૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય

From Ekatra Wiki
Revision as of 12:07, 6 October 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૨. ઉમાશંકર જોશીનું કથાસાહિત્ય

ધનસુખલાલ મહેતાએ ‘આરામખુરશીએથી’ ગ્રંથમાં ઉમાશંકરનાં ‘વિવિધ કાર્યોનો ક્રમ’ (ઉચ્ચાવચ ક્રમ જ ને ?) ગોઠવીને નીચે પ્રમાણેની વ્યવસ્થા [1] આપી છે !

૧. કવિ તરીકે ૨. એકાંકી નાટ્યકાર તરીકે ૩. સંશોધનકાર અને કાવ્યવિવેચક તરીકે ૪. નવલિકાકાર તરીકે ૫. નવલકથાકાર તરીકે

આ વ્યવસ્થા કંઈક વિચિત્ર છે ને આમેય ‘કાવ્યવિવેચક’ અને ‘નવલિકાકાર’માં કાવ્યવિવેચકને પ્રથમ સ્થાન કયા ધોરણે એ કેટલીક રીતે અટકળનો વિષય પણ રહે છે. આવાં જોખમી તારણોથી વિવેચકે બચતા રહેવું એ જ ઇષ્ટ છે, ને છતાંય પ્રસંગોપાત્ત, એવી વાત કરવાની આવે ત્યારે સર્જન અને વિવેચનના અલગ ક્ષેત્ર પૂરતો તો વિવેક કરવો જ જોઈએ. વળી આ તો ‘જ્યોતિર્ધર’માંનું ૪–૯–૧૯૪૩ની તારીખનું લખાણ છે. તે પછી તો ઉમાશંકરનું નિબંધકાર, ચરિત્રકાર આદિની હેસિયતથી થયેલું કાર્ય તો બાકી જ રહે છે. ઉમાશંકરનું જેમ ગુજરાતી કવિતા અને એકાંકીના ક્ષેત્રમાં, તેમ ટૂંકી વાર્તામાં પણ પ્રદાન મહત્ત્વનું છે અને તેથી એમના વાર્તાક્રમની ચર્ચા વિનાનો ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ અધૂરો જ રહે. જેમ કવિતામાં તેમ વાર્તામાં પણ સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ જોડાજોડ બોલાય છે અને તેથી ધનસુખલાલ જેવા સાહિત્યકાર નીચેનાં જેવાં રમૂજ પડે એવાં વિધાન પણ કરી બેસે છે. તેઓ અલબત્ત, આશ્ચર્યવિરામ વાપરીને લખે છે :

“કવિતાના ક્ષેત્રમાં ઉમાશંકરે સુન્દરમ્ને મહાત કર્યા એ વાત સૌ કોઈ સ્વીકારી લે છે, તે પ્રમાણે નવલિકાના ક્ષેત્રમાં સુન્દરમે ઉમાશંકરને ચીત કરી દીધા છે એની પણ કોઈ ના નહિ પાડી શકે !” [2]

આ દરેકની વાર્તાકાર તરીકેની પોતાની આગવી ખૂબી છે અને તેથી શુદ્ધ વાર્તાકલાની દૃષ્ટિએ જ એમના વાર્તાકર્મનું સામર્થ્ય તપાસાય એ ઇષ્ટ છે. સુન્દરમ્ ‘ખોલકી’ લખી શક્યા, ઉમાશંકર લખી શકે ? – આવા પ્રશ્નો ઊભા કરીને બંનેના વિશિષ્ટ સર્જકવ્યક્તિત્વ પ્રત્યે ધ્યાન પણ કેન્દ્રિત કરી શકાય. બંનેની વાર્તાકલાની તુલના અમુક હદ સુધી રસપ્રદ પણ રહે; દા. ત., જયંત પાઠકે આ બંનેના સંદર્ભે વાત કરતાં લખ્યું છે :

