂદિત કરીએ છીએ. મૂળ કવિતાને દેવનાગરી લિપિમાં લખીએ છીએ, એનો કામચલાઉ અંગ્રેજી અનુવાદ સાથે હોય. વળી એ ભાષાના જાણકાર પણ સાથે હોય. એ રીતે મેં મલયાલમમાંથી અને અનિલાબહેને મરાઠીમાંથી અનુવાદ કર્યા છે. નિરંજન ભગતના ‘મન’ કાવ્યના મરાઠી, તેલુગુ, મલયાલમમાં બબ્બે-ત્રણત્રણ અનુવાદ થયા છે. તેલુગુના તજ્‌જ્ઞ રામરાવે તો પંચમાત્રિક ઝૂલણા છંદની નિકટનો તેલુગુ છંદ પ્રયોજ્યો છે. એમને મેં ઝૂલણાનું બંધારણ કહ્યું તો રાજી થઈ ગયા – એવો જ આ છંદ છે તેલુગુનો – એમણે કહ્યું. સુંદર તેલુગુ લિપિમાં એ કાવ્ય તેમણે મને આપ્યું. એમણે શીર્ષક આપ્યું હતું – નીરવાકંદનલુ. મેં તેલુગુના યુવાન કવિ કે. ગોદાવરી શર્મા પાસે એ અનુવાદનું દેBold textવનાગરી લિપ્યંતર કરાવી લીધું છે. ગોદાવરી શર્માએ પોતે પણ ‘મન’ કવિતાનો તેલુગુ અનુવાદ કર્યો હતો, તેનું પણ લિપ્યંતર કરી આપ્યું છે. તેમણે શીર્ષક આપ્યું છે – ‘અંતરંગં.’

નિરંજન ભગતની ‘મન’ કવિતાની તો તને ખબર છે ને?

ક્યાંય આછોય તે એક તારો નથી, એટલો ગગનમાં ગાઢ અંધાર છે છેક છાયા સમો તે છતાં કેટલો ભાર છે આભના ગૂઢ અંધત્વને ક્યાંય આરો નથી…

આ પહેલી કડીનો તેલુગુવેશ કેવો લાગે છે તે જો :

એક્કડા ઓક્ક તારા મિનુ કુ મનડું લેદુ ચિક્કીન ચીકટિ આકાશંલો અંત ગાઢંગા ઉંદિ નીડલા ઉન્ના તિંડુગા ભારંગા ઉંદિ નિંગિલો નિગૂઢ તમસ્સુકિ અંતં લેનટ્ટુગા ઉંદિ..

આ કવિતાની છેલ્લી બે લીટીઓ તો બરાબર ઊતરી આવી છે, તે તેલુગુ જાણ્યા વિના પણ આપણને લાગે; પ્રાસ પણ જળવાયો છે —

જોયું મેં આજ આષાઢના ગગનને કે પછી માહરા ગહન શા મનને…?

નેડુ નેનું ચૂસ્તુન્નદિ આષાઢ ગગનાન્ના અંતુ પટ્ટનિ ના અંતરંગપુ ગહન્નાના?

વિલાસ ગીતે નામે એક નાજુક પ્રકૃતિના અહમદનગરના મરાઠીભાષી તો અમારા મિત્ર બની ગયા છે. બંગાળીમાંથી પણ એ તો અનુવાદ કરે છે. એમણે ‘મન’ શીર્ષકથી મરાઠીમાં સુંદર અનુવાદ કર્યો છે, એમની તો છેલ્લી લીટીઓ જ આપીશ :

પાહિલે આ જ મી ગગનિં આષાઢિંચ્યા કી મનીં ગહન માઝ્‌યા ચ ડોકાવુનીં?

આમ વાત છે, મઝા પડી જાય ને! આમ કન્નડ, તમિળ, મલયાલમના પણ અનુવાદખંડ આપી શકું. પણ ના.

પત્ર લાંબો થઈ ગયો છે, એટલે બીજા અનુવાદોની લીટીઓ આપવાનો અત્યારે તો લોભ ખાળું છું. સંક્ષેપમાં કેરલની રમ્યભૂમિમાં રમ્યતર તિરુવનન્તપુરમ્‌માં રમ્યતમ બાર્ટન હિલ પર રહીને વરસી જતા વરસાદ વચ્ચે ચાલીસ જેટલા ભાષાસાહિત્યના પ્રેમીઓ વચ્ચે ભારતની આઠ ભાષાની ચર્ચા રજા સિવાય લગાતાર એકવીસ દિવસ ચાલે એ એક અનુભવ છે. હવે બસ કરું. તું કદાચ કહીશ – કંટાળો આપવાની પણ હદ હોય!

બટ નાઉ રિલૅક્સ. શ્વાસ હેઠો મૂક હવે. (અનુવાદ બરાબર કહેવાય?)

પ્રિય,

કોઈ સુંદર સ્થળે એકલા પહોંચી જતાં એક પ્રકારની મધુર બેચેનીનો અનુભવ થવાનો. જોકે એકલા હોવાનો એક પરમ લાભ એ છે કે આપણે છીએ અને સામે સૌંદર્ય છે! એ અંતરંગ-મૈત્રી વચ્ચે કોઈ વ્યવધાન નથી. બસ, એક પ્રાચીન-પુરાતન જંગલનાં વૃક્ષો વચ્ચે સરસરાટ કરતો પવન વહે છે, જે તેની શાખાંતરાલોમાં બેઠેલાં પંખીઓના પ્રલંબ સ્વરોની ઑરકેસ્ટ્રા આપના કાન સુધી પહોંચાડી દે છે. જંગલમાં જાણે આ સિવાય કોઈ નથી. તને યાદ આવશે, મીરાંબાઈની પેલી પંક્તિ ‘જંગલ બીચ એકલી.’ મીરાંબાઈનું એ અદ્ભુત ચિત્ર છે. જંગલ બીચ એકલી એ તો કદાચ સંસારનું જંગલ – ભવાટવિ છે, અને એ ભવાટવિની વચ્ચે એણે તો પકડી હતી આંબાની ડાળ. ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ, જંગલ બીચ એકલી…’ એ આમ્રવૃક્ષ તે શ્રીકૃષ્ણ હશે? હોય પણ, જંગલ વચ્ચે મીરાંને એક અવલંબન મળી ગયું, પરિચિત આંબલિયાની ડાળ.

પરંતુ હું જે જંગલમાં છું ત્યાં આવી કોઈ આંબલિયાની ડાળ ન મળી, એટલે બગલથેલામાં રાખેલા પૉર્ટફોલિયામાંથી કોરા કાગળ કાઢી એનું અવલંબન લીધું અને આ પત્ર લખાય છે. મને અવશ્ય જંગલમાં હોવાનો ભય નથી. આ એવું ભયાનક જંગલ પણ નથી, નિર્જન પણ નથી; પણ મને એક બેચેની છે – એના પરિસરમાં વિસ્તરેલા સૌન્દર્યનાં દર્શનની.

અહીં, એટલે કે ભારતને દક્ષિણ છેડે કેરલમાં વિસ્તરેલા પશ્ચિમ ઘાટના પહાડોમાં છેક ઊંચાઈએ એક જંગલ છે, અને એ જંગલમાં એક નદી-સરોવર છે. નદીનું નામ છે પેરિયાર. મલયાલમ ભાષામાં ‘યાર’ એટલે નદી, પ્રવાહ અને ‘પેરિ’ એટલે મોટો. મોટો પ્રવાહ. પેરિયાર બહુ મોટી નદી છે. આ એ નદી જેની વાત અગાઉ તને એક વાર લખી હતી. એ પેરિયાર નદીનું મૂળ નામ તો છે પૂર્ણા.

