અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/મને કેમ ના વાર્યો?

From Ekatra Wiki
Revision as of 10:02, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મને કેમ ના વાર્યો?

રઘુવીર ચૌધરી

પોતાને છોડી હું ચાલ્યો આવ્યો
ત્યારે મને કેમ ના વાર્યો?

ટેકરીઓ વચ્ચેનું મારું નાનુંસરખું ગામ
સાથમાં મૂંગું મૂંગું ભાગોળે આવીને અટક્યું.

મહાદેવના દેરા પાસે પગ થંભ્યા,
હું નમ્યો — એક પળ એમ થયું કે
જાઉં દોડતો પાછો, પાછો?

તીવ્ર વેગથી વહે શિરાઓ
જામે એવી શેરી શેરી.

અને ગામના હૃદય સમા એ ઘરના મારા
છત પર ઊતર્યાં કૈંક કબૂતર
છજા નીચે બાંધેલું કૂંડું જોઈ જોઈને ખાલી,
બેઠાં.
—મેં ઘરનો ના સાદ સાંભળ્યો.
ઉછીની આશિષ માગતો ચાલ્યો
ત્યારે કેમ કોઈ ના બોલ્યું?

અરે, સીમના કોઈ વૃક્ષની
ડાળી પણ ના ઝૂકી — કંપી.
તામ્રવર્ણ પલ્લવની દુધિયલ ગંધ કુંજમાં
રહે મૌનવ્રત ધારી, એ તો જાણું
તોપણ કેમ કોઈ કૂંપળને ચહેરે
પરાવર્ત પામેલું રશ્મિ બાલ રવિનું
મારગ વચ્ચે આવીને ના ઊભું?

ઓસર્યાં પાણીવાળું તળાવ
કેવળ તળાવ લાગ્યું.
કાંઠે કાંઠે પગલીઓ કૈં કેટકેટલી
એકમેકમાં ભળી ગયેલી બાળભેરુની
ગયા અષાઢે તણાઈ ગઈ શું એકસામટી?
ગિલ્લીદંડા રમતાં રમતાં
તળાવમાં તરતાં તરતાં
જે દાવ જીતેલા, હવે આવતા યાદ.
યાદ આવે છે પહેલી કેડી.

અહીંયાં રસ્તે રસ્તે દાઝે
મારી ધરતીનો વણમ્હોર્યો કુમળો રંગ.
સીમની ગોરજના સંપર્ક વિનાની
નજર વિશે છે ધૂમ્રસેરની લીલા.
ધૂસર નગર દેહમાં અણુ અણુ થઈ વ્યાપ્યું.
ને મેં અનાયાસ વરસોનું અંતર કાપ્યું.
કેવળ મળી મળીને અનેક હાથે
છેક ઘસાઈ ગઈ હથેલી ઝૂરે રઝળે રોજ.
સુકાતી રેખાઓમાં અાજ નથી અણસાર...
આવતા ચોગરદમથી છાના પેલા
ચાલી ચાલી છેક પહોંચતાં
મૃગજળ પાસે
ભૂલી પડેલી
ડૂલી ગયેલી
વણજારોના મંદ મંદ ભણકાર...

આંખમાં આછો આછો શોક,
હાથની રેખાઓમાં અટવાયેલા
ભવિષ્યને હું રહું નિહાળી.
કોક દિવસ, વિસરાઈ ગયેલા
બાળભેરુનો હાથ હાથમાં આવે—
ક્ષણમાં નજીકના ભૂતકાળ વિશે
બેપાંચ આગિયા ઝબકે
—ક્ષણમાં શેશવનો સંસ્પર્શ ઓસરી જાય.
પછી બે બધિર હાથના મળવાનો ઉપચાર.
ઢળેલી મારી આંખે ઉજ્જડ ઉજ્જડ
અરણ્ય તપતાં.
બેઉ ચરણમાં
પિરામિડનો ભાર એકઠો થયો.

હાથમાં? હવા,
શ્વાસમાં ઓછી ઓછી...
મને કોઈએ વાર્યો ના, ના સાંભર્યો,
પણ થાય હવે હું પાછો ચાલ્યો જાઉં.
જાઉં? હું આવ્યો જ્યાંથી ત્યાં જ હવે પહોંચીશ?
એક અણદીઠ વેદના રોકે,
એને હમણાંથી હું જાણું,
ભીતર વર્ષોથી સંચિત એ તો પણ
હમણાંથી જ પ્રમાણું.

એને એકલતાએ સંકોરીને સતેજ રાખી.
પોતાને છોડીને ચાલ્યા આવેલાને
એક કર્યો જેણે તે ક્યાંથી પડે વિખૂટી?
અહીં સદા નિસ્સંગ ભીડના લયમાં
કેવી ભળી વેદના,
એને ત્યાં મળશે કોનો સથવાર?—

પિયરની વિદાય લેતી કન્યાઓનાં
વ્રત થઈને વરદાન અવાચક આભે છાયાં.
મહાદેવને દેરે બેઠા વૃદ્ધોની વાતોમાં
તરતો નિવૃત્તિનો આછેરો આનંદ.
સીમની સાંધ્ય હવામાં વહી આવતો
વૃક્ષોનો સંવાદ.
છલકતી નીક સરકતા નીરે ચમકે.
શેઢે શેઢે ચાલીને જ્યાં છીંડે આવે.
માનું પહેલું બાળ,
ચોરનો ભારો માથે ભલે હોય પણ
કેડે તેડી લેતાં ના કંઈ વાર, ભાર ક્યાં?
હર્યાભર્યા મારગથી શોભે વાડ.
જોઈને રેતી ઊતરે બાળ, નિહાળે—

ફરી ફરીને પાડે પગલી,
વળી વળીને વિસ્મય વેરે,
વધ્યા ઉમંગે રણકી રહેતો માનો જમણો હાથ,
સ્હેજમાં તેડી લઈને
કુમળી પાની પરથી રજ ખંખેરે,

પાછળ આવી પહોંચ્યા પગની રુચતી
ચાલ ઓળખે.

— આજે ત્યાં આ મુગ્ધ જગત
શું હશે સલામત?
ત્યાં જઈને હું સંગરહિત નહીં હોઉં?
વેદના દૂર લગી વિસ્તારે જે, ત્યાં અટવાઈ તો
ખોવાયેલો સમય આવશે હાથ?
અર્થની સંકુલતાથી ભારેખમ શબ્દોથી
ત્યાં કોને સંબોધું?
વરેલાં સપનાં શૈશવમાં
આ શબ્દોના સિંચનથી ત્યાં જાગે — ઊગે?

ભલું થયું સપનાંની સઘળી ભાંગી ગઈ જંજાળ.
વેદના મળી, મને મારાથી મોટું દર્દ જડ્યું.
હું કેડી ખોતાં શતપથમાં પ્રસર્યો,
ફેલાયો ઇમારતોના, રસ્તાઓના, આકાશોના અવકાશે.
હું જન મન ગણ વચ્ચે વધતા
અંતર સાથે વિસ્તરતો,
અહીંઆં નકારથી સહુને ઓળખતો,
નિજથી જુદો પડતો,

ભાંગ્યાં સપનાંઓના કાટમાળ પર
ચડી નીરખતો —
દૂર દૂર આ નગર જાય છે,
ગામ ભણી, સામેથી ચાલી હાથ મિલાવે.
પાંપણ કંપે—
આ ભવના
પેલા ભવના
મુજ ભૂતકાળમાં
ભાગોળે આવી અટકેલાં
મારાથી સૂનાં જે અગણિત ગામ
આવતાં યાદ.