“સુન્દરમ્ની વાર્તાઓની જેમ ઉમાશંકરની છ વાર્તાઓમાં પણ ગ્રામજીવન ને નગરજીવનનું નિરૂપણ થયું છે. વિચારસરણી ને જીવનદર્શનમાં આ બંને સાહિત્યકારો વચ્ચે સામ્ય જોવા મળે છે તો બંનેની વાર્તાકલામાં કેટલાંક પોતીકાં લક્ષણો પણ પ્રતીત થાય છે. સુન્દરમ્ની વાર્તાઓમાં ક્યારેક પ્રસ્તાર જોવા મળે છે, પ્રયોજન વધારે પડતું મુખરિત થતું જોવા મળે છે જ્યારે ઉમાશંકરમાં પ્રયોજન ને સંવિધાન વચ્ચેની સમતુલા વધારે જળવાતી જણાય છે. સુન્દરમ્ની વાર્તામાં એક અસલ, લોહીનો આવેગ છે, ઉમાશંકરમાં સ્વસ્થતા અને સફાઈ છે. માનવચિત્તનાં સૂક્ષ્મ સંચલનો આલેખવાનું વલણ ઉમાશંકરમાં વધારે જોવા મળે છે.” [3]

આ નિરીક્ષણ કેટલીક રીતે રસપ્રદ બન્યું છે. આમ છતાં એક જવાબદાર વાર્તાવિવેચક તરીકે જે તે અભ્યાસીએ ઉમાશંકરની વાર્તાકલાનો સૌપ્રથમ તો સ્વતંત્ર રીતે જ અભ્યાસ કરવો જોઈએ. ઉમાશંકર આપણા એક અત્યંત રસપ્રદ વાર્તાકાર છે એ નિ:શંક છે.

