ગુજરાતી નિબંધ-સંપદા/ભોળાભાઈ પટેલ/ભલે આ નદીનું નામ અરપા હોય
ભોળાભાઈ પટેલ
આવું પણ બને.
દિશાદૃષ્ટિ વિનાના રઝળપાટ દરમિયાન આવું પણ બને. મધ્યપ્રદેશમાં ભમતાં ભમતાં એક વાર એક લાંબા બસ-રૂટ પર નીકળી પડેલો. બસ ઊપડી ત્યારે તો ખાસી ભીડ હતી. ત્રણ-ચાર જણ તો ઊભેલા હતા, પણ હમેશ પ્રમાણે જરા વહેલા જઈ બસની બારી પાસેની સીટ મેં મેળવી લીધી હતી. સવારે ઊપડેલી બસ સાંજે પહોંચવાની હતી. મારા બગલથેલામાં એક જોડી કપડાં ઉપરાંત થોડું ખાવાનું, બિસ્કિટ જેવું લીધેલું. એક ચોપડી હતી, એક ડાયરી. વિચિત્ર રીતે ચોપડી પેન્ગ્વિન-પ્રકાશિત ચીની કવિ તુ-ફુની કવિતાઓના અંગ્રેજી અનુવાદની હતી. એ કવિનેય રઝળપાટ બહુ પ્રિય હતો. એક વૉટરબૅગ પણ મેં રાખેલી. વૉટરબૅગ આ બસના પ્રવાસીઓમાં મારા એકલા પાસે હતી. આ વિસ્તારનો હું નથી એ સાબિત કરવા બીજા કશા ઓળખચિહ્નની જરૂર નહોતી.
કારતક માસ શરૂ થયાને થોડાક જ દિવસ થયા હતા. દિવાળી – નવા વર્ષના દિવસો મેં પ્રવાસમાં જ ઊજવ્યા હતા. ઊજવવાનું શું? મનોમન કલ્પના કરી હતી કે, દૂર મારા નગરમાં ઘેર ઘેર દીવા પ્રકટ્યા હશે અને દારૂખાનું ફૂટવાના અવાજથી નગર ગાજતું હશે. ઘેર ઘેર નવા વર્ષનું સ્વાગત થતું હશે. મારી આ કલ્પના એ જ મારે માટે ઉજવણી.
બસ જે માર્ગેથી જતી હતી તેની જમણી બાજુ ઊંચીનીચી ટેકરીઓ હતી. એ ટેકરીઓ પરથી ઘણાં ઝાડ કપાઈ ગયા પછી પણ સારાં એવાં બાકી હતાં. ટેકરી પરનું ઘાસ પીળું પડવા માંડ્યું હતું. ટેકરીઓ પર છૂટાંછવાયાં ઘર આવે. ઘરની આજુબાજુ વાડો હોય, વાડામાં જાનવર બાંધેલાં હોય, ચારપાંચ ઝાડ એકબીજાને અડીને ઊગ્યાં હોય. નાનાં છોકરાં રમતાં દેખાય. લગભગ આદિવાસી વિસ્તાર લાગે. પુરુષોના પોશાકમાં કાળાં બાંડિયાં અને નીચે ઢીંચણ સુધીની ધોતી હોય, માથે કંઈક વીંટેલું હોય. સ્ત્રીઓના પોશાકમાં જુદી રીતે સાડી વીંટાળેલી હોય — બ્લાઉઝ નહિ. જોતજોતામાં આવાં ઘર-ગામ પસાર થઈ જાય.
મને થતું હતું કે આ વિસ્તાર આદિવાસીઓનો આજે લાગે છે, પણ ક્યાંક પ્રાચીન વસ્તીઓના ખંડેર પણ દેખાય છે. એટલામાં એક નાનકડી નદી પસાર થઈ. પથરાળ પાત્રમાં ખળખળ કરતું પાણી વહી જતું હતું. મને ઊતરીને એ નદી સાથે વાત કરવાની ઇચ્છા થઈ આવી. એના એક પથ્થર પર બેસી પાણીમાં પગ ઝબકોળી થોડો સમય કાઢવાનું ગમે. નદીકાંઠે સ્ત્રીઓ-બાળકોની વસ્તી પણ હતી. નદી આગળ જતાં નર્મદાને મળી જતી હોવી જોઈએ. ખબર નહિ, પણ આટલાં પાણી લઈને ક્યાંક તે જઈ રહી છે.
