રવીન્દ્રપર્વ/રવીન્દ્રનાથની કવિતા - ગતિ અને વ્યાપ્તિ
રવીન્દ્રનાથની કવિતા સાથેના પ્રથમ પરિચયની સ્મૃતિ આજેય અત્યન્ત સ્વચ્છ છે. ચૈત્ર-વૈશાખના અનધ્યાયના એ દિવસો હતા. આથી મનને ગમતું ભોજ્ય શોધી લેવાની અનુકૂળતા હતી. નવસારીની ફતેસિંહરાવ લાઇબે્રરીમાંથી ભૂરા પૂઠાની, મેકમિલન કંપનીએ પ્રસિદ્ધ કરેલી, રવીન્દ્રનાથની એક ચોપડી હાથે ચડી. એમાં પાનું ઉથલાવતાં આ પંક્તિ નજરે ચડી:ર્ ંહ સચહઅ ચ કનીીૌહય ર્સસીહાજર્ ક સઅ નૈકી ર્રે રીજા નીકા ્રઅ જૈયહજર્ ક ીાીહૈાિઅ. એ પંક્તિ વજ્રલેપ બની ગઈ. આજે, પચ્ચીસ વર્ષ પછી, રવીન્દ્રનાથનો આ પંક્તિ દ્વારા આભાર માનું છું.
કોલેજના અભ્યાસકાળ દરમિયાન શિક્ષણક્રમમાં ક્યાંય રવીન્દ્રનાથનું નામ સાંભળ્યું નહીં. એમનાથી ઊતરતી કોટિના કવિઓની કવિતાઓ ‘ભણ્યા’. ઘણા એવા બંગાળી સજ્જનો પણ મળ્યા જેમણે રવીન્દ્રનાથથી અપરિચિત હોવામાં ગૌરવ અનુભવ્યું. એક મિત્ર આખરે આવી મળ્યો. એનેય મારા જેવી જ ઝંખના. રવીન્દ્ર રચનાવલિની પાકા પૂઠામાં બાંધેલી, સોનેરી અક્ષરે લખેલા નામવાળી, એ ચોપડી હજુ યાદ છે. કિંગ્ઝ સર્કલના બગીચામાં બેસીને ‘કક અજમર ગય છ’ની પદ્ધતિએ, રવીન્દ્રનાથે મૃત પત્નીના સ્મરણમાં લખેલી કવિતાઓ ‘સ્મરણ’ સૌ પહેલાં વાંચવા માંડી. પયારનું રૂપ ઓળખી લીધું ને મંડ્યા સીધા અનુવાદ કરવા, સંયુક્તાક્ષરોએ ઠીક તકલીફ આપી. રવીન્દ્રનાથની કવિતા સાથેની આ મારી પ્રથમ શુભ દૃષ્ટિ.
ત્યાર પછી તો રવીન્દ્રકાવ્યમાં રસબસ થઈને વર્ષો સુધી મહાલ્યા કર્યું છે. એના સંગીતની મોહિની, એની બાનીનો વૈભવ, એની કલ્પનાસૃષ્ટિનું બૃહત્ ફલક — આ લખલૂટ માણ્યું છે. એ ઋણ કદીય ચૂકવી શકાય એવું નથી. આજે એ આનન્દની સ્મૃતિ ધન્યતાપૂર્વક આલેખું છું. રવીન્દ્રનાથની કવિતામાં સૌથી પ્રથમ નજરે ચઢે છે તે એની અજસ્રતા. પ્રકૃતિના જેવી જ એની અજસ્રતા છે. ઘણું વિનાકારણે વેડફાઈ જતું લાગે, ઘણું શબ્દાળુપણામાં સરી જતું લાગે પણ પ્રકૃતિય કેટલું વેડફી મારે છે! કહે છે કે વાતચીતમાં રવીન્દ્રનાથ કંઈ કેટલીય વાર્તાઓનાં વસ્તુ કહી નાખતા. પોતાને તો એ બધું લખવાનો સમય મળતો નહોતો. તેમ છતાં એમણે શું શું નથી કર્યંુ? નવલકથા, નવલિકા, નાટક, સંગીતિકા, નૃત્યનાટિકા, નિબન્ધ, કવિતા — એ ઉપરાંત પોતાની આગવી સંગીતપ્રણાલી, ચિત્રકળા. આથી જ ફરી વાર કહું છું કે એમની પ્રતિભાનો મુખ્ય ગુણ અજસ્રતા, એઓ વૈરાગ્યના નહીં, ઐશ્વર્યના જ સદા પુરસ્કર્તા રહૃાા છે. રવીન્દ્રનાથની કવિતાનો સૌથી ઘનિષ્ઠ સમ્બન્ધ પણ પ્રકૃતિ સાથે છે. પ્રકૃતિમાં કાલાતીત એવી સનાતનતા રહેલી છે. પ્રકૃતિ સાથેના નિબિડ અપરોક્ષ સમ્બન્ધસૂત્રે રવીન્દ્રનાથ પોતાની ચેતનાને એ કાલાતીત બૃહત્ સાથે સંપૃક્ત કરી દે છે. એમની ક્ષણ શાશ્વત તરફ ઉન્મુખ બનેલી હોય છે. ક્ષણનો શાશ્વતતા તરફનો વળાંક, એની બંકિમતા એ એમની કવિતાની મનોહર મુદ્રા આંકી દે છે. ‘શેષ સપ્તક’માં ઘણી બધી કવિતા છે, જેમાં કવિ વ્યવહારની તુચ્છ લાગતી ઘટનાથી શરૂઆત કરીને એકાએક આપણને વિશાળ ફલક પર મૂકી દે છે. નાનું સરખું સંવેદન પણ શાશ્વતની ઝંકૃતિ મૂકી જાય છે. વાલ્મીકિ અને કાલિદાસ પછીથી ઘણે લાંબે ગાળે આપણા દેશની પ્રાકૃતિક છબીને આપણી આગળ સાકાર કરનાર કવિ આપણને મળ્યો. પ્રકૃતિવર્ણનને શોભાની ટીપકી રૂપે રવીન્દ્રનાથ વાપરતા નથી. પ્રકૃતિના અન્તરંગ સાથે આપણા અન્તરંગના ઘનિષ્ઠ સમ્બન્ધને એઓ ભારે સૂક્ષ્મતાથી પ્રકટ કરે છે, પ્રસ્તુત અને અપ્રસ્તુતનો સમ્બન્ધ જોડતાં એઓ સાથે સાથે આપણને અગોચર એવી આપણી ભાવસૃષ્ટિનો મોટો ખણ્ડ પણ ભેગો જોડી દે છે. કાલિદાસનો વારસો લઈને એઓ આગળ ચાલ્યા છે, આપણા દેશની આખી કાવ્યપરમ્પરાને આત્મસાત્ કરીને એમણે પોતાનું વિશિષ્ટ ઉપજાવ્યું છે. એ વિશિષ્ટ શું છે? ક્ષણને શાશ્વતની અમૃતરેખા રૂપે ઉપસાવી આપવી, એ એમનો વિશેષ છે એમ નિ:સંકોચપણે કહી શકાય. એમની કાવ્યરચનાના સન્દર્ભમાં એક પ્રકારનું, સૃષ્ટિના આદિ કાવ્યનું વાતાવરણ છે. એમાં વ્યાપ્તિ છે, જટિલતા નથી; નિબિડતા છે, અસહૃાતા નથી. આથી આધુનિક કવિતાના બહુમુખી વિકાસથી અનભિજ્ઞ તદ્વિદ્ને કેટલીક વાર એમની કવિતાની આ એક સૌથી મોટી મર્યાદા લાગે છે. પ્રકૃતિ સાથેના કવિના સમ્બન્ધમાં ઘાતસંઘાતની સમ્ભાવના નથી. પણ આપણે આપણી અંદર જ કેટલા વિચ્છિન્ન અંશોને લઈને જીવીએ છીએ! આપણી અંદર ચાલી રહેલા મહાભારતનો કોઈ વિષ્ટિકાર નથી. એનો ઓગણીસમો દિવસ હજુ ઊગ્યો જ નથી. ચેતના, અવચેતનાહ્ય્ય નિમ્નતમ સ્તરે પહોંચીને, એના મૂક અન્ધકારના હાર્દને તાગીને સ્ફટિકકઠિન કલ્પનો ઉપજાવવાં, એ અરાજકતાના ઉદ્દામ લયને પકડીને ભાષાને ચકાસી જોવી — આવું કશું રવીન્દ્રનાથે કર્યું નથી. આથી એમની કવિતાને જાણે આપણા યુગ સાથે નાડીસમ્બન્ધ છે જ નહીં.
રવીન્દ્રનાથની કવિતા રૂપમાંથી અરૂપમાં સરી પડવાના સન્ધિસ્થાને રચાય છે. ગતિને સંહતિ — આ ત્રણ પગલાં પૈકીનું છેલ્લું કદાચ એઓ સિદ્ધ કરી શક્યા નથી. ગતિ સંગીત ઉપજાવે છે. એમની પ્રારમ્ભિક રચનામાં સંગીતતત્ત્વનું પ્રાધાન્ય છે. અલંકારપ્રચુરતા છે. પ્રાત:કાળે અન્ધકારમાંથી અરુણિમાની પ્રથમ ટશર ફૂટે છે ત્યારે એ આખી સૃષ્ટિને અલંકૃત કરી દે છે. વૃક્ષને પર્ણે પર્ણે, જળને તરંગે તરંગે, ભૂંડાભખ ઘરને છાપરે છાપરે એ લખલૂટ અલંકાર વેરે છે. રવીન્દ્રનાથની પ્રારમ્ભની કવિતામાં આવી પ્રાત: સમયની અલંકારપ્રચુરતા છે. પણ કવિ પોતે જ એનાથી અકળાઈ ઊઠ્યા છે, પોતાની કવિતાને ‘જેમન આછો તેમનિ એસો, આર કોરો ના સાજ’ એમ કહીને નિરાભરણ અવસ્થામાં જ પ્રકટ થવાનું એમણે કહ્યું છે. ‘નૈવેદ્ય’માં પણ સૂચન છે. આ નરી નિરાભરણતા એમની કાવ્યરચનાના અન્તિમ પર્વે પ્રકટ થાય છે. ત્યારે ગતિસંહતિની દશાને પ્રાપ્ત કરવાની અણી પર હોય એવું લાગે છે. અન્ધકારભર્યા ઓરડામાં મૂકેલા ઘીના દીવાની પાતળી જ્યોત આજુબાજુના અન્ધકારને જે તીક્ષ્ણતાથી કાપીને તેજવર્તુળ કોરી કાઢે છે, તે તીક્ષ્ણતાથી કવિ કાવ્યનો સન્દર્ભ રચી દે છે. ‘શેષલેખા’માંની ‘સૂની ખુરશી’વાળી કવિતા જુઓ કે ‘રોગશય્યાય’માંની અન્તિમ કવિતા જુઓ: ઘર બપોર વેળાએ સૂનું સૂનું છે. એક બપોરની આ શૂન્યતા કવિના જીવનની સુદીર્ઘ શૂન્યતાના જુવાળને જાગ્રત કરી દે છે, ને એને માટે ઉપકરણ રૂપે ઘરમાં પડી રહેલી સૂની ખુરશી જ કવિએ પસંદ કરી છે. તેવી જ રીતે બીજી કવિતામાં રોગીને બપોરની તન્દ્રામાં દુ:સ્વપ્ન આવે છે. પગ નીચેની પૃથ્વી સરી જાય છે, ભયથી વ્યાકુળ એ બંને હાથે શૂન્યને બાઝી પડવા જાય છે, ત્યાં જાગી પડે છે. જાગીને જુએ છે તો પાસે બેસીને એક નારી શાન્તિથી પશમ ગૂંથે છે. એની આ મુદ્રામાં અમોઘ શાન્તિનું સમર્થન છે.
