અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/પથ્થર થરથર ધ્રુજે
Revision as of 12:03, 21 October 2021 by KhyatiJoshi (talk | contribs)
પથ્થર થરથર ધ્રુજે
નિરંજન ભગત
પથ્થર થરથર ધ્રૂજે!
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?
પથ્થર થરથર ધ્રૂજે!
અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો!’ એમ કિલોલે કૂજે!
એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે!
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પ્હેલો ફેંકે!’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે!
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે!
(છંદોલય, પૃ. ૨૪૧)