પૂર્ણા કહેતાં તને યાદ આવશે, જગદ્ગુરુ શંકરાચાર્યનું ગામ કાલડી. પૂર્ણાને કાંઠે એ ગામ. એ જ પૂર્ણા નદીમાં મગરે એમનો પગ પકડેલો છે. એની પણ વાત તને કહેવાની છે, પણ એ પહેલાં આ પહાડોની ઊંચાઈએ આવેલા પેરિયાર સરોવરની વાત કહું. પશ્ચિમ ઘાટના આ પહાડો ભરપૂર વરસાદથી વરસનો મોટો ભાગ તો નીતરતા રહે છે. પૂરવમાં બંગાળના ઉપસાગરથી વાદળીઓ ચઢે તેય તેને અથડાઈને વરસે. અને પશ્ચિમમાં અરબી સાગરથી વાદળીઓ ચઢે તેય તેને અથડાઈને વરસે. પેરિયાર પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદી છે. પહાડોના જંગલમાંથી એ વહે છે, પણ પછી આગળ જતાં બે નજીક નજીક આવેલા પહાડો વચ્ચે બંધ બાંધી આ સ્વચ્છંદ રમણીને ગૃહિણી રૂપે એટલે કે સરોવરનાં સ્થિર જળ રૂપે પરિવર્તિત કરી છે. હું સરોવર કહું એટલે તને કોઈ સુંદર ગોળ સરોવરનો ખ્યાલ આવે; પણ ના, આ સરોવર તો પહાડોની વચ્ચે જ્યાં જ્યાં જગ્યા મળી છે તેમ અનેક દિશાઓમાં વિસ્તરેલું છે – જાણે સરોવરની અનેક ભુજાઓ.

માઉન્ટ આબુ ઉપર પહાડી ઢોળાવો વચ્ચે સ્થિર થયેલા નખી સરોવરને તેં જોયું છે, પણ એ તો એવડું કે તેની આસપાસ કેટલીય વાર પ્રદક્ષિણા કરી શકાય. પણ પેરિયાર સરોવર તો ૨૬ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે, અને તે વ્યાઘ્રગજાદિસેવિત જંગલો વચ્ચે. હા, આ જંગલોમાં વાઘ પણ છે. અને ગજ કહેતાં હાથીઓનાં ઝુંડ પણ છે. વાઘ ખાસ કોઈને દેખાયો નથી, એ શરમાળ પ્રાણી છે – પણ હાથીઓ – જંગલી મુક્ત હાથીઓ ટોળાબંધ ફરતા દેખાઈ જાય તમારા ભાગ્યમાં હોય તો.

અમારા ભાગ્યમાં હસ્તિદર્શનયોગ હતો. હા, ગઈ કાલે નહોતો. કાલે જ્યારે હું તેક્કેડિ (આપણે કહીએ છીએ થેક્કડી) આવ્યો, ત્યારે સાંજે જ પેરિયાર સરોવરમાં નૌકાવિહાર બે કલાક સુધી કરેલો; પણ દૂર છાયાચિત્ર જેવા બેત્રણ હાથી દેખાયા એટલું. પણ આજે તો – ઝુંડ, એક નહિ, બે નહિ, ત્રણ ત્રણ.

પણ પહેલાં હું કોટ્ટાયમ્‌થી તેક્કેડિ સુધી પહોંચ્યો તેની વાત કરું. તારો હંમેશાં એવો આગ્રહ હોય છે કે માંડીને વાત કરવી – અને મને અહીં પેરિયારને કાંઠે જંગલમાં પૂરતો સમય છે. અને ખરી વાત એ છે કે સૌન્દર્યદર્શનજનિત વ્યગ્ર એકલતાને મારે ભરવી પણ છે.

કોટ્ટાયમ્‌થી તેક્કેડિ સુધીની ચાર હજાર ફૂટની ઊંચાઈનો આખો માર્ગ રમણીય. તું કહીશ, તમને તો બધું ‘રમણીય’ લાગે છે, પણ તું સાથે હોત તો ‘આ તો જુઓ!’ ‘આ પેલું તો જુઓ!’ કહેતી વારંવાર મારા જોવા છતાં હર્ષથી આંગળીઓ ચીંધી બતાવતી હોત. આ પહાડો બધા જ લીલાછમ. આમેય સમગ્ર કેરલનો એક જ રંગ છે, અને તે લીલો – રાજકીય રીતે ભલે લાલ હોય. પણ આ પહાડોના ઢોળાવો પર રબ્બરનાં વૃક્ષો. જરા ઊંચે ચઢો એટલે ચાના બગીચા, કૉફીનાં ખેતર. વૃક્ષોને વીંટળાયેલી બાઝેલા મરીની લતાઓ, કેળ, નાળિયેરીનાં ઝાડ, ઇલાયચી-એલાલતા – એક તસુ જગ્યા જાણે ખાલી નથી.

સવારનો સમય હતો. સૂરજનાં કિરણો હજી ત્રાંસાં પથરાયેલાં અને પહાડીઓ વચ્ચેની ઘાટીઓમાંથી ધુમ્મસ રમ્ય આકારમાં ઉપર ચઢતું હોય. આ પેલા એલિયટના લંડન શહેરનાં મકાનોની કાચની બારીઓ સાથે બિલાડીની જેમ પેટ ઘસતું ચાલતું ધુમ્મસ નહિ. આ તો આપણે જે દાર્જિલિંગના પહાડોમાં જોયેલું એવું. એટલું ગાઢ નહિ, પણ એ રીતે ક્રીડામસ્ત. બસમાં જેમ શબરીમાલાના આદિવાસી યાત્રિકો હતા, તેમ કેટલા વિદેશી યાત્રિકો – એકે તો બસની બારીમાં કૅમેરા ગોઠવી રાખેલો. સાચે, જાણે છબીઓ પર છબીઓ પાડી લઈએ એવા પહાડના વળાંકો પર વળાંકો અને ઊંડી ઘાટીઓ. રસ્તાની ધારે અડીને ઘર પણ હોય. ક્યાંક તો બારીમાંથી નીચે નજર કરું ને દેખાય થોડાંક ઘર, હરિયાળીની વચ્ચે એવાં તો કેટલાંય ઘરોમાં વસવાનો વિચાર આવી જાય, પણ પંથીને વળી ઘરની માયામાં પડાય?

તને આશ્ચર્ય થશે કે આ બધા વિસ્તારમાં વચ્ચે આવતાં ગામ કે મોટા માર્ગમાં વધારેમાં વધારે દેખાશે ક્રાઇસ્ટનાં ચર્ચ અને કોમરેડોની ખાંભીઓ. કેરલમાં આખી દુનિયામાં સૌથી પહેલી ચૂંટાયેલી કૉમ્યુનિસ્ટ સરકાર સ્થપાયેલી એ તો તને ખબર છે. આ વિસ્તારમાં ખ્રિસ્તીઓ પણ વધારે.

