કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૩. મૃત્યુનો ગરબો

From Ekatra Wiki
Revision as of 08:46, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૩. મૃત્યુનો ગરબો

ઝવેરચંદ મેઘાણી

[ઝોક: ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે’]
માડી! તને લોક બોલે બિહામણી રે;
મેં તો મુખ દીઠાં રળિયાત
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! તારી છાતીમાં છલકી રહ્યા રે;
જીવન-મૃત્યુના બે કુંભ
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! અમે જમણે સ્તન ધાવી રહ્યાં રે;
– દેતી ડાબલે પડખે દૂધ
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! તું તો સોડ્યે લઈ સુવરાવતી રે;
દિનભર રમતે થાક્યાં બાળ
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! અમે મેલાં: તું નવરાવતી રે;
ચૂમી ચૂમી નવલાં દેતી ચીર
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! તારાં પરગટ રૂપ રોવરાવતાં રે;
ભીતર મલકે મોહન-ભાત
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! તારાં કાળાં ભીષણ ઓઢણાં રે;
કોરમોર ઝલકે શ્વેત કિનાર
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! તારી ભગવી કંથા ભયભરી રે;
માંહીં રમે ગોરાં ગોરાં રૂપ
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! તારાં કાળાં કાળ-અંધારિયાં રે;
માંહીં ઝૂલે તારલિયાળું આભ
– કે જાવું જગજનનીને ખોળલે રે.

માડી! તું તો અણજાણી અધ-પા ઘડી રે;
પલમાં યુગયુગની ઓળખાણ
– કે જાવું જગજનનીને ખોળલે રે.

૧૯૩૦

કારાવાસમાં. સૈનિક ત્રિવિક્રમના શબનું દર્શન કરતાં સ્ફુરેલું.
(સોના-નાવડી, પૃ. ૧૧)