મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૫)
નરસિંહ મહેતા
બાલા રે વરની પાલખી, જોતાં વનિતાને થાય ઉલાસ. બાલા. (ટેક)
નાહીધોઈને પોઢિયા રે, તિલક કીધાં બાલ,
વરના જાનૈયા શોભી રહ્યા રે, માથે નાખ્યાં છે અબીલગુલાલ.
બાલા
લીલા તે વાંસની પાલખી રે, તેના ઊંચકનારા ચાર,
માથે તે બાંધ્યાં ભીનાં પોતિયાં રે, મોઢે રામરામ નામ પોકાર,
ચોરી તે બાંધી ચોકમાં રે, છાણાં તે લાવ્યા બેચાર.
બાલા
ગોલપાપડી દેખે કૂતરાં રે, તે તો મનમાં ઘણું મલકાય,
બાલા રે (વરને) આગળ ચાલે લાકડાં રે, પાછળ ચાલે લાય,
જમાઈ તો ચાલ્યા સાસરે રે, એની સાસુને હરખ ન માય.
બાલા
તોરણે તણખા ઊડિયા રે, માંડવે લાગી લાર,
દીઠ રે સાસુ શંખણી રે, તારો જમાઈ આવ્યો બાર.
બાલા
પંદરસે પેરામણી રે, મસાણા ગામનું નામ,
લાલબાઈની દીકરી રે, ચિતાકુંવરી એનું નામ.
બાલા
જમાઈ તો રહ્યા સાસરે રે, જાનૈયા આવ્યા ઘેર,
ટકો પૈસો સર્વે ખાઈ ગયા રે, વિવાહ કીધો છે રૂડી પેર.
બાલા
બાર ઘડા બાર કોડિયાં રે, ઉપર પૈસો મેલો રોક,
જઈને કહો એના બાપને રે, હવે તાણીને મેલો પોક.
બાલા
જીવને જમડા લઈ ગયા રે, દેહીનો કીધો એ હવાલ,
નરસૈંયાનો સ્વામી મલ્યો રે, તે તો ઊતરિયા ભવપાર.
બાલા