ઉમાશંકરનો વાગ્વૈભવ-૨/૧.અનાથ

From Ekatra Wiki
Revision as of 10:23, 2 October 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧.અનાથ| ઉમાશંકરનો વાગ્વૈભવ-૨}} {{Poem2Open}} ‘અનાથ’ ઉમાશંકરનું એકન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧.અનાથ

ઉમાશંકરનો વાગ્વૈભવ-૨

‘અનાથ’ ઉમાશંકરનું એકનું એક ત્રિઅંકી સામાજિક નાટક છે. આ નાટક સાન્તાક્રુઝમાં ચાલતા કુમારવૃંદે ૧૯૩૪માં ‘વડો નિશાળિયો’ નામથી ભજવેલું. આ નાટકના ત્રણ અંકો એક પછી એક ક્રમશ: ૧૯૩૬ના ‘કૌમુદી’ના જુલાઈ (પૃ. ૨૯–૩૯), ઑગસ્ટ (પૃ. ૧૧૩–૧૨૦) અને સપ્ટેમ્બર (પૃ. ૨૦૪–૨૦૭)ના અંકોમાં પ્રગટ થયા હતા. આ નાટક ઉમાશંકરે એક જ દિવસમાં (એક રાતથી બીજી રાત સુધીમાં) લખેલું.{{Color|Blue| એમાં ૧૩ પાત્રો છે, જેમાંનાં પાંચ સ્ત્રીપાત્રો છે. પહેલો અંક હસમુખરાય શેઠના દીવાનખાનામાં ભજવાય છે. હસમુખરાય શેઠનાં પત્ની દીવાનખાનામાં બધું સાફસૂફ – ઠીકઠાક કરાવે છે. કોઈના સ્વાગતની તૈયારીઓ લાગે છે. ભોળો નામે નોકર છોકરો આ બાબતમાં માધુ નામના પીઢ નોકરને પૃચ્છા કરે છે ને એથી સમજાય છે કે શેઠને ત્યાં દીકરો પાસ થયાની વધામણી નિમિત્તે આ બધી ધમાલ છે. ભોળાને આ બધી ભણતર-વિષયક ઉજવણીમાં રસ પડતો નથી. હસમુખરાય ને શાંતાગૌરીની વાતચીત પરથી શેખરે મુંબઈ ઇલાકાની યુનિવર્સિટીમાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયાનું માન મેળવ્યું છે એમ સમજાય છે. હસમુખરાય અને શાંતાગૌરી ખૂબ ઉત્સાહમાં છે ને કુલગૌરવના વિચારમાં ખોવાઈ જાય છે. વળી હસમુખરાયને પોતા વિશે પણ ભારે વિશ્વાસ ને ઊંચો ખ્યાલ જણાય છે. પુત્ર શેખરની વિદ્યાસિદ્ધિથી પોતે ‘બુદ્ધિમાનોની ગણતરીમાં’ ગણાશે એનો એમને આનંદ છે. શેખરે એકવડિયા બાંધાનો, ચંચળ અને તેજીલા કરતાં ઠરેલ અને ઊંડો વિશેષ લાગે છે. આ પુત્ર આગળ પણ પિતા ‘હસમુખરાય’ તરીકે વાત કરવા જાય છે ! આ એક નાટ્યદૃષ્ટિએ અત્યંત રસપ્રદ મુદ્દો છે. લેખકે એ મુદ્દાને ઉપસાવવાનો ઠીક પ્રયત્ન પણ કર્યો છે. હસમુખરાયે પોતાના એક દીકરા રમેશને એન્જિનિયર કર્યો, બીજા દીકરા પ્રમોદને એમ.બી.બી.