અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/અમારી રાત થઈ પૂરી

From Ekatra Wiki
Revision as of 07:02, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રાત થઈ પૂરી

નાથાલાલ દવે

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી;
                           અમારી રાત થઈ પૂરી.

ભરાયો જામ રાત્રિનો ઉપર તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી;
                           અમારી રાત થઈ પૂરી.

અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું હા! જુઓ વાગી રહી નોબત;
અમારી ઊપડી વણજાર, હારો ઊંટની ચાલી,
                           અને છેલ્લી હવે પ્યાલી —

હવે છેલ્લી ચૂમી, ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી ઓઠની લાલી.
ભૂલી જાવી બદન કેરી અહા! અણમોલ કસ્તૂરી,
અમી ખુશ્બો અને સુરખી તમારી આંખની ભૂરી,
                           અમારી રાત થઈ પૂરી.

જુઓ મસ્જિદ મિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે વાત થઈ પૂરી,
                           અમારી રાત થઈ પૂરી.

અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ જુલ્ફો તણી ખુશ્બો, નહિ મહેફિલ, નહિ લિજ્જત;
અમે મિસ્કીન મુસાફર—ગાનના શોખીન—નહિ ઇજ્જત.
અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું,
                           અને વાત આ થઈ પૂરી.

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી.



આસ્વાદ: રાત થઈ પૂરી કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

રાતવાસો પૂરો થયો છે. અને તે રાતવાસો પણ છે મુસાફરનો, જેને કોઈ પણ એક જ સ્થળે સ્થિર થઈને બેસવાનું નથી ને જેની દુનિયા જ જુદી છે, વ્યવહારની ને વેપારવણજની. હૃદયના સૂક્ષ્મ સંવેદનોને સ્ફુરવાનું કે કલાસાહિત્ય આદિના રસનું ને રસિકતાનું એમાં સ્થાન નથી. રસમાં રસ એને હોય તો પૈસા કમાવાનો; ને કોઈ સુંદર ગાનારીને ત્યાં ક્યારેક સાંજ ગાળીને દિલ બહલાવવાનો.

એની વણજારે કોઈક ગામને પાદર રાતવાસો કર્યો છે. એ કોઈ ખૂબસુરત નાજનીનને ત્યાં પહોંચે છે. રાત આખી સંગીતની ધૂમ મચે છે. ‘શરબત’ની પ્યાલીઓ ઊડે છે. રાત પૂરી થાય છે. ચંદ્ર આથમે છે. તારાઓ ડૂબે છે. ઊગતા સૂર્યનાં રતુંબડાં કિરણો મસ્જિદના મિનારા પર રમવા લાગે છે. મુલ્લાં બુલંદ સૂરથી અઝાન પોકારે છે ને પાક દીનોને નમાઝ માટે નોતરે છે. કાફલો ઊપડે છે. ને મુસાફરને એમાં જોડાયા વિના છૂટકો નથી.

મુસાફરની જિંદગીમાં આ મહેફિલ કંઈ પહેલી જ નથી કે અનુભવ નવો પણ નથી. પણ જીવનમાં ચમત્કારો ન બનતા હોય તેવું નથી. જેમનાથી આપણે ટેવાઈ ગયાં હોઈએ તેવી વસ્તુઓ પણ ક્યારેક આપણને અપૂર્વ જેવી લાગતી હોય છે, ને આપણી સૌન્દર્ય દૃષ્ટિ એકાએક ઊઘડી જતી હોય છે. આવી કોઈ ઊંડી રસાનુભૂતિ પછી જીવનનું જાણે નવું પર્વ શરૂ થતું હોય તેમ જીવનનાં આપણાં મૂલ્યો જ બદલાઈ જતાં હોય છે. ને વ્યવહારજીવન પ્રત્યેની આપણી દૃષ્ટિમાં ફેરફાર થઈ ગયો હોય છે.

આ કાવ્યના નાયકના જીવનમાં પણ આ રાત એવો કોઈ ફેરફાર કરી નાંખે છે. આ નાજનીન, એનું અંગલાવણ્ય અને એથી પણ વિશેષ તો એનું ગાન એના જીવનમાં નવાં નવાણ ફોડે છે ને એને રસની ને આનંદની કોઈ નવી જ સૃષ્ટિની ઝાંખી કરાવે છે.

આ ગીતસંગીતની દુનિયામાં જીવવાવાળાઓના અને પોતાના જીવનના રાહ જુદા જુદા છે તે તો એ જાણે જ છે, પણ પોતાનો જીવનરાહ શુષ્ક અને નીરસ છે, એનું ભાન એને પહેલીવાર આજે થાય છે. જવું તો એને પડે જ છે, ગયા વિના એને ચાલે તેમ નથી એટલે, પણ જતી વેળા એ આ વખતે હળવો ફૂલ જેવો થઈને જઈ શકતો નથી, હૃદયમાં દર્દ લઈને જાય છે, એક રાની આ મહોબત બનાવવા જેવી તો છે કાયમની, અને છતાં પોતે તેને કાયમની બનાવી શકતો નથી તેનું દર્દ.

