સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભૂપત વડોદરિયા/આપણે, પાર્ટ-ટાઇમ માબાપો
મુંબઈની ૧૨૦ શાળાઓમાં બાર માસ દરમિયાન એક કૉલેજે કરેલા સર્વેક્ષણમાંથી એવું તારતમ્ય નીકળ્યું છે કે બાળગુનેગારીમાં દર વરસે અગિયાર ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. બીજા ગુનાઓના પ્રમાણમાં બાળગુનાઓનું પ્રમાણ મહારાષ્ટ્રમાં ૨૫ ટકા જેટલું, એટલે કે દેશમાં સૌથી વધુ છે. આ મોજણીમાંથી એ હકીકત આપણી નજર સામે આવે છે કે બાળકોમાં ગુનેગારીનું વલણ વધ્યું છે, કારણ કે એમની ઉપર માબાપોનો અંકુશ ઘટયો છે, વાલીઓની સંભાળ ઓછી થઈ છે. ક્યાંક બાળકને માબાપનો વધુ પડતો પ્રેમ મળે છે અને એ બગડે છે, ક્યાંક એને ઘરમાં મુદ્દલ પ્રેમ નથી મળતો તેથી બાળક તોફાની બને છે. કેટલાંક ઘરોમાં બાળકો ઉપર મુદ્દલ અંકુશ નથી તેથી તેઓ બગડે છે, તો કેટલાંક ઘરોમાં એમની પર વધુ પડતા અંકુશને કારણે બાળકો હાથથી જાય છે. સર્વેક્ષણે એક માર્મિક નોંધ કરી છે કે, “બાળકો ઉછેરવાની કળા આપણે ગુમાવી બેઠા છીએ, એવું લાગે છે.” હા, વાત સાચી છે કે બાળકો ઉછેરવાની કળા આપણે ખોઈ બેઠાં છીએ. હકીકતે, આપણે બધાં પાર્ટ-ટાઇમ માબાપ બની ગયાં છીએ. માત્રા સમયનો મુદ્દો આમાં નથી — આપણા એકંદર ધ્યાનની એમાં વાત છે. બાળકો ઉપર ખરું ધ્યાન આપણે આપતાં નથી, માબાપ તરીકે આપણે જે એકાગ્ર ધ્યાન તેમની ઉપર આપવું જોઈએ તે આપતાં નથી. બાળ-ઉછેર એ ‘ફુલ-ટાઇમ’ નહીં, ‘હોલ-ટાઇમ’ની કામગીરી છે. પણ તેજ રફતારના આ જમાનામાં માબાપ વહેલી સવારથી દોડવા માંડે છે. ઊંચા જીવનધોરણનું ભૂત આપણી ઉપર સવાર થયું છે. વધુ કમાણી અને સુખસગવડનાં વધુ સાધનો પાછળની આ આંધળી દોટમાં આપણે બાળકોના ઉછેરની સરિયામ ઉપેક્ષા કરીએ છીએ. આપણને તેને માટે સમય નથી એટલું જ નહીં, તેમાં આપણને રસ પણ નથી રહ્યો. હા, બાળકો માટે પ્રેમ છે, પણ તે એક લોહીની સગાઈનો છે, સાચી સમજદારીમાંથી જન્મેલો નથી. બાળકો તરફ આપણે બેધ્યાન રહીએ છીએ અને તે માટે આપણું દિલ ડંખે પણ છે. પરંતુ આપણે એવું આશ્વાસન લઈએ છીએ કે છેવટે તો આ બધી દોડધામ બાળકોના જ સુખ માટે છે ને? એ આપણું બચાવનામું છે. બાળકોના ભાવિ કલ્યાણને ખાતર આપણે વર્તમાનમાં બાળકોની ઉપેક્ષા કરીએ છીએ! ઘરમાં કે શેરીમાં આપણા બાળકનો ચહેરો આપણે બરાબર ઓળખી શકતાં નથી. એ એની દુનિયામાં ખોવાઈ ગયેલો છે, અટવાઈ ગયેલો છે; આપણે આપણી દોડધામમાં મસ્ત છીએ. બાળક તેની જરૂરિયાતોની યાદી આપણી આગળ રજૂ કરે, એટલે ઑફિસમાં સાહેબ કોઈનું બિલ પાસ કરે તે ઢંગથી આપણે કાં તો આંખો મીંચીને તે પાસ કરી દઈએ છીએ, અગર આપણો મિજાજ બગડેલો હોય તો બિલમાં જાતજાતના વાંધા કાઢીએ છીએ. પણ બાળક ચકોર હોય છે. તે તરત જ પામી જાય છે કે માબાપને પોતાનામાં બહુ ઊંડો રસ નથી, પોતાને માટે સાચો પ્રેમ નથી. એટલે ધીરે ધીરે બાળક માબાપથી માનસિક રીતે દૂર થતો જાય છે. હવે એ માબાપને પ્રશ્નાો કરતો નથી, એમની સમક્ષ તોફાન કરતો નથી. માબાપ સમજે છે