એસ. માટે મોકલ્યો તો હવે આ ત્રીજા દીકરા શેખરને તેઓ આઇ.સી.એસ.ની લાઇન લેવડાવવા ઇચ્છે છે. હસમુખરાય શેખરને ‘ભેટમાં એક મહત્ત્વાકાંક્ષા’ આપવા ઇચ્છે છે. શેખરને પિતાની મરજી પ્રમાણે આઇ.સી.એસ.ની લાઇન લેવી અનુકૂળ જણાતી નથી; કેમ કે, ૧૯૩૦–૩૧–૩૨–૩૩ – એ વરસો તે ઉઘાડી આંખે જીવ્યો છે. હસમુખરાય છોકરો આઇ.સી.એસ. ન થાય તો પ્રોફેસર થાય એમ વિકલ્પ આપે છે. આ બધી કામનામાં હસમુખરાયનો અહં પોષાય છે. શેખરની સિદ્ધિ પણ પોતાના અભિમાનને પોષનાર હોઈ તેને તેઓ બિરદાવે છે. હસમુખરાય પોતાને ખાતર પુત્ર શેખરમાં રસ લેતા જણાય છે. બુદ્ધિશાળી શેખરને આ વાતનો ખ્યાલ આવી ગયો હોય છે અને તેથી તે હસમુખરાયની મુબારકવાદી વિલક્ષણ રીતે ઘટાવે છે ને સ્વીકારે છે. શેખર હસમુખરાયને કહે છે પણ ખરો કે “હું તો શરતનો ઘોડો છું. આ આગળ આવ્યો એમ માનો પણ જોર તો કર્યું તમારા કિસ્મતે ને મારી પીઠ થાબડો એ બરાબર છે, પણ મુબારકબાદીનો તો તમને જ અધિકાર...” હસમુખરાય પણ ઊંડે ઊંડે શેખરની સિદ્ધિ માટે પોતાની જ જવાબદારી માનતા હશે એમાં શંકાને સ્થાન નથી. એટલે તો શેખરના વિદ્યાભ્યાસમાં કરેલ ખર્ચની, પુત્રને આપેલ વધુ પડતી સ્વતંત્રતાની – આવી વાતો કરે છે. શેખર એ વાતો સાંભળતાં સ્વગત ‘ધ ડેવિલ ક્વોટ્સ સ્ક્રિપચર્સ’ એમ પિતાના સંદર્ભે કહે છે તેમાં સૂક્ષ્મ રીતે ઔચિત્યભંગ થાય છે. શેખર બાપને ‘ડેવિલ’ માનવા – કહેવા કે સૂચવવા સુધી ન જાય એમાં જ એનું પાત્રગૌરવ છે. લેખક કુશળતાથી પિતા-પુત્ર વચ્ચેના સંઘર્ષને ધીમે ધીમે ઉત્કટ કરતા જાય છે. પિતા હસમુખરાય પુત્ર શેખર પાસેથી કોઈ ચોક્કસ ધ્યેયસંકલ્પ ઇચ્છે છે. શેખર તેનો વિરોધ કરે છે. તે કહે છે : “મારે શું કરવું એ મારી પોતાની મુનસફીની વાત છે !” હસમુખરાય શેખરની આ વાતથી છેડાય છે. તેઓ કહે છે : “આ તું મારી સામે ઊભો છે એમાં ‘હું પોતે’ કયો તે જરી બતાવ જો.” શેખર એના ઉત્તરમાં કહે છે કે “જો તમે એમ જ માનતા હો કે તમે પિતા છો એટલે માલિક પણ છો અને માલિકની એક બજારુ ચીજની જેમ જ મારે વિશે વિચાર કરી શકો તો એ તમારી ભૂલ છે.” આ તબક્કે હસમુખરાય અત્યંત ગુસ્સે થઈ કહે છે :

