વિદિશા/ખજુરાહો

From Ekatra Wiki
Revision as of 06:16, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ખજુરાહો

ભોળાભાઈ પટેલ

વ્રીડાત્ર કા યત્ર ચતુર્મુખત્વમીશોડપિ લોભાદ્ગમિતો યુવત્યા:
– બૃહત્સંહિતા

હજુ તો ભરભાંખળું હતું. ઝાંસીના સ્ટેશનરોડ પર આછી-પાતળી અવરજવર હતી. ભરચક્ક સામાન અને ચાર પૅસેન્જરો સાથે અમારી રિક્ષા સ્ટેશને આવી પહોંચી. થોડા મુસાફરો આમતેમ બેઠેલા હતા. સ્ટેશનેથી અમારે ગાડી નહીં, બસ પકડવાની હતી; ઝાંસીથી ખજુરાહોની બસ. પણ જોયું તો અમારી બસ ત્યાં ઊભી ન હતી. ગઈ કાલે સાંજે ગ્વાલિયરથી આવ્યાં ત્યારે ઝાંસીનાં બસ-ડેપો પર તપાસ કરી કે ખજુરાહોની બસ અહીં કેટલા વાગ્યે આવે છે, તો કહેવામાં આવ્યું કે સવારે છ વાગ્યે અમારે ત્યાં પહોંચી જવું જોઈએ.

આ બાજુ જરા એવું છે કે એક જ પ્રશ્ર બે જણને પૂછ્યો હોય તો બે જુદા જુદા જવાબ મળવાનો સંભવ વધારે. ડેપોમાંથી બહાર નીકળતાં એક સજ્જન જેવા લાગતા પોલીસદાદાને અમે એટલે ફરીથી ખજુરાહોની બસ વિશે પૃચ્છા કરી, તો તેમણે કહ્યું કે ખજુરાહોની બસ કદાચ અહીં આવે ખરી, પણ ઊપડે છે તો રેલવે સ્ટેશનથી. તમે ત્યાં પહોંચી જાઓ. અરે, અત્યારે જ ત્યાં પહોંચી જાઓ, બસમાં સૂઈ જજોને! બસવાળાં સૂવા દેશે. સ્ટેશને બસ પડી હોય છે. તેમના અવાજમાં ગંભીરતા ન હોત તો તેમની વાત હસી કાઢી હોત – આપ ભી ક્યા… પણ ના. નવાઈ લાગવા છતાં એમની વાત માની. એમણે કંઈક બસ નંબર પણ આપ્યો હતો. તે રાત્રે તો નહીં પણ આ વહેલી સવારે સ્ટેશન આવી ગયાં. બસને ત્યાં ન જોતાં અમારામાંથી એકે જરા દૂર ઊભેલી બસોમાં જોયું તો પેલો નંબર જડી ગયો. ડ્રાઇવર- કંડક્ટર સૂતા હતા. જાગ્યા. તેમણે તો ત્યાંથી જ બેસી જવા કહ્યું અને બેસાડીને સ્ટૅન્ડ પર લાવ્યા. બસમાં બેસવાનો અમને પહેલો લાભ મળ્યો – અને જોતજોતામાં તો બસ છલકાવા લાગી.

બસમાં મુસાફરોની નજરે ચઢે તેવી વિવિધતા હતી. ટૂંકાં કપડાં પહેરેલાં મધ્ય પ્રદેશના આદિવાસીઓ હતાં અને વિદેશીઓ પણ. પોતાનો સામાન ભરેલો રુકસૅક બરડે ઊંચકીને પ્રવાસ કરતાં વિદેશીઓ. ભીડ એટલી વધી ગઈ હતી કે સમયનો ખ્યાલ રાખનાર એ પ્રવાસીઓને બરાબર બસને સમયે પહોંચતાં ઊભાં ઊભાં, ના વાંકાં વાંકાં – કેમ કે ઊભાં રહેવા જતાં એ ઊંચાં મુસાફરોમાંથી કેટલાંકનું માથું ઉપર બસની છતને અડી જતું હતું – મુસાફરી કરવાનો વખત આવ્યો. અહીંથી પહેલાં બે બસો ઊપડતી, એક પ્રવાસન વિભાગની ને એક ખાનગી કંપનીની. જાણવા મળ્યું કે ખાનગી કંપનીવાળાએ કંઈક એવી ખાનગી વ્યવસ્થા કરી કે પૂરતાં પેસેન્જરો નથી થતાં એવા કોઈ બહાના તળે પ્રવાસન વિભાગની બસ બંધ થઈ ગઈ છે, અને આ બસ છલકાતી જાય છે. અમને બેસવા મળ્યું હતું તેની ના નહીં, પણ આપણે બેઠા હોઈએ અને કોઈ બસમાં ઊભું હોય તોય મુસાફરીનો આનંદ થોડો હણાતો હોય ત્યારે આ પ્રવાસી વિદેશીઓને આ સ્થિતિમાં મુસાફરી કરતાં જોઈ રંજ વધે.

અને બસ એટલી ભરાઈ કે બસ ડેપો પર થઈને જવાને બદલે બારોબાર ઝાંસી શહેરની બહાર નીકળી, ખજુરાહો જવાના રસ્તા પર દોડવા લાગી. ભલું થજો પેલા પોલીસદાદાનું, સવળી મતિ સુઝાડી, હવે આવજો ખજુરાહો વહેલું.

શરૂમાં જ મને ‘ખજૂરાહો’ લખવું કે ‘ખજુરાહો’ લખવું એની વિમાસણ થઈ હતી. નામમાં ખજૂર શબ્દ તો છે જ. વળી સંસ્કૃત ખજૂર, અને પ્રાકૃત ‘ખજ્જૂર’ હોય તો પછી ‘ખજુરાહો’ જ લખવું જોઈએ ને! મૂળ નામ તો સરસ ખર્જૂરવાહક છે. એક સમયના એ સમૃદ્ધ નગરને મુખ્ય દરવાજે, કહે છે કે, સુવર્ણનાં બે ખજૂર વૃક્ષ હતાં. એટલે ખર્જૂરવાહક એવું નામ. દસમી સદીના એક શિલાલેખમાં એ નામ આવે છે પણ ખરું. અવાન્તર રૂપની ખબર નથી. ખજૂરવાહક હતું. અત્યારે ખજૂરાહો. પણ ખજુરાહો કે ખજૂરાહો? બસની ટિકિટ કપાવતાં આ બાજુના સ્થાનિક લોકો ખજરાહો, ખજરાહો બોલતા હતા, દીર્ઘ ઊકાર તો શું, ઉકાર પણ નહી, એટલે થયું કે ખજુરાહો લખવું ઠીક છે.

તો ખજુરાહોની અમારી બસ હવે ઊઘડતા આછા તડકામાં રમ્ય માર્ગ પર દોડી રહી હતી. વનરાજી વચ્ચે પણ જંગલ ન કહેવાય. આ બાજુ બસની બારીઓને રંગીન કાચ – ગૉગલ્સ જેવા – રાખવામાં આવે છે, એટલે બંધ બારીએ બહાર જોઈએ એટલે ગૉગલ્સ પહેરીને બહાર જોતાં હોઈએ એવું લાગે. નથી ગમતું. હવામાં ઠંડીની ચમક હતી, પણ ઠંડી ખાઈનેય બારી ખસેડવાની ઇચ્છા થઈ જતી. ખજુરાહો જતાં હતાં. કેવું હશે ખજુરાહો?

એક નામ વારે વારે સાંભળવામાં આવતું હોય, ત્યારે એનું એક કાલ્પનિક ચિત્ર આપણા મનમાં રચાય છે. પછી જોઈએ ત્યારે સમાધાન કરવાનું મુશ્કેલ પડે છે – કલ્પના અને વાસ્તવ વચ્ચે. ભલેને પછી કલ્પના કરતાં વાસ્તવિક સારું હોય. નદી કે દરિયાની જે કલ્પના હતી, તેનાથી કેટલી સુંદર નદી, કેટલો રમ્ય ભવ્ય દરિયો તેમના વાસ્તવ રૂપમાં જોયાં! ભૂગોળ ભણતાં કે ઇતિહાસ ભણતાં કે આપણી કલા-સમૃદ્ધિ વિશે વાંચતાં સાંચી – ખજુરાહો નામ લગભગ સાથે સાંભળ્યાં હતાં. કલ્પનાચિત્ર સાંચીનું હતું કેવું – અને સાંચી જોયું – આટલી પ્રસન્નતા મળશે એમ ધાર્યું ન હતું. પણ ગોકુળ-વૃદાવનની તો કેવી કેવી કલ્પનાઓ હતી! એય ને જમુનાનો કિનારો, કદંબનાં ઝાડ, કુંજગલી – અને જોયાં ત્યારે! તે વખતે તો શાળાનો વિદ્યાર્થી હતો, પણ એ ચિત્રનો જે મોહભંગ થયો, તેની કળ આજેય નથી વળી – ના જોયું હોત તો સારું. ખજુરાહોનું પણ એક કાલ્પનિક ચિત્ર છે – ખરેખર કેવું હશે? અહીં આવતાં પહેલાં ખજુરાહો વિશે ઠીક ઠીક સાહિત્ય વાંચ્યું હતું, મંદિરોનાં શિલ્પોની છબીઓ જોઈ હતી. મંદિરોનું નગર કહેવાય તેવું ભુવનેશ્વર પણ જોયું હતું, પણ એની જે માનસિક છબિ હતી તે તો માણસ વસ્તીથી દૂર કંઈક તરછોડાયેલા, ત્યજાયેલા, એકાકી, એકબીજાથી નજીક-દૂર ઊભેલા મંદિરસમૂહના વિચારમાંથી રચાઈ હતી; વળી તેની સાથે જ ખજુરાહો કહેતાં જે અવ્યાહત, ભાવ જાગતો તે તેનાં મિથુનશિલ્પોનો, ૨તિશિલ્પોનો! એકબીજામાં ઓગળી જવા મથતાં આલિંગનબદ્ધ શિલ્પો – જુદી જુદી મુદ્રામાં. ચંદેલ રાજવીઓનો ઇતિહાસ. આ બધું મળીને એક ચિત્ર રચાયું હતું ખજુરાહોનું.

છત્તરપુર આવ્યું. આખો આ વિસ્તાર છત્તરપુર તરીકે ઓળખાય છે. આજે સવારથી ચા પીધી જ હતી કોણે? બસ ઊભી રહી. ચા પીવા દોડી ગયા. ચા શું? ઊકળેલું ગરમ પાણી તો મળશે. આ બાજુ એવો અનુભવ થયો હતો કે ચા એટલે જાણે શિવામ્બુ. મોઢે માંડી મંડાય નહીં. પણ અહીં છત્તરપુરની ચા બનાવવાની રીત જ ચા પીવાની લાલસા ઊભી કરે તેવી – આદુ વગેરે છુંદીને નાખવામાં આવી રહ્યું હતું – તેમાં ઉમેરાતું હતું. મલાઈદાર દૂધ – ફક્કડ ચા. ઊભાં ઊભાં જ ઉપરાઉપરી ત્રણ કપ ઠઠાડયા. જામી ગયું. ઠંડી હવે કેવી?

