કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૪. થાકેલો

From Ekatra Wiki
Revision as of 08:47, 22 September 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૪. થાકેલો

ઝવેરચંદ મેઘાણી

મારાં જ્ઞાન-ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ:
મારાં પુસ્તક-પોથાંની પોટલી ઉતરાવો શિરેથી આજ.

બોજો ખેંચી ખેંચી માથું ફાટે મારું,
કાયામાં કળતર થાય;
હાંફી હાંફી મારું હૈયું થાક્યું છે, ને
આંખે અંધારાં ઘેરાય રે. – ઉતરાવોo

મોરમુગટ માથે, હાથે બાંસુરી ને
રાધાનો આતમરામ;
એવા રૂપાળા ગોપાળાને મળવા
તલખે હવે મારા પ્રાણ રે. – ઉતરાવોo

વેદ ભૂલું ને વેદાન્ત ભૂલું ભલે,
દેખાયે છે તારાં રાજ;
આવું છું, ઓ વા’લા! કુંજ-દ્વારે તારે
દીવો પેટાવવા કાજ રે. – ઉતરાવોo

૧૯૨૫
સ્વ. દેશબંધુ ચિત્તરંજનના એક બંગાળી ગીત પરથી.

(સોના-નાવડી, પૃ. ૨૮૪)