સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભગવતીકુમાર શર્મા/ફૂલો સાથે વાત કરવાનો સમય
કવિવર ઉમાશંકર જોશીએ લખ્યું : “પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહિ.” મારી સ્થિતિ જુદી છે : મારે પુષ્પોના સંપર્કમાં આવવાનું બહુ બન્યું જ નથી. હા, એક દૃશ્ય મને હંમેશ ગમ્યું અને વારંવાર હું એને મારા કલ્પના-ફલક પર સાકાર કરવા મથું છું — અને તે છે ફૂલોનો હાર બનાવતી તરુણી. તમે ક્યારેક જોજો : પાસે પુષ્પોની ઢગલી પડેલી હોય. તરુણીના હાથમાં સૂતરનો દોરો અને નાનકડો સોયો હોય. તે આપણી સામે જોતી જાય, મીઠું મીઠું હસતી જાય, ક્યારેક કોઈક ગીત પણ ગણગણી લે, દેવઘર તરફ દૃષ્ટિ પણ કરી લે, અને ટપોટપ, ચપોચપ ફૂલોને સોયા વડે દોરામાં પરોવતી જાય, અને એમ હાર ગૂંથાતો રહે. એની આંખોના ઝડપી પલકારા અને એની આંગળીનાં ટેરવાંની ચપળતા જાણે પરસ્પરની સ્પર્ધામાં ઊતરેલાં લાગે! સોયો મૃદુ પુષ્પોને તો વીંધે જ, ક્યારેક અસાવધ ક્ષણે તરુણીનાં ટેરવાંનેય ટોચી જાય અને આપણા કાન જો સરવા હોય તો આપણે તેનો આછો સિસકારો પણ સાંભળી શકીએ, અને આ બધું ભાવિની કોઈ પીડાપૂર્ણ છતાં મધુર અનુભૂતિ-ક્ષણના આગોતરા સંકેત જેવુંય લાગી શકે! અને ત્યારે આપણને પ્રશ્ન એ થાય કે જે સુગંધ ફેલાય છે તે શેની છે — ફૂલોની કે અનાઘ્રાત પુષ્પ જેવી તરુણીનાં તન-મનની?
આ ક્ષણે અચાનક મને તનમનિયાનાં ફૂલોની નાનકડી સૃષ્ટિ પણ સાંભરે છે. તનમનિયાં, બારમાસી, કૌરવ-પાંડવ, રાતરાણી, સૂર્યમુખી, જાસૂદ, ચંપો, મોગરો ઇત્યાદિ પુષ્પનામો પાડનાર કવિહૃદયને પ્રણામ કર્યા વિના કેમ રહેવાય? પરંતુ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે જીવનભર ફૂલો અને સુગંધોના પ્રત્યક્ષ સંપર્કથી એકંદરે વેગળા રહેલા મારા અસ્તિત્વમાં કશીક અવ્યાખ્યેય, અઘ્રાણ્ય સુગંધની છાલક ક્યાંથી વીંઝાતી રહેતી હશે? મારાં કાવ્યો અને નવલકથાઓના પરિચ્છેદો અને લલિત નિબંધોમાં ન જાણે ક્યાંથી, શી રીતે સુગંધ અને તેના સમાનાર્થી શબ્દો જાઈ-જૂઈનાં ઝૂમખાંની જેમ ડોકાઈ જતાં વરતાશે. ફૂલો અને ખુશ્બોથી સરવાળે ઊફરો રહેલો હું મનના કોઈક અગોચર ખૂણે તેને જ ઝંખતો હોઈશ, તેની ઓળખ તો મારી શબ્દડાળીઓએ જ મને કરાવી. તેના પર સુગંધ— ઝુરાપાનાં ફૂલ ન ફૂટયાં હોત, તો હું એ ઓળખથી વંચિત જ રહ્યો હોત.
ફૂલમાંથી ન ઉદ્ભવી હોય તેવી સુગંધનું પણ આ વિશ્વમાં પ્રવર્તન છે જ. કોઈકના અઢળક પ્રેમની સુગંધની તુલના કયા પુષ્પની મહેક સાથે કરી શકાશે? કોઈક ઊજળું હસે છે ને ખંડમાં ફૂલોનો ઢગલો થાય છે અને ઓરડો આખો મઘમઘી ઊઠે છે. કોઈક બોલે છે અને સુગંધિત શબ્દ-કુસુમો ઝરતાં લાગે છે. કોઈકના સદ્ગુણોની સુવાસ, જ્ઞાનનો પરિમલ, સત્કર્મોની સુરભિ, સુંદર કૃતિમાંથી ઝરતી ખુશબો. કદીક કોઈ ગીત મહેકતું અનુભવાય છે. ક્યારેક કોઈના હોઠનો ઝીણો કંપ, આંખની ચમક, અંગુલિની મુદ્રા કે સ્મિતની બંકિમા આપણા મનમાં ફોરમનો ઉત્સવ રચી આપે છે — અને ત્યારે પ્રત્યક્ષ ફૂલો સાથે વાત કરવાનો સમય ન મળવાનો કવિસહજ વસવસો ઓસરતો અનુભવાય. આમ જુઓ તો ફૂલો ક્યાં નથી અને તેઓની સંગતમાં શ્વસવાનો સમય પણ ક્યાં નથી?