રવીન્દ્રપર્વ/૨૧૪. વસન્તયાપન

Revision as of 06:26, 6 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧૪. વસન્તયાપન|}} {{Poem2Open}} આ મેદાનની પાર શાલવનનાં કૂણાં પાનમા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૧૪. વસન્તયાપન

આ મેદાનની પાર શાલવનનાં કૂણાં પાનમાં થઈને વસન્તની લહર વાય છે. ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં મનુષ્યનો એક અંશ તો ઝાડપાનની સાથે જડાઈને રહેલો જ છે. કોઈ એક કાળે આપણે શાખામૃગ(વાનર) હતા તેનો પૂરતો પુરાવો આપણા સ્વભાવમાંથી મળી રહે છે, પણ એથીય બહુ પહેલાં, કોઈ આદિ જુગમાં, શાખી(વૃક્ષ) હતા એ શું આપણે ભૂલી શક્યા છીએ? એ આદિકાળના જનહીન મધ્યાહ્ને આપણાં ડાળપાંદડાંમાં વસન્તનો વાયુ, કોઈનેય કશી ખબર દીધા વિના, ઓચિન્તાનો હુહુ કરતો આવી ચઢતો ત્યારે કાંઈં આપણે નિબન્ધ લખવા બેસતા નહોતા કે દેશનો ઉદ્ધાર કરવા બહાર નીકળી પડતા નહોતા! ત્યારે તો આપણે આખો દિવસ ખડે પગે ઊભા રહીને મૂકની જેમ, મૂઢની જેમ, કંપ્યા કરતા હતા; આપણાં સર્વાંગ ઝરમર ઝરમર અવાજે પાગલની જેમ ગાયા કરતા હતા; આપણાં મૂળથી માંડીને તે શાખાઓની કૂંણી ટીશી સુધી રસનો પ્રવાહ અંદર ચંચળ થઈ ઊઠતો હતો. એ આદિકાળના ફાગણ-ચૈતર એવી રીતે રસેભર્યા આળસમાં અને અર્થહીન પ્રલાપ કરવામાં જ વીતી જતા. એ અંગે ત્યારે કોઈને જવાબ દેવો પડતો નહીં. તમે જો એમ કહેતા હો કે પશ્ચાત્તાપના દિવસો ત્યાર પછી આવતા, વૈશાખ-જેઠનો આકરો તાપ ગુપચુપ નતમસ્તકે સહી લેવો પડતો, તો એની હું ના નહીં પાડું. જ્યારે જે ભાગ્યમાં હોય તે સ્વીકાર્યે જ છૂટકો! રસને દિવસે ભોગ અને દાહને દિવસે ધૈર્ય જો સહજ રીતે ધારી શકીએ તો સાન્ત્વનની વર્ષાધારા જ્યારે દશે દિશાને છલકાવી દઈને વરસવી શરૂ થાય ત્યારે એને શિરાએ શિરાએ પૂરેપૂરી ખેંચી લેવાનું સામર્થ્ય આપણામાં આવે. પણ આ બધી વાતો ડહોળવાની મારી ઇચ્છા નહોતી. રૂપકનો આશ્રય લઈને હું ઉપદેશ દેવા બેઠો છું. એવો કોઈનેય વહેમ જાય તો નવાઈ નહીં! એ વહેમ પાયા વગરનો છે એમ પણ નહીં કહેવાય. ટેવ જ ખરાબ પડી ગઈ છે ને! હું એમ કહેતો હતો કે ઉત્ક્રાન્તિના છેલ્લા કોઠામાં માણસ આવ્યો ત્યારે એના ઘણા ભાગલા પડી ગયા: જડ ઉદ્ભિદ, પશુ, બર્બર, દેવ ઇત્યાદિ, આ દરેક અંગની જુદી જુદી જન્મઋતુ છે. કઈ ઋતુમાં કયું અંગ એનો નિર્ણય કરવાનો ભાર મારે માથે લેવો નથી, એક સિદ્ધાન્તને ઠેઠ સુધી લાગુ પાડવાનું પણ લઈ બેસીએ તો ઘણું ઘણું ખોટું બોલવું પડે. એ બોલવા હું તૈયાર છું: પણ એટલો બધો