ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/ઍથેન્સ નગરી પર અસ્ત થતો સૂર્ય
ભારતી રાણે
એથેન્સ નગરી પર સૂર્યાસ્ત થયો. આછા કાળા ધુમ્મસ જેવો અંધકાર ટેકરીની તળેટીમાં વસેલા ગામ ઉપર ધીમે ધીમે ઊતરવા લાગ્યો. લાયકોસહિલની ઊંચાઈ પરથી શહેર જાણે નિર્જીવ લાગતું હતું. અસ્ત થયેલો સૂરજ જે છોડી ગયેલો, તે આલોકમાં સામેની ટેકરી પર એક્રોપોલિસ ઝળકી રહ્યું હતું. સહસ્રાબ્દીઓથી આમ જ ગૌરવોન્મત્ત ઊભેલું, જાજ્વલ્યમાન એક્રૉપોલિસ. એના ખંડિત કલેવરમાં પણ એટલી ભવ્યતા છે, એના ઇતિહાસમાં એટલાં સોનેરી પાનાં છે કે, આ સમયે એને જોતાં એમ જ થાય કે, અહીં ક્યારેય સૂર્યાસ્ત થતો જ નહીં હોય!
એક્રોપોલિસ એટલે ગ્રીસની ગરિમાનો સૂર્ય. માત્ર ગ્રીસ જ શા માટે? સમગ્ર યુરોપના સૂર્યોદયનું એ પ્રતીક, ભવ્ય રૂચિર સંગેમરમરમાં કંડારેલું સાક્ષાત્ ગૌરવ જાણે! સાડા ત્રણ હજાર વર્ષથી અવિરત ઝળકતું ગ્રીસનું ઉચ્ચતમ કેન્દ્રબિંદુ સમ સંકુલ, જેની મધ્યમાં સંસ્કૃત ઍથેન્સવાસીઓનું સંસ્કારધામ – દેવી એથેનાનું ધવલ-શુભ્ર મંદિર પાર્થેનોન શોભી રહ્યું છે. આ મંદિરની રચનામાં દીવાલો નથી, પણ પાંસઠ ફૂટ ઊંચા એવા ૯૨ સ્તંભ જ છે. એ જાણે એમ સૂચવતા ન હોય કે, આ મંદિરનો અનુબંધ માત્ર ગ્રીસ સાથે જ નહીં, સમસ્ત વિશ્વ સાથે છે, અને એની વિભાવના સમયના કે અન્ય કોઈ પણ બંધનથી મુક્ત છે! આખી બપોર એના પરિસરમાં ઘૂમ્યાં ત્યારે એને એટલું આત્મસાત્ નહોતું કરી શકાયું, જેટલું અત્યારે નમતી સાંજે, આ દૂરની ટેકરી પરથી નિહાળતાં એને અનુભવી શકાયું.
ક્યારેક શબ્દની આંખે જોયેલાં સદીઓ પારનાં દૃશ્યો અચાનક પુનર્જીવિત થઈ જાય છે. મન પહોંચી જાય છે, ઈ. સ. પૂર્વે ૧૧૦૦ની આવી જ કોઈ સાંજમાં, જ્યાં તત્કાલીન ગ્રીસવાસી માયસિનિયનોનાં ટોળેટોળાં હાથમાં મશાલો લઈને ટેકરીની પશ્ચિમે કોતરેલી પગથાર ચડી રહ્યાં છે. આખી ટેકરીને આવરી લેતા એક્રૉપોલિસ સંકુલના મુખ્ય પ્રવેશદ્વાર પ્રોપિલિયાના મહાદ્વાર પર જબરી ભીડ જામી છે. ટેકરી પરના વિશાળ પ્રાંગણમાં રાજમહેલ અને રાજભવનો ઝળહળી રહ્યાં છે. મહેલના પ્રાંગણથી માંડીને છેક પેલે ખૂણે સબડતા ઘોર અંધારયા બંદીગૃહ સુધી વિસ્તરેલા મેદાનમાં લોકોનું કીડિયારું ઊભરાયું છે. સુંદર વસ્ત્રોમાં સજ્જ ભદ્રલોકના આ વિરાટ મેળાવડામાં સંસ્કારિતાની ફોરમ મહેકી રહી છે.
પછી કોઈ નાના બાળકને પાટીમાં પોતે જ દોરેલું કોઈ ચિત્ર પસંદ ન પડે, ને એને જેટલી સહજતાથી એ ભૂંસી નાખે, તેમ સમય અચાનક એ ચિત્રને ભૂંસી નાખે છે. ચારેકોર છવાઈ ગયેલા અંધારયુગમાં રાજમહેલ અને રાજવીઓ, કારાગૃહ અને બંદીઓ, બધું જ ભૂંસાઈ જાય છે. આખેઆખાં ત્રણસો વર્ષનું ગાઢ અંધકારમાં ઓગળી જવું અને કાળક્રમે અહીં ફરી એક વાર, સમયસર્જિત નવું હૃદયંગમ ચિત્ર, બધું જ તાદૃશ દેખાય છે. એક્રૉપોલિસના વિરાટ રંગમચ પર ઇતિહાસનાં દૃશ્યો ફરીથી ભજવાઈ રહ્યાં છે. આ લોયકોસહિલના નીરવ વાતાવરણમાં વીતી ગયેલી સદીઓના પડછાયા વારતા માંડીને બેઠા છે જાણે!