રવીન્દ્રનાથ દૂરતાને સૌન્દર્યનું અનિવાર્ય અંગ ગણે છે. આથી જ ‘સેંજુતિ’માં એમણે કહ્યું છે કે દૂરની નીલિમાની ભાષા મારી શિરાએ શિરાએ રણઝણી ઊઠી છે. સ્થળની વ્યાપ્તિ અને સમયની શૂન્યતા આ બંને દૂરતાની અનુભૂતિને તીવ્ર બનાવે છે. આ તીવ્રતાને માટેનું ઉદ્દીપન એક આછા શા સંવેદનમાં, એક લુપ્ત થઈ જતી ક્ષણમાં રહ્યું હોય છે. એને માટે કશું વિપુલ પરિમાણ કવિને યોજવું પડતું નથી. દરેક તૃણના ઉદ્ગમ સાથે વસુન્ધરા પોતાના ‘ગોપન ઘર’નું દ્વાર ખોલીને મરણશીલના વક્ષમાં ઢાંકીને રાખેલા અમૃતના પાત્રને બતાવે છે. આથી ધન્યતાની અનુભૂતિ થાય છે. પણ એ સ્પર્શાતીત હર્ષ શી રીતે કહેવો? પરમના સૂરે જ ચરમની ગતિકડ્ઢા સિદ્ધ થાય, કવિની એ મહત્ત્વાકાંક્ષા છે. આ ‘ચરમ’ની વિરાટ છબિ ઘણી વાર એક બે પંક્તિમાં કવિ સ્ફુટ કરી આપે છે. કોઈકની આંખને ખૂણે અસીમનો ઇશારો દેખાય છે, તો કોઈનાં ચરણની ગતિ અમરાવતીના નૃત્યનૂપુરની ઝંકૃતિથી મનને વિહ્વળ કરી જાય છે. બારણામાંની ચમેલીની ઉદારતા, શીમળાનું પાગલપણું આ બધું કવિને ઋણી બનાવે છે. એમનાં દેહ, પ્રાણ મનને એ અનાદિકાળની માયાથી ભરી દે છે. બકુલનજ્જ શાખાની ફૂલ પ્રકટાવવાની રાગિણી, નિષ્કારણ સેલારા મારતી સમડીનો ઉડ્ડયન આવેગ — આ બધું કવિના રક્તને આદિમ લયથી હિલ્લોલિત કરી મૂકે છે, ને એક વિપુલ અનુભૂતિ, ઊંડે ઊંડેથી વિચ્છુરિત થતી આનન્દમય દ્યુતિ, પરમના સૂરે ગવાતી ચરમની ગીતિકા, પુષ્પિત ફાગણની ગન્ધનો છન્દ — બધું કવિચિત્તમાં એકાકાર થઈ જાય છે. આવા જ કશાક છન્દે, કેવળ ચાલવાના નશાથી મત્ત બનેલા મહાકાળની છબિ કવિ આપણને બતાવે છે. કવિ કહે છે કે આ મત્તતા જ વિશ્વનું આદિ ઉપાદાન છે. સવાર વેળાએ ચણ ચણવાને આવતા પંખીની ચટુલતામાં આદિકાળના એ આનન્દનો નૃત્યવેગ કવિને દેખાય છે. એ કાંઈ એક નિમેષની સદ્ય ચંચલતા નથી, એ તો અગણ્ય યુગની અતિ પ્રાચીન ચંચલતા છે. સ્તબ્ધ અને સ્થિર ઊભેલો આંબો એની વૃક્ષછાલની ઓથે સંતાઈને આકાશદૂતની સાથે સદા સંલાપ કરતો જ રહે છે. બારણાં વાસેલા વાસરઘરની ફૂલશય્યામાં પોઢેલાઓની ગોષ્ઠિના જેવું એ છે. તેથી જ તો ફાગણમાં એક દિવસ એકાએક, ખાળી રાખેલું હાસ્ય મોકળું બનીને ગાજી ઊઠે તેમ, એનો આનન્દ ખળખળ કરતો મંજરીએ મંજરીએ મુખરિત થઈ ઊઠે છે. આ આનન્દની ચંચળતા જ કવિને ગમ્ભીર થવા દેતી નથી. વાર્ધક્યમાં પણ એમને ઝંઝોિટી ખમાજના સૂર છેડતાં સંકોચ થતો નથી. આ અનિત્ય છતાં શાશ્વતવાહી ચંચળતામાં જ કવિને અસીમની સ્તબ્ધતાનો અનુભવ થયો છે. જ્યારે જ્યારે કવિને એમ લાગ્યું છે કે એમની ભાષા ધુમ્મસની જડિમાથી અવમાનિત હેમન્તની સવારના જેવી બની ગઈ છે, ત્યારે ત્યારે વનસ્પતિની શ્યામચ્છાયામાં બેસીને એમણે એને સહજ બનાવી લીધી છે. વૃક્ષ પરનો પલ્લવસ્તબક શાખાવ્યૂહની જટિલતાને ભેદીને જે રીતે નિસ્તબ્ધ અવકાશ પર જય મેળવવા આગળ વધે છે, તે રીતે કવિ પણ સૂર્યોદયના મહિમાને માર્ગે અગ્રસર થવા ઇચ્છે છે. લક્ષકોટિગ્રહતારા આકાશમાં જે પ્રકાણ્ડ સુષમાને વહન કરીને કક્ષચ્યુત થયા વિના ગતિ કરી રહૃાા છે, એનો છન્દ જેમ તૂટતો નથી, તેમ કવિ પણ એ પ્રકાણ્ડ સુષમા સાથે છન્દ મેળવીને, કક્ષચ્યુત થયા વિના ગતિ કરવા ઇચ્છે છે. એમના કાવ્યની ગતિનું આ સાચું ચિત્ર છે. રવીન્દ્રનાથની બહુમુખી પ્રતિભા વિશે વિસ્તારથી