કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૩૯. લાડકડી

From Ekatra Wiki
Revision as of 09:02, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૯. લાડકડી

બાલમુકુન્દ દવે

પીઠી ચોળી લાડકડી!
ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા
— ને કરમાં કર સોંપ્યા લાડકડી!

મીઠી, આવો લાડકડી!
કેમ કહું જાઓ લાડકડી?
તું શાની સાપનો ભારો?
— તું તુલસીનો ક્યારો લાડકડી!

ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા :
— એવી તારી માયા લાડકડી!

સોડમાં લીધાં લાડકડી!
આંખ ભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
— ને પારકાં કીધાં લાડકડી!
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૪૦)