આ નિરીક્ષણ કેટલીક રીતે રસપ્રદ બન્યું છે. આમ છતાં એક જવાબદાર વાર્તાવિવેચક તરીકે જે તે અભ્યાસીએ ઉમાશંકરની વાર્તાકલાનો સૌપ્રથમ તો સ્વતંત્ર રીતે જ અભ્યાસ કરવો જોઈએ. ઉમાશંકર આપણા એક અત્યંત રસપ્રદ વાર્તાકાર છે એ નિ:શંક છે. ઉમાશંકર પોતે જ જણાવે છે તેમ, તેમણે ‘વાર્તા લખવાનો આરંભ કર્યો ૧૯૩૦માં વીરમગામ સત્યાગ્રહ છાવણીમાં ભાઈ વજુ કોટકને સાથ આપવા.’ [4] આમ પદ્યમાં તો તેમની ખટાપટી ચાલતી જ હતી અને દરમ્યાન વજુ કોટકને ‘સાથ આપવા’ વાર્તા જેવું કંઈક લખવા પ્રેરાયા. આના પરિણામરૂપે બે વાર્તાઓ લખાઈ. પોતે જ નોંધે છે તેમ, ‘એ ‘બંને વાર્તાઓમાં બનાવ લગભગ ન જેવો’ હતો અને ‘બંને વાતાવરણની વાર્તાઓ” [5] હતી. વળી વાર્તારચનાના આરંભકાળમાં વાતાવરણની વાર્તા અજમાવવી મુશ્કેલ ને છતાંય એવા મુશ્કેલ સર્જનકર્મ તરફ તેમની રુચિ થઈ એ નોંધપાત્ર ઘટના કહેવાય. એમની પહેલી વાર્તામાંનું વસ્તુ પણ રસજ્ઞોએ ધ્યાનમાં લેવા જેવું તો ખરું જ. એ વાર્તામાં શહેરની એક બાળકી એકાએક અબોલ થઈ જતાં, અનેક નિષ્ફળ ઉપચારો બાદ, તેને કુદરતને ખોળે લઈ જવામાં આવે છે અને ત્યારે ત્યાં પંખીઓ, ઝરણાં વગેરેના સંગમાં એની વાણી રૂમઝૂમ રમવા માંડે છે. [6] એ વાર્તાનું નામ ‘ગોરુંજાની ખીણો’ હતું. ઉમાશંકરે વાર્તાલેખનનું આ સાહસ કર્યું તે પૂર્વે તેઓ કેટલાક ઉત્કૃષ્ટ વાર્તાકારોની વાર્તાઓ વાંચવાનો લહાવો મેળવી શક્યા હતા. ઇન્ટરના અભ્યાસક્રમમાં તેમને ટૂંકી વાર્તાઓનો એક અંગ્રેજી સંગ્રહ ભણવા મળ્યો હતો. એ સંગ્રહમાં પૉ, હૉથૉર્ન, બ્રેટહાર્ટ, સ્ટીવન્સન ને ગાલ્સવર્ધી જેવાની વાર્તાઓ હતી. વળી આલબ્રાઇટનું ટૂંકી વાર્તાના સાહિત્યસ્વરૂપ વિશેનું પુસ્તક પણ તેમના જોવામાં આવેલું. ધૂમકેતુનું ‘તણખા-મંડળ પહેલું’ તેમ જ ‘દ્વિરેફની વાતો – ભાગ પહેલો’નું વાચન કરવાની તક તેમને મળી હતી. તદુપરાંત મૅટ્રિકના અંગ્રેજી ગદ્યપદ્યસંગ્રહની ટાગોરની રાયચરણ(પુનર્જનમ)ની વાર્તા તેમ જ ‘કાબુલીવાલા’ તથા ‘મલયાનિલ’ની ‘ગોવાલણી’ વાર્તાનો પરિચય પણ તેમને થયેલો. એમાં વળી ગાય દ મોપાસાં જેવા વિશ્વખ્યાત વાર્તાકારની પચીસેક વાર્તાઓ વાંચવા મળી. ઉમાશંકર કહે છે તેમ એ ‘વાર્તાઓ તેમણે ‘અંદરથી વાંચી.’ [7] પ્રત્યેક વાર્તા શતરંજની રમત હોય એમ લેખકની એકેએક ચાલ પર તેઓ નજર રાખતા. આ વાર્તાઓ તેમણે અનેક વાર વાંચી. [8] અને તેથી સફલ વાર્તાનો કીમિયો તેઓ સહેજે સમજી શક્યા.[9] તેઓ આ સજ્જતા સાથે વાર્તાલખનક્ષેત્રે પોતાનું કાર્ય આરંભે છે. પેલા અપ્રકટ વાર્તાપ્રયોગો બાદ કરતાં તેમની સૌપ્રથમ વાર્તા ‘ગુજરીની ગોદડી’ જુલાઈ, ૧૯૩૩માં લખાયેલી છે. આ વાર્તાને અને મોપાસોંને, લેખક કહે છે તેમ, કશો જ સંબંધ જોવા મળતો નથી. [10] ઉમાશંકર લખવા ગયેલા લલિત નિબંધ અને એ માટેના ‘નવા પ્રયત્ને’ લખી બેઠા આ વાર્તા ‘ગુજરીની ગોદડી’. આમેય એમના મતાનુસાર લલિત નિબંધ અને ટૂંકી વાર્તા વચ્ચે આછું જ અંતરપટ હોય છે [11] અને