અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/પ્રતીતિ

From Ekatra Wiki
Revision as of 11:27, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રતીતિ

પન્ના નાયક

પ્રેમ કરતાં કરતાં
તને થયેલા પરસેવાને
કદાચ
મારા છેલ્લા શ્વાસ
પંખો નાખી રહ્યાની
તને પ્રતીતિ થશે
ત્યારે પણ
તું
મને હડસેલીને
સહજ ઊઠી
તારા શર્ટ કોટ ટાઈ
ને
ચકચકતા શૂઝ પહેરી,
ગાડીની ચાવી કાઢી
બંધ કરેલી બ્રીફકેઇસને
હાથમાં ઝુલાવતો ઝુલાવતો,
મારા અનાવરણ મૃત દેહ તરફ
આંખથી
એકેય હરફ ઉચ્ચાર્યા વિના
વર્ષોના સહવાસને
રાખમાં ઢબૂરી દઈ
વ્યવસ્થિત મનોદશામાં પ્રતિષ્ઠિત ગૃહસ્થી બની કંઈ જ ન બન્યું હોય એમ
સડસડાટ
દાદર ઊતરી જશે...!