રવીન્દ્રપર્વ/૪૨. વિશ્વલક્ષ્મી

From Ekatra Wiki
Revision as of 09:29, 2 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. વિશ્વલક્ષ્મી| }} <poem> વિશ્વલક્ષ્મી, તમે એક દિન વૈશાખે બેઠ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૨. વિશ્વલક્ષ્મી

વિશ્વલક્ષ્મી,
તમે એક દિન વૈશાખે
બેઠાં હતાં દારુણ તપસ્યાએ
રુદ્રનાં ચરણતલે.
તમારું તનુ થયું ઉપવાસે શીર્ણ,
પિંગલ તમારો કેશપાશ.

દિને દિને દુ:ખને તમે દગ્ધ કર્યું
દુ:ખના જ દહનથી,
શુષ્કને બાળીને ભસ્મ કરી નાખ્યું
પૂજાના પુણ્યધૂપે.
કાળાને ઊજળું કર્યું,
તેજ દીધું નિસ્તેજને,
ભોગની આવર્જના લુપ્ત થઈ
ભોગના હોમાગ્નિમાં.

દિગન્તે રુદ્રની પ્રસન્નતા
ઘોષિત થઈ ઊઠી મેઘગર્જને,
અવનત થયો દાક્ષિણ્યનો મેઘપુંજ
ઉત્કણ્ઠિતા ધરણીની ભણી.
મરુવક્ષે તૃણરાજિએ
શ્યામ આસ્તરણ પાથરી દીધું,
સુન્દરનાં કરુણામય ચરણ
ઊતરી આવ્યાં એના પર.
(શેષ સપ્તક)