છત્તરપુર પછી, ખજુરાહોને હવે બહુ વાર ન હતી. રસ્તામાં એક ગામ આવ્યું. અહીં રાજા છત્રસાલની છત્રી છે. છત્રસાલ કહેતાં મને કવિ ભૂષણ યાદ આવ્યા. છત્રસાલ, શિવાજી અને ઔરંગઝેબ સમકાલીન – આ કવિ એ ત્રણેય સાથે સંકળાયેલા. એક કવિતા રચી ઔરંગઝેબને ચીડવી ત્યાંથી ભાગી ગયેલા. છત્રસાલ વિશે, તેની વીરતાને બિરદાવતાં કવિતો લખ્યાં છે – એ આ છત્રસાલ.

એકદમ જાણે વાતાવરણ બદલાયું. વનરાજીની ગીચતા વધી ગઈ. તેની વચ્ચે મંદિરનાં ઊંચાં શિખરો દેખાયાં, અદ્યતન ઊંચી ઇમારતો દેખાઈ – હોટેલ ચંદેલા, હોટેલ ખજુરાહો, ટૂરિસ્ટ લૉજ અને હાટડીઓની વચ્ચે, મંદિરના સાન્નિધ્યમાં બસ ઊભી રહી ગઈ. ઝટપટ નીચે ઊતરી સામાન ઉતારી કૌતુકરંગી નજરે આસપાસ જોઈ રહ્યા.

અહીં આસપાસ પગરિક્ષાઓ ઊભી હતી, જુદાં જુદાં સ્થળે જવાના ભાડાના દરનાં પાટિયાં લગાડેલાં. જગ્યા મળશે કે નહીં તે પૂછવા રિક્ષા કરી અમે બે જણ ટૂરિસ્ટ બંગલા સુધી પહોંચી ગયાં, મંદિરની નજીકમાં થઈને. પણ અત્યારે તો મુકામની ચિંતામાં હતાં. સદ્ભાગ્યે અમને એક ‘સ્વીટ’ મળી ગયો, નહીંતર અહીં સારી હોટેલો ખૂબ મોંઘી છે. હોટેલ ચંદેલા વગેરે તો ચોવીસ કલાકના બસો જેટલા ભાડાની. પરદેશીઓ માટેની જ ને! ટૂરિસ્ટ-પ્રવાસન વિભાગની પણ જરા મોંઘી. ખાનગી કેટલીય હોટેલો ખરી, પણ ઓછી સુવિધાવાળી – પણ અમને બહુ સારી જગ્યા મળી. વિશાળ છાયાઘન વૃક્ષોના પ્રાંગણવાળી. કિફાયત પણ.

સામાન લઈને આવ્યાં ત્યાં ભેટ થઈ નસિરુદ્દીનની – અહીંનો બબરચી, ‘આઈયે, તશરીફ રખિયે સા’બ’ – ઉર્દૂ લહેકામાં સ્વાગત કરી, અમારો સામાન અમારા ‘સ્વીટ’માં ગોઠવી દીધો. ‘ચાય લાઉં સા’બ? — અને અમે હાથ-મોં ધોઈએ એટલામાં નસિર આવી ગયો, ચા સાથે – ‘ઔર કુછ?’ અને અમારા કહેતાં થોડી વારમાં જ બટર ટોસ્ટ લઈ આવ્યો. નસિરની વાણી અને વિવેકમાં આભિજાત્ય હતું.

બપોર થઈ ગઈ હતી, જ્યારે અમે સ્નાનાદિથી પરવારી બહાર નીકળી પડ્યાં. હવે નજર પડે ત્યાં મંદિરોનાં શિખરો. ચાલવાની સડક પણ સારી. નાનકડું બજાર. પોસ્ટ ઑફિસ, ઘરે પત્ર લખવાનું સૂઝયું. પણ થોડી વાર પછી તો હાથમાં ખજુરાહોની માર્ગદર્શક ચોપડી લઈ આજે પશ્ચિમ સમુદાયનાં મંદિરો તરીકે ઓળખાતાં મંદિરોના હરિયાળા પ્રાંગણમાં હતાં. ઘણી વાર ગાઇડ બહુ ઉતાવળ કરાવે છે. આ વખતે ગાઇડ નહીં, પુસ્તકની મદદથી જોઈશું. પુસ્તકમાં ખજુરાહોનાં નગરનો અને મંદિરનો ઈતિહાસ પણ હતો જ.

આ મંદિરો ચંદેલવંશી રાજાઓએ બંધાવ્યાં છે. નિર્માણકાળ ઈ. ૯૫૦ થી ૧૦૫૦ લગભગનો. આ સો વર્ષોમાં લગભગ એટલી જ સંખ્યામાં, કદાચ કંઈક ઓછી, મંદિરો અહીં બન્યાં હતાં. ભુવનેશ્વર યાદ આવે, ત્યાંય કંઈ કેટલાંય મંદિરો! કેટલાંય ધ્વસ્ત થઈ ગયાં છે, વિલુપ્ત થઈ ગયાં છે, સપાટ ખેતર બની ગયાં છે! ખજૂરાહોમાં પણ! છતાંય પચીસ જેટલા મંદિરો સારી હાલતમાં બચ્યાં છે, પણ એ પચીસ મંદિરોએ જગતના ખૂણે ખૂણેથી પ્રવાસીઓને આકર્ષ્યા છે.

પ્રથમ ચંદેલ રાજા યશોવર્મનનો સમય દસમી સદીની શરૂઆત છે. યશોવર્મનનો પુત્ર ધંગ. આ બન્ને રાજાઓ સતત લડાઈઓ જ લડતા રહ્યા છે, લડાઈઓની સાથે મંદિરો બંધાવતા રહ્યા છે! યશોવર્મને ખજુરાહોમાં ‘હિમાલય જેવું ઊંચું’ વિષ્ણુમંદિર બંધાવ્યું હતું અને ધંગે તો મંદિરો પર મંદિરો. ગુજરાતનો સોલંકીકાળ અને તે પછીનો સમય યાદ આવે.

વિશેષ યાદ આવે મોઢેરા. બીજી બાજુ યાદ આવે ઓડિશાનું કોનારક પણ. કદાચ થોડું મોડું અહીંથી. પણ વિશેષ યાદ આવ્યું ધૂમલીનું ભગ્ન સોલંકીકાલીન મંદિર. આ બધાં મંદિરોનો ઉત્સવ અને એમની શૈલી એક લાગે. સોમનાથની તો હવે વાત શી કરીએ? પણ ભારતીય શિલ્પસ્થાપત્ય આ સમયે જાણે એક ચરમ સીમા પર પહોંચ્યું હતું, અને કહે છે કે કોઈ પણ કલાના વિકાસના ચરમોચ્ચ બિંદુએ, તેની ઉપલબ્ધિની પૂર્ણતાએ તેના અવક્ષયનો પ્રથમ બીજનિક્ષેપ થઈ જતો હોય છે, ત્યાંથી શરૂ થાય તેનાં વળતાં પાણી. એમ જ હોય ને!

ચંદેલ રાજવીઓનીય પછી તો પડતી દશા આવેલી, અને મંદિરોનું નિર્માણ ઓછું થઈ ગયું. આ રાજવીઓને પણ મંદિરો બનાવવાની ઘેલછા હોવી જોઈએ, નહીંતર એક સૈકામાં આટલાં બધાં મંદિરો બંધાય? તેય વળી જ્યારે બીજી બાજુએ લડાઈ લડાતી હોય; અને પાછાં કેવાં તો મંદિરો છે! અહીં આવીએ એટલે કલાતીર્થની યાત્રા થાય.

યાત્રા? અહીં આવતાં ઘણાં પ્રવાસીઓ ખજુરાહોનાં મંદિરો પરનાં રતિશિલ્પોની વાત સાંભળી ખેંચાઈ આવેલા હોય છે. અને જેવા આ મંદિરના પ્રાંગણમાં પ્રવેશે છે કે તેમની નજર સૌ પહેલાં પોતાનાં સહયાત્રીઓની નજર ચૂકવીને પેલા રતિશિલ્પોને શોધતી હોય છે, અને એકાએક આલિંગનબદ્ધ કોઈ મિથુન ૫ર તેમની તે નજર પડતાં તેમાં એક ચમક આવી જાય છે – અને પછી તે બીજું, ત્રીજું – એનાં નેત્રો ધન્ય બની જાય છે. જાણે જે શોધવા માટે આવ્યાં હતાં, તે જડી ગયું. હવે ઘેર જઈને મિત્રોને એકાંતમાં એ વિશે વાત કરી શકાશે. પથ્થરોનું આ શિલ્પ કે સ્થાપત્ય અને તેમાંથી નિષ્પન્ન થતો સૌન્દર્યબોધ એ ચૂકી જાય છે.

કેમ જાણે એક અપરાધ ભાવથી તે શિલ્પ જુએ છે. આપણે જે જોઈએ છીએ, તે જોતાં આપણને તો કોઈ જોઈ જતું નથી ને? કંઈક એવું છે પણ ખરું કે માતાપિતા અને સંતાનો, શિક્ષકો અને છાત્રો સાથે સાથે અહીં આવ્યાં હોય, સાથે સાથે જોવાનું શરૂ કરે – અને થોડી જ વારમાં વયાનુરૂપે ગ્રુપ થઈ ગયાં હોય. પછી એ નિરાંતે જોશે. પણ બીજાથી છુપાવવાનો ભાવ જાણે કહે છે કે કશુંક અશ્લીલ તે જોઈ રહ્યો છે. પછી યાત્રાનુભવ ક્યાંથી હોય?

ખરેખર તો અમારે શિવસાગર તળાવને કાંઠે આવેલા ચોસઠયોગિની-મંદિરથી જોવાથી શરૂઆત કરવી જોઈએ. ચોસઠ જોગણીઓની વાત બહુ નાનપણથી સાંભળી હતી એટલે નહીં પણ આ મંદિર ખજુરાહોનું સૌથી પહેલું મંદિર ગણાય છે એટલે. ૯૦૦ની આસપાસ બંધાયેલું, કઠણ, ગ્રેનાઈટ પથ્થરોમાંથી, પણ અમે ત્યાં ન ગયાં અને તેની પાસે આવેલા લાલગુંઆ મંદિર પણ ના ગયાં. મંદિરો જોવાની ટિકિટો લઈ જેવા અમે પ્રવેશ્યા કે સૌથી પહેલાં લક્ષ્મણ મંદિરે પહોંચ્યાં.