પરિશ્રમ મારાથી આજે થાય એમ નથી. આજે પડ્યા પડ્યા, સામે નજર કરતાં, જે કાંઈ આપમેળે મનમાં આવે તેટલું જ, લખવા બેઠો છું. લાંબા શિયાળા પછી આજે મધ્યાહ્ને આજુબાજુના વિસ્તારમાં નવવસન્ત નિ:શ્વસિત થઈ ઊઠતાંની સાથે જ મને મનુષ્યજીવનની એક મોટી અસંગતિનો મારામાં અનુભવ થાય છે. વિપુલની સાથે, સમગ્રની સાથે એનો સૂર મળતો નથી. શિયાળામાં પૃથ્વીનો આપણા ઉપર જે તકાજો હતો તે જ આજે પણ ચાલુ છે. ઋતુ બદલાય પણ કામકાજ એનાં એ. ઋતુપરિવર્તન ઉપર મનને વિજય પ્રાપ્ત કરાવીને એને જડસુ બનાવી દેવામાં જાણે મોટી બહાદુરી ન રહી હોય! મન તો ભારે ઉસ્તાદ, એ શું ન કરી શકે! એ દક્ષિણાનિલને પાછો ઠેલીને ધડધડ મોટા બજારમાં દોડી જઈ શકે. એની એ શક્તિનો સ્વીકાર કર્યો, પણ તેથી કરીને એ એને કરવું જ પડે એવું કાંઈ થોડું જ છે? એથી દક્ષિણાનિલ ઘરે પાછો ફરીને મરવા પડવાનો નથી; પણ ખોટ કોને જશે? હજુ થોડા દિવસ પહેલાં જ અમારાં આમળાં, મહુડાં ને શાલનાં ઝાડની ડાળ પરથી ખર્ર્ર્ કરતાં એકસરખાં પાંદડાં ખર્યે જતાં હતાં, ફાગણ દૂરથી આવેલા પથિકની જેમ બારણાં આગળ આવીને હાશ કરીને હજુ તો માંડ પગ વાળીને બેઠો હતો. એવામાં અમારી વનશ્રેણીએ પાંદડાં ખેરવવાનું કામ એકાએક બંધ કરી દઈને રાતોરાત કૂંપળ પ્રકટાવવાનું શરૂ કરી દીધું. આપણે માણસ છીએ, આપણે વિશે એવું બનવાનો સમ્ભવ નથી. બહાર ચારે બાજુ જ્યારે હવા બદલાય છે, પાંદડાં બદલાય છે, રંગ બદલાય છે, ત્યારેય આપણે તો બળદગાડીના વાહનની જેમ પાછળ ભૂતકાળનો બોજો બાંધીને એના એ ધૂળિયે રસ્તે ચાલ્યા કરીએ છીએ. ત્યારે જે પરોણી લઈને એ બળદને હાંકતો હતો તેની તે પરોણી આજે એની પાસે છે. પંચાંગ હાથવગું નથી પણ આજે ફાગણનો પંદરમો કે સોળમો દિવસ હશે એમ લાગે છે. વસન્તલક્ષ્મી આજે છે. ષોડશી કિશોરી, તેમ છતાં હજુ નિયમિત છાપું બહાર પડે છે, એમાં જોઉં છું તો આપણા રાજકર્તા આપણા હિતને ખાતર કાયદાકાનૂન ઘડવામાં એકસરખા મંડી પડ્યા છે; બીજો પક્ષ એની ઝીણવટભરી ચર્ચા કરવા મંડી પડ્યો છે. જગતમાં આ જ કાંઈ સૌથી મોટી પ્રવૃત્તિ નથી. વાઇસરોય, ગવર્નર, સમ્પાદક અને સહસમ્પાદકે મચાવી મૂકેલી ભારે ધમાલને સાવ અવગણીને, દક્ષિણ સમુદ્રની તરંગોત્સવ-સભામાંથી દર વર્ષે, એ ચિરંતન સંદેશવાહક નવજીવનના આનન્દસમાચાર લઈને પૃથ્વી પર અક્ષય પ્રાણની અભયવાણીનો નવેસરથી પ્રચાર કરવા નીકળી પડે છે, માણસને માટે આ કાંઈ નાનીસૂની વાત નથી. છતાં આ વાત વિચારવાની આપણને ફુરસદ જ નથી. એ જમાનામાં વાદળ ગરજે ત્યારે ભણવાનું બંધ થતું, વર્ષાઋતુમાં