તેક્કેડિ સુધીનો રસ્તો જ પ્રસન્ન બનાવી ગયો. હવે પાછા ઊતરી જઈએ તોય વસવસો ના રહે. હવે જાણે અહીં આવવાના પુરસ્કાર રૂપે આ તેક્કેડિનું અભયારણ્ય અને આ પેરિયાર સરોવર! બસ છેક સરોવરને કાંઠે આવેલા ‘અરણ્યનિવાસ’ સુધી લાવી. બસમાંથી ઊતરીને રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો. એક બહેને વિનયથી કહ્યું – એકેય રૂમ ખાલી નથી. પછી કહે – લેક પૅલેસમાં એક રૂમ ખાલી છે. ‘ટેરિફ’? રૂ. ૯૯૦, એક દિવસના. ખભે બગલથેલો ભરાવેલો મને જોઈને એ મજાક તો નહોતી કરતી ને? મારે જંગલ વચ્ચે રહેવું તો હતું. બાજુમાં પેરિયાર હાઉસ છે, અડધો કિલોમીટર દૂર, ચાલતો ચાલતો ગયો. એ ચાલવાની મઝા હતી; પંખીઓના અવાજો કાનોને ભરતા હોય અને ઊંચાં વૃક્ષોનાં મોટાં પાંદડાં પવનમાં ઝૂમતાં હોય, પ્રવાસીઓ આમતેમ ચાલતા હોય. પેરિયાર હાઉસમાં તો શાની જગ્યા મળે? અહીંથી ચાર કિલોમીટર કુમિલીમાં જઈને રહેવું પડશે. ત્યાં તો ઘણી હોટલો છે. પણ પછી જંગલનું સાન્નિધ્ય? પેરિયારની સાથે પ્રીતિ કેમ કરવી? કાઉન્ટર ઉપર પૂછ્યું. કહે : ‘ડબલ બેડરૂમ ખાલી એકે નથી.’ અહીં કોને ડબલ બેડરૂમની જરૂર હતી! મેં કહ્યું, ‘જોઈએ છે જ સિંગલ બેડરૂમ.’ મળી ગઈ. હાશ!

રૂમમાં જઈ બારી ખોલી – દૂર વૃક્ષાંતરાલમાંથી પેરિયારનાં જળની લકીર. પણ રૂમમાં રહેવાનું જ કેટલું? નીકળી પડ્યો. પ્રવાસીઓ પર પ્રવાસીઓ આવતા જતા હતા. કોલાહલ વધતો જતો હતો. થોડી વાર તો થયું, આ તો મે-જૂનમાં આપણે આબુ ગયા હોઈએ એવું.

આવે વખતે આપણી જાતને ખેંચી લેવી પડે. વૃક્ષો વચ્ચે એકલા ફરવું, ક્યાંક બેંચ પર ચુપચાપ બેસી પંખીઓના વૃન્દગાનનું શ્રવણ કરવું. ક્યાંક પેરિયારની એક લંબાયેલી શાખાનાં જળ સુધી પહોંચી ચુપચાપ ઊભા રહેવું.

સાંજે બીજા પ્રવાસીઓ સાથે નૌકાવિહારમાં જોડાઈ ગયો. અભયારણ્ય છે. જંગલી પ્રાણીઓ કદાચ છે ને દેખાઈ જાય. પણ નૌકાયાત્રીઓનો પોતાનો ઘોંઘાટ એટલો કે ભાગ્યે જ વન્ય પ્રાણીઓ વિશ્વસ્ત બનીને સરોવરકાંઠે આવે.

પણ મને તો મઝા પડી ગઈ. મારે જંગલી પ્રાણીઓ જોવાં નહોતાં. આ વૃક્ષોછાયા, હરિયાળીછાયા, રમ્ય આકારોવાળા પહાડો જોવાં હતાં. ત્યાં કોઈએ બૂમ પાડી : એલિફન્ટ, વાઇલ્ડ એલિફન્ટ. દૂર છાયાચિત્ર જેવા હાથી પાણીને કાંઠે ઊભા હતા, બોટ એ તરફ વળતાં જંગલમાં એ અદૃશ્ય થઈ ગયા. પાણી વચ્ચે ડૂબમાં ગયેલાં વૃક્ષોના સુક્કા આકારો ઊભા હતા. ક્યાંક નિષ્પર્ણ ડાળી ઉપર કોઈ સુપર્ણ ફરફર કરતું આવી બેસી જાય.

રાત તો એટલી બધી સ્વચ્છ કે આકાશમાંના તારા નિકટ ઊતરી આવ્યા લાગે. તને સાચું કહું – તેમ છતાં હજી જાણે જંગલ ચઢતું નથી, એમ થાય. વહેલી સવારે જાગી ગયો. બારી તો ખુલ્લી રાખી જ હતી, અરણ્યને અંદર આવવા દેવા માટે. વૃક્ષોનાં પાંદડાં પરથી ટપ ટપ ટપાક્ પાણીનાં બુંદ ઝમતાં હતાં, પાંદડાંનો સરસરાટ અને પંખીનો કલબલાટ અંદર આવતો હતો. ચા પીને નીકળી પડ્યો માર્ગ ઉપર. સવારની એક વહેલી નૌકા ઊપડી રહી હતી, તેમાં બેસી ગયો – ફરી નૌકાયાત્રા.

ધીરે ધીરે જાણે એક સૌંદર્યલોક ઊઘડતો જાય છે. ગઈ કાલનો સાંજનો જ માર્ગ પણ આ સવારે અદ્ભુત! ક્યાંક પહાડોનાં શિખર પર ધુમ્મસ આળોટે છે, ક્યાંક કાચો તડકો પ્રસરે છે, ક્યાંક વૃક્ષો વચ્ચેથી પ્રકાશના સ્તંભ લંબાય છે અને આ પેરિયારજળ લહેરાય છે.

ત્યાં તો જોયું, ઊતરી આવ્યું છે પાણી પીવા હાથીઓનું એક ઝુંડ. નાનાં મદનિયાં સાથે હસ્તિનીઓ અને હસ્તીરાજો. એક-બે નહિ, દશ-બાર નહિ, ગણ્યા તો પૂરા છવ્વીસ હાથીઓનું ઝુંડ – મુક્ત વિચરણ કરતું જણાતાં બોટનાં મશીન બંધ કરી દેવાયાં. સ્તબ્ધતા. હાથીઓ પાણીને કાંઠે કાંઠે ચાલે છે. જળને કાંઠે પાણીને અડીને ઊગેલું કુમળું ઘાસ સૂંઢથી તોડી, પાણીમાં વીંછળી, કોળિયા મોઢામાં મૂકે છે, મદનિયાં માની પાછળ સંતાય છે.

બોટથી થોડે દૂર પછી એક હાથી પાણીમાં ઊતરે છે, પાછળ બીજા અને પછી તો આખી હાર બની જાય છે. હાથીની જળક્રીડા તો જાણીતી છે. ગજેન્દ્રમોક્ષવાળી વાત તો તું જાણે છે. આટલા બધા હાથીઓને પાણીમાં તરતા ને સામે કાંઠે જતા જોઈ આરણ્યક સંસ્પર્શ અનુભવી રહ્યો.

ક્યાંક પહાડો તો એટલા સરસ, સુડોળ ને ગોળ હરિયાળીથી શોભતા – જાણે હાથ ફેરવી લઉં. થવા લાગ્યું કે સાચે જ એકલો છું, જંગલ બીચ….

કાંઠે આવ્યા પછી આ સૌંદર્યદર્શનથી પર્યુત્સુક મનનો છલકતો વ્યગ્ર આનંદ તને પત્ર દ્વારા પાઠવું છું. એકાદ છોર તને જરૂર અડકવી જોઈએ. ના, હવે જંગલ બીચ છતાં એકલો નથી.