ખજુરાહોનું આ શરૂઆતનું અને સૌથી ઉત્તમ રીતે સચવાયેલું વૈષ્ણવ મંદિર છે. પંચાયતન શૈલીના આ મંદિરની જગતીને ચાર છેડે ચાર નાનાં મંદિરો હજુ ઊભાં છે. મંદિરનો પથ્થર ગ્રૅનાઈટ નથી, રેતિયો પથ્થર છે – પથ્થર કે મીણ? પાર્વતીના દૃઢ કોમળ વપુ માટે કાલિદાસે કાંચનપદ્મધર્મા (વપુ) એવા વિશેષણનો પ્રયોગ કર્યો છે – જરા ફેરવીને કહીએ, પાષાણપદ્મધર્મા. રેતિયા પથ્થરોનું એક પોત હોય છે, કરકરું પોત. આરસ આરસ છે. અતિ સુંવાળું પોત, રેશમ જાણે. તાજમહલ પરથી નજર લસરી પડે છે, રેતિયા પથ્થર પર નજર માંડી મંડાય છે. નજરને કરકર ગમે છે. વળી મૂળે આછી ગુલાબી ઝાંયવાળા કે પીળી ઝાંયવાળાં ઊંચી પહોળી આકૃતિમાં ગોઠવાયેલા આ પથ્થરો, વર્ષોની ઝડીઓ ઝીલી થોડાક અહીંતહીં શામળિયા બન્યા છે. આવા પથ્થરો ગમી જાય છે. સહજ, પ્રકૃત.

મંદિર આંખમાં આવી ગયું હતું, પણ જગતીનાં પગથિયાં જેમ જેમ ચઢતાં ગયાં, તેમ તેમ તેની સ્થાપત્યગત સંપૂર્ણતા એક પ્રભાવ પાડી રહી. પ્રવાસીઓની અવરજવર હતી. મંદિરમાં પ્રવેશ કર્યો. આ અર્ધમંડપ અને એનું આ મકરતોરણ એકીસાથે શિલ્પ અને સ્થાપત્યની શ્રેષ્ઠ ઉપલબ્ધિ! આને વિશે જ ૫ર્સી બ્રાઉને કહેલું કે પથ્થરમાંથી નહીં, હાથીદાંતમાંથી કોતરી કાઢવામાં આવ્યાં છે. એટલાથી એને સંતોષ ના થયો હોય તેમ વળી ઉમેર્યું કે પથ્થર નથી, ઝૂલતા પડદા છે.

મકરતોરણ નીચેથી નીકળી અર્ધમંડપમાં પ્રવેશ્યાં. અહીં એક શિલાલેખ જડવામાં આવ્યો છે, પાછળથી. વિ. સં. ૧૦૧૧નો એટલે કે ઈ.સ. ૯૫૪નો છે, રાજા ધંગના સમયનો. મંડપ અને પછી મહામંડ૫. મહામંડપમાં બંને બાજુએ ખુલ્લા ઝરૂખા છે. પ્રકાશ પવનની આવ-જા થાય, આપણે જરા બહાર જોઈ શકીએ. પણ અહીં જોવાનું ઓછું હતું? મહામંડપનાં સ્તંભતોરણો અને આ શાલભંજિકાઓ!

આ શાલભંજિકાઓ સાથે પ્રથમ અનુરાગ થયો હતો. ઇલોરાની ગુફાઓમાં. એક ગુફાના દ્વારે ત્રાંસમાં જડાયેલી એક મૂર્તિ મનમાં વસી ગઈ હતી. ગાઇડે કહ્યું હતું, ‘યહ શાલભંજિકા હૈ’. શાલભંજિકા? બોલતાં મોં ભરાઈ જાય તેવું નામ, જોતાં આંખ ઊભરાઈ જાય તેવું રૂપ. મને એક સંસ્કૃત નાટકનું શીર્ષક યાદ આવી ગયેલું. વિદ્ધશાલભંજિકા. નાટક વાંચવાનું કુતૂહલ વધી પડેલું – જોકે હજી વાંચ્યું નથી. પણ આ શાલભંજિકા જોયા પછી નાટક વિશે માન વધી ગયું છે. પછી તો કેટકેટલાં મોહન રૂપોમાં, રમ્ય દેહભંગિઓમાં શાલભંજિકાને જોઈ છે! ભુવનેશ્વરના મંદિરની અલસકન્યાઓ રૂપે, રાણકપુરની સ્નાતાર્કપૂરમંજરી કે શુચિસ્મિતસુદર્પણા રૂપે. ક્યારેક કોઈ બન્ધુર નારીદેહમાં શાલભંજિકા ઝબકી ગઈ છે, ક્યારેક શાલભંજિકાઓમાં કોઈ નારીદેહ ઝબકી ગયો છે. અને સાંચીની શાલભંજિકાઓ તો થોડા દિવસ ઉપર જ જોઈ હતી. સાંચીસ્તુપના પૂર્વદિશાને તોરણે.

મહામંડપની શાલભંજિકાઓની રૂપછટાઓ જોતાં જોતાં અંતરાલમાં પ્રવેશ કરી ગર્ભગૃહને દ્વારે ઊભાં. ગભગૃહમાં વિરાજે છે વિષ્ણુ ચતુર્ભુજ. ગર્ભગૃહના દ્વારે મત્સ્યાવતાર અને કૂર્માવતારનાં શિલ્પ છે, કૂર્માવતાર એટલે સમુદ્રમંથનની વાત. બ્રહ્માવિષ્ણુ સાથે લક્ષ્મી છે. નવગ્રહ છે. આ ગર્ભગૃહ છે, પણ દક્ષિણનાં મંદિરો જેવો ગર્ભનો અંધકાર નથી. ગર્ભગૃહની દીવાલોને ઊંચી ઝરૂખાનુમા બારીઓ છે, પ્રકાશ છંટાયા કરે છે. શિલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકાતાં હતાં. દક્ષિણનાં મંદિરોમાં ગર્ભગૃહમાં દીવો દેખાય. દેવતા તો દેખાય કે ના દેખાય; બ્રાહ્મણદેવતા જરૂર દેખાય. દક્ષિણા માગે પછી કેમ ના દેખાય? મદુરાઈના મંદિરમાં તો કોઈએ દેવતાને પહેરાવેલો હાર મારા ગળામાં પહેરાવી બ્રાહ્મણદેવતા દક્ષિણા માગી રહ્યા હતા! પણ અહીં – આ તો અપૂજ દેવતા છે. વર્ષોથી અપૂજ. અહીં દેવતાને કોઈ નૈવેઘ નથી ચઢતાં – હા, આંખમાં સૌંદર્યનું નૈવેદ્ય લઈને આવ્યાં છીએ. સ્વીકારો ચતુર્ભુજ દેવતા. અમારું આ નૈવેદ્ય.

ગર્ભગૃહની જંઘા પર શિલ્પની બે હાર છે. આ કૃષ્ણ! કુબ્જા પાસેથી ચંદન પડાવી લેતા, આ કાલિયમર્દન કરતા, આ કુવલયાપીડને પરાસ્ત કરતા, આ પૂતનાના સ્તનપાન સાથે પ્રાણપાન કરતા. પૂતના જોઈને છળી પડાય. બિહામણી ખેંચાઈ ગયેલી કાયા. અને આ બાજુ બીજું સ્તનપાનનું દૃશ્ય છે – પણ એ જગજ્જનની મા છે. એના મોં પર નર્યું વાત્સલ્ય, વિલસી રહ્યું છે. પ્રસન્ન કાયા. વળી પાછી એ જ માં અહીં પાછલા ગોખમાં મહિષાસુરમર્દિની – ચંડી બની છે.

અને આ છે અપ્સરાઓ. ત્રિભંગની મુદ્રામાં. સાલંકાર. કેશગુંફનની વિવિધ છટાઓ. બુદ્ધદેવ બસુએ ‘કાલિદાસેર મેઘદૂત’માં એક સારું નિરીક્ષણ કર્યું છે કે ભારતમાં સર્વત્ર અલંકારને મહત્ત્વ છે. કવિતામાં અને શિલ્પમાં પણ. અલંકાર કે ભૂષણ વિના સૌંદર્ય કેવું? જ્યારે યુરોપની મૂર્તિઓ સંપૂર્ણપણે નગ્ન, નિરાવરણ છે, અને નિરાભરણ છે. ત્યાં શુદ્ધ નગ્નતાનું સૌંદર્ય છે, જ્યારે આપણે ત્યાં તો સૌંદર્ય અલંકારઃ. સાલંકારા આ અપ્સરા આળસ મરડી રહી છે, તેને લીધે ઊંડી નાભિ અને ઉન્નત સ્તનમંડળ ધ્યાન ખેંચે છે, આળસ મરડી રહેશે ત્યારે સામું નહીં જુએ કે? આ ઊભી છે. તેણે એક હાથ ઊંચો કરી માથા પાછળ લીધો છે, બીજો ડાબો હાથ જમણા સ્તનને ધારી રહ્યો છે, સ્તનો પર હાર શોભી રહ્યો છે, હાથે કેયૂર અને વલય છે, કેડે કટિમેખલા છે, કટિનો ભંગ કેવો છે! ચહેરા પર મગ્નતાનો ભાવ.

અને આ યુગલ. નાયિકાનો હાથ નાયકને ખભે છે, નાયકનો હાથ નાયિકાની પીઠ પાછળથી આવી તેના સ્તન પર થંભી ગયો છે – (આંગળીનાં ટેરવાં ટૂટી ગયાં છે) આલિંગન-જનિત પરમ આનંદ તેમની આંખોમાં, હસતા હોઠોમાં પામી શકાય અને આ અપ્સરા પોપટ લઈને ઊભી છે. વાત્સ્યાયનની ચોસઠ કલાઓમાં એક શુકસારિકાપ્રલાપનમ્ – મેનાપોપટને બોલતાં શિખવાડવાનું આવે છે. ખજુરાહોની રમણી તો આ બધી કલાઓમાં નિપુણ હોવાની. આ સૌન્દર્યમૂર્તિઓ જોતાં જોતાં અમારી નજર પડી ગર્ભગૃહની ઉત્તર જંઘા પરની કંકાલ મૂર્તિઓ પર. આ શિલ્પીઓએ કંકાલો પણ જોયાં છે, પેલી પૂતના જેવાં.

ફરી એક એક વાર પ્રદક્ષિણા કરી, મહામંડપમાં આવી ઝરૂખે જઈ ડોકિયું કરી, બહાર આવ્યાં. અમને શી ખબર હતી કે હવે પછી જે જે જોવાનાં હતાં તે વિપુલ સૌન્દર્યરાશિની તુલનામાં અમે બહુ અલ્પથી જ અભિભૂત થઈ ગયાં હતાં.