પ્રવાસીઓ ઘરે પાછા ફરતા. વરસાદના દિવસોમાં ભણાય નહી, વર્ષાઋતુમાં પરદેશમાં ધંધો કરી શકાય નહીં, એવું તો મારાથી કેમ કહેવાય? માણસ સ્વાધીન ને સ્વતન્ત્ર, એ કાંઈ જડ પ્રકૃતિનો છેડો ઝાલીને એની પાછળ પાછળ ફર્યા કરતો નથી. પણ આપણામાં જોર છે, તેથી કાંઈ વિપુલ પ્રકૃતિની સાથે સદા ઝઘડતા જ રહેવું એવું કાંઈ થોડું જ છે? વિશ્વની સામે મનુષ્ય પોતાની કુુટુમ્બિતા સ્વીકારે, આકાશમાં ઉદય પામતા નીલનીલાંજન મેઘના માનમાં ભણવાગણવાનું કે કામકાજ બંધ કરે. દક્ષિણાનિલનો આદર કરીને કાયદાકાનૂનની ચર્ચા બંધ રાખે તો એ સચરાચરમાં બસૂરો લાગે નહીં. પંચાંગમાં અમુક અમુક તિથિએ વેંગણ, શીંગ, કોળું ખાવાનો નિષેધ કર્યો છે; એવા બીજા કેટલાય નિષેધો હોવા જરૂરી છે, કઈ ઋતુમાં છાપું વાંચવું અવૈધ, ક્ઈ ઋતુમાં ઓફિસમાંથી ગુલ્લો નહીં મારીએ તો મહાપાતક થાય, તેનો નિર્ણય કરવાનું અરસિકની પોતાની બુદ્ધિ પર છોડવા કરતાં શાસ્ત્રકારો નક્કી કરી રાખે તે જ ઠીક. વસન્તને દિવસે વિરહિણીના પ્રાણ વ્યાકુળ થઈ ઊઠે છે એ વાત આપણે પ્રાચીન કાવ્યમાં વાંચી છે, આજે એ વાત લખતાં આપણને સંકોચ થાય છે; રખે ને કોઈ હાંસી ઉડાવે તો! પ્રકૃતિની સાથેનો આપણા મનનો સમ્પર્ક આપણે આમ કરીને જ છેદતા આવ્યા છીએ. વસન્તમાં સમસ્ત વન-ઉપવનમાં ફૂલ ફૂટવાની વેળા આવે; ત્યારે તો એના પ્રાણની અજતા હોય, વિકાસનો ઉત્સવ હોય ત્યારે આત્મદાનના ઉચ્છ્વાસે તરુલતા, પાગલ થઈ ઊઠે; ત્યારે એને હિસાબ માંડવાનું રજમાત્ર ભાન રહે નહિ; જ્યાં બે ફળ થવાનાં હોય ત્યાં પચ્ચીસ કળી પ્રગટાવી દે. તો શું મનુષ્ય જ આ અજતાના ોતને રૂંધવા નીકળશે? એ પોતાને ખીલવશે નહીં, ફ્ળાવશે નહીં, પોતાનું દાન કરવાય ઇચ્છશે નહીં! તો શું એ પોતાનું ઘર લીંપ્યા કરશે, વાસણ માંજ્યા કરશે? ને જેમને એવી કશી બલા જ નથી તેઓ બપોરના ચાર સુધી ગળપટો ગૂંથ્યા કરશે? આપણે શું એવા નર્યા માણસ છીએ? આપણને શું વસન્તના નિગૂઢ રસસંચારથી વિકસિત તરુલતાપુષ્પપલ્લવ સાથે કશીય લેવાદેવા નથી? એઓ આપણા ઘરનાં આંગણાંને છાયાથી ઢાંકીને, સુવાસથી છાઈ દઈને, બાહુમાં ઘેરીને ઊભાં છે, એઓ આપણે મન એવાં તો પારકાં છે કે એમના પર ફૂલ ખીલી ઊઠે ત્યારે આપણે ડગલો ચઢાવીને ઓફિસે ચાલ્યા જઈએ? કશી અનિર્વચનીય વેદનાથી આપણું હૃદય પણ તરુપલ્લવની જેમ કંપી નહીં ઊઠે? હું તો આજે ઝાડપાન સાથેના ઘણા પ્રાચીન સમયની એ આત્મીયતાનો સ્વીકાર કરીશ. ધમાલમાં પડીને કામ કરતા રહેવામાં જ જીવનની અદ્વિતીય સાર્થકતા છે, એ વાત આજે હું કેમેય માનીશ નહીં. આજે