કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૦. આલા બાપુ આવ્યા છે

From Ekatra Wiki
Revision as of 07:18, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૦. આલા બાપુ આવ્યા છે

રમેશ પારેખ

આલા બાપુ આવ્યા છે, આવ્યા છે,
સાથે શું શું લાવ્યા છે? લાવ્યા છે?

રાતી લબરક આંખ્યું લાવ્યા
આંખોમાં અડસટ્ટો લાવ્યા
અડસટ્ટામાં રણવટ લાવ્યા
શ્વાન એક પુછકટ્ટો લાવ્યા, લાવ્યા છે, લાવ્યા છે.

મૂછભરેલું મસ્તક લાવ્યા
મસ્તકમાં એક ધાડું લાવ્યા
ધાડે ધાડે રૈયત લાવ્યા
થીગડિયું રજવાડું લાવ્યા, લાવ્યા છે, લાવ્યા છે.

સૂરજવંશી લોહી લાવ્યા
માલીપા ભડભાદર લાવ્યા
પગની ઉપર પેડુ લાવ્યા
પેડુ નીચે ધાધર લાવ્યા, લાવ્યા છે, લાવ્યા છે.

ગબડાવેલું ગાડું લાવ્યા
એમાં ઓહો, દરસણ લાવ્યા
પાંચ હાથની ડોળી લાવ્યા
એમાં ગધનું ગઢપણ લાવ્યા, લાવ્યા છે, લાવ્યા છે.

બાકી તો બે બાહુ લાવ્યા
એમાં ‘બાપો-બાપો’ લાવ્યા
હચમચતો ગોકીરો લાવ્યા
લહલહ મારો-કાપો લાવ્યા, લાવ્યા છે, લાવ્યા છે.

૧૬-૭-’૮૨/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૩૮૧)