ખજુરાહોના કન્દેરિયા મહાદેવના મંદિર વિશે ઘણું સાંભળ્યું હતું, પણ જ્યારે આ મંદિરના પ્રાંગણે જઈ ઊભાં કે તેનાં ઊંચે ઊંચે જતાં ભવ્ય શિખરો નજરને એ રીતે ભરી રહ્યાં કે ક્ષણેક તો બધું ભુલાઈ ગયું. આ જ ખજુરાહોનું સૌથી શ્રેષ્ઠ ગણાતું મંદિર. લક્ષ્મણ વૈષ્ણવમંદિર છે, આ છે શૈવમંદિર. લક્ષ્મણમંદિરની જેમ અર્ધમંડ૫, મંડપ, મહામંડપ, અંતરાલ અને પ્રદક્ષિણાપથ સાથેના ગર્ભગૃહની અહીં પણ રચના છે. અર્ધમંડપનું શિખર, તેનાથી જરા ઊંચે મંડપનું, તેનાથી જરા ઊંચે મહામંડપનું અને પછી ગગનભણી ધસતું અનેક શિખરોના સમૂહ જેવું ગર્ભગૃહ પરનું શિખર. નજર ઉપરનાં આમલક અને કળશે જઈ ઊભી. પણ અહીં મંદિર પર ધજા ફરફરતી નથી, જેવી ભુવનેશ્વરના લિંગરાજ મંદિર પર ફરફરે છે. આ પણ દસમી સદીના અરસામાં જ્યારે લિંગરાજ બનતું હતું, ત્યારે બન્યું હતું. એકસો પંદર ફૂટ ઊંચા, એકસો પાંચ ફૂટ લાંબા અને બાસઠ ફૂટ પહોળા આ મંદિરની રચનાની સપ્રમાણતા અને સપ્રાણતા એક વિશિષ્ટ સૌન્દર્યાનુભૂતિ કરાવે છે.

અર્ધમંડપમાં થઈ અંદર પ્રવેશવાને બદલે અમે બહારથી જોઈ રહ્યાં. ઊંચા શિખરને અનુષંગે ઊંચે થયેલી નજર મંદિરની જંઘાઓ પર પડતાં ત્યાં જ જડાઈ ગઈ કે શું? અનવદ્ધ શિલ્પખચિત જંઘા. તસુ પણ ખાલી નહીં. અને શિલ્પો પણ કેવાં સંમોહક. ‘ચારુ,’ ‘રમ્ય,’ ‘લલિત,’ ‘સશ્રિક’ – સુન્દર જેનાથી વ્યક્ત થાય તે બધાં વિશેષણો સાંભરી આવે. હજુ તો મંદિરના સ્થાપત્યની ઊર્જિતતાથી મન અભિભૂત હતું ત્યાં આ શિલ્પોની ચારુતાથી, રમ્યતાથી, લાલિત્યથી, સશ્રિક્તાથી વિમુગ્ધ. વિસ્મય-વિસ્ફારિત નેત્રોથી સમગ્ર આ શિલ્પ-સૃષ્ટિ અમે જોઈ રહ્યાં, અને પછી જ્યારે ક્રમે ક્રમે જોવા લાગ્યાં ત્યારે તો એ વિસ્ફારણ વધતું જ ગયું. આ તે શિવાયતન કે કામાયતન!

કોકશાસ્ત્રનું વાચન સળવળી ઊઠયું. કાચી ઉંમરના એ દિવસો કહેવાય. બે પુસ્તકોનું વાચન અમારા બહુસંખ્ય વિદ્યાર્થીમંડળમાં મહત્ત્વનું બની ગયું હતું. એક હતું વિક્ટર હ્યુગોનું ‘લે મિઝેરાબ્લ’ મૂળશંકર મો. ભટ્ટનું ગુજરાતી રૂપાંતર. એકે એકે કરી બધાંએ વાંચેલું જાહેરમાં તેની ચર્ચા થતી. બીજું પુસ્તક હતું સસ્તું સચિત્ર કોકશાસ્ત્ર. એ પણ એકે એક કરી બધાએ વાંચેલું. જાહેરમાં એની ભાગ્યે જ ચર્ચા થતી, પણ કાચી ઉંમર પર એનો પ્રભાવ ઓછો અવાંછિત ન હતો. પછી તો વાત્સ્યાયનના કામસૂત્રનું પણ વાચન કરેલું હતું. કન્દેરિયાની જંઘા પરનાં એ શિલ્પો ફરી જાણે તે સૃષ્ટિમાં લઈ જઈ રહ્યાં. કંઈક આવો અનુભવ કોનારક અને ભુવનેશ્વરનાં, શામળાજી કે મોઢેરાનાં મંદિરોનાં શિલ્પો જોતાં થયેલો પણ અહીં તો… જોકે પછી વાંચ્યું કે કોનાર્કની તુલનામાં ખજુરાહો કદાચ આ બાબતમાં પાછળ રહી જાય. કોનાર્કની બે વાર મુલાકાત લીધેલી છે, પણ ઝડપથી. તેથી ખજુરાહોનું આ ભોગાસનનાં શિલ્પોમાં આધિપત્ય છે, એવું જ મનમાં વસી ગયું છે.

પણ અહીં માત્ર રતિશિલ્પો, ભોગાસનોનાં જ શિલ્પો નથી, બીજાં અનેક નયનસુભગ શિલ્પો છે. અહીં દેવદેવીઓ, અપ્સરાઓ અર્થાત્ સુરસુંદરીઓ, નાયિકાઓનાં શિલ્પો પણ છે. તે પછી આવે છે મિથુનશિલ્પો. આ મિથુનશિલ્પો પણ અનેક મુદ્રાઓમાં છે. સહજપણે પાસેપાસે ઊભેલાં નાયકનાયિકાનું મિથુન, ચુંબન-આલિંગનરત મિથુન અને સંભોગરત મિથુન. અને આ સંભોગરત મિથુનોમાં જ કોક મહારાજ કે વાત્સ્યાયન મુનિનું પ્રવર્તન દેખાય.

હા, પણ વાત્સ્યાયનના કામસૂત્રનું પ્રવર્તન ક્યાં નથી? પ્રાચીન સંસ્કૃત સાહિત્ય જોઈ લો. શું શિલ્પમાં કે શું સાહિત્યમાં કે શું અન્ય કળાઓમાં વાત્સ્યાયન આદિ-સ્ત્રોત બની રહ્યા છે. દર્શનના ક્ષેત્રમાં બાદરાયણનું બ્રહ્મસૂત્ર અને કલાના ક્ષેત્રમાં વાત્સ્યાયનનું કામસૂત્ર. આ દેશમાં બ્રહ્મસૂત્ર અને કામસૂત્રનો કોઈ વિરોધ ન હતો. ધર્મ અને કામનો કોઈ વિરોધ નહોતો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ, પણ જીવતેજીવત જે પુરુષાર્થો સિદ્ધ કરી શકાય તે તો ધર્મ, અર્થ અને કામ. તેમાંથી બેની – ધર્મ અને કામની ખજુરાહોમાં સહસ્થિતિ છે. આપણે ત્યાં તો કહેવાયું પણ ખરું કે ‘ધર્માદર્થો અર્થત : કામ, કામાદ્ ધર્મફલોદયઃ’ – ધર્મથી અર્થ અને અર્થથી કામની પ્રાપ્તિ થાય છે, પણ કામથી તો ધર્મનું ફલ જ પ્રાપ્ત થાય છે!

એ જે હોય તે, પણ એટલું તો ચોક્કસ છે કે જેટલી ગંભીરતાથી અને ગહનતાથી ભારતવર્ષમાં ધર્મચર્ચા થઈ છે, તેટલી જ ગંભીરતાથી અને ગહનતાથી કામચર્ચા પણ. કહેવાય છે કે શિવના પાર્ષદ નંદીએ સૌ પહેલાં એ વિશે શાસ્ત્ર રચેલું. એની લાંબી પરંપરા રહી છે, એનો લાંબો પ્રભાવ રહ્યો છે. એક સંસ્કૃત નાગરિક માટે કામસૂત્રનું જ્ઞાન અતિ આવશ્યક હતું. એટલે કલા, ધર્મ અને જીવનમાં પણ તેનો અકુંઠિતપણે સ્વીકાર હતો. કાલિદાસ વાંચતા હોઈએ અને ઘણીવાર લાગે કે આ પંક્તિઓમાં ક્યાંક કામસૂત્રનો પ્રભાવ છે. એક કવિ બનવાની સજ્જતાનાં જે ઉપકરણો હતાં, તેમાં એક મુખ્ય હતું કામસૂત્ર.

માત્ર કવિ નહીં, કલાકાર શિલ્પીને પક્ષે પણ એનું જ્ઞાન અનિવાર્ય. ખજુરાહોનાં જ શિલ્પો નહીં; સમગ્ર ભારતવર્ષમાં જે ઉત્તમ શિલ્પો છે, અને તે બધાં મોટે ભાગે મંદિરો સાથે જોડાયેલાં છે, તે બધાં કામસૂત્રથી પરોવાયેલાં લાગે છે. તેની સાથે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર પણ – અભિનયની, નર્તનની ઘણી બધી મુદ્રાઓ જે ભરતે નિર્દેશેલી છે, તે અહીં કંડારાયેલી જોવા મળે છે. કવિઓને પણ જ્યારે જ્યારે કોઈ વિશિષ્ટ મુદ્રા કે છવિનો અંગવિન્યાસ રજૂ કરવાનું આવ્યું છે, ત્યારે વાત્સ્યાયન કે ભરત તેમની મદદે દોડી ગયાં છે. કાલિદાસની માલવિકાની પેલી પ્રસિદ્ધ મુદ્રા યાદ આવશે. નૃત્ય કરી રહ્યા પછી એ ઊભી છે :

વામં સન્ધિસ્તિમિતવલયં ન્યસ્ય હસ્તં નિતંબેકૃત્વા શ્યામાવિટપિસદ્દશં સ્ત્રસ્તમુક્તં દ્વિતીયમ્—

અહીં ખજુરાહોની ભીંતો પર કેટલીય માલવિકાઓ નિતંબે ડાબો હાથ મૂકીને ઊભી છે, કડું કાંડે સરકી આવ્યું છે, તેમનો બીજો હાથ શ્યામલતાની જેમ (સાક્ષાત્ લય બની) ઝૂલી રહ્યો છે. ના, આ એક જ અંગવિક્ષેપ અહીં નથી, અપરંપાર છે દેહભંગિઓ. અંગેઅંગમાં લયાન્વિતતા છે. આ છે એક અપ્સરા. નમસ્કારની મુદ્રામાં ઊભી છે, જોડેલા હાથ અને ચહેરાની ઈષત્ વક્રતા કેવું લાવણ્ય પ્રકટાવે છે! અને આ અપ્સરા પગેથી કાંટો કાઢી રહી છે. આ સુન્દરી જમણો હાથ અલસ ભાવે પાછળ લઈ, ડાબે હાથે સ્તનને ધારી ત્રિભંગી મુદ્રામાં ઊભી છે. અને આ નાયિકા – નિમ્નનાભિ નાયિકા, અધોવસ્ત્ર નાભિથીય નીચે સરકાવી દીધું છે, ત્રિવલીમાંથી એક વલી પ્રકટ. આ નાયિકાએ તો અધોવસ્ત્ર જ હટાવી લીધું છે – સૂક્ષ્મ કટિ, નિમ્નનાભિ, ઉન્નત વક્ષ, અભિરામ ગ્રીવાભંગ – કાલિદાસની યક્ષી કેમ યાદ ના આવે?