પ્રિય,

જગદ્ગુરુ શંકરાચાર્ય વિષેની સંસ્કૃત ફિલ્મ આપણે જોઈ હતી; પણ આદિ શંકરાચાર્યની જીવનની કેટલીક ઘટનાઓ વિષે નાનપણથી આપણી જાણકારી રહી છે. તેમાં એક ઘટના તો પેલી મગર વિષેની. શંકરને સંન્યાસ લેવાની ઇચ્છા હતી પરંતુ આર્યામ્બા અનુમતિ આપતાં નહોતાં. કહે છે કે એક દિવસ એવું બન્યું કે ઘરને અડીને જ વહેતી પૂર્ણા નદીમાં શંકર સ્નાન કરવા ગયા, ત્યાં મગરે એમનો પગ પકડ્યો. એમણે માતાને બૂમ પાડી. મા નદીકાંઠે આવ્યાં કે શંકરે કહ્યું – ‘મા, મગરે મારો પગ પકડ્યો છે. એ મને પાણીમાં ખેંચી જાય છે. તમે મને સંન્યાસી થવાની અનુમતિ આપો તો મગર મને છોડી દેશે.’ માને થયું કે પુત્ર ખોઈ બેસે એના કરતાં એ સંન્યાસી બનીનેય જીવતો રહે તે ઘણું છે. માએ અનુમતિ આપી અને પછી મગરે પગ છોડી દીધો

આ મગર સાચેસાચનો મગર હતો કે શંકરે રચેલી માયા હતી? કોણ કહી શકે? અથવા તો એ માત્ર એક રૂપક છે. સંસારરૂપી નદીમાં આપણા સૌના પગ કાળરૂપી મગરના મુખમાં છે. એના ગ્રાસમાંથી બચવું હોય તો સંસાર ત્યજી એક માર્ગ તે સંન્યાસનો છે.

શંકરને તો ૩૨ વર્ષની ટૂંકી જિંદગીમાં કેટલાં મહાન કર્મો કરવાનાં હતાં! હજી તો નર્મદાને કાંઠે ઓમકારેશ્વરમાં ગુરુ શોધી એમની પાસે વિદ્યા ભણવાની હતી, હજી તો કાશીના પંડિતોને વિવાદમાં હરાવવાના હતા, પેલા મંડનમિશ્ર અને તેમની વિદુષી પત્ની સરસ્વતીને હરાવવા તો શંકરને એક સદ્યમૃત યુવકના શરીરમાં પ્રવેશી સંસારનુભવ સુધ્ધાં લેવો પડેલો. અદ્ભુત લાગે છે બધું. એથીય અદ્ભુત તો લાગે છે એમણે વ્યવસ્થિત કરેલી હિન્દુ ધર્મની દાર્શનિક પીઠિકા અને દેશની ચાર દિશાઓમાં ચાર આશ્રમોની સ્થાપના દ્વારા એનું નિર્વહણ. શંકર એક પ્રકાંડ દાર્શનિકમાત્ર ન હતા, એક સુદઢ ધર્મપ્રશાસક પણ હતા.

પરંતુ આ બધી વાત હું તને ક્યાં લખવા બેસી ગયો? શંકર વિષે તને મારાથી વિશેષ નહિ તો મારા જેટલી તો ખબર છે જ. પણ આવું ઘણી વાર થઈ જાય છે. ઉત્સાહમાં એની ખબર રહેતી નથી. અત્યારે આ ક્ષણે જે ઉત્સાહ છે, તેનું કારણ છે; અને તે કારણ છે એ આદિ ગુરુના જન્મસ્થાન કાલડીની તીર્થયાત્રા.

ગાડીમાં બેસતાં જ મધ્ય કેરલનો રમ્ય પ્રદેશ શરૂ થઈ ગયો. મને થયું કે શંકરાચાર્ય આટલા સુંદર પ્રાકૃતિક પરિવેશમાં જન્મીને મોટા થયા છતાંય એમને સંસાર પર વૈરાગ્ય કેમ આવ્યો હશે? પણ એ તો જન્મ્યા જ હતા એક વિરાટ કામ સમ્પન્ન કરવા. પ્રકૃતિ કે નારીનું સૌન્દર્ય એમને બાંધી શકે ક્યાંથી? ત્યાં રસ્તાની ધારે જોયું કે પાણી ભરાયેલા ખાડામાં કમલ ખીલ્યાં છે, રક્તકમલ. એનો રંગ-આકાર હજી નજરમાંથી ખસતાં નથી. શંકરાચાર્યે કંઈ આ કમલ જોયાં નહિ હોય? જરૂર જોયાં હશે. એ કમલ જ જોયાં નથી, એનાં કમલલતા-નલિનીલતાનાં વિશાળ પાંદડાં પણ જોયાં છે, એ પાંદડાં પર ઠરેલાં જળબિંદુઓ પણ જોયાં છે, અને એટલે તો એમને ‘ભજગોવિંદમ્’ સ્તોત્રમાંની માનવજીવનની ક્ષણભંગુરતા વિષેની પેલી પ્રસિદ્ધ ઉપમા સૂઝી છે :

નલિનીદલગતસલિલં તરલમ્ તદ્‌વજ્જીવિતમતિશય ચપલમ્

જોયું ને? દૃષ્ટિનો જ બધો ફેર છે. કવિને કમલ જોતાં પ્રિયતમાની આંખો કે મુખ યાદ આવે, અવશ્ય તુલસીદાસ જેવા રામોપાસકને માટે એ કમલ રામના મુખ, નેત્ર, હાથ, પગ બધાં અંગોનું ઉપમાન બને. ‘નવકંજલોચન કંજમુખ કરકંજ પદ કંજારુણમ્’ – કંજ કહેતાં કમલ અને કંજારુણમ્. લાલ કમલ જોઈને પણ તુલસીને રામના ચરણનું સ્મરણ થયું. મને તારું સ્મરણ થયેલું – આ સુંદર લાલ કમલો જોઈને તું પ્રસન્ન બની ગઈ હોત. પણ હું તો શંકરાચાર્યના કમલદર્શનની વાત કરતો હતો. શંકરાચાર્યે તો કહી દીધું કે કમલનાં પાન-નલિનીદલ ઉપર રહેલ તરલ પાણીની જેમ માનવજીવન અતિશય ચંચળ છે. ક્યારે દડી પડશે, કહેવાય નહિ – માટે ભજગોવિંદમ્ મૂઢમતે.

પેલી કમલપંક્તિઓથી તો ગાડી ક્યારનીય પસાર થઈ ગઈ હતી. ત્યાં શંકરાચાર્યની ‘સૌન્દર્યલહરી’ના શ્લોકો યાદ આવતા હતા. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે, એમ કહેનાર જ્ઞાનમાર્ગી દાર્શનિક દેવીના પરમ ભક્ત પણ હોઈ શકે? હોઈ શકે. દેવીસ્તવના એ શ્લોકોનું નાદમાધુર્ય અદ્ભુત છે.

એર્ણાકુલમ્ ગાડી થોડી વાર થોભે છે. આ જ કોચીન. હવે એનું અસલી નામ આવી ગયું છે – કોચી. કોચીથી અંગમાલી.

અંગમાલી બહુ નાનું સ્ટેશન છે. મારી સાથે કોઈના લગ્નમાં જવા નીકળેલું એક સ્ત્રી-પુરુષોનું દળ પણ અંગમાલી સ્ટેશને ઊતરેલું, તેમને માર્ગ પૂછ્યો, ખાસ્સું ચાલીને ગામ સુધી જવું પડશે. સ્ટેશનને ‘અંગમાલી ફૉર કાલડી’ એટલું લાંબું નામ આપવામાં આવ્યું છે, તે જગદ્ગુરુના ગામની પહેંચાન તરીકે હશે.

