અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /કેટલો વખત
Revision as of 08:32, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
કેટલો વખત
`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત?
કાનાએ કાંકરી લીધી છે હાથમાં,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત?
પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં;
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત?
જ્યારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી,
ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત?
ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત?
‘ગાફિલ’, તમારો ઘાટ ઘડવાની છે ઘડી;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત?
(બંદગી, પૃ. ૫૭-૫૮)