અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ચંદ્ર’ પરમાર/મધરો મધરો

From Ekatra Wiki
Revision as of 10:13, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મધરો મધરો

‘ચંદ્ર’ પરમાર

મધરો મધરો પાયો કલાલણ!
         અંકાશે હું ના માયો રે લોલ,
મુંને નેણ કટોરો ઉલાળી કલાલણ!
         ચંઈનો ચંઈ ઉછાળ્યો રે લોલ.

આંખે આભલિયું આંજ્યું કલાલણ!
         પગલે પતાળ મેં દાબ્યું રે લોલ,
સૂરજમાં મુખ મેં ધોયું કલાલણ!
         ચાંદલામાં મુખડું જોયું રે લોલ.

બત્રી કોઠે દીવા ઝળકે કલાલણ!
         રૂંવે રૂંવે તારા લળકે રે લોલ,
રગે રગે તે રંગ છલકે કલાલણ!
         અણસારે મેઘ-ધજા ફરકે રે લોલ.

મધરો મધરો પાયો કલાલણ!
         અંકાશે કૈં ના માયો રે લોલ,
`આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી
         બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ.'