“પણ મને બતાવ તો ખરો કે કે ‘તું પોતે તે કયો ?’ (ઊભા થઈને) આ પહેરણ, આ ચડ્ડી, તારી ઓરડી, તારાં પુસ્તકો, એ બધાંમાં તારું પોતાનું શું એ જરી બતાવ તો ખરો!... ને પેલા અરીસા સામે મારી પડખે ઊભો રહે, જો જરી ! આ તું જે હાજર છે તેમાં પણ ‘તારું પોતાનું’ શું છે તે તને સમજાશે. (પકડીને અરીસા સામે પોતાની સામે ઊભો રાખે છે.) જો, જો ! તારામાં ને મારામાં ક્યાંય ફેર છે ? આ નાક જ જો. તારું નાક ને મારું નાક જરીયે છે જુદાં ? અને મારા ઓરડામાં દાદાની છબી છે એનું નાક પણ જોઈ આવ. એ નાક તારું પોતાનું તું કહે છે એમ તારું પોતાનું નહિ, પણ આ કુટુંબનું છે, અને એને માટે, કુટુંબને માટે જ તારે જીવવાનું છે.”

શેખર પોતે શા માટે જીવવાનું છે એનો નિર્ણય પંડે જ કરવા ચાહે છે ને હસમુખરાયને પુત્રની આ ગુસ્તાખી માન્ય નથી. તેઓ શેખરને પ્રતીત કરાવવા માગે છે કે તું જે કંઈ છે તે મારા લીધે છે. સામે પક્ષે શેખર પણ પિતાની આ પ્રકારની વર્તણૂકથી ગૂંગળામણ અનુભવતાં તેમને કહે છે :

“ત્યારે તમે આટલું ન કરો ? આ હું તમારી સામે ઊભો છું એમાંથી તમારો હોઉં એટલો લઈ લો અને જેટલો – જે કંઈ થોડો હું રહું તેને મા-બાપ વગરના પ્રદેશમાં મોકલી આપો.”