એક્રૉપોલિસની વસાહતમાં ઉત્તરે ઊભેલા મહાલય – એરેક્થિયોનમાં આ શાનો સળવળાટ થઈ રહ્યો છે? કયા શુભ પ્રસંગને માણવા તળેટીમાં વસેલું આખું નગર અહીં ઊમટી આવ્યું છે? લોકસમુદાયમાં ભળી જઈને અમે પણ જાણે અન્ય નગરવાસીઓ સાથે, રાજાના ઉત્તરાધિકારીની વરણીમાં ભાગ લઈ રહ્યાં છીએ! આજે વીર પોસિડિયોન અને લોકલાડલી રાજકુમારી એથેના વચ્ચે સ્પર્ધાનો દિવસ છે; જેમાં ગ્રીસવાસીઓ લોકશાહી ઢબથી પોતાના અધિષ્ઠાતાનું ચયન કરશે. સ્પર્ધાની શરત એવી છે કે, પોસિડિયોન અને એથેના બંને સમગ્ર પ્રજાને એક-એક ભેટ આપશે. જેની ભેટ લોકોનું હૃદય જીતી લેશે, તેને પ્રજા રાજ્યની ધુરા સોંપશે. શું ભેટ લઈને આવશે, એ બંને? કોની ભેટથી પ્રજા રીઝશે? કોણ બનશે અધિષ્ઠાતા? ગ્રીક ટોળાની અપેક્ષાભરી ઉત્સુક આંખે હું એથેના અને પોસિડિયોનની રાહ જોઉં છું. દૂર ક્ષિતિજ પર પોસિડિયોનનો પડછાયો દેખાય છે. પરાક્રમી પોસિડિયોન ત્રિશૂળનો પ્રલયકારી પ્રહાર કરતો દેખાય છે, ને એનાથી નગરજનોનાં ચરણોમાં આખેઆખો દરિયો ઊછળી આવે છે! વેપાર-વાણિજ્યની બરકત અર્થે એણે ભેટ ધરેલા દરિયાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયેલ લોકોની આંખોનું વિસ્મય જાણે પૂછી રહ્યું છે કે, હવે નાજુક ગરવી રાજકુમારી એથેના કઈ ભેટ લઈ આવશે? પોસિડિયોને તો ધરતી ચીરીને દરિયો દીધો, હવે એથેના આકાશ ચીરી નાખશે કે શું?
અધીર પ્રશ્નોનો જવાબ સરળ સ્મિતથી દેતી રૂપાળી એથેના દૂરથી આવતી દેખાય છે. એના હાથમાં શસ્ત્ર નથી, પ્રહાર તો જાણે એના સ્વભાવમાં જ નથી. હાસ્યોજ્જ્વલ ચહેરે એ હાજર થાય છે. એના હાથમાં એક વૃક્ષ છે. અહીં તો ઐતિહાસિક ક્ષણે, શાણા ગ્રીસવાસીઓ સામે ઑલિવનું વૃક્ષ લઈને મંદ મંદ સ્મિત ફરકાવતી એથેના, એરેક્થિયોનની ભૂમિ પર ઊભી રહી, નગરજનો સમક્ષ ઑલિવના વૃક્ષની ભેટ ધરે છે. વૃક્ષ એટલે છાયા અને શીતળતા, વૃક્ષ એટલે સમૃદ્ધિ, વૃક્ષ એટલે પોષણ, અને પરિતૃપ્તિ. ઑલિવનાં ફળ અને તેના તેલની સુગંધથી ગ્રીસનાં ઘરઘરનાં રસોડાં મઘમઘી ઊઠે છે. લોકો એથેનાની ભેટ પર વારીવારી જાય છે, અને એને પોતાની અધિષ્ઠાત્રી સ્થાપે છે. લાડલી રાજકુમારી એથેનાને દેવી એથેનાનું સન્માન પ્રાપ્ત થાય છે, અને વહાલી એથેનાના ગૌરવમાં નગર પર ઝળૂંબતી આ એક્રોપોલિસની ટેકરી પર પાર્થેનોન નામનું ભવ્યાતિભવ્ય મંદિર રચાય છે. તળેટીમાં વસેલા મહાન નગરને એથેનાના નામ પરથી – ઍથેન્સ નામ અપાય છે. યુરોપની અસ્મિતાનાં આ પૂર્વજોઃ વૃક્ષ પર પસંદગી ઢોળનારાં આ મહાન એથેનિયનો! હજારો વર્ષ પહેલાં એક સ્ત્રીને રાજ્યકારભાર સોંપનારા લોકશાહીના એ આદ્યસ્થાપકો નજર સમક્ષ પ્રગટ થઈ જાય છે.
જ્યારે માનવસંસ્કૃતિ પોતે જ બાલ્યાવસ્થામાં હતી ત્યારે કવિતા, કલા, સંગીત અને આદર્શોની સાધના કરતો એ સમાજ હૃદય પર છવાઈ જાય છે. અને એ ગૌરવશાળી સમયખંડ અને ઉન્નત લોકસમુદાય સાથે આજના ગ્રીસની પરિસ્થિતિ અને પ્રજાની સરખામણી અનાયાસ જ થઈ જાય છે. આજે એ ધોરણો અને એ મહાનતા નથી રહ્યાં ગ્રીસમાં. ગ્રીસ જ નહીં, આખું યુરોપ, અને કંઈક અંશે આખુંય વિશ્વ એ સ્વર્ણિમ આભા ગુમાવી ચૂક્યું છે. મનમાં પ્રશ્ન થાય છે કે, શું ખરેખર વખત જતાં પ્રજાનું તેજ ઝાંખું પડતું હશે, કે પછી આપણી માનસિકતા જ એવી છે કે, આપણને કોઈ પણ પ્રચલિત કાળ કરતાં ઇતિહાસનો ચહેરો વધુ ઊજળો ભાસતો હોય છે? સમજી નથી શકાતું કે, ખરેખર સમય જીવનને સજાવે છે, કે વિખેરે છે?