અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બહેરામજી મલબારી/ગુજરાતનું ભાવી ગૌરવ

Revision as of 08:37, 19 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ગુજરાતનું ભાવી ગૌરવ

બહેરામજી મલબારી

(રોળાવૃત્ત)


સુણ, ગરવી ગુજરાત! વાત કંઈ કહું હું કાનમાં;
સમજુ છે તું સુજાત, સમજશે સહજ સાનમાં.
વસ્તી વસુ સુખ તને, વળી વેપાર વણજનું;
જ્ઞાન ધર્મે પણ સુખી, દુઃખ નહિ અધિક કરજનું. ૧.

નથી તેમ તું રહિત અન્ય મોટા સદ્ગુણથી—
વદ્યો નામના હજી, વડીલ આર્યોના પુણ્યથી.
પણ ક્યાં બુદ્ધિ વિશાળ, કવિ, ઋષિ, વીર ગયા ક્યાં?
પણ ગજવે, રંગભૂમિ—સર્વ એ સ્થિર થયા ક્યાં?

પાડી દેહ પવિત્ર, ગયા ક્યાં રક્ષક એવા?
ક્યાં તે સ્વદેશદાઝ? પ્રજારાજાની સેવા?
મહત્ પુત્ર ક્યાં ગયા, માત! તુજ ઊંચા કુળના?—
છોને નીકળ્યા બીજા ઘણાએ—ઓછા મૂલના.

ક્યાં પ્રાચીન ચાતુર્ય? અલસતા ક્યાં રે તારી?—
નૌતમ નરની નાર! જાણ્યું શું વંશ વધારી?
પુત્ર જણ્યા બહુ પેર, જણ્યા પણ જોગવિયા નહિ;
સુખ સ્વપ્ને દીઠેલ, જાગી તેં ભોગવિયાં નહિ.

છ્યાસી લાખ નિજ પ્રજા, છતાં વંઝા રંડાણી—
આર્યપુત્રી! અનુપમા, હિંદ સુંદરી હિંદવાણી.
બેઠી પનોતી, હાય! દુર્દશા આખે દેશે;
જ્યાં જોઉં ત્યાં સ્વાર્થ, ભટકતો ભિન ભિન વેશે. ૫

ન મળે શૌર્ય ઉમંગ, આર્ય અભિમાન કશું રે;
દેશદાઝ વણ પડી, પરાધીન પ્રજા પશુ રે.
ત્રણ સૈકા વહી ગયા, વશ પડી રહી બીજાને;
જતા આવતા સર્વ યવનની આણ તું માને. ૬

હાય! કેમ જિવાય, પરાધીન એ સ્થિતિમાં?
છૂટી પડે અવતાર ગુલામી દેખીતીમાં,
માડી! ઊઠ, કર જોડ, ક્ષમા માગી લે વ્હેલી;
કર્તવ્યે પડ બ્હાર હિંદમાં સહુથી પ્હેલી! ૭

રજપૂત વીર જગાડ, રાજ્યકર્તા કર સાચા;
બ્રહ્મબાળ વિદ્વાન્, જ્ઞાન જિજ્ઞાસુ જાચા.
દેશ દેશ વગડાવ શંખ તુજ સ્વાધીનતાનો;
બધે એકતા ભજવ, પરાજય કરી ભિન્નતાનો. ૮

પિટવ દાંડી પરમાર્થ, સ્વાર્થ સંહારી, માડી!
સુધરે પુત્ર પરિવાર, પરસ્પર પ્રીતે પાડી.
ઊતરે પનોતી હવાં, વખત આવે છે સારા;
તત્પર થા, ગુજરાત! હક્ક ભોગવવા તારા. ૯

ગઈ ગુજરી જા ભૂલી, તેના શા કરવા?
મરતાં ગઈ તું બચી, વળી કાં સૂએ મરવા?
તજ મિથ્યા કલ્પાંત, હામ હૈડે ધર, માતા!
કર સજીવન નિજ વતન, શિર ઉફર છે સુખદાતા. ૧૦

પૂર્વજન્મનાં પાપ નર્મદાજળ શુદ્ધ કરશે;
નવીન જન્મ શૂરવીર થકી એ ખોળો ભરશે.
હું ક્યાં જોવા રહું, નવીન એ જન્મ જ તારો?
માતા દુઃખ મૂંઝવણે ગાળી નાંખ્યો જન્મારો. ૧૧

હશે; ન મુજ મન દુઃખ, વિશેષ એહ વિષેનું;
અર્પી દઉં સો જન્મ, એવડું, મા! મુજ લ્હેણું,
સો આપું લઈ એક, સહસ્ર આપું હું એકે,
ગુર્જરદેશ ફરી જોઉં, દીપતો સત્ય વિવેક.

પણ તે દિન હજી દૂર, નથી મારા વારામાં—
મોડે વ્હેલે, ભલે, જોગ પડતાં સારામાં,
નમન હાલ, ગુજરાત માત! આ સલામ છેલી:
સફળ થજો આશિષ ભક્તપુત્રે આપેલી!

(સંસારિકા)