કે છોકરાની ગાડી લાઇન ઉપર છે. બાળક કપડાં ઢંગથી પહેરે છે, થોડા અંગ્રેજી શબ્દો ગોટપીટ બોલે છે, એટિકેટ શીખી લે છે. માબાપને ખબર નથી કે એ બાળક તો પિંજરામાં પડેલા પંખીની કે સાંકળે બંધાયેલા પ્રાણીની થોડી લાચાર વિવેકવાણી જ શીખ્યું છે. એ તેમનાથી ઘણું દૂર નીકળી ગયું છે, તેનું ભાન તેમને થતું નથી. પિતાને સમય નથી, માતાને પણ સમય નથી. કેટલીક માતાઓ ધન કે કીર્તિ કમાવા બહારની દુનિયામાં ઘૂમી રહી છે, તો કેટલીક માતાઓ ઘરકામ અને પારકી પંચાતમાં ડૂબી ગઈ છે. પછી એ બાળક જરાક મોટું થઈને જ્યારે ચપ્પુ રમાડતું, કોઈનું પાકીટ તફડાવતું કે બીજું કાંઈક ખોટું કરતું માબાપ સમક્ષ રજૂ થાય છે, ત્યારે માબાપને એકાએક જબરો આઘાત લાગે છે. તેમને નવાઈ લાગે છે કે આ બાળગુનેગાર શું પોતાનું જ સંતાન છે? આવું કેમ બની શકે? પણ આવું જ બને છે, અને તેની જવાબદારી માબાપોની છે. કોઈ કહેશે કે આજની દુનિયામાં માબાપ બિચારાં રોજીરોટી માટે માર્યાં ફરતાં હોય છે, ત્યાં બાળકોની પાછળ કેટલુંક ધ્યાન આપે? એ બિચારાં શું કરે? પણ આ બચાવ માબાપોને કાંઈ કામ આવવાનો નથી. તમારે બાળક છે, તો તેની ઉપર ધ્યાન આપો, તેને પ્રેમ આપો, તેને જીવતાં શીખવો, તેને ઊંચાં ચઢાણ શું છે તે સમજાવો. તમારા જીવનમાં એ છે, તો તેને યોગ્ય સ્થાન આપો. મોટા ભાગનાં માબાપો માની લે છે કે, આપણે બાળકને ખાવાપીવા આપીએ, કપડાં આપીએ, પાઠયપુસ્તકો અને ભણવાની ફી આપીએ, એટલે આપણી ફરજ પૂરી થઈ ગઈ. પણ આટલી જરૂરિયાતો પૂરી પાડવાથી માબાપ નથી બની જવાતું. માબાપે તો બાળકને ઉછેરવું પડે છે. એક ગુલાબના છોડને પણ ચાનું પાણી માફક આવે છે, તેટલી સમજ આપણે કેળવી છે. પણ બાળકને પોષણ કયા ખાતરમાંથી મળશે, કેવી માટીમાંથી મળશે, તેની પરવા આપણે નથી કરતાં. બાળકને આપણે શિક્ષક પાસે ધકેલીએ છીએ. શિક્ષક તેને પાછું ઘેર ધકેલી દે છે. પછી બાળક આવારાઓની ટોળીમાં ભળી જાય છે. તેને ખબર પડી જાય છે કે ઘરમાં તેને માટે ઝાઝી જગ્યા નથી, નિશાળમાં તેને માટે ગણતરીના કલાકોથી વધુ સમય નથી. આથી આવારા ટોળીનો આવકાર તેને મીઠો લાગે છે, ત્યાં એના જીવને ચેન પડે છે. જૂની કુટુંબવ્યવસ્થાના કેટલાક ગેરલાભ હશે. પણ દાદા-દાદીવાળાં ઘરનો એક મોટો લાભ હતો. એ વૃદ્ધો બાળકોનું જતન કરતાં, બાળકોને પ્રેમ કરવા માટે એમની પાસે સમય હતો. એમના સાંનિધ્યમાં બાળકને સ્નેહ, સંતોષ અને સલામતીનો અનુભવ થતો. વિભક્ત કુટુંબમાં એ ખૂટતું લાગે છે. આજનું બાળક પોતાના કુટુંબ સાથેનો જીવંત સંબંધ ગુમાવી બેઠું છે. તેને કુટુંબનાં બધાં સગપણોની પણ ખબર નથી. એ ખરેખર એકલું પડી ગયું છે. એકલું બાળક તેના ચિત્તમાં જાતજાતનાં જીન પેદા કરે છે. આપણે અત્યારે જે જોઈએ છીએ તે કુટુંબથી અટૂલા પડી ગયેલા બાળકના દિમાગી જીનની ઉપદ્રવલીલા જ છે. ચોરી કરતું બાળક, કોઈનું ખીસું કાપતું કે કોઈની સાઇકલ તફડાવતું બાળક જાણે કે આપણી સામે પોકાર કરતું હોય છે કે, “મને તેડી લ્યો! મને બોલાવો! મને પ્રેમ કરો!”