કહેવું અહીં પ્રસ્તુત નથી. અહીં તો એમનો જે વિશેષ છે તે તરફ જ રસિકોનું ધ્યાન ખેંચીને સહતોષ માન્યો છે. નિર્ઝરનો સ્વપ્નભંગ ‘નિર્ઝરનો સ્વપ્નભંગ’ નામના કાવ્યના ઉદ્ભવ વિશે રવીન્દ્રનાથે જે કહ્યું છે, તે આપણને એમની સમગ્ર કવિતાના ઉદ્ગમસ્થાનનો પરિચય આપી દે છે. એક પ્રભાતે કવિએ ઝાડનાં પાંદડાં વચ્ચેથી સૂર્યનો ઉદય થતાં જોયો. ત્યારે વિશ્વના સાચા રૂપને ઢાંકી રાખતું તુચ્છતાનું આવરણ એકાએક અળગું થઈ ગયું ને વિશ્વ સમસ્તને કવિએ સાચા મહિમાથી મણ્ડિત થયેલું જોયું. પ્રકાશના કિરણે એમની ચેતનાનાદ્વ સર્વ સ્તરને અજવાળી દીધાદ્વ. ત્યારે કવિના ચિત્તમાં વ્યાપી રહેલા એક અજાણ્યા વિષાદનું ધુમ્મસ વિખેરાઈ ગયું. જડ સંસ્કારના હિમથી રૂંધાઈ ગયેલો ચેતનાનો નિર્ઝર મુક્ત થઈને વહી ગયો. એ મુક્ત નિર્ઝરનો કલનાદ પછીથી તો મહાનદ બનીને ઘૂઘવી રહે છે. ફ્રેંચ ફિલસૂફ બર્ગસોંએ કહ્યું છે તેમ આપણી ચેતના તે સ્મૃતિનું જ બીજું નામ છે. એની અંદર જેમ ભૂતકાળ સંચિત થઈને રહેલો છે તેમ ભવિષ્યને માટેની પ્રતીક્ષા પણ રહેલી છે. ચેતનાની આ અખણ્ડ બનીને રહેવાની ઝંખના જ કવિને પીડ્યા કરતી હતી. વર્તમાનની ભૂત અને ભવિષ્ય સાથે અનુસન્ધાન કરવાની અદમ્ય ઇચ્છા, અનેક સંસ્કાર અને અભ્યાસથી પરિમિત વ્યક્તિગત ચેતનાને વિશ્વચેતનામાં કાલવી નાખવાની ઝંખના, સીમાની અસીમને માટેની પ્રબળ આકાંક્ષા, કવિને વ્યાકુળ બનાવી દેતી હતી. આ અદમ્ય અનુસન્ધિત્સા જ કવિની કવિતાનું પ્રધાન પ્રેરક બળ છે. કાલિદાસના ‘મેઘદૂત’માં જે વિરહ છે, તેમાં પણ રવીન્દ્રનાથે સાન્તના અનન્તથી થયેલા વિચ્છેદને જ જોયો છે. સંસારના આપણા અનેકવિધ અનુભવો ચિત્તવીણામાં જે અનેકવિધ સૂર છેડી જાય છે, તે બધાની પાછળ પેલો આદિવિરહનો કરુણ સૂર, દબાવી રાખેલા ‘સા’ની જેમ સદા બજ્યા જ કરતો હોય છે. કદિક એ સૂર ચિત્તના બધા કોલાહલને વટાવીને આપણા મર્મને વીંધી જાય છે. ત્યારે એ વિરહની વેદના આપણને જંપવા દેતી નથી. ત્યાંથી મિલનનો સેતુબન્ધ બંધાવા માંડે છે. રવીન્દ્રનાથની કવિતા તે સીમા અને ભૂમા વચ્ચેનો આવો સેતુબન્ધ છે. કસ્તુરી મૃગના દૃષ્ટાન્ત દ્વારા કવિએ કહ્યું છે કે, આપણે જેને ઝંખીએ છીએ તે આપણી બહાર નથી. એને પામતાં પહેલાં અંદર અને બહારનો ભેદ ઓગાળી દેવો પડે છે. આથી જ તો રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિનો નિષેધ કરીએ તો તો ઈશ્વરનું અપમાન થાય. માટે સર્વ ઇન્દ્રિયોનાં દ્વાર ખુલ્લાં રાખીને રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને વર્ણને ઉમળકાથી આવકારવાં અને ચિત્તધાતુમાં ઓગાળી દેવાં, અને એ રીતે સમૃદ્ધિ અને કૃતાર્થતાના આનન્દનું જ નૈવેદ્ય ઈશ્વરને ધરવું. આનન્દ જ આનન્દમયની સાચી ઉપાસના છે. આથી અસહૃા દુ:ખની અનુભૂતિને પણ પોતાના સત્ત્વથી રસીને ઘૂંટીઘૂંટીને એ આનન્દમાં પરિણમે નહીં ત્યાં સુધી વ્યક્ત કરવી નહીં. ‘સાન્ધ્યગીત’થી તે ‘સોનાર તરી’ સુધીનો સમય તે કવિની કાવ્યરચનાનું ઉદ્યોગપર્વ છે. એ સમય દરમિયાન કવિના ચિત્તમાં પોતાના કથયિતવ્ય વિશે તથા એના વાહન વિશે સંઘર્ષ ચાલી રહૃાો હતો. અભિવ્યક્તિની મુખ્ય બે રીતિ છે; એકમાં કવિ ભાષાના સંગીતધર્મને પારખીને એનો વિનિયોગ કરે છે, બીજીમાં કવિ સુરેખ ચિત્રો આંકીને કથયિતવ્યને તાદૃશ બનાવે છે. આ બન્ને રીતિને આ સમય દરમિયાન કવિ પ્રયોજી જોતા હતા. કથયિતવ્ય પરત્વેનો સંઘર્ષ કવિએ પોતે આમ રજૂ કર્યો છે: ‘મને કદિક કદિક એમ લાગે છે કે મારામાં બે વિપરીત શક્તિઓનું દ્વન્દ્વ ચાલી રહ્યું છે. એક મને હંમેશાં વિશ્રમ અને પરિસમાપ્તિની દિશામાં લઈ જાય છે, તો બીજી મને સહેજે જંપ લેવા દેતી નથી. એક બાજુ વૈરાગ્ય તો બીજી બાજુ વેદના. ખરેખર હું સમજી શકતો નથી કે મારા મનમાં સુખદુ:ખ, વિરહમિલન, પૂર્ણ પ્રેમ પ્રબળ છે કે સૌન્દર્યની નિરુદ્દેશ આકાંક્ષા પ્રબળ છે! સૌન્દર્યની આકાંક્ષા આધ્યાત્મિક સ્વરૂપની, ઉદાસીન, ગૃહત્યાગી, નિરાકારની અભિમુખી છે; પ્રેમ લૌકિક સ્વરૂપનો, આકારની સાથે જડાયેલો છે. એક અનન્ત સુધાનું દાન કરે છે, બીજું અનન્ત સુધાને યાચે છે. હું જો આ બેને એક કરી શકું તો?’ પણ એમની કવિતામાં આ બેનો સમન્વય કદિક જ થયો હશે. કવિ જાણે છે કે અસમ્પૂર્ણ અને પરિપૂર્ણના મિલનમાં જ કવિતાનું સૌન્દર્ય રહેલું છે. કલ્પનાનો કેન્દ્રોત્સારી વેગ અસમ્પૂર્ણની તરફ પરિપૂર્ણને ખેંચી જાય છે. આ બે વેગની સમતુલા જાળવવાનું હંમેશાં બની શકતું નથી. જ્યારે એમ બનતું નથી, ત્યારે કવિતા કાં તો વિક્ષિપ્ત ને હવાઈ બની રહે છે, કાં તો અત્યન્ત સંક્ષિપ્ત અને સંકીર્ણ બની જાય છે. રવીન્દ્રનાથની કવિતા સૌન્દર્યની નિરુદ્દેશ આકાંક્ષા તરફ વધારે ઝૂકી છે. આથી જ તો એમની કવિતામાં સગુણ કરતાં નિર્ગુણની પ્રતિષ્ઠા થયેલી જોઈએ છીએ. માનવીની શોધમાં નીકળેલા કવિ હાડમાંસનાં ઘડેલાં વિશિષ્ટ માનવને પામતા નથી. રૂપસાગરમાં ડૂબકી મારતાં અરૂપ રતન જ એમના હાથમાં આવે છે. માનવના ગૃહસંસારમાં કવિ પ્રવેશી શકતા નથી. રવીન્દ્રનાથ માનવજીવનના સિંહદ્વારના કવિ છે. મનુષ્યથી વેગળા એવા ભગવાનનો પણ એમને ખપ નથી. એમની કવિતામાં નિર્ગુણ પ્રેમનો જ અણસારો મળે છે, છતાં સગુણને માટેની ઝંખના એમને સદા પીડે છે, એ અતૃપ્ત આકાંક્ષા એમને ચંચળ બનાવી મૂકે છે. અતૃપ્ત કવિ આખરે તુષ્ટિ પામે છે એમની બાલ્યસંગિની પ્રકૃતિના સંસર્ગમાં. માનવ સાથેના સમ્બન્ધમાં અનેક દ્વન્દ્વ અને ઘાતપ્રતિઘાતની સમ્ભાવના રહેલી છે, પણ શિશુ અને પ્રકૃતિ સાથેના સમ્બન્ધમાં એવું નથી. પ્રકૃતિ અને શિશુ બન્ને સરળ, સહજ, અબોધ અને મૂક. એની સાથે આપણે ગમે તે ભાવ માણી શકીએ. આથી એમણે વૃદ્ધાવસ્થામાં ‘પૂરબી’ અને ‘શિશુ ભોળાનાથ’ રચ્યાં. વાસ્તવિકતા અને કલ્પનાના સીમાડા પર વિહરતા શિશુચિત્તને કવિએ બરાબર ઓળખ્યું છે. ‘શિશુ’ અને ‘શિશુ ભોળાનાથ’ની કવિતા આ હકીકતની આપણને પ્રતીતિ કરાવે છે. ચંચળતા અને ગતિ રવીન્દ્રનાથની કવિતાનો પ્રાણધર્મ છે. આથી અભિવ્યક્તિની સંગીતરીતિ એમને વધુ અનુકૂળ થઈ પડે છે, સૂરની પાંખ મળતાં એમના શબ્દો આપણા ચિત્તના સપ્તલોકમાં સહેજે ઘૂમી વળે છે. વૈષ્ણવ પદાવલિની કવિ પર થયેલી અસર તે એમની કવિતાના વિકાસમાં એક મહત્ત્વની ઘટના છે. આથી કવિની વાણીમાં માધુર્ય અને લાલિત્યનો સંચાર થયો છે, જે ક્રમશ: વિકાસ પામીને કવિ પાસેથી આપણને શ્રેષ્ઠ લિરિક અપાવે છે. ‘માનસી’ અને ‘સોનાર તરી’ની અધિષ્ઠાત્રી પસ નદી કવિની વ્યાકુળ ચંચળ ચેતનાનું જ પ્રતીક બની રહે છે. એ જ પસ આગળ જતાં ‘બલાકા’ની આકાશગંગા રૂપે આપણને ફરી મળે છે. વચમાં એક જ વાર ‘ચૈતાલી’માં એ ઇચ્છામતી