કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૯. પ્રેમનો વિજય
Revision as of 07:28, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
૯. પ્રેમનો વિજય
બાલમુકુન્દ દવે
‘મળ્યાં છેલ્લાં આજે, અબ નવ કદી’ એમ વદતાં
ગલીને નાકે બે હરવખત ભેળાં થઈ જતાં!
પરન્તુ રે આજે ચિરવિરહની નિર્મિત ક્ષણે,
મળ્યાં બે વાતૂડાં પણ ન ઊચર્યાં વેણ સરખું!
અતિ મોંઘી એવી પલક સહુ મૌને જ ગળતી,
તૂટી આશા, ઊર્મિ, ઉરથડક વાતે વળગતી!
ઋતુ, માસો, પક્ષો, દિવસ, રજની સૌ નિમિષમાં
રહ્યાં નાચી નેને ગત સમયની તાજપ લઈ;
પરાણે ખાળેલાં જલ છલકતાં ના છલકતાં —
થવાં છૂટાં ભારે ડગ ઊપડતાં ના ઊપડતાં —
ત્યહીં પ્રેમે પૂર્યું હૃદયધબકારે બલ અને
પ્રયત્નોના પા’ણા ઊથલી ઊથલી દૂર પડતા!
જવા તોડી તન્તુ ઉભય મથતાં, તે જ સમયે
ગૂંથાયેલી ગ્રંથિ અધિક દૃઢ બંધો અનુભવે!
૬-૧૦-’૪૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૨૨)