સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મહાદેવ દેસાઈ/પારેવું પ્યારું હોય તો—
ચક્રવર્તી રાજા શિબિ મહા દાનવીર અને ભીડભંજન હતા. એક વાર યજ્ઞ કરતા હતા, ત્યાં એક પારેવું એમના ખોળામાં આવીને પડ્યું, અને કરુણ આંખે એમની સામે જોવા લાગ્યું. એની પાછળ એક શકરો પડેલો હતો. શકરાએ રાજાને કહ્યું, “મારો શિકાર છોડ, તારા જેવા ભીડભંજનને મારા જેવા ભૂખ્યાનો શિકાર આમ છીનવી લેવો ન શોભે.” મોટો લાંબો સંવાદ ચાલે છે; શકરો નથી ડગતો, અને પારેવું રાજાના ખોળામાં કંપી રહ્યું છે. શકરો આખરે તેજસ્વી રાજાના તેજ ઉપર પ્રહાર કરે છે. કહે છે: “વારુ, ત્યારે તને આ પારેવું પ્રાણ કરતાં પ્યારું હોય તો એ પારેવા જેટલું માંસ તારા શરીરમાંથી જ મને આપી દે ને, ભૂંડા! એટલે હું મારી મેળે મારી ભૂખ શાંત કરીને ચાલ્યો જઈશ.” રાજાએ તત્ક્ષણે કહ્યું, “એ કરવાને તો તૈયાર જ છું.” એમ કહીને એણે ત્રાજવાં મંગાવ્યાં. અને એક પલ્લામાં પારેવાને મૂકીને બીજામાં પોતાના અંગમાંથી કાપીને એક માંસનો કકડો મૂક્યો. પણ પારેવાવાળું પલ્લું નીચે નમ્યું. વળી કકડો કાપ્યો, તોય પેલું પલ્લું ઊચું જ ન થાય. આખરે રાજાએ કહ્યું, “વારુ, ત્યારે હવે હું જ સામા પલ્લામાં બેસું છું, પછી તો મારે કાંઈ આપવાનું રહેતું નથી. મારા આખા શરીરનો તું સુખે ભક્ષ કર.” આટલું કહેતાંવેંત ન મળે પારેવું, ન મળે શકરો! રાજા આગળ ઇન્દ્ર અને અગ્નિદેવ પ્રત્યક્ષ થયા અને કહ્યું: “તારી પરીક્ષા પૂરી થઈ. તારું મંગળ થાઓ અને તારાં તેજ અખંડ તપો.” [‘મહાદેવભાઈની ડાયરી’: ભાગ ૩ પુસ્તક]