કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/ ૮. પરોઢ

From Ekatra Wiki
Revision as of 07:27, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. પરોઢ

બાલમુકુન્દ દવે

વીણીને વ્યોમમાંથી હલમલ કરતા તારલા મત્સ્ય જેવા,
માછીકન્યા સમી ઓ! તરલ ડગ ભરી યામિની જાય ચાલી.
ધીરે ધીરે ઉપાડે તિમિરજવનિકા કોક અદૃષ્ટ હસ્તો,
ને લીલા પાર્શ્વભૂની અવનવ પ્રગટે તેજઅંધારગૂંથી.
પ્રાચીને પુણ્ય ક્યારે કિરણટશરના કેવડા રમ્ય ફૂટે,
સૂતું ઉત્થાન પામે સચરઅચર સૌ નીંદનાં ઘેન વામે.

માળામાં પંખી જાગે, મધુર રણકતી ઘંટડી દૂર વાગે,
ટૌકો ઊંડો ગજાવે ગગનપટ ભરી ફૂટડી ક્રૌંચજોડી.
લાજાળુ નારીવૃન્દો શિર પર ગગરી લેઈ આવે ઉમંગે,
ભાગોળે વેણુ વાતા ધણ લઈ નીસરે છેલડા ગોપબાલો.
મીઠેરી મર્મરોની મનહર મુરલી માતરિશ્વા બજાવે,
પર્ણે પર્ણે ફરૂકે સભર વિલસતાં સૂર્યનાં ભર્ગરશ્મિ.
પોઢેલો જેમ પેલો શતદલકમલે મૂર્છના ભૃંગ ત્યાગે,
જાગે શો પ્રાણ મારો, અભિનવ ઝીલતો તેજના રાશિ ભવ્ય!

૧૯-૧૧-’૪૨
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૯)