(‘આપણો કવિતા-વૈભવ’)



આસ્વાદ: વિદાયનું ગીત – હરીન્દ્ર દવે

આ વિદાયની કવિતા છેઃ પણ આ કઈ વિદાય છે? એકાદ રાત્રિના મહેમાન તરીકે રહેવાનું ભાગ્યમાં હોય અને એ રાત્રિ પૂરી થાય એટલે નીકળી જવાનું છે, એવી જેને પ્રતીતિ થઈ ચૂકી છે એવા પ્રવાસીની આ વિદાય છેઃ કવિતાનો આરંભ થાય છે ત્યારે જ કશુંક પૂરું થઈ ચૂક્યું છે. એનો પહેલો જ શબ્દ જુઓઃ ‘રજા’. જે ખૂબ પ્રિય છે તેનાથી છૂટા થવું પડે એમ છે એની અસહાયતા આ શબ્દમાં દેખાય છે. આ રજા જેની માગવાની છે તેને કરાયેલું સંબોધન પણ સૂચક છે; ‘રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી…’

માત્ર રાત જ પૂરી નથી થઈ, ઘણું બધું પૂરું થઈ ચૂક્યું છે. એક આખી દુનિયા હવે સમેટી લેવાની છે. અને આપણે જાતે સમેટી નહીં લઈએ તો એ સમેટાઈ પણ જવાની છેઃ રાત્રિના જામમાં છલકતા તારાઓ જેમ આપોઆપ ડૂબી ગયા, ચન્દ્ર લય પામ્યો, સુરગંગાનું આંદોલિત વહન અટકી ગયું. આ બધાની માફક આપણા અનુબંધની સૃષ્ટિનું પૂર્ણવિરામ પણ નજીક છે.

આ કેવળ વણઝારાના કોઈ એક રાતના મુકામની વાત છે? સવારે નોબત વાગે છે, ઊંટની હારો રવાના થાય છે, એ સાથે અસહાય બની ચરણ ઉપાડતા પ્રવાસીની જ વાત છે?—

‘દાગ’નો એક શેર યાદ આવે છેઃ

હોશોહવાસ તાબો તવા ‘દાગ’ જા ચુકે,
અબ હમ ભી જાને વાલે હૈ, સામાન તો ગયા.

ભાવની સૃષ્ટિ તો વિદાય લઈ રહી છે. એ આપણો સામાન છે. એ જાય એટલે આપણે એક વિદાય લેવાની ક્ષણ નજીક આવી છે એ જાણી જ લેવાનું.

અહીં કોઈક આવી વિદાયની વાત છે.

આ જગતમાં પણ આપણે કેટલા અસ્થાયી છીએ એ આપણે જાણતા હોઈએ છીએ. એક સંતે તો આ દુનિયાને સરાઈ (ધર્મશાળા) કહી છે. રાતવાસો પૂરો થાય અને સવાર થતાં ચાલી નીકળવાનું.

છતાં આ રાતવાસો જ્યાં થતો હોય છે ત્યાં માયા પણ લાગી જતી હોય છે.

સ્વર્ગની ઝાંખી કરાવે એવા આ રૂપને એક છેલ્લું ચુંબન લીધુંઃ પગની મેંદી, ગુલાબી હોઠ પરની રક્તિમ ઝાંય, શરીર પર મહેકતી કસ્તુરી અને આંખની આસપાસની રતાશઃ આ બધું હવે ભૂલી જવાનું છેઃ પ્રાતઃકાળની બાંગ સંભળાઈ રહી છે—વણઝાર ઊપડવાની નોબત વાગી રહી છે.

જવાનું છે એ જાણીએ જ છીએ, ખુમારીથી કહીએ પણ છીએ. અમે તો મિસ્કિન છીએઃ અમારા રાહ ન્યારા છે… છતાં દિલમાં કોઈક દર્દ થાય છે. રાતવાસા-એ એક માયા જગાડી દીધી છે. કોઈ સંગીત આપણે સાંભળ્યું છે એટલું જ નહીં, એ સંગીતના લયમાં આપણે ગાતા પણ થયા છીએઃ એ બધું કહેવાનું મન તો છે—પણ સમય ક્યાં છે?

—લ્યો, હજી તો વાત શરૂ ન કરી ત્યાં તો વાત પૂરી થઈ. હજી હમણાં જ આકાશમાં અંધકારનાં જળ પથરાવતી રાત આવી હતી. પલકવારમાં તો એ વીતી પણ ગઈ.

ચાલો, ત્યારે કઠણ મને આ વિદાય લેવી જ રહી. અને યાત્રી કહે છેઃ

‘રજા, ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.’

એ વિદાયનું ગીત છે—તમે કોઈ પણ વિદાયના સંદર્ભમાં એનું સંવેદન અનુભવી શકો એટલું સાચું ગીત છે. (કવિ અને કવિતા)