તેથી આ વાર્તામાં કેટલુંક લલિત નિબંધ જેવું જોવા મળે એવો નિરૂપણનો ઢાંચો છે ખરો. છતાંય એ એમના મતે વાર્તા છે ને ‘વાતાવરણની વાર્તા’ છે. આ પ્રથમ પ્રસિદ્ધ વાર્તા જ આપણા એક પ્રશસ્ત વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરને એમણે સંપાદિત કરેલ ‘આપણી શ્રેષ્ઠ નવલિકાઓ’[12] માં સમાવવા જેવી લાગેલી ! આ પછી ઉમાશંકરે ખૂબ ઝડપથી વાર્તાઓ આપી છે. ઉમાશંકરે પ્રથમ કવિતા, પછી નાટક અને પછીથી જ આ વાર્તાઓ આપી ને તેથી જ તેઓ ‘શ્રાવણી મેળા’ના નિવેદનમાં વાર્તાકાર તરીકે ‘વાસુકિ’ ઉપનામ રાખવા વિશે ખુલાસો કરતાં લખે છે : “છૂટક કાવ્યો અને એકાંકી નાટકો પોતાના જ નામે પ્રગટ થતાં હતાં એટલે વળી વાર્તાઓ પણ એ રીતે પ્રસિદ્ધ થાય તો રખે ને કોઈનેય એમ થાય કે ક્યાં બધા જ સાહિત્યપ્રકારોમાં માથું મારવા જાય છે, એવી કલ્પિત આશંકાથી ઉછીનું ઉપનામ મેળવીને કામ ચલાવ્યું હતું.” [13] ઉમાશંકરે ‘વાસુકિ’ ઉપનામ શ્રીદામ ભટ્ટ પાસેથી મેળવ્યું હતું. [14] આ ઉપનામ પછી છેલ્લે છેલ્લે એમણે ‘શ્રવણ’ [15] ઉપનામથી પણ વાર્તાઓ લખવા માંડેલી. ‘તરંગ’ [16], ‘ધરમ’[17], ‘બે બહેનો’ [18] – આ વાર્તાઓ તેમણે ‘શ્રવણ’ ઉપનામથી લખેલી. (આમાંની ‘ધરમ’ વાર્તા અગ્રંથસ્થ છે.) ઉમાશંકરે એમની વાર્તાકળાની આગેકૂચમાં ‘તરંગ’ વાર્તાને સીમાંક બનાવી જણાય છે. તેઓ પોતાની વાર્તાકળા અંગેનો પરિપ્રેક્ષ્ય રજૂ કરતાં, ભવિષ્યના વાર્તાવલણ વિશે અટકળ કરતાં જણાવે છે કે “વાર્તા કહી જવા માટે ટૂંકી વાર્તામાં રસ ઓછો હોવાથી અને આયોજન-પ્રયોગ ઉપર વધુ નજર હોવાથી ભવિષ્યમાં વાર્તા તરફ વળું તો ‘તરંગ’ની દિશામાં અને આંતરચેતનાપ્રવાહના નિરૂપણની દિશામાં પ્રયત્નો વિશેષ રહે એ બનવાજોગ છે.” [19] આમ કહેનાર ઉમાશંકરની સૌથી છેલ્લી ગ્રંથસ્થ વાર્તા ‘અદાलત કે અદાवત ?’ ‘તરંગ’-શૈલીની કથા તો ન જ ગણાય. ઉમાશંકરની વાર્તાઓ અભિહિત અર્થમાં ‘ટૂંકી’ વાર્તાઓ છે. એમની ‘બે બહેનો’ વાર્તા તો માંડ અઢી પાનાંની (‘સંસ્કૃતિ’નું તો એક જ પાનું) છે. એમની વાર્તાઓ માટે ‘અનુભૂતિકણ’ શબ્દ બરોબર બંધ બેસતો આવે છે. ઉમાશંકરની નજરને ઘટનામાં ઘટનાને ખાતર રસ હોય એમ જણાતું નથી. માનવજીવનને લગતું કોઈ રહસ્ય નિષ્પન્ન કરવામાં એમને રસ હોય છે. એમની વાર્તાકળાને રા. વિ. પાઠકની વાર્તાકળાના અનુસંધાનમાં જોવી ઘટે. જેમ પાઠકે તેમ ધૂમકેતુએ પણ એમની વાર્તાકળાના વિકાસમાં પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે – ગુજરાતી ટૂંકી વાર્તાની પરંપરાની રીતે ભાગ ભજવ્યો હશે જ, આમ છતાં ટૂંકી વાર્તા માટે વિશિષ્ટ ભાવપરિસ્થિતિ સર્જવાની બાબતમાં એમની પ્રયોગશીલતા સહેજેય ધ્યાનાર્હ બની રહે છે. તેમણે વાત કહેવાનું જ નહિ, વાત બરોબર બનાવવાનું ને એ રીતે કહેવાનું પણ તાક્યું છે ને તેથી વાર્તાકળાની વિવિધ તરેહોના વિકાસના સંદર્ભમાં એમની વાર્તાઓનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે.