ચાલ્યો, કેરલનાં અંતરિયાળ ગામોમાં ચાલવાનો અનુભવ આપણને ક્યારે મળવાનો હતો? અહીં બધાં એકએક માળનાં બેઠા ઘાટનાં નળિયાંવાળાં ઘર. ઘરની આસપાસ કેળ-નાળિયેરની ઘટા. ઘર તો દેખાય જ નહિ. દરેક ઘર સ્વતંત્ર એકમ. ઝૂંપડી હોય તોય, હોય ઘટા વચ્ચે. ગામની મુખ્ય સડક ઉપર આવ્યો. અહીંથી કાલડી માટેની બસ પકડવાની હતી. ચાલતો ચાલતો બસમથકે. એક આખી ખાલી બસમાં ડ્રાઇવર અને કંડક્ટર વાતો કરતા હતા. મેં પૂછ્યું – ટૂંકા અંગ્રેજીમાં : ‘ફોર કાલડી?’ જવાબ મળ્યો, ‘યસ પ્લીઝ. કાઇન્ડલી કમ ઇન ઍન્ડ સિટ ડાઉન. ધ બસ વિલ સ્ટાર્ટ ઍટ ઇલેવન-થર્ટી.’ કંડક્ટર ચોખ્ખા અંગ્રેજીમાં બોલી રહ્યો હતો!

સમય થતાં બસ ભરાઈ ગઈ, છલકાવા લાગી અને ઊપડી. મને થાય કે આ શંકરાચાર્યની જન્મભૂમિનો વિસ્તાર. આ બધાં આજુબાજુનાં ગામોમાં એ જરૂર ભમ્યા હશે. એક રૂપિયાની ટિકિટ, તે થોડી વારમાં તો કાલડી આવી ગયું.

કાલડીમાં ઊતરતાં જ ચર્ચનાં દર્શન. શંકરાચાર્યના ગામમાં ઈસુ ખ્રિસ્ત. ભલે પધાર્યા, પણ મારું મન ઝટ રાજી થયું નહિ, એ વાત તને લખવી પડે. કમસે કમ શંકરાચાર્યના ગામમાં… શંકરાચાર્ય – જેમણે આખા દેશમાં વ્યાપ્ત બૌદ્ધ ધર્મને સ્થાને સનાતન ધર્મની પ્રતિષ્ઠા કરી. એમણે બૌદ્ધધર્મનાં કેટલાંક તત્ત્વો અપનાવી લીધાં, એટલે તો એમને ‘પ્રચ્છન્ન બુદ્ધ’ પણ કહેવામાં આવે છે. એ વ્યાવહારિક માર્ગ હતો. આ પરમ દાર્શનિક વ્યવહારુ દૃષ્ટિવાળા પણ હશે. બૌદ્ધમાર્ગીઓને પણ થયું હશે કે આપણા ધર્મનાં આ તત્ત્વો તો આ સનાતન ધર્મમાં પણ છે. તો પછી આપણા એ મૂળ ધર્મને કેમ ન અપનાવવો? ‘આ તો આપણા લોકોનું ઇન્ટરપ્રિટેશન છે’ એવું તું તો કહીશ.

કાલડીમાં ઊતરી ગયો. અહીંથી જગદ્ગુરુના જન્મસ્થાને જવું હતું. ચાલીને જઈ શકાય એવું હતું. મારે કાલડીની શેરીઓમાં ચાલવું પણ હતું. મેં એક માણસને પૂછ્યું, ‘બર્થપ્લેસ ઑફ શંકરાચાર્ય?’ એણે મને સડકની એક દિશામાં સંકેત કર્યો. હું ચાલ્યો. ત્યાં તો મોટો બ્રિજ. શંકરાચાર્ય બ્રિજ એનું નામ. જેવો બ્રિજ ઉપર ચાલ્યો કે આહ! પહોળા પટવાળી વિપુલ સલિલા પેરિયાર વહી જતી હતી. બન્ને કાંઠે કેળ-નાળિયેરીની છાયાઓ ઝૂકેલી. પૂર્વમાં આછી ડુંગરમાળ. ક્યાંક પટ ખુલ્લો સ્વચ્છ રેતીથી શોભતો. હું તો આ દૃશ્ય જોઈને જ રાજી થઈ ગયો. આ પેલી તેક્કડિવાળી પેરિયાર. તને આ સુંદર નદીનો કંઈક ખ્યાલ આપવા મેં એક ફોટો પાડી લીધો છે. કેવો આવશે તે ખબર નથી. મને આછી અવરજવરવાળા આ પુલ પર ઊભવાનું બહુ ગમી ગયું. આ એ જ નદી જેનું અસલ નામ પૂર્ણા, જેના જળમાં મગરે બાળ શંકરનો પગ પકડ્યો હતો. આ વિચારતાં આ નદી માત્ર નદી ના રહી. પુલ ઉપરથી જોયું, નદીને ડાબે કિનારે જરા દૂર બાધેલાં ઘાટનાં પગથિયે નરનારી સ્નાન કરતાં હતાં. મારે એ તરફ જવું હોય તો પુલ ઓળંગવાની જરૂર નથી. હું પુલની બન્ને બાજુ નજર કરી નદીને આંખમાં ભરી પાછો વળ્યો. ફરી ભૂલા ન પડાય એટલે રિક્ષા કરી લીધી. આદિ શંકરના જન્મસ્થળે કેટલીક યાત્રાળુ બસો ઊભી હતી.

નાનકડું સ્થળ છે, બાજુમાં કૃષ્ણનું પ્રાચીન શૈલીનું મંદિર છે. કહે છે શંકરાચાર્યના એ ઉપાસ્ય દેવ હતા. શંકરની જન્મભૂમિ આ જ હશે? અહીં એમનું ઘર હશે?

પ્રાંગણના દ્વારેથી અંદર પ્રવેશ કર્યો. ડાબી તરફના નાનકડા દેવાલયમાં સરસ્વતીની મૂર્તિ હતી. જરા દૂર જમણી તરફના દેવાલયમાં શંકરની મૂર્તિ છે. સરસ્વતીવંદના કરી જરા આગળ ચાલું ત્યાં એક સમાધિ, અખંડ દીવડો બળે.

અહો! આ જ શંકરનાં માતા આર્યામ્બાની સમાધિ! ત્યાં પ્રણામ કરીને ઊભતાં જ એકાએક એક દૃશ્ય સામે આવી ગયું. શંકર તો ધર્મના દિગ્વિજય માટે નીકળી પડેલા છે અને માની અંતિમ ક્ષણો આવી પહોંચી છે. શંકર સંન્યાસી થઈ ગયેલા, પણ સંન્યાસ લેતાં માને કહેલું કે, ‘જ્યારે તું યાદ કરીશ, ત્યારે ગમે ત્યાં હોઈશ, તારી પાસે આવી પહોંચીશ.’ આ ખરો સંન્યાસી. સંન્યાસીને મા શું ને બાપ શું? પણ શંકર તો વિદ્રોહી સંન્યાસી હતા. માએ સ્મરણ કર્યું અને માની શુશ્રૂષા કરવા આવી પહોંચ્યા. રૂઢિચુસ્ત બ્રાહ્મણોએ વાંધો ઉઠાવ્યો. આ તો ગૃહસ્થનું કામ. પણ શંકરે માની સેવા કરી. માતાએ દેહ છોડતાં અગ્નિસંસ્કાર માટે કોઈ બ્રાહ્મણ આવ્યા નહિ, શંકરને સંન્યાસધર્મમાંથી પતિત માની.

પણ શંકરે એકલે હાથે ઘરના આંગણામાં જ માનો અગ્નિસંસ્કાર કરેલો. આ એ જ સ્થળ. જગદ્ગુરુ માને અગ્નિદાહ આપી રહ્યા છે. મા તે મા છે – બધા ધર્મોથી ઉપર, કર્મોથી ઉપર. આર્યામ્બાની સમાધિ પાસે ઊભતાં ગદ્ગદ થઈ જવાયું. આર્યામ્બાને પુનઃ પુનઃ પ્રણામ કર્યા. શંકરની નહિ, આપણાં સૌની મા, મા માત્ર, માત્ર મા.