પિતા પુત્ર માટે જે કંઈ કરે છે તેથી પુત્ર પર પોતાનો કેમ જાણે સર્વાધિકાર હોય તેમ વર્તે છે; જે વર્તનના મૂળમાં એક ઊંડી ગેરસમજ પડેલી છે. દરમ્યાન માસ્તર વેણીલાલનો પ્રવેશ થાય છે. લેખકે માસ્તરના પાત્રનેય ઠીક ઉઠાવ આપ્યો છે. માસ્તરના ઠાવકા અભિપ્રાય સામે હસમુખરાય શેઠનો મત જે જોરપૂર્વક મુકાય છે તેમાં નાટ્યાત્મકતાનો અનુભવ થઈ શકે છે. હસમુખરાય શેઠને મન વેણીલાલ આમ તો ‘માસ્તર’ છે, એમની સામે ધૃષ્ટતાપૂર્વક પોતાના અભિપ્રાય પ્રગટ કરવાનું એ ચૂકતા નથી ને છતાંય વધુ ઊંડી ચર્ચામાં ઊતરતાં ક્ષોભ પણ અનુભવે છે. એથી હસમુખરાય અને વેણીલાલ વચ્ચેનો સંવાદ લાંબી ચર્ચા થતો સદ્ભાગ્યે, બચ્યો છે. હસમુખરાય વેણીલાલને પણ શેખર પાસે કઈ રીતે કામ કરાવવું તેનું ચોક્કસ સૂચન કરતાં કહે છે : “હું છીંકણી વેચનારના પુત્ર તરીકે જન્મ્યો છું, ને મારે એક આઇ.સી.એસ પુત્રના બાપ તરીકે મરવું છે.” પિતા હસમુખરાય પોતે આ ગ્રંથિનો ભોગ તો બનેલા જ છે, સાથે પુત્રનેય એનો ભોગ બનાવવા જાય છે; પરંતુ પુત્ર પાણીદાર છે. તેણે પોતાનો રસ્તો વિચારી લીધો જણાય છે. પિતા અને માસ્તરની વાતચીત દરમ્યાન જ તે ઘર છોડી ગયેલો જણાય છે. ભોળા સાથેની શેખરની વિદાય વખતની વાતચીતમાંથી એ પણ જાણવા મળે છે કે શેખરે ભોળાને ‘માબાપ વગરના મુલકમાં’S સાથે આવવા સૂચન કરેલું. આ વાત પછી શાન્તાગૌરી અત્યંત વ્યગ્ર બની જાય છે ને હસમુખરાય પણ ઢીલા પડી જાય છે. તે વેણીલાલને પૂછે પણ છે : “માસ્તર ! છોકરો એમ સાવ તો નાદાન નથી, નહિ ?” અહીં પ્રથમ અંક પૂરો થાય છે. બીજા અંકમાં અનાથાશ્રમની ઑફિસનું દૃશ્ય લીધેલું છે. સમય શેખર ગયો તે દિવસની સાંજનો, ચાર વાગ્યાનો છે. પડદો ઊપડે છે ત્યારે મૅનેજર, અશોક અને મુક્તા દેખાય છે. અશોક એકવીસ વર્ષનો યુવાન છે. તે અનાથ હતો અને આશ્રમમાં રહીને મોટો થયો હતો. હવે તે ટૅક્નિશિયનના કામમાં જામી ગયો હતો. આ અનાથ અશોક અને એ જ રીતે નાનપણમાં તરછોડાયેલી અનાથ કન્યા મુક્તાના લગ્નની સમસ્યાની આ બીજા એકમાં આરંભમાં ચર્ચા ચાલે છે. દરમ્યાન ત્યાં શેખર આવી લાગે છે. મુક્તા જ્યારે મૅનેજર સમક્ષ પોતાના પિતાનો પત્તો મેળવવા માટે ખૂબ આતુરતાથી પ્રયત્ન કરે છે ત્યારે જ આ શેખરનું પિતાને તરછોડીને અહીં ઉપસ્થિત થવું નાટ્યદૃષ્ટિએ આકર્ષક જણાય છે. મૅનેજર શેખરની સાથે વાત કરવા તૈયાર નથી, પણ શેખર પરાણે તેમને વાતચીતમાં ખેંચે છે. શેખર પોતાનાં માબાપને ‘શારીરિક માબાપ’ તરીકે ઓળખાવે છે. શેખર દુનિયાનેય ‘અનાથાલય’ તરીકે ઓળખાવવા પ્રેરાય છે. ઈશ્વરને એ અનાથાલયનો મૅનેજર માને છે ! એ ઈશ્વરમાં પોતાને છે તેથી વિશેષ શ્રદ્ધા અનાથાશ્રમના મૅનેજરમાં હોવાનું એ પોતે જણાવે છે. શેખરની આ વાણી જાણે શેખરની ન હોય એવી આવેશયુક્ત અને છીછરી જણાય છે. પોતાને “અનાથ” હોવાનું સતત આત્મભાન રહે એ ઇચ્છાથી શેખર મૅનેજરને અનાથાશ્રમમાં પ્રવેશ આપવા વીનવે છે ! શેખરને અનાથ અશોક તો ચેતવેય છે કે માબાપના ત્રાસ્યા જો તમે અહીં આવતા હો તો અહીં ત્રાસ નથી એમ રખે માનતા. શેખર આ ચેતવણીનો પડઘો પાડતાં મક્કમપણે કહે છે :

“અકસ્માત્ જેણે શરીર આપ્યું, અકસ્માત્ જેના હાથમાં એક વાર જઈ પડ્યા, એટલે એને પછી જિંદગી આપણી શરીરની કે મનની બધી શક્તિઓને દોહવાનો હક્ક ? એની સામે જ મારી જેહાદ છે.”

આવી વાતો ચાલે છે તે દરમ્યાન શેખરની તપાસ કરતા ફોન આવે છે. હસમુખરાય શેઠનો ફોન તો હોય જ. એ શેખર અહીં છે જાણી તેડવા આવે છે. આવે છે ને લઈને ચાલ્યા જાય છે. અહીં લેખકે કેટલુંક બનતું બતાવ્યું હોત તો ઠીક થાત. મુદ્રિત નાટ્યપત્રમાં તો હસમુખરાય મુક્તા-અશોકને આશીર્વાદ આપી શેખરનેય “તું પણ બાપ થજે...” એવા આશીર્વાદ દે છે, પરંતુ લેખકે સુધારેલ પ્રતમાં બીજા અંકનું આ છેલ્લું વાક્ય “તું પણ બાપ થજે...” યોગ્ય રીતે જ રદ કર્યું છે. ત્રીજો અંક ઘણો ટૂંકો છે ને તે એક દૃશ્યથી વિશેષ નથી. એ અંકનું વસ્તુ બે વરસ પછી બનતું બતાવ્યું છે. સ્થળ પહેલા અંકનું જ રાખ્યું છે તે યોગ્ય છે. શેખર બે વરસમાં ઘણો બદલાઈ ગયો હોવાની વિનોદની ફરિયાદ છે ને પ્રેક્ષકોનેય શેખર કંઈક જુદો લાગે છે. લેખક એના વિશે નોંધ લખતાં જણાવે છે :