તન્વી શ્યામા શિખરિદશના પક્વબિમ્બાધરોષ્ઠીમધ્યે ક્ષામા ચકિતહરિણી પ્રેક્ષણા નિમ્નનાભિઃશ્રોણીભારાદલસગમના સ્તોકનમ્રા સ્તનાભ્યાં…

અલસગમના તો કેવી રીતે કહું? અહીં ગતિ છે, પણ ગમન નથી. અહીં સ્થિતિ અને ગમન વચ્ચેની ગતિ છે. શિલ્પીએ જાણે કશીક ક્રિયા પૂર્વેની ક્ષણને ઝડપી લીધી છે – ‘ન યયૌ, ન તસ્થો’ની ક્ષણ. એટલે લાગે છે બધાંય શિલ્પ જીવંત, ઉષ્માસભર, હમણાં ગમન કરશે. હજારો વર્ષોથી જડાયેલાં આ શિલ્પોમાં અચલતાની જડતા કેવી ભલા! આ જુઓ. આ નાયિકા – એકદમ અનાવૃત માંસલ દેહ – ખભેથી કટિ સુધીનો આ વળાંક જોયો, વહેતી સાબરમતીએ વહેણ બદલ્યું હોય તેવો! અને આ જમણો હાથ માથા પાછળ લઈ, ડાબે હાથે વસ્ત્ર છોડી રહેલી નિમ્નનાભિ નાયિકાનો કટિથી જઘન સુધીનો વળાંક – એ કેવો? સંસ્કૃત કાવ્યશાસ્ત્ર લઈને બેસો તો ‘નખશિખ વર્ણન’ કે ‘નાયિકાભેદ’ અહીં આખું ઉકેલી શકાય.

કંદેરિયા મહાદેવની આ દક્ષિણ જંઘા પર આવી તો કેટલી અપ્સરાઓ – સુરસુન્દરીઓ, નાયિકાઓનું વિશ્વ છે! ઈષત્ નગ્ન, અર્ધ નગ્ન, નગ્ન, છતાંય અલંકૃત. બૉદલેરની ‘માય સ્વીટ વૉઝ નૅકેડ…..’થી શરૂ થતી કવિતા યાદ આવી જાય. એ ફ્રેંચ કવિએ નગ્ન પણ આભૂષણ ખચિત નાયિકાનું અદ્ભુત ચિત્રણ કર્યું છે. પણ બૉદલેરની આ નાયિકા તો રક્તમાંસની નારી છે, એના જીવનમાં જીવતી-જાગતી. જ્યારે આ સુન્દરીઓ? શું આ શિલ્પીઓ કોઈ ને કોઈ નારી નજર સામે રાખીને તેને આકૃત કરવા મથ્યા હશે?

હા, એ સમયમાં અનેક મંદિરોમાં દેવદાસીઓનાં નૃત્યોની પ્રથા હતી. દેવદાસીઓનું સમગ્ર જીવન દેવતાને જ સમર્પિત રહેતું. દેવતા સમક્ષ નૃત્યો કરી તેમની આરાધના એ જ તેમનું વ્રત રહેતું. આપણી પ્રસિદ્ધ ચૌલાદેવી પણ આવી જ ભગવાન સોમનાથની એક દેવદાસી હતી ને! શિલ્પીઓની સામે આ દેવદાસી – નૃત્યાંગનાઓની બંધુર દેહસૃષ્ટિ હશે. એ દેવદાસીઓએ તેમના મોડેલની ગરજ સારી હશે. અને એટલે નૃત્યોની આટલી બધી મુદ્રાઓ છે. એ જીવતીજાગતી નારીઓની જ મુદ્રાઓ કદાચ હશે; પરંતુ એ સાથે હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃત સાહિત્ય માટે જે એક નિરીક્ષણ કર્યું છે, તેય યાદ આવે. સંસ્કૃત કવિતામાં વિશેષીભૂત નહીં, આદર્શીકૃત વર્ણન છે એટલે કે નાયિકાને સુંદર આલેખવાની હોય, તો એ સુંદર રૂપનો એક આદર્શ હોય. કવિ એ આદર્શને ખ્યાલમાં રાખીને નાયિકા કે નાયકનું ચિત્રણ કરે, અને શિલ્પી પણ સૌંદર્યના આદર્શને ખ્યાલમાં રાખીને નાયિકા કે નાયકનું રૂપ કંડારે. મનુષ્ય હોય કે દેવતા – પણ પેલા પૂર્ણત્વના આદેશને અનુલક્ષીને આલેખન કે આકૃતિ રચાય. પાતળી કટિ શોભાની નિશાની હોય તો તે એટલી પાતળી થતી જાય કે મુષ્ટિમેય – મૂઠીમાં માય તેટલી કેડવાળી નાયિકા પ્રત્યક્ષ થાય અને પછી તો એવું પણ બન્યું છે કે કેટલાક કવિઓને નાયિકાની કમર જ દેખાય નહીં.

સ્તન અને જઘન – નાયિકાનાં આ અંગોનું પ્રાચીન ભારતીય કવિઓ, કલાકારોએ ભારે આકર્ષણ અનુભવ્યું છે. સ્તનની પુષ્ટતા અને જઘનની પૃથુલતા સૌન્દર્યનો આદર્શ. એટલે પીનપયોધરા અને પૃથુલજઘના નાયિકાઓની સંસ્કૃત સાહિત્ય અને ભારતીય શિલ્પમાં બહુતાયત છે. નાયિકાના કોઈ પણ શિલ્પ પર નજર પડે, તેમાં સ્તનોનું સૌન્દર્ય તરત ધ્યાન ખેંચે, ઘણી વાર તો એ નાયિકાનાં અન્ય વિશેષણો સરી જઈ માત્ર ‘સુસ્તની’ જ યાદ રહી જાય. અને ઘણી વાર લૉરેન્સની પંક્તિ હોઠે સ્ફુરી રહે –

‘બિટ્ વીન હર બ્રેસ્ટ્રસ ઈઝ માય હોમ, બિટ્ વીન હર બ્રેસ્ટ્સ…’

આ વર્ણન કે ચિત્રણ દેવીનું હોય, કે દેવતાનું હોય, નાયિકાનું હોય કે નાયકનું હોય, અમુક લાંછન બાદ કરીએ તો સર્વસામાન્યતા તરી રહે. શંકરાચાર્ય ‘સૌંદર્યલહરી’માં દેવીનું સ્તોત્ર લખતા હોય, કાલિદાસે ‘કુમારસંભવ’માં કિશોરી પાર્વતીની વયસંધિવેળાનું કે પછી યક્ષપ્રિયાનું કે શકુંતલાનું રૂપચિત્રણ કરતા હોય, સૌન્દર્યનો સ્વીકૃત આદર્શ જ કવિ તાકતા હોય છે.

ખજુરાહોનાં શિલ્પ પણ આવી સુન્દરની સૂષ્ટિ છે પણ પછી એ શિલ્પીઓએ જે વિભિન્ન અંગવિક્ષેપોથી ભાવસૃષ્ટિ પ્રકટાવી છે, તે તેમની આગવી છે. એ વિશેષ પ્રકટ થાય છે. ખજુરાહોનાં મિથુનશિલ્પોમાં. કંદેરિયાની આ દક્ષિણ જંઘા પર જે સૌથી વધારે ધ્યાન ખેંચી રહે છે, તે તો આ મિથુનશિલ્પો, યાત્રીઓની નજર એ ટૂંઢતી હોય છે. ના, નજરને ઢુંઢવું ૫ડતું નથી – એ જ સામેથી નજરોમાં ઊભરાય છે. એક દેખાય, બીજું દેખાય, ત્રીજું દેખાય અને પછી તો જાણે એ જ મિથુનશિલ્પ દેખાયા કરે. અહીં આ દક્ષિણ જંઘા પર નહીં; મંદિરની આસપાસ, અંદર, સર્વત્ર — આ જ મંદિરની નહીં, સર્વ મંદિરની. જાણે કામદેવતાનું વિશ્વરૂપદર્શન! શિલ્પીઓની સૌન્દર્યચેતના કામચેતના રૂપે હજાર હજાર રૂપે મૂર્ત થઈ છે – આ ધર્માયતન પ૨. એકમાત્ર રિરંસાનો ભાવ છે. કદાચ એવું હોય કે આ રિરંસામાંથી મુમુક્ષા જાગે. જાગે તો, કેમ કે કામ પછી ધર્મ.

પણ જોતાં તો સ્મરસૃષ્ટિનો પ્રભાવ પ્રસરી રહે છે. સ્મર દેવતા અહીં તેના પૂરેપૂરા ઉતશૃંખલા રૂપમાં છે, એથી ૨તિરંગની પ્રબલતા વરતાય છે. એ રંગ અધૂરો રહે ત્યાં સુધી વિરાગનો રંગ કેવો? રંગ અને વિરાગની સહસ્થિતિ છે એક શિવ દેવતામાં. એકીસાથે ભોગી અને યોગી. બૃહત્ સંહિતાકારે કહ્યું છે કે શિવ જેવા શિવ પણ યુવતી નારીનાં દર્શનના લોભથી ચાર મોઢાવાળા બનતા હોય તો લજજા કેવી? વ્રીડાત્ર કા?

આ મિથુનશિલ્પોમાં એકબીજાની પાસે ઊભેલાં, એકબીજાંને હાથ પકડી અનુનય કરતાં, ખભે હાથ રાખીને ઊભેલાં ‘નિર્દોષ’ મિથુનો છે, વિશેષે તે દેવ-દેવીઓનાં છે. પણ, મિથુનશિલ્પોમાં વધારેમાં વધારે શિલ્પો તો કામાંધ બની એકબીજાને આલિંગન આપતી કે ચૂમતી મુદ્રામાં છે. અંગથી અંગ, હોઠથી હોઠ, છાતીથી છાતી – અંગેનાંગ તનું ચ તનુના ગાઢ તપ્તેન તપ્તમ્. ૫રસ્પરનાં અંગેઅંગમાં ઓગળી જવાની મેઘદૂતના યક્ષની એષણા અહીં પણ છે. પથ્થર ઓગળી જશે કે શું?