નદીનું રૂપ ધારણ કરીને માનવજીવનની અડોઅડ આવીને વહે છે. એમાં નદીના પ્રવાહ કરતાં કાંઠાને વધારે સ્થાન મળ્યું છે. કવિ ઘડીક પ્રવાહમાંથી કાંઠા પરના જનસમુદાયનાં ચિત્રો આંકે છે. કવિનો માનવપ્રેમ એની વિક્ષિપ્ત અવસ્થાને વટાવી અહીં કંઈક ઘનીભૂત થતો લાગે છે. આવી જ રીતે ભૂત અને ભવિષ્ય પર નજર કરતાં કવિ ‘ક્ષણિકા’માં આશુવિલીયમાન વર્તમાનમાં ગીત ગાઈ લે છે. જીવનનો નમતો પહોર થવા આવ્યો છે, ત્યારે કવિ વર્તમાનની બારીએ બેસીને નિરાસક્ત ભાવે જે કાંઈ બની રહ્યું છે તેને આલેખતા જાય છે. એ બધી ક્ષણો કેવી છે! કોેઈ અશ્રુધૂસર તો કોઈક વળી આનન્દના ભારથી ફાટુંફાટું થતી, કોઈક વિરહવેદનાથી થડકતી તો કોઈક ક્ષણિક મિલનથી સ્પન્દિત — ખરે જ ‘ક્ષણિકા’ લિરિક કવિતાની એક અદ્ભુત રચના છે. કેટલાક લિરિક કવિતાને શ્રેષ્ઠ પંક્તિમાં બેસાડતાં ખંચકાય છે. પણ એક રીતે વિચાર કરીએ તો લિરિક સિવાય બીજે ક્યાંય વિશુદ્ધ કવિતા આપણને ભાગ્યે જ મળે. લિરિક આપણું હૃદય હરવાને નથી કોઈ કથા કહેતું કે નથી ઘટનાની અટપટી જાળ રચતું, એ નાટકની જેમ સંઘર્ષની ચૂડમાં પણ આપણને ભીંસતું નથી. એ ફૂલની ક્ષીણ સુવાસની જેમ, અણજાણપણે આપણા ચિત્તમાં વ્યાપી જાય છે. આપણામાં એક નવી જ ભાવસ્થિતિને સંક્રાન્ત કરે છે ને આપણા ચૈત્ય પુરુષનો ચહેરો બદલી નાંખે છે. આપણને એક નવી જ આબોહવામાં મૂકી દે છે. એ સંગીતના જેવું સૂક્ષ્મ છે. ચિત્તમાં પ્રવેશવા માટે અર્થબોધ થાય એની એને રાહ જોવી પડતી નથી. રવીન્દ્રનાથે એમના પ્રવૃત્તિસંકુલ જીવનમાં સાઠ વરસ સુધી લિરિકની તાજગીને જરાય કરમાવા દીધી નથી, તે એમની જેવીતેવી સિદ્ધિ નથી. રવીન્દ્રનાથ કાલિદાસ, બાણ વગેરે સંસ્કૃત કવિઓના સાચા ઉત્તરાધિકારી છે. સંપત્તિમાં અપ્રમત્તતા, પ્રાચુર્યમાં સંયમ, વૈચિત્ર્યવિલાસમાં સુનિપુણ વૈવિધ્ય — કાલિદાસની આ ગુણસસપત્તિ એમને વારસામાં મળી છે. બાણનો કલ્પનાવૈભવ પણ એમણે આત્મસાત્ કર્યો છે. રવીન્દ્રનાથની ઉપમા-ઉત્પ્રેક્ષાનો સંચય કરવામાં આવે તો એનાં વૈવિધ્ય અને કલ્પનાના ઉત્કર્ષથી આપણને ચકિત કરી દે. ‘કલ્પના’ નામના સંગ્રહમાંનાં ઘણાં કાવ્યો તો જાણે રવીન્દ્રનાથે કાલિદાસ સાથે બેસીને જ લખ્યાં હોય એવું લાગે છે! ‘નૈવેદ્ય’, ‘ખેયા’, ‘ગીતાંજલિ’, ‘ગીતિમાલ્ય’, ‘ગીતાલિ’નો સમય તે રવીન્દ્રનાથની કવિતાનું વનપર્વ છે. એ સમય દરમિયાન કવિપત્ની તથા સન્તાનોનું મૃત્યુ, દેશની તત્કાલીન પરિસ્થિતિથી થયેલો વિક્ષોભ — આ બધાંથી કવિનું ચિત્ત ભૂતકાળ તરફ વળે છે. પિતા દેવેન્દ્રનાથે પાડેલા સંસ્કાર પ્રબુદ્ધ થાય છે અને કવિને ભારતવર્ષની આધ્યાત્મિકતા આકર્ષે છે. આ સમયમાં, ખાસ કરીને ‘ખેયા’ અને ‘ઉત્સર્ગ’ની કવિતામાં વિદાય વેળાનો કરુણ સૂર સંભળાય છે. કવિતા સાન્ધ્ય સમયે ઘેરાતા અન્ધકારની વચ્ચે દૂરના અગોચર લોક તરફ મીટ માંડે છે, ત્યાં દૂર દૂરથી અન્ધકારને વીંધતી એમની દૃષ્ટિ નાની શી તટરેખા ભાળે છે. એ તટરેખા તે જ ‘બલાકા’નો પૂર્વાભાસ. એ પહેલાં ‘ગીતાંજલિ’, ‘ગીતિમાલ્ય’ અને ‘ગીતાલિ’નો નાનો શો દીપ વચમાં આવી જાય છે. એ રવીન્દ્રનાથની કવિતાની ઉપશાખા છે; એ એમની કવિતાની સાચી દિશા નથી. ‘ગીતાંજલિ’નો રંગ ‘ગીતાલિ’માં સાવ ફિક્કો પડી જાય છે. ને કવિ —
હેથા નય, અન્ય કોથા,
અન્ય કોથા, અન્ય કોનો ખાને.