મંદિરમાંથી જોયું, પેરિયારનો ઘાટ પાછળ જ છે. ત્યાં જાઉં એમ વિચારું છું, ત્યાં તો આ નાનકડા મંદિરનો ખુલ્લો ખંડ ગજાવતો એક અવાજ ગુંજી ઊઠ્યો. આ તો સૌન્દર્યલહરીનો શ્લોક. શું મધુર કંઠ! જોયું, બે મહિલાઓ અર્ચના કરવા આવી છે, તેમાંથી એક આ શ્લોકનું ગાન કરી રહી છે. મારા કાન જ નહિ, સમગ્ર સંવિદ્ એ શ્લોકના નાદથી રણરણી રહ્યું. એ પછી કેટલીક પૂજા-અર્ચનની વિધિ. ફરી એક શ્લોકનું ગાન. કેવી અનુભૂતિ કહું? સુંદરમ્‌ની શિખરિણીમાં પેલી પંક્તિઓ છે ને…. ‘મને અંગે અંગે અણુઅણુ મહીં કો પરસતું/ગયું…’ ધન્ય. શંકરની સૌન્દર્યલહરીના શ્લોકનું એમના જન્મસ્થળે આવું મધુર ગાન સાંભળીને ધન્ય.

આદિ શંકરાચાર્યના આ જન્મસ્થળે ઊભા રહી, એમના જીવનકાર્યનું સ્મરણ કરતાં કરતાં એમની અંતિમ સમાધિનું સ્થળ યાદ આવ્યું. હિમાલયમાં કેદારનાથના બરફાની વિસ્તારમાં એમની સમાધિ આપણે સાથે જોઈ હતી; એટલે એમ થયું કે આ જન્મસ્થળે પણ તું હોત! આદિગુરુ જન્મ્યા છેક દક્ષિણમાં અને છેક ઉત્તરે જઈ વિરમ્યા.

બહાર નીકળી ઘાટ ભણી ગયો, પગથિયાં ઊતર્યો. એક યાત્રિક મંડળી સ્નાન કરતી હતી. સ્વચ્છ ભરપૂર પાણી. હું ન રહી શક્યો. નાહવાનો વિચાર કર્યો… વધારાનાં કપડાં વગેરે લાવ્યો નહોતો; પણ આ ઘાટ ઉપર તો નહાવું જ પડે. આ પેલો મગરવાળો ઘાટ. મગરે તો આપણને હંમેશાં પકડેલા જ છે, પછી? એક અંતરંગ અંગવસ્ત્ર માત્ર રહેવા દઈ હું પૂર્ણા અર્થાત્ પેરિયારનાં જળ માથે ચઢાવી તેમાં ઊતરી પડ્યો વહેતા જળમાં. આ માત્ર સ્નાનથી કંઈક વિશેષ હતું. શંકર ઘર પછવાડેની આ નદીમાં નાહવા આવતા હશે ત્યારે આ ઘાટ અવશ્ય નહિ હોય. જળભીની કેળનાળિયેરી ઝૂકી કેડી હશે નદીકાંઠે લઈ જતી. ખરું કહું? પેરિયારના જળમાંથી નીકળવાની ઇચ્છા નહોતી. તેક્કડિની સ્થિરજળા પેરિયારથી આ વહેતી પેરિયાર કેટલી જુદી છે!

પછી તો ઘાટે આવી ઊભો. પવને મારો દેહ લૂછી લીધો; અને પછી હું પાસેના કૃષ્ણમંદિર ભણી વળ્યો. મંદિરના પાછલા ભાગમાં પીપળા નીચે બાંધેલા, ઈંટો બહાર નીકળી ગયેલા એક જૂના ઓટલા પર આડા પડી વિશ્રામ કર્યો. બપોરની સ્તબ્ધતામાં એક શાંતિનો અનુભવ થતો હતો. સ્થળવિશેષનો મહિમા હશે.

પત્ર લાંબો થઈ ગયો. લાંબા પત્રનો તારો આગ્રહ પણ હોય છે; પણ હવે તો બસ કરું ને?

પ્રિય,

ત્રિવેન્દ્રમ્‌-બૅંગ્લોર આઇલેન્ડ એક્સપ્રેસ હમણાં જ ત્રિવેન્દ્રમ્ અર્થાત્ તિરુવનન્તપુરમ્ છોડી વેગથી ઉત્તર દિશા ભણી ધસી રહ્યો છે. રેલગાડીની બારી બહાર કેરલની રમ્ય નિસર્ગશ્રી પસાર થતી જાય છે. બંકિમચંદ્રે વંદે માતરમ્ ગીતમાં સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ અને શસ્ય શ્યામલામ્ વિશેષણો આમ તો જાણે બંગભૂમિ માટે પ્રયોજ્યાં છે; પણ કદાચ સૌથી વધારે આ કેરલભૂમિને લાગુ પડે એમ છે. અલબત્ત કેરલ ભૂમિ શસ્યશ્યામલ એટલી નથી, જેટલી નાળિયેરી, કેળ, સોપારીનાં સઘન વૃક્ષોથી શ્યામલ છે. આ શ્યામલ એટલે કાળી નહીં, પણ ઘેરી લીલી એવો અર્થ થાય, તે તને તો કહેવું ના પડે.

દોડતી ગાડીમાં પત્ર લખવાનો તો શરૂ કર્યો છે, પણ નજર વારંવાર બારી બહાર જાય છે અને પછી પસાર થતી સુંદરતાને જોવામાં લીન થઈ જાય છે. વચમાં મન વિચારે ચડી જાય છે. એકવીસ દિવસનો તિરુવનન્તપુરમ્‌માં વાસ કર્યો છે, અને આ નગર માટે આવો પ્રેમ થયો છે કે આજે નગરથી વિખૂટા પડવાની વેદનાથી સાચ્ચે જ વ્યગ્રચિત્ત છું. તિરુવનન્તપુરમ્‌ની કેટલી રમ્ય સંધ્યાઓ વિષે તને લખ્યું નથી, એવી જ રીતે એના વરસાદનાં સંભારણાંની વાત પણ લખવાની રહી ગઈ છે. એના મંદિર વિષે તો લખ્યું, પણ એનાં ચર્ચ અને મસ્જિદની વાત તો ક્યાં કહી છે? એની યુનિવર્સિટીની પરિસર અને એમ. જી. રોડ પરના સ્ટેચ્યુની તો કેટલી સાંભરણો લઈને આ ગાડીમાં બેસી ગયો છું!

ત્રિવેન્દ્રમ્ આમ તો કેરલનું પાટનગર, પણ સૌ એને ‘બ્યુટીફુલ ટાઇની સિટી ઑફ કેરલા’ કહે છે. નાળિયેરી, સોપારી અને કેળ લગભગ દરેક ઘરના નાનામાં નાના આંગણામાં પણ હોય. ઘણી વાર ઘર એમાં ઢંકાઈ ગયું હોય. ગાડીમાંથી પસાર થતાં ગ્રામનગર જોઉં છું અને એ બધાં ઘરોની આ વિશિષ્ટતા પરમાણું છું. નાળિયેરી કેરલ પ્રજાનું કલ્પવૃક્ષ લાગે છે. ઉપયોગી તો ખરી, પણ એ આખી ભૂમિનો અલંકાર છે. કેરલની સ્કાયલાઇન ઊંચી ઇમારતોથી નહીં, ઊંચી નાળિયેરીઓથી રચાય છે. બાર્ટન હિલ પરના અમારા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટને ત્રીજે માળે એક ખુલ્લી બાલ્કનીમાં કવિ ઉમાશંકરનો ફોટો લીધો છે. ફોટામાં કવિ જાણે નાળિયેરીની પશ્ચાદ્ભૂમાં ઊભા લાગે.

