અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/ભીના વાયરા
Revision as of 09:20, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ભીના વાયરા
બાલમુકુન્દ દવે
ઊંચી મેડી ને ભીના વાયરા મારુજી!
ડોલે મારા દીવડિયાનાં નૂર જો,
ધીરા વાજે રે તારા વીંઝણા મારુજી!
પાછલી પછીતે વાગી વાંસળી મારુજી!
સૂરે સૂરે વીંધે મારાં ઉર જો,
ધીરી વાજે રે તારી વાંસળી મારુજી!
અવળે હાથે તેં મારી કાંકરી મારુજી!
સવળી થૈને વાગી તતકાળ જો,
એવા ના ખેલ ભૂંડા ખેલીએ મારુ જી!
ભોળાં તે હૈયાં ના છંછેડીએ મારુજી!
બાંધી હિંડોળા એને ડાળ જો,
હૈયાંની વાડીઓ ના વેડીએ મારુજી!
(પરિક્રમા, પૃ. ૭૩)