પણ શિલ્પીઓ એટલેથી જ અટક્યા નથી, વાત્સ્યાયને ઘણી આગળ વાત કહી છે. અને જાણે એમને પગલે પગલે ચાલીને શિલ્પીઓએ સંભોગ-ચેતનાને વિભિન્ન આસનોમાં પથ્થરમાં કંડારી છે. સંભોગરત યુગલોનાં આ આલેખનમાં શિલ્પીઓ રેખાઓની સપ્રાણતા કે પ્રમાણની સંવાદિતા ક્યાંય ચૂક્યા લાગે નહીં. અહીં જેને આપણે વિશુદ્ધપણે ‘સૅક્સ’ કહીએ તે છે. છતાં શિલ્પીઓને તો જાણે ક્યાંય કશી બાધા નથી. કુંઠા નથી, વ્રીડા નથી.

છતાં પણ આપણને વ્રીડા થાય છે – જાણે ચોરીછૂપીથી જોઈ લઈએ છીએ. આપણને આ જોતાં કોઈ જોઈ તો નથી જતું ને! કોઈ જોઈને હસે છે, કોઈ વિમુગ્ધ થાય છે, કોઈ કુંઠિત બની જાય છે – કંડારનાર શિલ્પીઓની નિખાલસતા ક્યાંથી લાવવી? શિલ્પીઓ તો કદાચ આ સૂત્ર શીખ્યા છે –

મૈથુનં પરમં તત્ત્વં સૃષ્ટિસ્થિત્યન્તકારણમ્ ।મૈથુનાન્ જાયતે સિદ્ધિર્બ્રહ્મજ્ઞાન સુદુર્લભમ્ ।।

અહીં વાત્સ્યાયન પ્રમાણેના આલિંગન-ભેદ છે – સ્પૃષ્ટક, વિદ્વક, ઉદધૃષ્ટક, લતાવેષ્ટિતક, તિલતંદુલક, ક્ષીરનીરક. અહીં વિવિધ સંવેશન વિધિ છે – અવલંબિતક, ધેનુક, ગોયૂથિક ઔપરિષ્ટક. કદાચ આ સંજ્ઞાઓમાં જ વાત કરવી ફાવશે. વ્રીડા. વ્રીડા.

કંદેરિયાની જંઘાઓ ૫ર અમે જોતાં રહ્યાં. એક કુંઠાબોધ હતો, તે જાણે ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યો. સમૂહરતનાં શિલ્પો જોઈ શરૂમાં લાગેલો આઘાત ક્ષીણ થવા લાગ્યો. પણ પછી થતું હતું કે આ તો દેવમંદિર છે.

પણ અહીં તો મનુષ્યદેહ એ જ દેવમંદિર છે. મનુષ્યદેહમાંથી, વિશેષે કામરત મનુષ્યદેહમાંથી જેટલી અસંખ્ય ભંગિથી લાવણ્ય પ્રકટે, તે અહીં પ્રકટી રહ્યું લાગે. દેવ હોય કે દેવી – શિલ્પી તો સૌંદર્યની પ્રતિમા કંડારે છે. સુંદર નર. સુંદરી નારી. ખજુરાહોનાં આ નરનારીઓનો દેહ ઊંચો, પાતળો છે, પગ લાંબા (કેવી વિભિન્ન લયલીલાઓમાં) છે, આંખ અને ભમરો એકદમ સુરેખ છે, નાક અને હોઠ આગળ પડતાં છે, ચહેરો લંબગોળ છે, હડપચી ગોળ છે – આભૂષણોથી ખચિત છે આ સુંદર દેહ.

શિલ્પીઓ સુંદર દેહ કંડારીને થંભી ગયા નથી, દેહને દેહનો આનંદ કેવો હોય તે બતાવવાનું જાણે તેમનું લક્ષ્ય છે, અને એટલે માત્ર ચહેરો જ ભાવપૂર્ણ નથી, સમગ્ર દેહ વાંચી શકાય તેવો ભાવપૂર્ણ છે. કામનાથી થરથરતો દેહ, કદાચ સમગ્ર ભારતીય શિલ્પમાં દેહોત્સવનો વિષય કેન્દ્રમાં છે, શિલ્પમાં શું – સાહિત્યમાં પણ.

કંદેરિયા જોવામાં સારો એવો સમય ગયો. અમે વિચાર્યું કે હવે પછીનાં આ વિભાગમાં મંદિર જલદી જોઈ લેવાં પડશે. કાલે ફરીથી જોઈશું, કેમ કે સાંજ પડતાં જ પ્રવાસીઓ માટે આ મંદિર જોવાનું બંધ કરવામાં આવે છે. હજી અમારે ચિત્રગુપ્ત, જગદંબા, વિશ્વનાથ વગેરે મંદિરો આજે જોઈ લેવાં હતાં; પણ કેમેય કરી અમારું પ્રસ્થાન થતું નહોતું.

છેવટે કંદેરિયાનાં પગથિયાં ઊતરી સુંદર હરિયાળી પર ચાલતાં ચાલતાં ચિત્રગુપ્તને મંદિરે આવી પહોંચ્યાં. આ વિસ્તારમાં આ એક જ સૂર્યદિવતાનું મંદિર છે. સૂર્યમંદિરો આમેય ઘણાં ઓછાં જોવા મળે છે. કોનારક કે મોઢેરાનાં સૂર્યમંદિર કે કાશ્મીરનું માર્તંડ મંદિર. સાત અશ્વો જોડેલો રથ હાંકતા સૂર્યદેવતાની પ્રતિમા ચિત્રગુપ્ત મંદિરમાં છે. આ મંદિરની દીવાલો પર અપ્સરાનાં ઉત્તમ અંકનો છે. ચિત્રગુપ્તની પાસે જ જગદંબી મંદિર છે. ખરેખર તો એ વિષ્ણુમંદિર હતું પણ હવે ગર્ભગૃહમાં પાર્વતીની મૂર્તિ છે. પ્રણયરત મિથુનોની નયનસુભગ મૂર્તિઓ મંદિરોની દીવાલો શોભાવે છે.

હવે અમે વિશ્વનાથ મંદિરનાં પગથિયાં ચડી રહ્યાં. આ મંદિર પણ અર્ધમંડપ, મંડપ, મહામંડપ, અંતરાલ અને ગર્ભગુહ સાથેનું મંદિર છે. કંદેરિયા પહેલાં તેનું નિર્માણ થયેલું છે. મંદિરની દીવાલો અપ્સરાઓ અને મિથુનથી ખચિત છે. વાંસળી વગાડતી પેલી સુંદરી જોઈ? અને આ વળી પગમાંથી કાંટો કાઢતી? વિશ્વનાથની સામે જ નંદી મંદિર છે, મોટો નંદી જોઈને અમને, તાંજોરનો નંદી યાદ આવી ગયો.

સૂરજ આથમવામાં હતો. અમે બહાર નીકળી મ્યુઝિયમ ભણી ગયાં. અહીં અનેક વિરલ શિલ્પો સચવાયેલાં પડ્યાં છે. ખજુરાહોમાં કેટકેટલાં મંદિર હતાં! જે છે તેનાથી ત્રણ ગણાં તો વિલુપ્ત થઈ ગયાં છે. તેમાંથી બચેલી આ બેનમૂન કૃતિઓ – એ બધીય હોત! મ્યુઝિયમમાંથી બહાર આવી સ્થાનિક બજારમાંથી ખજુરાહોનાં શિલ્પની પ્રતિકૃતિઓ પ્લાસ્ટર ઑફ પૅરિસમાં બનાવેલી ખરીદવાનો ઉપક્રમ ચાલ્યો. પણ હવે એ નજરમાં શાની આવે? નાનકડાં બજારમાં હાથલારીઓમાં ધાતુની જૂની અનેક વસ્તુઓ મળતી હતી – પરદેશીઓને તે ખરીદવાનું વિશેષ આકર્ષણ રહેતું. ધીમે ધીમે રસ્તાઓ શાંત પડતા ગયા. મંદિરોનાં છાયાચિત્રો અંધારામાં અસ્પષ્ટ થતાં ગયાં.

સાંજે જ્યારે બહાર જમીને ઉતારે આવ્યાં, ત્યારે જાણે એક અપાર્થિવ લોકમાં જઈ આવ્યાં હોય એવું લાગતું હતું. અસંખ્ય ચહેરાઓ, અવનવીન ભંગિઓ, લાલિત્યની અપરંપાર રેખાઓ, સ્તનોની બંધુરતા – રૂપ જોઈ જોઈને આંખ ધન્ય બની હતી. કપડાં બદલી, કંપાઉન્ડના વૃક્ષ નીચે પડેલી ખુરશીઓ પર લંબાવ્યું. જે જોયું તે કેમેય ભુલાતું ન હતું, હજુ તો આવતી કાલે બીજાં મંદિરો જોવાનાં છે. ઊંઘ આવશે? કદાચ આવશે તોય પેલી અપ્સરાઓ, સુન્દરીઓ, શાલભંજિકાઓ દેખાયા કરશે.

સવાર પ્રસન્નતા લઈને આવી. દિવાળીની સવાર હતી. અમદાવાદ ઉત્સવઘેલું બન્યું હશે. અહીં અમારું મન પણ ઉત્સવી હતું. અમે એક સૌંદર્યલોકના સાન્નિધ્યમાં હતાં. આ પ્રસન્ન સવારે ગઈ કાલે જે અનેક અપ્સરાઓ, નાયિકાઓ, શાલભંજિકાઓને પરમ મુદાની મુદ્રાઓમાં જોઈ હતી, તેનો કશોક અંશ મારામાં ઊતરી આવ્યો લાગ્યો. આ સવારે, પંખીઓના કિલકિલાટવાળી સવારે. ટૂરિસ્ટ બંગલાના વિશાળ કંપાઉન્ડની એક બેંચ પર હું બેઠો હતો. પુરાણાં વૃક્ષોની ઘટામાંથી ચળાઈ લાંબા સ્તંભ રચતો તડકો પથરાતો જતો હતો. હવાની શીતલતા ચમકપ્રદ હતી. આજે દિવાળી. સરવૈયું કાઢવું જોઈએ, કમ સે કમ વિક્રમના આ વર્ષમાં જમાઉધાર કેટલું? પણ ના, અહીં એવા હિસાબકિતાબના વિચાર હોય! આ સૌન્દર્યપાવન નગરમાં કમિંગ્ઝની પંક્તિઓ સાંભરી –

ધ હોલિસિટી વિચ ઇઝ યૉર ફેઈસયૉર લિટલ ચિક્સ ધ સ્ટ્રીટ્સઑફ સ્માઇલ્સ

કોનો ચહેરો, કોના લઘુ કપોલ! ચહેરાઓનું આ નગર. પથ્થરિયા ચહેરા ઘણી વાર અવિચલિત મુદ્રા ધરાવતા મનુષ્ય ચહેરાને ‘સ્ટોની ફેઇસ’ કહીએ છીએ, પણ અહીં આ પથ્થરિયા ચહેરા જોયા પછી? એકેય મોં એવું નથી, જે અંતરના પરમ આનંદના ભાવથી છલકાતું ન હોય. હોઠો પર ફરકી જતું સિમિત – નિરાડંબરી અને નિખાલસ. આંખોમાં તો જાણે આસવ. અંગની રેખામાં ઉછાળ જુઓ. અહીં કશુંય ગુપ્ત નથી, ગોપ્ય નથી. અહીં બધું ખુલ્લું જ છે. ખુલ્લું શરીર, ખુલ્લું મન. નગ્નતાનો આટલો મહિમા ક્યારેય નહોતો જાણ્યો.