કાલિદાસનો રઘુવંશ તો તેં વાંચ્યો છે. એમાં કવિએ જુદે જુદે નિમિત્તે ભારતની ખૂણેખૂણાની સુંદરતાને ગાઈ છે. રઘુનો અશ્વ દિગ્વિજય માટે નીકળે છે, ત્યારે કે ઇન્દુમતી સ્વયંવર વખતે જુદા જુદા પ્રદેશના રાજાઓનો પરિચય કરાવાય છે ત્યારે કે રાવણવિજય પછી રામ જાનકીને પુષ્પક વિમાનમાં લંકાથી અયોધ્યા લઈ જાય છે ત્યારે કવિ જાણે હર્ષભેર ભારતને વંદના ના કરી રહ્યો હોય એ રીતે વર્ણનોને ગૂંથી લેતા ગયા છે.

આ દક્ષિણની ભૂમિની વાત પણ કવિ કાલિદાસે ઊલટથી ગાઈ છે. દિગ્વિજય કરતો પ્રતાપી રઘુ દક્ષિણ દિશે જાય છે ત્યારે કહે છે કે, પછી રઘુ અગત્સ્યની દિશામાં ચાલ્યો. તને તો ખબર છે કે નમસ્કાર માટે નીચે નમેલા વિંધ્ય પર્વતને પોતે પાછા ન આવે ત્યાં સુધી એની એ સ્થિતિમાં રહેવાનો આદેશ આપી અગસ્ત્યે દક્ષિણ ભારતનાં દ્વાર ખોલ્યાં હતાં. કાલિદાસે કહ્યું છે કે, આ દક્ષિણ દિશા એવી છે કે જ્યાં સૂર્યનું તેજ પણ ઘટી જાય છે. ‘દિશિમંદાયતે તેજો દક્ષિણસ્યાં રવેરપિ.’ કવિએ દક્ષિણમાં ચંદનવનોની, એલાયચીની, તજની, સોપારીનાં વૃક્ષોથી શોભતા સાગરતટની વાત હર્ષભેર કરી છે. કોણ જાણે કેમ મને અત્યારે ઇન્દુમતી-સ્વયંવરમાં આવતી કલિંગવર્ણનની પંક્તિઓનું સ્મરણ થયા કર્યું છે – તીરેષુ તાલીવન મમરેષુ. કેરલના દરિયાકાંઠા એવા જ છે.

કેરલની વાત કરતાં કાલિદાસે રાજ્ય પર રઘુ દ્વારા આક્રમણ થતાં ભયથી ભૂષણો છોડી ભાગતી કેરલ-યોષિતા કૈરાલીઓના કેશમાં સેનાના ચાલવાથી ઊડેલી રેત પડતાં તે કેસરના ચૂર્ણ જેવી શોભે છે એવી વાત કરી છે. ફ્રેંચ કવિ બૉદલેરે પણ ‘કોઈ એક મલબારની કન્યાને’ શીર્ષકથી કૈરાલી વિષે કવિતા કરી છે. યુરોપની ગોરી સ્ત્રીઓ જે અંગસૌષ્ઠવથી વંચિત છે, તે ભારે જઘનો આ મલબાર કન્યાનાં છે એવું કહ્યું છે, એનું સ્મરણ રહી ગયું છે. પરંતુ આ સર્વને છોડી ગાડી દોડી રહી છે. ત્રિવેન્દ્રમ્ દૂર થતું જાય છે. વેલી આવ્યું અને વેલીનાં બૅક વૉટર્સ અને તે દિવસે જોયેલું ઇન્દ્રધનુ યાદ આવ્યાં.

વાદળછાયો દિવસ છે. કોલ્લમ્ ગયું અને વિશાળ અષ્ટમુડીકાયલનાં બૅક વોટર્સની સુંદરતા પાછળ ખેંચતી રહી. વચ્ચે વચ્ચે નદીઓ પસાર થાય છે. મીનાંચલ અને તે પછી નીલી મંગલમ્. વાદળ વરસાદનાં નથી, શ્વેત છે જેમાંથી ભૂરું આકાશ દેખાય. ડાંગરનાં લીલાંછમ ખેતરોમાં કાળાં ચમકતાં શરીર વાંકાં વળેલાં હોય. મલયાલી નવલકથાકાર તક્ષીએ એની નવલકથા ‘બશેર ધાન’માં આ બધા ખેતમજૂરોની વાત લખી છે. ‘ચેમ્મીન’માં માછીમારોની વાત છે; ‘બશેર ધાન’માં ખેતમજૂરોની. હવે તો બન્ને નવલકથાઓ ગુજરાતી અનુવાદમાં મળે છે.

અહીં જે બીજી એક નવલકથાની ચર્ચા થઈ તે તો મહંમદ બશીરની એક નવલકથા – ‘નાનાનો હાથી’ અને ‘પાતુમ્માની બકરી.’ કેરલના મુસલમાન લેખકોની ભાષા મલયાલમ છે. ખ્રિસ્તી લેખકો અને મુસલમાન લેખકોએ મલયાલમ સાહિત્યને ખૂબ સમૃદ્ધ કર્યું છે. પોન્નકુનમ્ વર્કીની એક વાર્તા ‘બોલતું હળ’ વિષે મેં ‘ભારતીય ટૂંકી વાર્તા’ નામના મારા પુસ્તકમાં લખ્યું છે, તેની તને ખબર છે જ… ભારતને જાણવું હશે તો આ બધું વાંચવું પડશે, જાણવું પડશે. મેં તો મલયાલમ કવિતાની ચોપડી લીધી છે. એનો અંગ્રેજી અનુવાદ પણ મારા મિત્ર માધવન્ પિલ્લૈની મદદથી મૂળ મલયાલમને પાયામાં રાખી એ ભાષાની કવિતાઓની એક ઍન્થૉલૉજી–સંચયિતા ગુજરાતીમાં લાવવાની વાત હું અમારી છેલ્લા દિવસની પૂર્ણાહુતિ સભામાં કરી આવ્યો છું! એ કવિતાની ઍન્થૉલૉજી બહાર રાખી છે, પણ આ લોભામણો લેન્ડસ્કેપ ચોપડીનાં પૃષ્ઠો પર આંખ ઠરવા દે ત્યારે ને?

લાલ માટીના મારગ ક્યાં ક્યાં જતા દેખાય છે! અને કેળ, સોપારી, નાળિયેરીથી આવૃત ઘર. ડાંગરનાં ખેતર, વહેતાં પાણી, વચ્ચે શ્રમનિરત નારી. ક્યાંક ઝમતા પહાડો પસાર થાય છે. એક સ્ટેશન પર ‘ઠંડીકૃત પાણી’ ઠંડા પાણી માટે લખેલું જોઈ જરા હસવું આવી ગયું. એક ગાડી વેગથી સામેથી આવતી પસાર થઈ ગઈ. એનું સંગીત કાનોમાં ગુંજી રહ્યું. વેગથી દોડતી ગાડીનું સંગીત ક્યાંનું ક્યાં લઈ જાય છે!

મુવાદ્રુપુલા નામે એક મોટી નદી પરથી ગાડી પસાર થઈ. તને તો ખબર છે મારી એક વિચિત્ર આદતની. લાંબી યાત્રા હોય અને રેલવેમાં હું જતો હોઉં તો રસ્તે જતાં જે જે નદીઓ આવે એનાં નામ ડાયરીમાં લખી લઉં છું. એ રીતે એ નદીઓની ઓળખાણ રાખું છું. થોડી ક્ષણોમાં એ નદીની કોઈ લાક્ષણિકતા નજરે પડી જાય તો તે નોંધી રાખું.

