કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૮. સાંધ્યગીત
Revision as of 09:54, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)
૨૮. સાંધ્યગીત
નલિન રાવળ
પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો પંખી-શો
આ
સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી અટકતી ડોલતી આકાશમાં ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સ્હેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી; તારકો જેવાં ચળકતાં ડગ ભરી ગોરાં;
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં?
ભીની પાંપણોની ધાર
રમતો સ્નેહપોચો ગાઢમીઠો રવભર્યો અંધાર
કે
આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.
(અવકાશપંખી, પૃ. ૮૨)