______________________________________________________

T ઉમાશંકર ‘રહસ્ય’ (જીવનરહસ્ય)નો અર્થ ‘તાત્ત્વિક ફિલૉસૉફિક સત્ય’ એવો કરતા નથી. તેઓ ટૂંકી વાર્તાના જીવનરહસ્ય તરીકે એમાં ‘વૃત્તાંત વડે શબ્દદેહ પામેલી ભાવપરિસ્થિતિ’નો નિર્દેશ કરે છે. (‘શૈલી અને સ્વરૂપ’, 1972, પૃ. 114)

T ઉમાશંકરે ટૂંકી વાર્તાનો પરિચય આપતાં જે લખ્યું છે તે આ સંદર્ભમાં સ્મરણીય છે. તેઓ જણાવે છે : ‘ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ કથ્ય વૃત્તાન્તની મદદથી લીધેલો કલાઘાટ !’ ઉમાશંકર આજની ટૂંકી વાર્તાનું સંપૂર્ણ રહસ્ય એના કલાઘાટના આકલન વિના તો પામી જ ન શકાય એમ માનતા જણાય છે.

  1. આરામખુરશીએથી, ૧૯૪૫, પૃ. ૧૯૫.
  2. એજન, પૃ. ૧૮૭.
  3. ટૂંકી વાર્તા : સાહિત્ય અને સ્વરૂપ, માર્ચ, ૧૯૭૪, પૃ. ૭૫.
  4. પ્રતિશબ્દ, ઑક્ટો., ૧૯૬૭, પૃ. ૨૨૨.
  5. એજન, પૃ. ૨૨૨.
  6. એજન, પૃ. ૨૨૨.
  7. એજન, પૃ. ૨૨૪.
  8. આ વાર્તાઓનો સંગ્રહ તે ‘ટેઇલ્સ ઑફ ડે ઍન્ડ નાઇટ’. માર્જરી લૉરીએ કરેલ વાર્તાનુવાદો એ છે. એ વાર્તાઓ મોપાસોંની ઉત્તમ વાર્તાઓ નથી એ પણ ઉમાશંકર જણાવે છે. (પ્રતિશબ્દ, પૃ. ૨૨૪)
  9. ‘કોઈનો પ્રભાવ સાચી રીતે અનુભવવાની રીત’ (પ્રતિશબ્દ, પૃ. ૨૨૪) આ રીતે સમજણમાં પરિણમતી ઉમાશંકરમાં જણાય છે.
  10. પ્રતિશબ્દ, પૃ. ૨૨૪.
  11. એજન, પૃ. ૨૨૪–૫.
  12. જુઓ આપણી શ્રેષ્ઠ નવલિકાઓ, જૂન, ૧૯૬૨, પૃ. ૧૨૭–૧૪૬.
  13. નિવેદન; શ્રાવણી મેળો, પૃ. ૫.
  14. પ્રત્યક્ષ મુલાકાતને આધારે.
  15. જોકે સમયદૃષ્ટિએ સૌથી છેલ્લી ગ્રંથસ્થ વાર્તા ‘અદાलત કે અદાवત ?’ એમણે ‘વાસુકિ’ ઉપનામે લખેલી. સંસ્કૃતિ, ડિસે., ૧૯૫૧, પૃ. ૪૬૫.
  16. સંસ્કૃતિ, નવેમ્બર, ૧૯૪૭, વર્ષ : ૧, અંક : ૧૨, પૃ. ૪૨૩–૪૨૫.
  17. સંસ્કૃતિ, ઑક્ટોબર, ૧૯૪૮, વર્ષ : ૨, અંક : ૧૦, પૃ. ૩૭૭–૭૯, ૩૮૫.
  18. સંસ્કૃતિ, ડિસેમ્બર, ૧૯૪૮, વર્ષ : ૨, અંક : ૧૨, પૃ. ૪૬૬.
  19. પ્રતિશબ્દ, પૃ. ૨૨૭.