આમ, વિચાર કરું છું ત્યાં તો બસ ઘણી આગળ નીકળી ગયેલી. બસમાં પૅસેન્જરો જેટલાં ઊતરતાં જતાં હતાં, એટલાં ચઢતાં નહોતાં. કંડક્ટર ટિકિટ આપી પછી આગળની કૅબિનમાં ડ્રાઇવર પાસે જઈ બેસી વાતો કરતો કે ક્યારેક એને બીડી સળગાવી આપતો. બસની બારી બહારનો વિસ્તાર જોતો હું વિચારતો હતો કે ભલે મારો ભારત દેશ ગરીબ હોય, એ કેટલો સુંદર છે! તેમાંય કારતકના આ દિવસોમાં આ દેશ તાજગીભર્યો લાગતો હતો.
બસ ઊભી રહી. કંડક્ટરે કહ્યું, બસ પાંચ મિનિટ થોભશે. ડ્રાઇવર-કંડક્ટર ઊતર્યા. હું પણું ઊતર્યો. એક ઝૂંપડી હોટલ હતી. બાજુમાં પાથરણું પાથરી આદિવાસી સ્ત્રીઓ સીતાફળ વેચતી હતી. ખાસ કોઈ લેનાર નહોતું. ચા પી, મેં આઠ આનાનાં બે સીતાફળ લીધાં અને બસમાં આવ્યો. જોયું તો મારી આગળની સીટ પર એક તરુણી બેઠી હતી. અહીંથી જ ચઢી હતી. રસ્તાની નજીકમાં મોટું ગામ હોવું જોઈએ. મને નવાઈ લાગી એ કપડેલત્તે અપટુડેટ તરુણીને જોઈને. ક્યાંક ભણતી હોવી જોઈએ, કે હજી હમણાં ભણી ઊતરી હોવી જોઈએ. વીસ-બાવીસની વય હશે. હું અનુમાન કરવા લાગી ગયો. હજી બસ ઊપડી નહોતી. તરુણીએ ચોપડી બહાર કાઢી હતી, પણ ચોપડી એની બાજુમાં જ પડી હતી. એ કઈ ચોપડી હશે એ જાણવાની મને અધીરાઈ થઈ, પણ એ અપરિચિતા અંગે કંઈક પણ કુતૂહલ દર્શાવવું એ અસભ્યતા ગણાત.
બસ ઊપડી. કંડક્ટરે આવી એની પાસેથી ટિકિટના પૈસા લે એ પહેલાં ટિકિટ કાપી આપી. એનો અર્થ એ કે, આ બસમાં એ નિયમિત આવ-જા કરતી હોવી જોઈએ. તરુણીએ ગણીને પૈસા આપ્યા. કંડક્ટરે પૈસા જોઈ ખભે લટકતી ચામડાની પર્સમાં નાખ્યા. સતત બારી બહાર રહેતી મારી નજર હવે વળી વળીને બસમાં પણ આવતી. એ તરુણી કઈ ચોપડી વાંચતી હતી? એ પણ વાંચતાં વાંચતાં ક્યારેક ચોપડી વચ્ચે આંગળી રાખી બારી બહારની ટેકરીઓ જોતી. વળી પાછી ચોપડી ખોલીને વાંચતી. ના, દેખાવ નહોતી કરતી. ચોપડી અંગ્રેજીમાં હતી. આ વિસ્તારમાં અંગ્રેજી વાંચતી તરુણી? એક-બે વાર અમારી નજર અથડાઈ, પરંતુ કશાય અર્થનો તણખો એમાંથી ઝરે એમ નહોતું.
બેએક સ્ટૉપ પછીનું એક સ્ટૉપ આવતાં એ તરુણી ઊતરી ગઈ. ઊતરતાં ઊતરતાં એક વેળા મારી તરફ જોયું, પણ એટલું જ. એ ઊતરી ગઈ. હવે બસની બહાર કે બસની અંદર જોવાનું મારે માટે નીરસ બની ગયું. મેં તુ-ફુની કવિતાની ચોપડી કાઢી. પણ, વાંચવાનું કંઈ જામ્યું નહિ. મારી આગળની સીટમાં એક શૂન્યાવકાશ સર્જાયો હતો.
