કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨. સૂરજ! ધીમા તપો!
Revision as of 07:47, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
૨. સૂરજ! ધીમા તપો!
ઝવેરચંદ મેઘાણી
મારી મેંદીનો રંગ ઊડી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારો કંકુનો ચાંદલો ચોળાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારી વેણી લાખેણી કરમાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારાં કાજળ નેણેથી ઝરી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારી ચૂડી અણમોલી તરડાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારે સેંથેથી હીંગળો રેળાય રે,
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારી પાની સુંવાળી બળી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
મારા કેમે નો પંથ પૂરા થાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
જેને શોધું તે દૂર સરી જાય રે
સૂરજ! ધીમા તપો, ધીમા તપો!
૧૯૨૮
(સોના-નાવડી, પૃ. ૨૫૨)