આ પણે થોડેક દૂર, પહોંચી જાઉં એમની પાસે. આપણી સભ્યતાનું આવરણ ઉતારી નાખવું પડશે. ના, ના, અહીં કશીય અશ્લીલતા નથી, કેમ કે અહીં કોઈ જુગુપ્સાનો ભાવ નથી. અહીં બધું જ શ્લીલ છે. અશ્લીલ છે આપણું ‘સભ્ય’ મન – આપણું ‘સુસંસ્કૃત’ મન! હા, પેલું પશુમૈથુન પણ અશ્લીલ નથી, એ સમગ્રનો ભાગ છે, સમગ્રના સ્વીકાર રૂપે છે. ખંડદર્શન અશ્લીલ દર્શન છે. અહીં આવીને પ્રકૃત અપ્રકૃત ભોગાસનોનાં શિલ્પ શોધતી નજર, સહપ્રવાસીઓની નજર ચૂકવતી એ નજર અશ્લીલ છે.

તંત્ર કહે છે ભોગ એ જ યોગ છે. તંત્ર કહે કે ન કહે પરમ તન્મયતાની ક્ષણો, વિસ્મૃતિની ક્ષણો યોગની ક્ષણોથી ઓછી ન હોય. કોણ કહે છે ભોગ માત્ર પાપ છે? આ ધર્માયતનોની દીવાલો પર ભોગાસનો ન હોત, કદાચ. એમ ભલે કહેવાય કે આ ભોગાસનો મંદિર પર હોય તો તેની પર વીજળી પડવાનો ભો ઓછો કે મંદિરને કોઈની નજર ના લાગે. એમ ભલે કહેવાય કે આ ભોગાસનોનાં શિલ્પોથી ખેંચાઈ દર્શક મંદિર સુધી આવે, અને પછી એ શિલ્પો જોતાં જોતાં મંદિરના ભગવાન પર પણ એની નજરે કદાચ પડી જાય અને કામમાંથી ધર્મ તરફ વળે. એમ ભલે કહેવાય કે આત્મા અને પરમાત્માના મિલનનાં એ ભોગાસનો પ્રતીક છે. એમ ભલે કહેવાય કે ભક્ત મંદિરમાં પ્રવેશે, તે પહેલાં આ શિલ્પો દ્વારા તેની એકાગ્રતાની કસોટી થઈ જાય છે. એમ ભલે કહેવાય કે એ સમયમાં પ્રચલિત કૌલ કાપાલિકોનાં વિધિવિધાનનો કે તંત્રોનો પ્રભાવ એ શિલ્પો પર છે. એમ ભલે કહેવાય કે જાતીય શિક્ષણ આપવા માટેની તે ખુલ્લી કિતાબ છે. આ ક્ષણે મને લાગે છે કે આ બધાં આપણી બુદ્ધિએ શોધેલાં માર્જનો છે. કદાચ એમ હોય પણ. ભલે. આ ક્ષણે મારે મન તો એ જે છે તે છે. વ્રીડાત્ર કા?

લૉરેન્સ લૉરેન્સ – તેં ખજુરાહો જોયું નથી. તારે ખજુરાહો જરૂર જોવું જોઈતું હતું. અહીં તેં જે કહ્યું છે, તેથીય ઘણું બધું ખુલ્લું છે, નિખાલસ છે. કશી વિમાસણ નથી, કશો દંભ નથી. અહીં સમગ્રનો સ્વીકાર છે. આ દેવીઓનાં, નાયિકાઓનાં, અપ્સરાઓનાં ભરપૂર સ્તનમંડપમાં તને હુંફાળું ઘર મળી જાત. કોણ હતા આ કલાકારો? લૉરેન્સ, તું આજના ‘સભ્ય’ નાગરિકોને ચીડવતો જાણે એમની સાથે ગાતાં ગાતાં નાચ્યો હોત –

સૅક્સ ઇઝન્ટ સિન, ઓહ નો! સૅક્સ ઇઝન્ટ સિનનૉર ઇટ ઇઝ ડર્ટી નૉટ અન્ટિલ ધ ડર્ટી માઇન્ડ પોક્સ ઇન…ધ બૉડિ ઑફ ઇટસૅલ્ફ ઇઝ ક્લીન, બટ ધ કેઇજ્ડ માઇન્ડઇઝ એ સ્યૂઅર ઇનસાઈડ, ઇટ પોલ્યુટ્સ, ઓ ઇટ પોલ્યુટ્સ…

ના, રતિ એ પાપ નથી, મલિન નથી, મલિન તો મનુષ્યનું મસ્તિષ્ક છે; દેહ તો સ્વચ્છ પવિત્ર છે, સંસ્કારબદ્ધ, મસ્તિષ્ક તેમાં વહી રહેલું નાળું છે. આ શિલ્પો એ જ વાત કહી જાય છે. આ છે જીવનનો આનંદ. ના, કોઈ વ્રીડાભાવ નથી.

‘ગુડ મૉર્નિંગ, સર; ચાય તૈયાર હૈ.’ નસિરની વિનયનમ્ર વાણી સંભળાઈ. થોડી વાર પછી અમે ચા પીતાં હતાં. હવે ઝટપટ નીકળી જવાનું હતું. દક્ષિણ સમુદાયનાં અને તે પછી પૂર્વી સમુદાયનાં મંદિરો જોવા.

પગરિક્ષાઓમાં નીકળી પડ્યાં. દિવાળીનો દિવસ હતો, પણ દિવાળી જેવું બહુ લાગતું ન હતું. શિવસાગર તળાવની બાજુએ થઈ અમે ખુલ્લામાં આવી ગયાં હતાં. દૂર દૂર મંદિરો વીખરાયેલાં હતાં. વચ્ચે આવી નદી. જીવ તો રાજી રાજી. નાનકડી નદી. વેકરા વચ્ચે વહી જતી હતી. નામ, તો કહે ખુદરનાલા. નદી હોય એટલે નગર જીવંત બની જાય. ખજુરાહો માટે માન વધી ગયું. અહીં પણ નદી છે. જીવન સતત વહ્યે જાય છે.

નદીનો પુલ ઓળંગી આગળ જઈએ ત્યાં તો આકાશમાં વિમાનની ઘરઘરાટી. એક વિમાન ઊતરી રહ્યું હતું – ઊતર્યું. અહીં વિમાનીમથક છે. સવાર-સાંજની વિમાની સેવા છે, ખાસ તો પ્રવાસીઓ માટે. પરદેશી વિશેષ, ટોળેટોળાં ઊતરે છે, એમને માટે જ પેલી મોંઘી હોટેલો છે. મને થયું અહીં આટલી વ્યવસ્થા અને ઝાંસીથી ખજુરાહો માટે સુવિધાભરી બસ-સેવા પણ નહીં. ચાલો જવા દો.

તડકામાં અમારી રિક્ષાઓ ઢાળ ચઢતી હતી. અહીં હવે વિજનતા હતી. દૂર જાણે વૃક્ષની ઓટમાં મંદિર હતું. ચતુર્ભુજ મંદિર, નાનું મંદિર છે. સવારમાં મંદિરના પથ્થરોમાં ઠંડક હતી, તડકાની અસર વર્તાતી ન હતી. મંદિરની પ્રદક્ષિણા કરી. અહીં રતિશિલ્પો નથી. મંદિરમાં મોટી ઊંચી ચતુર્ભુજ વિષ્ણુની મૂર્તિ છે. કોઈ કહે છે કે એ તો દક્ષિણામૂર્તિ શિવ છે. જે દેવ હોય તે – ચહેરા પર શું મુદામય શાંતિ છે! દેહ અત્યંત અલંકૃત. ડાબી બાજુ સહેજ નમેલા મસ્તકને શોભાવતો ભવ્ય મુકુટ, ખભે અડતાં કુંડળ, બાજુબંધ અને વલયથી શોભતા એક હાથમાં શંખ, એક અભય મુદ્રામાં, અને એક આ – ખંડિત! કંઠે મુક્તાદામ. ખભેથી કટિ સુધી જતું ઉપનયન, કટિમેખલા.

હે વર્ષોથી અપૂજ દેવતા, અમારી પૂજા સ્વીકારો. માત્ર ભાવ- પૂજા. અહીં કોઈ પૂજારી નથી. પુરાતત્ત્વખાતાનો પહેરેગીર છે. દેવતાને ફરી તેમનું એકાન્ત સમર્પી, મનમાં શાંતિ ભરી અમે પગથિયાં ઊતરી ગયાં. અહીં ખુલ્લાં આછી ઝાડીવાળાં મેદાનોમાં ભગ્ન મંદિરના અવશેષો વેરાયેલા છે. પાછા વળતાં ખુદરનાલામાં ઊતરી પડ્યાં. વહેણમાં પગ ઝબોળ્યા, પાણી ઉછાળ્યું. છબ છબ કરતાં, વોંકળામાં ચાલી સામે પાર જઈ રિક્ષામાં બેઠાં.

દુલ્હાદેવ મંદિર. જરા ચાલીને આવવું પડયું, પણ રિક્ષાવાળાનું માનીને ન આવ્યા હોત તો રંજ રહી જાત. પાસે થઈને પેલી નદી વહી જાય છે. ત્યાં કેટલી એકાકી હતી, અહીંનો ઘાટ સ્ત્રીઓ-બાળકોથી ગાજતો હતો. દૂરથી નદીનાં દર્શન કરી ઝાંપે થઈ મંદિરમાં પ્રવેશ્યા. મંદિરની દીવાલ નૃત્યરત અપ્સરાઓ અને ઊડતા વિદ્યાધરોથી અભિનવ સ્વર્ગલોક રચે છે. આ પેલો પ્રસિદ્ધ વાંસળી વગાડતો ગંધર્વ. એનું ચિત્ર જોયું હતું. આ અહીં દીવાલ પર શિલ્પિત. હાથમાં વાંસળી, હોઠ પર હાસ્ય.