પણ, મેં જોયું કે, સીટ ઉપર એની ચોપડી ખૂણામાં રહી ગઈ છે. મેં જરા ઊંચા થઈ આજુબાજુ નજર કરી પેલી ચોપડી ઉઠાવી લીધી. સુંદર પ્રકાશન. ઝટપટ ટાઇટલ પર નજર ગઈ – ‘ટ્રાઇબલ સૉન્ગ્ઝ ઑફ મધ્યપ્રદેશ’. ચોપડી પર માથાને અંબોડે ફૂલ ભરાવી એકબીજાની કમર પાછળ હાથ રાખી જરા નીચા નમી અર્ધચંદ્રાકારે ગાતી આદિવાસી કન્યાઓનું ચિત્ર હતું. પછી કોઈ જોઈ ન જાય એમ એ ચોપડી મારા બગલથેલામાં સરકાવી દીધી, બારી બહાર જોવા લાગ્યો. ત્રાંસી નજરે જોઈ લીધું કે, કંડક્ટર જોતો તો નથી ને? પણ એ તો ડ્રાઇવરને બીડી સળગાવી આપવામાં પડેલો છે.
આમ જોઈએ તો પેલી ટેકરીઓ રમ્યતર થતી જતી હતી. વળી એક નદી પસાર થઈ. પેલી તરુણી જેવી એ પણ અપરિચિતા, પણ કોણ જાણે કેમ, રસ્તા પરના પછીના સ્ટૉપે બસ ઊભી રહેતાં, બગલથેલો ઉઘાડી પેલાં બે સીતાફળ અને મારી ચોપડી અંદર નાખી, વૉટરબૅગ લઈ હું ઊભો થયો અને એકદમ ઊતરી ગયો. કંડક્ટરે કહ્યું, અભી રાજગાંવ નહીં આયા. પણ ઊતરતાં ઊતરતાં મેં કહ્યું, મુઝે યહીં ઊતરના હૈ.
બસ ઊપડી ગઈ. રસ્તાની ધારે હું ઊભો હતો. આવું હું ઘણી વાર કરું છું. કોઈક અજાણ્યા સ્ટેશને કે અજાણ્યા ગામમાં ઊતરી જાઉં, ખાસ તો જ્યારે અનિશ્ચિતપણે નીકળી પડ્યો હોઉં ત્યારે. સાંજ પડવામાં હતી. કારતકનો તડકો ગમતો હતો, ઝૂંપડી હોટલમાં ચાનું કહી, થેલીમાંથી બિસ્કિટ કાઢ્યાં, ખાધાં, વોટરબૅગમાંથી પાણી પીધું. ચામાંથી લીલા ઈંધણના ધુમાડાની વાસ આવતી હતી. આવી ચાનો એક જુદો સ્વાદ હોય છે. મેં થેલામાંથી એક વાર પેલી ચોપડી કાઢી, પાછી મૂકી દીધી.
હું નદી તરફ ગયો. નદીનો વોંકળો કાળા રંગનો હતો, પણ પાણી તો એકદમ સ્વચ્છ. કાંકરા ગણી શકાય. નદી ઉત્તરપૂર્વ તરફથી આવી અહીંથી દક્ષિણ તરફ વળી જતી હતી. ખાસ જનવસ્તી દેખાતી નહોતી. મને થયું, આ ઠીક ન કર્યું અજાણી જગ્યાએ ઊતરી જવામાં. અહીં ઊતરવાનું ઠામઠેકાણું ક્યાં મળશે? ખાવાનો બહુ પ્રશ્ન એક રાત પૂરતો તો નહોતો, એટલો તો ભૂખ્યો રહી શકું છું, પણ રહેવાનો પ્રશ્ન – એનું શું? પણ પેલી ચોપડી – એનું શું?