વળી એર્ણાકુલમ્ આવતાં તો ઊતરી જવાની ઇચ્છા થઈ હતી. એર્ણાકુલમ્ એટલે કોચીન. કેરલના જે નગરનું નામ નાની વયથી સાંભળતો આવ્યો હતો તે આ કોચીન. મારો બચપણનો મિત્ર કોચીનમાં રહેતો હતો. એણે અનેક વાર ત્યાં જવા કહેલું. આજે પણ એ નગર પાસેથી પસાર થઈ રહ્યો છું, મનમાં અફસોસ રહેશે. યુરોપિયનોએ પહેલો કિલ્લો આ કોચીનમાં બનાવેલો. પૉર્ટુગીઝોએ અહીં સોળમી સદીમાં મહેલ બાંધ્યો છે. ડચ લોકોએ પણ અહીં પગપેસારો કર્યો હતો. પેલા ઇતિહાસપ્રસિદ્ધ વાસ્કો-ડી ગામાનાં હાડ અહીંનાં સંત ફ્રાન્સિસ ચર્ચની જમીન તળે દટાયેલાં છે. અહીં યહૂદી લોકોનું સિનેગોગ છે. આ બંદરેથી ધમધોકાર વેપાર થતો રહ્યો છે. કોચીન નગરી એટલે અરબી સમુદ્રની રાણી. પણ એનેય ગાડીમાં બેઠે બેઠે સલામ કરી નીકળી જવું પડે છે.

એક વાત તો મારે તને લખવી પડશે. કેરલની પોતાની આગવી સંસ્કૃતિ છે, આગવી ઓળખ છે. આપણી પણ એક જુદી સંસ્કૃતિ છે; પણ એના પર ગુજરાતની દઢ મુદ્રા ખરી, એવો પ્રશ્ન થાય. ભારતીય હોવા છતાં કેરલે પોતાની સંસ્કૃતિની અલગ મુદ્રા ઉપસાવી છે. સંસ્કૃત અધ્યયનની પરંપરા મોહિનીઅટ્ટમ્, કુડિયાટ્ટમ્ અને કથકલી જેવાં નૃત્ય- નાટ્યરૂપોમાં તમને એ જણાઈ આવે. અહીંની એક બીજી ઓળખ તે મુંડ-લુંગી. કેરલ તો શિક્ષણમાં સૌથી આગળ છે, પણ અહીંના સુશિક્ષિત લોકોએ પણ પહેરવેશમાં લુંગીને ટકાવી રાખી છે. ઔપચારિક સમારંભોમાં તો ખાસ લુંગી પહેરે. આપણે તો ધોતીને તિલાંજલિ આપી દીધી છે. મને અહીં એક વાર લુંગી પહેરવાની ઇચ્છા થઈ આવી. બજારમાંથી ખાસ ખરીદી લાવ્યો. પહેરીને સભાબેઠકમાં ગયો. એ માટે માધવન્‌ની મદદ લીધી. તને આશ્ચર્ય થશે એ જાણીને કે હિન્દુઓ જમણી બાજુનો ઉપરનો છેડો રાખે, મુસલમાનો ડાબી બાજુ, તમિલનાડુમાં એથી ઊલટું છે. આપણે એ ધ્યાનમાં રાખવું પડે.

સભામાં લુંગી પહેરીને ગયો તો ખરો, પણ સભાન બની ગયેલો. અય્યપ્પાએ તો વિનોદમાં પૂછ્યું, ‘ડઝ ઇટ સ્ટે?’ અર્થાત્ નીકળી તો નથી જતી ને? કેરલવાસીઓ તો વળી આ લુંગીને ઢીંચણ ઉપરથી વાળીને પાછાં કમરે ખોસી દે. આપણને આ ના ફાવે! પછી લુંગી જોઈ મને મલયાલી નામ મળ્યું શ્રી ભોલન્. મારા આ મલયાલી દિદારની કલ્પના કરી જો અને જો જો, આ પેરિયારની નદીના પુલ પરથી ગાડી પસાર થાય છે.

કેરલ જવાનો છું એ સાંભળી તેં એ વખતે કેરલના એક જલોત્સવની વાત કરી હતી. હા, એ ઉત્સવ તે ઓણમ્. શ્રાવણમાં એ ઉત્સવ ઊજવાય છે. લાંબી લાંબી હોડીઓમાં સૌ નીકળી પડે – નૌકાદોડની સ્પર્ધાઓ થાય. એ વખતે કુચેલવૃત્ત ગવાય. આ કુચેલ એટલે આપણા સુદામા. કૃષ્ણ-સુદામાની વાત એમાં આવે છે. એ કુચેલવૃત્ત પર અહીં મોહિનીઅટ્ટમ્ નૃત્ય જોઈ રાજી થઈ જવાયેલું.

મને પ્રેમાનંદનું ‘સુદામાચરિત’ યાદ આવ્યા કરે. મોહિનીઅટ્ટમ્‌ના કુચેલવૃત્તમાં સુદામાના દ્વારકાપ્રવેશથી દૃશ્ય શરૂ થતું હતું. નૃત્યાંગનાનું નામ ક્યાંક લખેલું છે, પણ એક એ જ બધાં પાત્રોના અભિનય કરે. જે ગવાય તે તો ન સમજાય, પણ દૃશ્યરૂપ તો બધું જ સમજાય. તે દિવસે કવિ ઉમાશંકર પણ સહપ્રેક્ષક હતા.

ટેલિવિઝન પર ઓણમ્‌ની નૌકાસ્પર્ધાનાં બતાવેલાં દૃશ્યો તને સ્મરણમાં હશે. પણ કેરલની એક બીજી ઓળખ તે અહીંની માતૃપ્રધાન સંસ્કૃતિ. કેરલના નાંબુદ્રી બ્રાહ્મણો દેશમાં જાણીતા છે. મલયાલમ શબ્દ છે નંપૂતિરિ. એમના કુટુંબજીવનની લલિતામ્બિકા અંતર્જનમ્‌ની એક નવલકથા ‘અગ્નિસાક્ષ્ય’નો મરાઠી અનુવાદ આ દિવસોમાં વાંચ્યો. આ નાંબુદ્રી બ્રાહ્મણોમાં ઘરનો મોટો પુત્ર જ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરી શકે. બાકીના બીજા પુત્રો નાયર જાતિની છોકરીઓ સાથે ‘સંબંધમ્’ કરે. સંબંધમ્ એટલે લગ્ન, પણ એમાં છોકરી પતિને ઘેર જતી નથી. પતિ પત્નીને ઘેર જાય, પણ રાત્રે સૂવા માટે. સવારે પોતાને ઘેર પાછો આવતો રહે. પત્નીને ઘેર જમે પણ નહિ. આ સંબંધમાં જે બાળકો થાય તેમને પિતાની સંપત્તિ પર અધિકાર નહિ. એઓ મામાને ત્યાં જ રહે અને મોટા થાય. પણ આ પ્રથા હવે તૂટતી જાય છે. ‘અગ્નિસાક્ષ્ય’ નવલકથામાં આ વ્યવસ્થાનો હૃદયસ્પર્શી આલેખ છે. એક સમય હતો કેરલમાં નીચી જાતિઓને બહુ નીચી ગણવામાં આવતી. એમની સ્ત્રીઓને છાતી ઢાંકવાનો પણ અધિકાર નહોતો એક જમાનામાં!

સાંજ પડી ગઈ છે. એક વળાંક પર પસાર થતી ગાડીનો વળાંક કાવ્યાત્મક લાગે છે. બાજુમાં સ્તબ્ધ પહાડ છે. પહાડી માર્ગ પર એક યુગલ ધીરે ધીરે જઈ રહ્યું છે. એક નીરવ શાંતિનો ચિત્તમાં અનુભવ કરું છું.

થોડા જ સમયમાં હવે પરશુરામની ભૂમિની સરહદ આવી જશે.