સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બકુલ ટેલર/વિપાશા જેનું નામ!
ખોળિયા સાથે જ પેરેલિસિસની અસર લ્ાઈ જન્મેલી વિપાશા સેરેબ્રલ પાલ્સીના રોગની દર્દી છે. પણ મનની સર્જનાત્મકશકિત, ચિંતનશકિતની મદદે વિપાશાએ અનેકોને વિસ્મયથી સ્તબ્ધ કરી દીધા છે. સિતાંશુ યશશ્ચંદ્ર જેવા કવિ, નાટ્યલેખક, વિવેચક અને અંજનીબહેન જેવાં મનોવિજ્ઞાનનાં અધ્યાપિકા રહેલાં પિતા-માતાની આ દીકરીમાં એવા બધા જ ગુણ છે જે આત્મબળ કોને કહેવાય તેનું ઉદાહરણ ગણાય. યુનિવર્સિટીએ હમણાં જ ૩૩ વર્ષની વિપાશાના પીએચ.ડી. નિબંધને માન્યતા આપી. બારમા સુધીનો બધો જ અભ્યાસ મુંબઈમાં રહી કરનાર વિપાશા એસ.એસ.સી.માં ૭૪ ટકા તો એચ.એસ.સી.માં ૭૨ ટકા લાવેલી. અધ્યાપક પિતાને થોડાં વર્ષો દિલ્હી રહેવું પડ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ થતાં રાજકોટ રહેવું પડ્યું અને પછી વડોદરા અધ્યાપન કરાવતા રહ્યા, એટલે વિપાશાને મા અને પછી નાના ભાઈ આરણ્યકનો સધિયારો રહ્યો. એમ. એ. કરવા તે પપ્પા પાસે વડોદરા આવી અને ફિલોસોફીના વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવી. હવે સાત વર્ષના પરિશ્રમ પછી પીએચ.ડી. થઈ છે. હમણાં થોડા દિવસ પહેલાં ‘ઊપટેલા રંગોથી રિસાયેલી ભીંતો’ નામનો વિપાશાનો કાવ્યસંગ્રહ કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો છે. પિતા સિતાંશુભાઈ દીકરીની પ્રતિભાના સ્ફુલિંગને યાદ કરતાં કહે છે, “બાળકોની હોસ્પિટલની પથારીએ બેઠી તે હાથીની કવિતા લખવા માંડી ત્યારથી જ એનાં મસ્તી-તોફાન બહાર આવવા માંડેલાં. પાંચેક વર્ષની હતી ત્યારથી તે મારી જોડે નાટકો જોવા આવતી. એક વાર ભાંગવાડીમાં પ્રવીણ જોષીનું નાટક જોવા લઈ ગયેલો તો કહે કે, આ પ્રવીણ કાકાનું નાટક લાગતું નથી.” વિપાશા ખૂબ વાંચે છે. માર્ક ટ્વેઇન જેવા લેખકને આખો વાંચી ગઈ છે અને હમણાં હેમિંગ્વે વાંચે છે. ફિલોસોફીમાં અંગત રસથી ઘણું વાંચ્યું છે. નાની નાની કવિતાઓ વડે તેણે પિતાની જેમ જ સર્જકતાનો આગવો મહિમા કર્યો છે. શરીરની મર્યાદાને કારણે જ અનેક કામો નથી કરી શકતી એ વિપાશામાં રહેલાં આત્મબળને અમેરિકાની વ્યવસ્થા અને ટેક્નોલોજીનો મોટો સધિયારો છે. વિપાશાનો અર્થ થાય છે પાશ વિનાનું, બંધન વિનાનું. વિપાશાને શરીરે બાંધવા ચાહ્યું, પણ તે મનની શકિતથી એ બંધનને ફગાવી રહી છે.
[‘દિવ્ય ભાસ્કર દૈનિક’: ૨૦૦૫]