સાચે નદી લોભામણી હતી. જનવિરલ વિસ્તારમાં વહેતી નદીનો આ તરફનો વળાંક અતિ રમ્ય. એના પર કાંઠે ઊગેલાં અને છેક પાણીને અડવા જતાં વૃક્ષોની છાયા પડતાં રમ્યતર બન્યો હતો એ વળાંક. ચૂપચાપ આ નિર્જનમાં નદી સૌન્દર્ય વેરી રહી હતી. મને પેલી તરુણી યાદ આવી. એ તો અત્યારે એના ઘેર પહોંચી ગઈ હશે. કપડાં બદલી એના અભ્યાસખંડમાં આરામ કરતી હશે. પોતે બસમાં ચોપડી ભૂલી ગઈ, એ વિશે વિચારતી હશે અને એની ચોપડી તો આ મારી ઝોળીમાં છે.
નદીનું નામ જાણવા મળ્યું અરપા. અરપા – કેવું નામ છે! પેલી તરુણીનું શું નામ હશે? ચોપડીમાં લખ્યું હશે. સરનામું પણ હોય તો?
ચાલતાં ચાલતાં ઊભા રહી મેં થેલીમાંથી એ ચોપડી કાઢી. અંદર પહેલે પાને જાણે પેનને એક લસરકે એક નામ લખ્યું હતું. Glory. એમાં ‘વાય’નો કેવો તો અદ્ભુત વળાંક! એ વળાંક નામ લખનારના વ્યક્તિત્વ વિશે ઘણું કહી જતો લાગ્યો. મારી નજર નદીના વળાંક પર ગઈ પાછી. ભલે આ નદીનું નામ અરપા હોય, હું તો એને કહીશ Glory-ગ્લોરી.
ગ્લોરી, ગ્લોરી, ગ્લોરી. હું બે-ત્રણ વાર બોલ્યો, જાણે એને બોલાવતો ના હોઉં! નદી જાણે હસીને પ્રત્યુત્તર વાળતી હતી. મેં ચોપડી પાછી થેલામાં મૂકી દીધી. ગ્લોરીને હું સંતાડી રાખવા માગું છું જાણે. બાજુમાં બે-ત્રણ લીલા ખેતરના ટુકડા હતા. પછી ત્યાંથી બન્ને બાજુ લીમડાનાં જૂનાં ઝાડવાળો રસ્તો ખુલ્લાં ખેતરો વચ્ચેથી જતો લાગ્યો. તડકો વિસ્તરેલો હતો, પણ એનું તેજ અળપાતું હતું. આ લીમડાવાળા માર્ગે જાઉં? મેં થેલીમાંથી એક સીતાફળ કાઢ્યું. જરા દબાયું હતું. થેલો નીચે મૂકી સીતાફળ ખાધું. ભૂખનો અદ્ભુત સ્વાદ!
પછી કશાય નિર્ણય વિના પેલા લીમડાવાળા માર્ગે જવાને બદલે હું ટેકરીનો ઢોળાવ ચઢવા લાગ્યો. નાની નાની ટેકરીઓ હતી. ગાયોનું એક ધણ ઢોળાવ ઊતરતું હતું. એક નાનો છોકરો ખભે આડી લાકડી મૂકી એ પર બંને હાથ ટેકવી નિરાંતે ઊતરતો હતો. મને ઉપર ચઢતો એ કુતૂહલથી જોઈ રહ્યો.
એક ટેકરી, પછી બીજી નાની ટેકરી, પછી ટેકરી. ટેકરીઓ પર અનેક પગદંડીઓ હતી. કઈ ક્યાં લઈ જશે, કળવું મુશ્કેલ. આવી ટેકરીઓના માર્ગેથી અપરિચિત હતો એવું નથી, પણ કારતકનો સૂરજ જલદીમાં હતો અને જોતજોતામાં ડૂબવા લાગ્યો. હવે તો ટેકરી પર ભૂલો જ પડવાનો. આમેય ‘ભૂલો’ જ પડેલો હતો. લાગ્યું કે હું ચાલી ચાલીને બસની પાછી દિશા ભણી જતો હતો, પણ હવે તો પશ્ચિમ દિશાની લાલાશ પણ જતી રહી. હું ઝડપથી ચાલતો જ રહ્યો, ચાલતો જ રહ્યો. ટેકરીઓ પૂરી થતી નથી, ત્યાં દૂર કૂતરાંના ભસવાનો અવાજ આવ્યો. એ બાજુ ગામ આવવું જોઈએ, એમ અનુમાન કરી એ તરફ ચાલ્યો. આટલામાં કોઈ કાચું-પાકું ઘર પણ દેખાતું નહોતું. અંધારું ઊતરવા લાગ્યું હતું. પરિસ્થિતિનો અંદાજ મેળવવા જરા ઊભો રહ્યો, વૉટરબૅગમાંથી પાણી પીધું. હવે?