‘અહીં નહીં, બીજે ક્યાંક, બીજે કોઈ સ્થળે’, એમ પુકારીને યાત્રા આગળ આરમ્ભે છે. પશ્ચિમે રવીન્દ્રનાથને ‘ગીતાંજલિ’ના કવિ તરીકે બિરદાવ્યા છે. ટેનિસન, બ્રાઉનિંગ, જ્યોર્જ એલિયટ વગેરેનું સાહિત્ય વાંચીને ધરાઈ ગયેલા ઇંગ્લેંડને ત્યારે અતીન્દ્રિય રાજ્યના અનિર્વચનીય રસની તરસ લાગી હતી. ‘ગીતાંજલિ’ના અંગ્રેજી ગદ્યનો સૂક્ષ્મ લય, ભાષાની પ્રાંજલતા ને અનલંકૃતિ તથા એમાં વ્યક્ત થયેલી અનુભૂતિની સચ્ચાઈનો રણકો — આ બધાંને કારણે એણે પશ્ચિમનું મન જીતી લીધું. ૧૯૦૨થી તે ૧૯૧૪ સુધીનો બાર વરસનો વનવાસ સેવીને રવીન્દ્રનાથની કવિતા ‘બલાકા’માં એનું સૌથી ઉન્નત શૃંગ પ્રકટ કરે છે. કવિએ એ અરસામાં કરેલી પશ્ચિમની યાત્રા દરમિયાન માનવમહેરામણનું દર્શન કર્યું, માનવનો પ્રચણ્ડ પુરુષાર્થ, એના આશાનિરાશાના સંઘાત ને ભવિતવ્યની કેડી પર, એની આગળ વધતી યાત્રાનું દૃશ્ય કવિને જાણે ઢંઢોળીને જગાડી ગયું. ને ‘બલાકા’માં ગતિનો ચંચલ સ્રોત ફરીથી ઉદ્દામ ગતિએ વહી નીકળે છે. એ જીર્ણના વિસર્જનનું, નૂતનના બુલંદ જયનાદનું જ્ઞાન છે. કવિનો છન્દ પણ અહીં નવી છટા દાખવે છે. ‘બલાકા’માં ગતિ અને સંહતિનું અપૂર્વ સામંજસ્ય જોવા મળે છે. અહીં સ્તબ્ધતાનો તપોભંગ થયો છે. અચળ પર્વતથી માંડીને તે તુચ્છ તૃણાંકુર સુધીનું બધું જ ઊડવા અધીરું થઈ ઊઠ્યું છે, પણ એ ગતિ તે બર્ગસોંની નિરુદ્દેશ ગતિ નથી. એ પરિણતિ તરફ અગ્રેસર થયેલી ગતિ છે. તેથી જ કવિને પ્રલયને પેલે પાર નૂતનના અભ્યુદયની ઝલક દેખાય છે. કવિને ધરતીના સન્તાન માનવીની ખૂબ માયા છે. માટીના પાત્રમાં આનન્દરસ રેડવો એને જ કવિએ પોતાનું કર્તવ્ય લેખ્યું છે. એ ધરતીને એમણે કેવે કેવે સ્વરૂપે જોઈ છે? શરદ્માં ગત જન્મના પ્રિયતમને આરાધનારી મહાશ્વેતા જેવી, હેમન્તમાં પ્રકાશનું પીતામ્બર પહેરેલી, ગ્રીષ્મમાં કાલિદાસની તપપરાયણા ઉમાના જેવી, વૈશાખમાં અગ્નિસ્નાને સીતાની જેમ પૂત થયેલી, વર્ષામાં છાયાનું આસન પાથરીને, હરિત વર્ણ ચોળી પહેરી, આંખમાં મેઘનું અંજન આંજી, વક્ષે કદમ્બકેસરનો લેપ કરી પ્રસાધનમાં પરોવાયેલી પ્રકૃતિને તો કિશોરાવસ્થાથી જ એમણે મુગ્ધ બની વિસ્મયથી જોયા કરી છે, એ વિસ્મયનો કદી અન્ત આવ્યો નથી. રવીન્દ્રનાથની કવિતાનો શ્રેષ્ઠ અર્ઘ્ય તો પામી છે નારી. નારીનાં કવિએ મુખ્ય બે સ્વરૂપો કલ્પ્યાં છે: એક ઉર્વશીનું અને બીજું લક્ષ્મીનું. ઉર્વશી વિક્ષુબ્ધ કરી મૂકનાર શક્તિનું પ્રતીક છે તો લક્ષ્મી શાન્તિનું. ગતિને પ્રેરનારી ઉર્વશી, પણ એનું નિયન્ત્રણ કરીને પરિણતિને માર્ગે વાળી સાર્થક કરનાર તો લક્ષ્મી જ. માટે જ લક્ષ્મી કલ્યાણી. પણ ગતિ વિના પરિણતિ સમ્ભવે નહીં. ચંચળ કરનાર શક્તિને ટાળીને જે શાન્તિ મળે તે મરણનું જ બીજું નામ. ગૌરીમાં આ બંને રૂપ સાથે દેખાય છે. તપ પહેલાંની દેહસૌન્દર્યથી શિવને રીઝવતી ઉમા તે ઉર્વશીનું રૂપ, તપોપૂત ઉમા તે લક્ષ્મીનું રૂપ. આ શ્રેયસી કલ્યાણી નારીને ઉદ્દેશીને જ કવિએ કહ્યું છે:
સર્વ શેષેર ગાનટિ આમાર
આછિ તોમાર તટે.
