અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આજ પૂનમની રૂપલા હેલી રે
Revision as of 08:42, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
આજ પૂનમની રૂપલા હેલી રે
નંદકુમાર પાઠક
આજ પૂનમની રૂપલા હેલી રે
હું તો રમવાને નીસરી ઘેલી :
વ્હાલમજી, સરવરિયાં લ્હેરિયાં લે રે હો જી.
હું તો હસતી ને હેરે આ ધરતી પર ચાંદની,
હું તો બોલું ને મલકાયે આકાશે તારલી;
પેલી પૂનમને આંખભરી જુઓ શું?
આજ મેં તો પૂનમને પોપચામાં પૂરી :
વ્હાલમજી, લોચનિયાં લ્હેરિયાં લે રે હો જી.
મારી પાનીનો ઠમકો લૈ વાયુ આ નાચતો,
મારી ઘૂઘરનો ઘમકો લૈ વનવનમાં મહાલતો;
પેલી પૂનમનાં રૂપ જોઈ ડોલો શું!
આજ મેં તો પૂનમને પોપચામાં પૂરી :
વ્હાલમજી, લોચનિયાં લ્હેરિયાં લે રે હો જી.
એ તો આજે ખીલી ને કાલ સૂનાં રે આંગણાં.
ભમતાં આ રૂપનાં આ શાં મનામણાં.
એવી પૂનમને જોઈ ઝંખો શું!
લાખ લાખ પૂનમને પ્રીતિમાં પૂરી :
વ્હાલમજી, હૈયું આ લ્હેરિયાં લે રે હો જી.