ત્યાં દૂર તળાવ પર દીવો દેખાયો. કોઈનું ઘર હોવું જોઈએ. કદાચ આશરો મળે. આશા ન મળે તોયે નજીકના ગામનો રસ્તો તો મળી જશે. પણ ત્યાં પહોંચવુંય સહેલું નહોતું. કેવો મૂરખ છું હું! એમ વિચાર આવે. મનમાં ડોકિયું કરી જોયું તો પેલી Glory અહીં લાવી હતી. એના ‘વાય’નો વળાંક. થેલામાં રહેલી ચોપડીની હસ્તી મારે પડખે અનુભવતો હતો.
એકાદ વાર લપસ્યો, પણ બચ્યો. અંધારામાં પહાડ ઊતરવાની આદત ન હોત તો જાત. દીવાના સ્થળે પહોંચી ગયો. દીવો ઘરની બહારના આંગણામાં પ્રવેશવાના લાકડાના દરવાજા પાસે હતો. કંઈ નહિ તો મારગ પૂછી લઉં એમ ધારી ઝાંપાનાં દ્વાર ખોલી અંદર ગયો; પણ બારણું બંધ હતું. મારે માટે એ દીવો ‘આકાશદીપ’ બન્યો હતો. બારણું ખખડાવતાં થોડી વાર પછી એક આધેડ વયના શ્વેત વસ્ત્રધારી સજ્જને એ ખોલ્યું. હાથમાં ફાનસ હતું.
ફાનસ ઊંચું કરી મને પ્રશ્નાર્થ નજરે જોયો. મેં બધી વાત કરી અને નજીકના ગામનો રસ્તો પૂછ્યો. મને એમણે અંદર આવવા કહ્યું. જેવો હું અંદર ગયો કે એમણે પાછળ બારણું વાસી દીધું. જંગલી જનાવરોનો ડર રહે છે, એમણે કહ્યું. એ ફાધર મંગલમ્ હતા. પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી. અચ્છા, તો ઈસાઈ પાદરીને ત્યાં આવી ગયો છું. હાશ, ભગવાન! તારો આભાર. હું ઈસાઈ ઢબે મનોમન બોલી ગયો અને ખભેથી થેલો ઉતાર્યો.
ત્યાં ગુલાબી ગાઉનમાં એક કન્યાએ પ્રવેશ કર્યો. માથાના લાંબા છૂટા વાળનો જથ્થો ખભેથી છાતી પર એક હાથમાં અને બીજા હાથમાં તેમાં ભરાવેલો કાંસકો, પેલા ‘વાય’નો વળાંક. એને ઓળખતો હોઉં એમ હું બોલી ઊઠ્યો – ‘ગ્લોરી!’
એ ચકિત બની ગઈ. ફાધર મંગલમ્ ચકિત બની ગયા. મેં થેલામાંથી પેલી ચોપડી કાઢી. ચોપડીના સુંદર સ્વચ્છ જૅકેટ પર ઝોળીમાં દબાયેલા સીતાફળની શ્વેત પેશીઓ ચોંટી ગઈ હતી તે મારા પહેરણથી ઘસી લૂછી નાખી અને પછી આગળના લાંબા ટેબલ પર મૂકી.
એ ગ્લોરી જ હતી. બસની સહયાત્રિણી. આ વખતે અમારી નજરો મળી. એમાં કૃતજ્ઞતાનો અર્થ હતો. એની ચોપડી મળ્યાની, મને આશરો મળ્યાની, પણ એમાં એક આશ્ચર્યને અર્થ પણ હતો. મારે માટે એ આશ્ચર્યમાં Gloryના ‘વાય’નો વળાંક હતો. મારી પેલી અરપા નદીનો વળાંક.
કોઈ ઘડી કાઢેલી વાર્તા જ જોઈ લો. પણ ક્યારેક દિશાદૃષ્ટિ વિનાના રઝળપાટમાંય આવું બની બેસે. ૧૯૮૮