કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૮. તમને ફૂલ દીધાનું યાદ

From Ekatra Wiki
Revision as of 07:16, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૮. તમને ફૂલ દીધાનું યાદ

રમેશ પારેખ

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.

સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગર ટગર તે યાદ.

અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલી વાર પીધાનું યાદ,
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.

અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં,
એકલદોકલ કોઈ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં,
તરે પવનના લયમાં સમળી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા.

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું
પાંખ વીંઝતું હવા જેવડું થાય,

ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ
ઝાડ ભૂલ્યાનું યાદ,

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ.

૨૭-૯-’૬૮/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૩૬૫)