ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/નિયા માકરીમાં અચાનક મળી ગયેલો એ ચંદ્ર
ભારતી રાણે
દરિયાકિનારો અમારા રિસોર્ટના પાછલા ભાગને અડીને વિસ્તરેલો હતો. અમારા રૂમમાંથી તો દરિયો દેખાતો નહોતો. પણ રિસોર્ટના રેસ્ટોરાંમાં બેઠાં હોઈએ, તો દિવસભર દરિયાના બદલાતા મિજાજને નિરખી શકાય. ગોલ્ડન કોસ્ટ હૉલિડે ક્લબની પાછલી દીવાલમાં એક નાનો દરવાજો હતો, જે દરિયાકિનારે ખૂલતો હતો. મેરેથોન વિલેજથી પાછાં ફર્યાં પછીથી એ સાંજે, સૂર્યાસ્ત જોઈશું – એમ વિચારીને અમે દરિયાકિનારે ગયાં. દરવાજાને લાગીને એક પાકી પગથાર હતી, જે દૂર સુધી લંબાતી જોઈ શકાતી હતી. એ પગથારની આસપાસ થોડે થોડે અંતરે પ્રફુલ્લિત ફૂલક્યારીઓ હતી. એની આસપાસ ઉગાડેલાં સાયકસ અને એરિકા પામનાં પર્ણો પવનને જામે તરંગિત કરી રહ્યાં હતાં. રસ્તામાં અંતરે-અંતરે ફુવારા મૂકેલા હતા. વળી ત્યાં ઠેરઠેર દરિયાને નિહાળવા-માણવા માટે પથ્થરના બાંકડા મૂકેલા હતા. સાંજના શીતળ પવનમાં નાહવા બાળકો, યુવાનો, વૃદ્ધો સૌ જાણે ત્યાં ઊમટી પડેલાં હતાં. વાતાવરણ ઉલ્લાસમાં તરબતર હતું. એ લાંબી કેડી, જાણે એના પર ચાલવા માટે અમને આમંત્રણ આપી રહી હતી! અમે દરિયાને આલિંગતી એ પગથાર પર ચાલવા માંડ્યું. પાણી પરથી વહી આવતા પવનની જુબાનમાં દરિયોય જાણે વાતે વળગ્યો. મેં એનું નામ પૂછ્યું, તો એ કહે, મારું નામ એજિયન સમુદ્ર. પછી આગળ કહે, આકાશમાંથી જોશો તો અહીંથી દક્ષિણે જ્યાં ભૂમધ્ય સમુદ્રનાં ઘેરાં ભૂરાં પાણી મારાં આછા ભૂરાં પાણીને મળે છે, છેક ત્યાં સુધી કોઈએ છુટ્ટે હાથે માણેક વેર્યાં હોય, તેવા ગ્રીસના સેંકડો ટાપુઓ ઝળહળતા દેખાશે. મારે સામે છેડે જશો, તો ટર્કી દેશનો રળિયામણો કિનારો મળશે. અને ઉત્તરે મારા પર હિલ્લોળતાં ચાલ્યાં જાવ તો માર્મરાના અખાતને પસાર કરીને છેક ઇસ્તંબૂલ પહોંચી જવાય…
મેં અર્ધચંદ્રાકારે વિંટળાયેલાં ટેકરીઓથી ઘેરાયેલાં દરિયાનાં શાંત પાણી તરફ નજર કરી. ઇસ્તંબૂલની મસ્જિદોમાંથી જાણે અજાનનો અવાજ સંભળાઈ રહ્યો હતો! સમુદ્ર સાથે વાતો કરતાં કરતાં ત્રણેક કિલોમિટર ચાલી નાખ્યું, ખબર પણ ન પડી! હવે નિયા માકરી ગામ નજીક આવી ગયું હતું. હવે દરિયાકિનારે વેલી ચડાવેલા માંડવા પર પામવૃક્ષનાં પાનનાં છાપરાંવાળી ઓપન એર રેસ્ટોરાં દેખાતી હતી, જેના ઝાંખા પ્રકાશમાં દરિયાના સાન્નિધ્યમાં શાંતિથી જમતા પ્રવાસીઓ દેખાતા હતા. પ્રવાસીઓને આકર્ષવા એ સૌને કોઈ ઝાકઝમાળ કે ઘોંઘાટની જરૂર પડતી નહોતી. એમાં પીરસાતા તાજા સી-ફૂડની સુગંધ જ લોકોને અહીં ખેંચી લાવવા માટે પૂરતી હશે, એવું લાગ્યું. આટલા નાના ગામડામાં આટલા પ્રવાસીઓ પણ હશે, અમે ધાર્યું નહોતું. પણ અમે અનાયાસ પસંદ કરેલું એ સ્થળ તો નિરાંતે રજાઓ ગાળવા આવનાર યુરોપિયનોમાં સારું એવું લોકપ્રિય નીકળ્યું. હમણાં જ જાણવા મળ્યું કે, અમે ત્યાં રહી આવ્યાં પછી તો ૨૦૦૪ની ઓલિમ્પિક્સ દરમિયાન નિયા માકરીની નજીક જ નવું એરપૉર્ટ થયું છે. વળી અહીં ગ્રીક લૅંગ્વેજ ઍન્ડ કલ્ચરલ સ્કૂલ નામની સંસ્થા પણ સ્થપાઈ છે, જે