પૂર્વ ભણી ચાલ્યાં. પાર્શ્વનાથ, આદિનાથ અને શાંતિનાથનાં મંદિરો. મંદિરોમાં ફેરફારો થતા રહ્યા છે. જીર્ણોદ્ધારના હેતુથી મંદિરોની અસલિયતને ધોકો પહોંચ્યો છે. આ જૈન મંદિરો છે, છતાં શિલ્પ- સ્થાપત્ય હિંદુ શૈલીનાં છે. વિષયો પણ હિંદુ પુરાણોમાંથી છે. પાર્શ્વનાથની દીવાલો પર આલિંગનની મુદ્રામાં લક્ષ્મીનારાયણ છે, રેવતી-બલરામ છે, રતિ-કામ છે, રામ-સીતા હનુમાન છે પણ જે મૂર્તિઓ મનમાં વસી તે તો પેલી આંખમાં અંજન આંજતી અપ્સરાની, પગેથી કાંટો કાઢતી અપ્સરાની. શું ચહેરાનું પ્રોફાઈલ છે, અને શું રમ્ય અંગભંગિ! આ અપ્સરા પગે અળતો લગાવી રહી અને આ નર્તકી પગે ઝાંઝર બાંધી રહી છે. પથ્થરનું ઝાંઝર, હમણાં બજી ઊઠશે કે શું? આદિનાથને પગથિયે થોડી વાર બેઠા, બાજુમાં ભગ્ન શિલ્પોના ઢગલા પડેલા છે. પણ હવે નીકળવું જોઈએ. તડકો વધતો જતો હતો. પણ આકરો ન હતો.

સાંકડે રસ્તે થઈ ચાલ્યાં ઘંટઈ મંદિર. મંદિર શાનું? રુદ્રમાળની જેમ થોડાક થાંભલા ઊભા છે, પણ એ કહી જાય છે કે કેવી ભવ્ય ઇમારત હશે. કેવી રમ્ય! થાંભલા ૫ર સાંકળથી ઝૂલતાં ઘંટનાં શિલ્પ છે. પથ્થરની સાંકળના અંકોડા ગણી શકાય. છેડે લટકતો ઘંટ. આવી તો થાંભલા ફરતી અનેક સેરો. સાંકળ સાથે આજુબાજુ ફૂમતાં પણ ખરાં, પવનમાં ફરફરતાં જાણે. આ સેરો કીર્તિમુખમાંથી નીકળેલી, અને આ કીર્તિમુખો પથ્થરની આંબળેલી દોરીઓથી ગુંથાયેલાં. પથ્થરમાં વળ જોઈ શકો.

ઘંટઈ ગામને ગોંદરે આવેલું ગામ છે ખજુરાહો. આ ખજૂરવાહક? ચંદેલોની રાજધાની? નળિયાં છાયેલાં નાનાં માટીનાં ઘર. સાંકડી શેરીઓમાં થઈ ગામમાં પ્રવેશ્યાં. દિવાળી હતી. આજે. લીંપેલાં-ગૂંપેલાં સ્વચ્છ આંગણાંમાં રંગોળીઓ, નાની નાની શેરીઓમાં ગામ વહેંચાઈ ગયું હતું. અહીં આ આપ્સરાઓ, સુરસુન્દરીઓ, નાયિકાઓ અને વિદ્યાધરોની પાડોશમાં ગામનાં નાગોડિયાં છોકરાં રમતાં હતાં. પ્રવાસીઓ માટે હવે તેમને કૌતુક નથી. પ્રવાસીઓ જ તો અહીં રોજેરોજ આવે છે.

રિક્ષા ઊભી રહી, તરતનાં કાપેલાં ડાંગરનાં ખેતરમાં (જીવનાનંદ દાસ!) થઈ ક્યાંક કાંપવાળી ભેજવાળી જમીન પર પગલાં મૂકતાં જવાર મંદિરે પહોંચ્યાં. ચારે બાજુ ખેતર. મંદિરનાં શિલ્પ-સ્થાપત્યની નજાકત મનમાં વસી જાય. છતાં હવે આ બધું જોઈને જાણે કૌતુકનો ભાવ ઓછો થતો હતો. ત્યાં દૂર જરા બીજું એકલવાયું મંદિર છે. પણ હવે ત્યાં સુધી નથી જવું. પાછાં વળી ગયાં. તળાવની પાળે પાળે ચાલ્યા. આ તળાવ તે જ ખજુરાહો સાગર અથવા નિનોરા તાલ. આખા તળાવમાં વેલો પથરાઈ હતી. ચાલતાં ચાલતાં એક મંદિર આવ્યું – બ્રહ્માજી. નમસ્કાર બ્રહ્માજી. આગળ ચાલ્યાં તો રસ્તે આવ્યાં ભારે મોટા હનુમાન. હનુમાનને વંદન કરીને નીકળ્યાં. બપોર થઈ ગઈ હતી. ક્ષુધાબોધને લીધે સૌન્દર્યબોધ અળપાતો જતો હતો. ગામડાગામને રસ્તે થઈ, મોટી સડક પર, સડક પરના પ્રવાસીઓને જોતાં પહોંચ્યાં પ્રવાસી બંગલામાં.

‘ખાના તૈયાર હૈ સા’બ.’ – નસિર.

બપોર પછી અમે ફરી નીકળ્યાં. ફરીથી લક્ષ્મણ અને કંદેરિયાની શિલ્પસ્થાપત્યની સૃષ્ટિમાં. આજે પહેલાં ગયાં મતંગેશ્વર મંદિરે. ખજુરાહોના મંદિરોમાં આ એક અતિ પવિત્ર મનાય છે. અહીં ભગવાન શિવ પૂજા પામે છે. મંદિરની અંદર-બહાર બહુ જૂજ શિલ્પો છે. પણ અહીંથી લક્ષ્મણ મંદિરની જગતીનો નીચેનો ભાગ દેખાતો હતો. નાનાં નાનાં સળંગ શિલ્પો – વળી પાછું વાત્સ્યાયનનું સ્મરણ થાય.

આજે બહુ યાત્રીઓ ઊતરી આવ્યા હતા. પહેલાં ભાવિકોનું એક ટોળું આવ્યું. આસપાસના પ્રદેશના ગ્રામીણો હતા. હડુડુ કરતાં આવ્યા, હડુડુ કરતાં ચાલ્યા ગયા. કોઈ કશા શિલ્પને જોયા વિના, ભીતરના દેવતાને પાયલાગણ કરી. પછી આવ્યું બીજું ટોળું પરદેશી, કદાચ, ફ્રેંચો હતાં. એક ભારતીય, ગાઇડ ફ્રેંચમાં માર્ગદર્શન આપતો હતો. લગભગ દરેકની પાસે કૅમેરા. મોટાં ભાગનાં પ્રૌઢ યુગલો હતાં. શિલ્પો જોતાં જાય અને અચરજમાં ખભા ઊંચકતાં જાય, અને કૅમેરામાં ઝડપતાં જાય. એમની ૫ણ ગતિ ઓછી ન હતી. જોતજોતામાં તો મુખ્ય મંદિરો ફરી વળ્યાં.

આજે અમારે ઉતાવળ ન હતી. ગઈ કાલે જોયેલાં અને ગમેલાં શિલ્પો દૂરથી નજીકથી જોતાં, કૅમેરામાં ઝડપતાં ફરતાં હતાં. આજે આ મંદિરોમાં શિલ્પ અને સ્થાપત્યનો જે સંવાદ છે, તે અમને પૂરેપૂરો પ્રકટ થયો, અલબત્ત ઘણી વાર લાગે કે સ્થાપત્ય પર શિલ્પનું પ્રભુત્વ છે. ભારતીય શિલ્પકલાની આ કેવી ચરમ ઉપલબ્ધિ છે! રોમના વિધ્વંસ્ત પૉમ્પી નગરમાંથી બચેલાં શિલ્પોની તસવીરોનું એક આલબમ જોયું હતું. તેમાં પણ શૃંગારિક શિલ્પોની મુખ્યતા હતી, પણ ખજુરાહોનાં શિલ્પો જોઈને થતો અનુભવ તો કંઈક જુદો જ છે. અહીં કામ અને અધ્યાત્મ જાણે અભિન્ન છે. ભારતીય ધર્મચિંતન દર્શનપરંપરા, સાધનાપદ્ધતિઓ સાથે જાણે આ શિલ્પની કોઈ વિસંગતિ નથી.

ફરી ફરીને પછી કંદેરિયા, મંદિરના ઓટલા પર આવી બેઠાં. સાંજ પડતી હતી. આસપાસ હરિયાળી પર મંદિરનાં ઊંચા શિખરોના પડછાયા લાંબા થતા જતા હતા. દૂર આથમણી ક્ષિતિજે પર્વતમાળા દેખાતી હતી. સૂરજ હવે જાણે તેની પાછળ ડૂબી જશે. એકાએક ક્યાંક ફટાકડાની સેર ફૂટી. દિવાળી છેને આજે તો! પશ્ચિમ દિશામાં માત્ર લાલ ટશરો રહી. ત્યાં સુધી બેસી રહ્યાં. પછી ધીરે ધીરે ચાલ્યાં. માર્ગમાં એક કરેણ આવી, ફૂલ તો નહીં, પણ એક સુંદર લાંબું પાન તોડી લીધું. આજે એ પાન જોઉં છું અને એ સાંજ નજર સામે તરવરે છે, ખજુરાહોની સમગ્ર કલાસૂષ્ટિ સળવળી રહે છે.

અમે થોડી મીઠાઈ ખરીદી. મીઠાઈ ખાઈને દિવાળી ઊજવી. પણ અમારું સમગ્ર અસ્તિત્વ જ આ સૌન્દર્યલોકનાં દર્શનથી ઉત્સવી ક્યાં ન હતું? આજે રાત્રે જ અહીંથી વિદાય લેવાની હતી – આ વરસનો પ્રથમ દિવસ હતો. એ દિવસે અમદાવાદનાં ઉત્સવી જનોમાં અમે હોઈશું – પણ અમારો ઉત્સવ કંઈક જુદો જ હશે.

રાત્રે મધ્ય પ્રદેશના બીહડ જંગલોમાં થઈને જતા માર્ગ પર બસ દોડી રહી હતી. પ્રવાસીઓ અડધા ઊંઘમાં હતા. મધરાતે પણ મારી આંખ મીંચાતી ન હતી. હું બહાર જોતો હતો, ખજુરાહોની મૂર્તિઓ દેખાતી હતી. કોઈ અંજન આંજી રહી છે, કોઈ કાંટો કાઢી રહી છે, કોઈ ઝાંઝર બાંધી રહી છે, કોઈ વૃક્ષનો આધાર લઈ ઊભી છે – શાલભંજિકા. પાછો અંધકાર. બસ દોડી રહી હતી. ભોપાલ પહોંચ્યાં ત્યારે ભરભાંખળું હતું.