અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/મધરાતે સાંભળ્યો મોર
Revision as of 06:54, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
મધરાતે સાંભળ્યો મોર
ઇન્દુલાલ ગાંધી
મધરાતે સાંભળ્યો મોર
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર.
વાદળાંય નહોતાં ને ચાંદોય નહોતો
ઝાકળનો જામ્યો’તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીંજણો
છેતરાયો નટવો નઠોર. — આજ મેં.
આકાશી ઘૂંઘટ ઉઘાડી કોઈ તારલી
જોતી’તી રજનીનું જોર;
વડલાની ડાળે બેઠેલ એણે ઓળખ્યો
રંગોનો રઢિયાળો ચોર. — આજ મેં.
ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી
કાજળની કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોર. — આજ મેં.