અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/સ્વજન સુધી (દિવસો જુદાઈના જાય છે)

From Ekatra Wiki
Revision as of 11:54, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


સ્વજન સુધી

‘ગની' દહીંવાળા

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.

હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.

છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ, ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.



‘ગની' દહીંવાળા • સ્વજન સુધી • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: મોહમ્મદ રફી