ગ્રીક ભાષા અને સંસ્કૃતિના, ૧૧ દિવસથી માંડીને વરસ દિવસ સુધીના કોર્સ ભણાવે છે, અને દુનિયાને ખૂણેખૂણેથી વિદ્યાર્થીઓ અહીં ગ્રીસ વિશે અભ્યાસ કરવા આવે છે. વળી હવે તો એની નજીકમાં જ દેવી ઈશિશનું એક પૌરાણિક મંદિર મળી આવ્યું છે, જે સરકારે પ્રવાસીઓને જોવા માટે ખુલ્લું મૂક્યું છે. કહે છે કે, અહીં હવે ઘણીબધી નવી હોટેલો અને રિસોર્ટ પણ બંધાઈ ગયા છે. પ્રવાસીઓ ઍથેન્સની શહેરી ધમાલથી દૂર, અહીં નિયા માકરીમાં રહેવું પસંદ કરતા થઈ ગયા છે. આટલું બધું બદલાઈ ગયેલા નિયા માકરીની સૂરત આજે કેવી લાગતી હશે…! કલ્પના કરવી ગમતી નથી. મારા મનમાં અમિટ છાપ મૂકી ગયું છે, તે નિયા માકરી મારે ગુમાવવું નથી. ને તેમાંય એ યાદગાર સાંજને તો ભૂંસાવા દેવી જ નથી! થાય છે કે, હવે ફરી ક્યારેય ગ્રીસ જવાનું થાય તો નિયા માકરી ન જવું, કે જેથી એ સાંજ મનમાં અકબંધ રહી શકે! રૂપાળી એ કેડી, ને કેડીએ કેડીએ ચાલતો દરિયો, એજિયન સમુદ્રના સાયરોનિક અખાતની ટેકરીઓથી ઘેરાયેલી ક્ષિતિજ પરની બાળકને ફૂટતા પહેલા દાંત જેવું ચંદ્રનું ઊગવું, પહેલાં એની સોનેરી આભા ઝળકવી, ને પછી આકાશી-રૂપેરી ચાંદનીની ભરતીમાં તણાઈ ગયેલો આખેઆખો દરિયો – બધું જ સાચવી રાખવું છે, સ્મરણોમાં.
તે દિવસે શરદપૂર્ણિમા હતી, એ વાતનો ખ્યાલ તો ઘણો મોડો આવ્યો. સાંજ ઢળવા લાગી હતી. ચાલતાં ચાલતાં અમે થાક્યાં પણ હતાં. એક સરસ જગ્યા શોધીને દરિયા પર ઢળતી સાંજને જોતાં અમે બાંકડા પર બેઠાં હતાં. અંધારાં જરાક સમુદ્રને સ્પર્શ્યાં ત્યાં તો દૂર દેખાતા ડુંગરો પર ઝીણી જરી છાંટી હોય, તેવું ચમક ચમક ચળકવું શરૂ થયું, અને ઘડીભરમાં તો જાણે બધાય પર્વતો પર બાદલો ટંકાઈ ગયો. ચંદ્ર ઊગ્યો. દરિયાનાં નાનકડાં મોજાંની કોરે રૂપેરી ફીણની ઝીણી કિનારી ઝળકવા લાગી. દરિયો સાવ શાંત હતો – ન ઊંચો અવાજ, ન તોફાની મિજાજ, ચાંદનીને પરાણે વહાલો લાગે તેવો ડાહ્યોડમરો દરિયો. પૂર્ણચંદ્ર પરથી ઊઠતી કિરણોની ભરતી અમને સંમોહિત કરીને તાણવા લાગી, ત્યારે જ ખ્યાલ આવ્યો કે, અરે, આજે તો શરદપૂનમ છે! શરદપૂનમની રાતે યોગાનુયોગ અમે એવા સ્થળે પહોંચી ગયાં હતાં, કે ચંદ્રને મળવા માટે આનાથી સારી બીજી કઈ જગ્યા હોઈ શકે?
બસ, ક્યાંય સુધી, સોળે કળાએ ખીલેલા એ પૂર્ણચંદ્રને જોતાં અમે પથ્થરના એ બાંકડા પર બેસી રહ્યાં. જાણે હજીય ત્યાં જ બેઠાં છીએ! જ્યાં ન શોરબકોર છે, ન કોઈ જાતની ઉતાવળ; આસપાસમાં માણસો તો છે, પણ મનનું એકાન્ત અક્ષુણ્ણ છે. સમુદ્ર છે, ને શરદપૂનમની અનવરત રાત છે. ક્ષિતિજ પરથી ઊમટી આવેલો આકાશી ચાંદનીનો જુવાળ ને મનમાં ઊઠતી નિજાનંદની ભરતી — બધું એકાકાર થઈ જાય છે, જાણે! ભૂરી ભૂરી ચાંદની અને રૂપેરી ચંદ્રમા પરથી નજર હઠતી જ નથી! લહેરો પર ઝિલમિલાતી ક્ષણોને શબ્દોમાં પકડવા જઈએ, ત્યાં ચાંદનીમાં પકડાઈને ડૂબી જવાય છે. ચાંદની આખા સમુદ્ર પર ફેલાઈ જાય છે, ને જામતી રાતમાં ઝળકી ઊઠે છે, અનંત જળરાશિ. જીવનમાં પ્રેમનું વિલસવું, અને નિયા માકરીના દરિયા પર શરદપૂર્ણિમાના ચંદ્રનું ખીલવું, શું એકસરખી જ વાત નથી?