“અંદર લાવા ખદબદતો હોય પણ ઉપર તો વસંત ફરકતી હોય એવી દ્વિવિધા મનોદશાનો એના દેખાવ પરથી ખ્યાલ આવે છે. કશો પ્રતિકાર ન કરવો એવા લાંબા Resignation-ને પરિણામે આવતી Aban-don-ની વૃત્તિ એની ડોકના મરોડ પરથી પરખાઈ જાય છે.”

આ શેખર કૉલેજમાં જેમ આગળ વધે છે તેમ વધુ ને વધુ ઠરેલ થાય છે ને તેના મિત્ર વિનોદને તેથી નવાઈ લાગે છે. શાન્તાગૌરી શેખરની ગૃહત્યાગની ચેષ્ટા બાદ તેની સાથે સાચવીને – સજાગપણે વર્તતાં – બોલતાં જણાય છે. આ શાન્તાગૌરી સહેતુક વિશ્વામિત્રી અભિનંદન આપવા આવી હોવાના ખબર પંડે શેખરને આપે છે. આ રામનાથ શેઠની પુત્રી વિશ્વામિત્રી સાથે શેખર પરણે એવી સૌની ઇચ્છા છે. શાન્તાગૌરી એ લગ્નની વાત પણ છેડે છે. આ વિશ્વામિત્રી નિશિગંધાનાં ફૂલ લઈને આવી છે. તે ભાવમુગ્ધ અને વધારે પડતી સમજણી હોય એવી દેખાય છે. વિશ્વામિત્રી રૂમમાં પ્રવેશવા કરે છે ત્યારે શેખર પ્રચંડ વેગથી કાર્યશીલ બની રૂમની સજાવટ – વ્યવસ્થા વીંખીપીંખી નાખવા માંડે છે. ને વિશ્વામિત્રી તેથી જ ‘સ્વાગત કરો છો કે ?” એમ ઉપાલંભભરી રીતે કહે છે. વિશ્વામિત્રી શેખરના બેહૂદા વર્તનથી આઘાત પામી ઢળી પડે છે ને ઘરનાં બધાં ભેગાં થઈ જાય છે. પિતા હસમુખરાય પણ આવી લાગે છે. તે ખૂબ કડકાઈથી શેખરને ટપારે છે. શેખર કંઈક ટાઢે કોઠે ઉપેક્ષાભર્યું વાણી-વર્તન કરે છે. હસમુખરાય હવે શેખર સાથે મક્કમ હાથે કામ લેવા કૃતનિશ્ચય બને છે અને ત્યારે શેખર પિતાને કહે છે :

“વિશ્વામિત્રી માટે મારા હૃદયમાં શું છે એ તો એ પોતે જ બરાબર જાણે છે એટલે કંઈ કહેવાની જરૂર નથી, અને છતાં મારે એને મારી નજર આગળ ઢગલો થતી જોવી પડી એનો વિચાર કરજો ! એના પ્રેમનો ઇન્કાર કરું છું એમ રખે માનતા. એ પ્રેમ તો જિંદગીભર ટકે તો ટકાવી રાખું ને એ જીરવવાની પણ શક્તિ છે. પરણવું એટલે પિતા થવાનો સંભવ; માબાપ થવાની ઉમેદવારી, અને બાપુજી, તમે મારી નજર સમક્ષ છો ત્યાં સુધી મારામાં એ હિંમત નથી નથી ને નથી.”
મુદ્રિત નાટક શેખરની આ ઉક્તિએ પૂરું થાય છે,