રવીન્દ્રપર્વ/૨૦૮. ગ્રામકન્યા
શાજાદપુર, ૪ જુલાઈ ૧૮૯૧ અમારા ઘાટ પર એક નૌકા લાંગરેલી છે. અહીંની અનેક ‘જનપદવધૂ’ એની પાસે ટોળે વળીને ઊભી છે. એમાંનું એકાદ જણ ક્યાંક જાય છે ને તેને આ બધાં વદાય દેવા આવ્યાં હોય એવું લાગે છે. ઘણાં બધાં કચ્ચાંબચ્ચાં, ઘણા ઘૂમટા ને ઘણા પાકટ વાળવાળાં માથાં એકઠાં થયાં છે. પણ એ બધાંની વચ્ચે એક કન્યા છે, એની પ્રત્યે જ મારું મન સૌથી વિશેષ આકર્ષાઈને વળ્યું છે. વયમાં તે બારતેર વરસની લાગે છે, પણ શરીર સારું પોષાએલું છે એટલે ચૌદપંદરની હોય તેવી દેખાય છે. છોકરાઓની જેમ એના વાળ કાપેલા છે, આથી એનું મુખ ઠીક ઉઠાવ પામે છે. કેવી તો બુદ્ધિમાન સપ્રતિભ અને સ્વચ્છ સરલ! એક બાળકને કેડે બેસાડીને નિ:સંકોચ કુતૂહલથી મને ધારીધારીને એ જોઈ રહી છે. એના ચહેરા પર બાઘાઈ અસરળતા કે અસમ્પૂર્ણતા રજમાત્ર નથી. ખાસ કરીને અર્ધી કિશોરી ને અર્ધી યુવતી એવી એની આ અવસ્થા ચિત્તને આજે આકર્ષક લાગે છે. છોકરાંઓની જેમ પોતાને વિશે એ જરાય સભાન નથી. અને એમાં વળી માધુરી ભળતાં એક અનોખી જ સ્ત્રીમૂર્તિ બની આવે છે. બંગાળમાં આવા પ્રકારની ‘જનપદવધૂ’ જોવા મળશે એવી મને આશા નહોતી. આખરે જ્યારે જવાનો સમય થયો ત્યારે જોયું તો મારી એ કાપેલા વાળવાળી, સુડોળ હાથમાં બલોયાં પહેરેલી ઉજ્જ્વળ સરલમુખશ્રી કન્યા જ નૌકામાં ચઢી ગઈ. એ બિચારી બાપનું ઘર છોડીને પતિને ઘરે જતી હશે. નૌકા છૂટ્યા પછીય બધા કાંઠે ઊભાં ક્યાં સુધી એને જોઈ રહ્યાં. એ પૈકીનાં બેએક જણ ધીરે ધીરે સાડીના છેડાથી આંખનાક લૂછવા લાગ્યાં. કસીને વાળ બાંધેલી એક નાની કન્યા મોટી વયની સ્ત્રીની કેડે બેસીને એને ગળે વળગી પડીને એના ખભા પર માથું ઢાળીને નિ:શબ્દે રડવા લાગી હતી. જે ચાલી ગઈ તે કદાચ એની બહેન હતી. એની ઢીંગલાઢીંગલીની રમતમાં એ કદાચ સાથ આપતી હશે, તોફાન કરે ત્યારે એને એ એકાદ લપડાક પણ ચોઢી દેતી હશે. સવાર વેળાનો તડકો, નદીકાંઠો અને બધું જ એક પ્રકારના ઊંડા વિષાદથી ભરાઈ ગયું, સવારવેળાની કોઈ અત્યન્ત હતાશ્વાસ કરુણ રાગિણીની જેમ. મનમાં થયું: આખી પૃથ્વી જાણે સુન્દર છતાં વેદનાથી પરિપૂર્ણ છે. આ અજ્ઞાત નાની કન્યાનો ઇતિહાસ મને જાણે અત્યન્ત પરિચિત લાગવા માંડ્યો. વદાય વેળાએ નૌકામાં બેસીને નદીના પ્રવાહમાં વહી જવામાં જાણે સવિશેષ કરુણતા રહેલી છે. એ ઘણે અંશે મૃત્યુની કરુણતા જેવી છે, તીર પરથી પ્રવાહમાં વહી જવું; જે લોકો કાંઠે ઊભા હોય તે આંખ લૂછતાં પાછાં વળી જાય; જે વહી જાય તે ધીરે ધીરે અદૃશ્ય થઈ જાય! જાણું છું કે આ ગમ્ભીર વેદના જેઓ અહીં રહ્યાં ને જે અહીંથી ચાલી ગઈ એ બંને ભૂલી જશે. કદાચ આ ક્ષણે જ એ ઘણીખરી લુપ્ત થઈ ચૂકી છે. વેદના તો ક્ષણિક, વિસ્મૃતિ જ ચિરસ્થાયી છે. પણ વિચારી જોતાં લાગશે કે આ વેદના જ વાસ્તવિક સત્ય છે. વિસ્મૃતિ સત્ય નથી. વિચ્છેદ અને મૃત્યુ આવતાં મનુષ્યને એકાએક જાણ થાય છે કે આ વ્યથા કેવું ભયંકર સત્ય છે. ત્યારે એને સમજાય છે કે મનુષ્ય ભ્રમને કારણે જ નિશ્ચિન્ત થઈને રહી શકે છે. અહીં કોઈ ટકી રહેતું નથી, આ મનમાં રાખીને માનવી વધુ વ્યાકુળ થઈ ઊઠે છે. એ અહીં ટકી રહેશે નહીં એટલું જ નહીં, એ કોઈના મનમાં સુધ્ધાં ટકી રહેશે નહીં!