અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/ભોપા ભગતનું ભજન, સ્વ-સમજણનું
Revision as of 09:34, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ભોપા ભગતનું ભજન, સ્વ-સમજણનું
પ્રાણજીવન મહેતા
ભોપા, તું વાંચ વિપદ્ ને કર વરતારો
ભોપા, ભલા તને શું કામનો એકતારો?
વીજ-કડાકે પરોવ પંડમાં તું પળ-દોરા
બેસ સાંધવા ફાટી વય તણાં લૂગડાં-લીરાં
ભોપા, માથે ઊંચકી ચલો ભીનો લક્કડ-ભારો
પિંડ પેટવી કર ધુમાડો જોવાને ધ્રુવ-તારો
ભોપા, તું વાંચ વિપદ્ ને કર વરતારો
ભોપા, ભલા તને શું કામનો એકતારો?
પોત ફાડીને પંડને વીંટ્યો જરા-તરા જ્યાં
પિંડ કરગરતું ઊભું ઉઘાડ અંગ ફરી ત્યાં
આંખની ઓછપ એટલી – પંડ પરખાય ક્યાં?
ભોપા, અવ સરવા કાને સુણ શબદ તિહારો.
ભોપા, તું વાંચ વિપદ્ ને કર વરતારો
ભોપા, ભલા તને શું કામનો એકતારો?
નવેમ્બર, નવનીત સમર્પણ