તો આપણને આપણાં જુગજુગની મોટીબેન વનલક્ષ્મીના ઘરે ભાઈબીજનું નિમન્ત્રણ મળ્યું છે. ત્યાં આજે તરુલતાની સાથે સાવ ઘરનાં માણસની જેમ ભળી જવાનું છે; આજે આખો દિવસ છાયામાં પડ્યા પડ્યા ગાળીશું. ધરતીને આજે બે હાથ ફેલાવીને બાઝી પડીશું. વસન્તનો વાયુ આજે વાય ત્યારે એના આનન્દને આપણા હૃદયમાંથી કશા અન્તરાય વિના હુહુ કરીને વહી જવા દઈશું; ત્યાં એ એવો કશો ધ્વનિ જગાડે જેની ભાષાને ઝાડપાન સમજી ન શકે. એવી રીતે ચૈત્રના અન્ત સુધીમાં ધરતી, પવન અને આકાશ વચ્ચે જીવનને કૂણું બનાવીને, હરિયાળું બનાવીને વિખેરી દઈશું; તડકી છાંયડીમાં, કશું બોલ્યા વિના પડ્યા રહીશું. પણ અરે, કશું કામ બંધ થતું નથી, હિસાબનો ચોપડો ખુલ્લો ને ખુલ્લો જ રહે છે, નિયમના જંતરડામાં, કર્મના ફંદામાં ફસાઈ પડ્યો છું, અહીં વસન્ત આવે તોય શું ને જાય તોય શું! મનુષ્યસમાજની આગળ મારું સવિનય નિવેદન છે કે આ અવસ્થા સારી નથી. એને સુધારવાની જરૂર છે. વિશ્વથી સ્વતન્ત્ર રહેવામાં જ માણસનું ગૌરવ રહ્યું છે એવું નથી. મનુષ્યમાં વિશ્વનું બધું વૈવિધ્ય રહેલું છે માટે જ માણસ મોટો છે. માણસ જડની સાથે જડ, તરુલતાની સાથે તરુલતા, પશુપંખીની સાથે પશુપંખી થઈને રહે છે. પ્રકૃતિના રાજમહેલના અનેક ઓરડાઓનાં અનેક દ્વાર એને માટે ખુલ્લાં છે. પણ ખુલ્લાં હોય તેથી શું વળે! દરેક ઋતુમાં જુદા જુદા મહેલમાંથી જ્યારે ઉત્સવનું નિમન્ત્રણ આવે ત્યારે જો માણસ એને સ્વીકારે નહીં ને પોતાની પેઢીની ગાદી પર જ પડ્યો રહે તો પછી એને આવો મોટો હક મળ્યો છે શા માટે? પૂરા મનુષ્ય થવાને માટે એને બધું જ થવું પડશે. આ વાત ભૂલી જઈને માણસે મનુષ્યત્વને વિશ્વવિદ્રોહની એક નાની શી ધજા રૂપે શા માટે ઊંચે ચઢાવી રાખ્યું છે? શા માટે દમ્ભ કરીને એ વારેવારે કહ્યા કરે છે : ‘હું જડ નથી, હું ઉદ્ભિદ નથી, હું માણસ છું. હું માત્ર કામ કરી જાણું, ટીકા કરી જાણું, રાજ કરું ને બળવો કરું?’ એ કેમ કહેતો નથી: ‘હું સમસ્ત છું, સૌની સાથે મારો અબાધિત સમ્બન્ધ છે, સ્વાતન્ત્ર્યનો ધજાગરો મારો નથી.’ અરે, સમાજના પિંજરમાં પુરાયેલા પંખી! આકાશની નીલિમા આજે વિરહિણીની આંખોના જેવી સ્વપ્નોથી ઘેરાયેલી છે, પાંદડાંની હરિયાળી આજે તરુણીના ગાલના જેવી નવીન છે, વસન્તનો વાયુ આજે મિલનને માટેની આકાંક્ષાના જેવો ચંચળ છે, તોય તારી બે પાંખો તો આજે બંધ જ છે, તોય તારા પગમાં આજે કાર્યની સાંકળ ખન્ખન્ કરીને રણકે છે, શું આનું જ નામ માનવજન્મ! (બંગદર્શન, માર્ચ ૧૯૦૩)
(રવીન્દ્ર નિબંધમાલા ૨)