મારું સૌથી છેલ્લું ગીત તારે માટે છે. ‘મહુયા’માં કવિએ નારીત્વની જુદી જુદી છટાનાં સત્તર સ્વરૂપોનું ‘નામ્ની’ શીર્ષક કાવ્યગુચ્છમાં અત્યન્ત સુન્દર આલેખન કર્યંુ છે. રવીન્દ્રનાથના પ્રાણ સૃષ્ટિસમસ્તના પ્રાણ સાથે આદિકાળથી લીલા કરતા આવ્યા છે. વિશ્વાવિશ્વકારના સહઢ્ઢતુક આનન્દે જે અસ્થિર છે, ચિર ચંચળ છે તેના જ એ લીલા-સહચર છે. એ લીલાનો કદી અન્ત નથી, માટે જ મૃત્યુ કવિને મન વિભીષિકા નથી. મરણ અને માનવ વચ્ચે માતા અને શિશુનો સમ્બન્ધ સ્થાપીને કવિ આપણને મૃત્યુ વિષે કેવા નિર્ભર બનાવી દે છે! કવિપત્નીના મરણ પછી લખાયલાં ‘સ્મરણ’નાં કાવ્યોમાં પણ વિચ્છેદના શોક પછી તરત જ ચિરમિલનના અશોકલોકમાં કવિ આપણને લઈ જાય છે. વ્યાપ્તિ એ જ પ્રાણનો ધર્મ છે. એ પ્રકાશની જેમ સર્વવ્યાપી થવા ઇચ્છે છે. પ્રકાશને વ્યાપવા માટે આકાશની અસીમતા સિવાય બધું ઓછું પડે. કવિના પ્રાણ પણ સચરાચરમાં વ્યાપી જઈને બધાની સાથે આત્મીયતા અનુભવે છે. આ આત્મસમ્પ્રસારણ, ચેતોવિસ્તાર કવિતાનું મૌલિભૂત પ્રયોજન છે. કવિ દૃઢ આત્મવિશ્વાસથી કહે છે:
લક્ષ જોજન દૂરેર તારકા
સેઓ મોર નામ જાને.
‘લાખ જોજન દૂરનો પેલો તારો મારું નામ જાણે છે.’ આ ઉક્તિ કોઈ ધૃષ્ટની આત્મશ્લાઘા નથી. રવીન્દ્રનાથની કવિતામાં વૈયક્તિક ચેતનાનો આવો સર્વાશ્લેષી પ્રસાર જોવા મળે છે અને એનો આસ્વાદ કરતી વેળાએ જે રસ પામીએ છીએ, તેનું નામ જ અવકાશરસ. કવિએ પોતે અત્યન્ત નિર્મમતાથી પોતાની મર્યાદાઓને પણ જોઈ છે. એમણે ‘જન્મદિને’ નામના કાવ્યમાં આવતી કાલના કવિને નિમન્ત્રણ આપતાં કહ્યું છે: ‘તેનો પ્રતિધ્વનિ મારી બંસીના સૂરમાં પડે છે. પણ એના બધા જ ઝંકાર મારી બંસીએ ઝીલ્યા નથી, તે હું જાણું છું. માણસના અન્તરમાં પ્રવેશ મેળવવો સૌથી દુર્ગમ છે. એના અન્તરમાં, જાતને સાવ ઓગાળી દઈને, અન્તરમય ન થઈએ ત્યાં સુધી એનું પ્રવેશદ્વાર આપણે માટે નહીં ખૂલે. માનવસમાજમાં ઉચ્ચ મંચ પર બેસીને સાંકડી બારીમાંથી મેં જોયું છે. કવિતાના હાટમાં નકલી માલનું જરાય ચલણ નથી, હું મારા સૂરની અપૂર્ણતા સ્વીકારી લઉં છું. અનેક માર્ગે મારી કવિતાએ વિહાર કર્યો છે. છતાંય એ સર્વત્રગામી તો નથી બની. સાચું મૂલ્ય ચૂકવ્યા વિના સાહિત્યમાં ખ્યાતિની ચોરી કરવી તે તો ઠીક નથી, માટે હે અખ્યાત જનના નિર્વાક મનના કવિ, હું તને સાદ દેતો જાઉં છું. આ પ્રાણહીન દેશની જ્ઞાનહીન ચારે દિશા અવજ્ઞાના તાપથી શુષ્ક, નિરાનન્દ મરુભૂમિ બની ગઈ છે, એને તું રસથી પૂર્ણ કરી દેજે. એના અન્તરમાં જે સ્રોત રૂંધાઈને પડ્યો છે, તેનો તું ઉદ્ધાર કરજે. સાહિત્યની સંગીતસભામાં જેને માથે એકતારો બજાવવાનું આવ્યું છે, તેનું પણ અસમ્માન ન થાઓ. જે લોકોનાં સુખદુ:ખને વાચા નથી, જે લોકો વિશ્વસમ્મુખે નતશિર થઈને ઊભા છે, જેઓ પાસે છતાં બહુ દૂર રહી ગયા છે, તેની વાણી સંભળાય એવું કરજે, તું એ સૌનો જ થઈને રહે, જેથી તારી ખ્યાતિ તે એમની ખ્યાતિ બની રહે. હે કવિ, હું તને નમસ્કાર કરું છું.’ આપણે પણ આજે એવા જ કવિની પ્રતીક્ષામાં છીએ.