કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૦. ખુલ્લી તલવાર જેવી છોકરી

From Ekatra Wiki
Revision as of 09:30, 21 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૦. ખુલ્લી તલવાર જેવી છોકરી

રમેશ પારેખ

ખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળામાં...

જનોઈવઢ્ઢ ધ્રાસ્કો પડ્યો કે હાથ ક્યાં છે
તો લોહી કહે  : કલરવમાં ઓગળી ગયા છે
જનોઈવઢ્ઢ ધ્રાસ્કો પડ્યો કે લોહી શું છે
તો શ્વાસ કહે  : પાંખ વીંઝતું પતંગિયું છે
જનોઈવઢ્ઢ ધ્રાસ્કો પડ્યો કે શ્વાસ એટલે...

... તો નદીઓનું ઝુંડ લચી આવવું ઉનાળામાં...

ખલ્લાસ... હવે પોપટને કેમ કહું લીલો
કે આંખો છે ખંડણીમાં ચૂકવેલ કિલ્લો
ખલ્લાસ... એક છાંયડો ખડિંગ દઈ ભાંગ્યો
ને ધબકારો ચાંદરણું–ચાંદરણું લાગ્યો
ખલ્લાસ... હવે કોણ કહે ખમ્મા એ જીવને —
...જે મને મૂકી લપસ્યો છે લાગલો કૂંડાળામાં...

૧૩-૧૧-’૭૭/રવિ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૭૦)