અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/વહાણવટું
રમેશ પારેખ
પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું,
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં સમુદ્રે પૂછ્યું ૹ ‘થાક્યો ને?’
‘તેથી શું? જવું જ છે આગળ,’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.
એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા,
સમુદ્ર હસ્યો ખડખડ.
કોણી સુધીના હાથ વામ્યા,
એક તસુ આગળ,
ખડખડ હસ્યો સમુદ્ર.
કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના,
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.
સમુદ્ર ચૂપ.
થરથરતો જુએ
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળૂંભે છે કાળી વીજળીઓ.
‘એક છોકરાએ સીટ્ટીનો હીંચકો બનાવી એક છોકરીને કીધુંૹ લે ઝૂલ’ ‘ખુલ્લી તલવાર જેવી છોકરી સવારના ખુલ્લા અજવાળામાં…’ આવાં ગીતો લખનાર રમેશ પારેખ અને ‘વહાણવટું’ લખનાર રમેશ પારેખ એક જ વ્યક્તિ છે એ વાત, સાચી હોવા છતાં, કોણ માનશે?
‘પછી…’ શબ્દથી કાવ્યનો પ્રારંભ થાય છે. શેના પછી? આ પહેલાં શું શું થયું હશે? આપણી કલ્પનાશક્તિ કામે લાગે છે. એક આંખવાળા દૈત્યે ખલાસીઓ પર ભેખડ ફેંકી હશે? વહાણ વહેલની પીઠ પર નાંગર્યું હશે? ગળચટું ગાતી જળપરી સાથે કાવ્યનાયકે ઘર માંડ્યું હશે? રાક્ષસપંખીની ચિચિયારીએ ચિચિયારીએ સઢના ચીરેચીરા ઊડ્યા હશે? કવિ કહે છે ‘પછી…’ અને આપણને સંભળાય છે, ‘શક્કરબાજ!’ ‘રણમલ લાખા!’ ‘ખજાનાનો ટાપુ!’ ‘સિંદબાદનાં સાહસો!’
‘પછી તો નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું’. ‘ક’ બેવડાવ્યો કેમ? વહાણ બમણા જોરથી ધક્કેલ્યું હશે? કાવ્યનાયકને નાંગરેલી સ્થિતિ નથી જોઈતી, હાલકડોલક ગતિ જોઈએ છે.
કોઈ કોઈ પંદર બાય દસમાં તો કોઈ કોઈ દસ બાય પંદરમાં રાજી આપણે તો સહરાથી સપ્તર્ષિ હલ્લેસે હલ્લેસે હાલનારા હાજી!
અરધી સફરે સમુદ્રે મહેણું માર્યું, ‘થાક્યો ને?’ કાવ્યનાયક એવો નથી, જે પહેલાં ફરકાવે સઢ ને પછી શરણાગતિનો વાવટો. એને માટે ‘અટકવું’ એ ‘થાકવું’નો પર્યાય નથી. એ હલેસાં વામીને જાણે વડવાનલને આહુતિ આપે છે.
‘વામવું’ એટલે ‘ભાર હળવો કરવા ફેંકી દેવું.’ રાચરચીલું અને પેટીપટારા ક્યારનાં વામી દીધાં હશે. હવે હલેસાં હોમવાનો વારો આવ્યો. સર્વસ્વ ક્યારે વામવું પડે? વહાણ ડૂબું ડૂબું થતું હોય ત્યારે. કવિએ વગર કહ્યે કહી દીધું છે કે દરિયો તોફાને ચડ્યો છે.
આ પંક્તિઓ વાંચો, ‘સમુદ્ર ખડખડ હસ્યો’, ‘સમુદ્ર હસ્યો ખડખડ’, ‘ખડખડ હસ્યો સમુદ્ર’. ખડખડ એટલે હાસ્યનો અવાજ. મોતના હાસ્યનો. ખડખડ એટલે વહાણ હચમચવાનો અવાજ. ક્યાં ક્યાં છે ખડખડ? આગળ, પાછળ, વચ્ચે. મોજાં આમથી આવે, કદીક તેમથી.
એકલવીર કાવ્યનાયક સમુદ્ર સાથે વાતો કરે છે. માણસની વીરતામાં ભરતી આવે છે, અને સમુદ્રના અહંકારમાં ઓટ. કાવ્યનાયક પહેરણ ઉતારતો હોય તેમ હાથપગ ઉતારી આપે છે. અહીં બેતબાજી, ઝડઝમક કે ડિંગળપિંગળનો આશરો લેવાયો નથી. કથા સંયમથી કહેવાઈ છે, માટે સાચી લાગે છે.
કબંધ વામવાની ચરમ ક્ષણ આવે છે. રામકથા હોતે તો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થતે; રમેશકથા છે, એટલે આકાશના રંગો ખર ખર ખરી પડે છે. કવિએ સામુદ્રિક તોફાનનું વર્ણન કર્યું નહોતું, પણ માનવીય સાહસનું વર્ણન તેઓ મન ભરીને કરે છે. કવિ તોફાનનો નહીં પરંતુ તોફાનના પ્રતિકારનો મહિમા કરે છે.
‘સમુદ્ર ચૂપ’. શું બોલે? ડરી ગયો હોય એમ થરથરે છે.
મસ્તક ફરતે વીંટળાય છે કાળી વીજળીઓ. કેમ કાળી? આકાશમાંથી સર્વ રંગો ખરી પડ્યા છે, વીજળીનો રંગ પણ ખરી પડ્યો છે, માટે કાળવી, બિકાળવી.
તૂતક ઉપર બિરાજમાન છે શેષ મસ્તક. સંકલ્પના રાજ્યાભિષેકનું આ કાવ્ય છે.
યાદ આવે છે ‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ની વાર્તા, જેને માટે હેમિંગ્વેને નોબેલ પારિતોિષક મળ્યુંં હતું. અફાટ સમુદ્રમાં એક વૃદ્ધ માછીમારની દોરીનું ગલ, દોઢ હજાર રતલના મત્સ્યના મોંમાં ભરાયું. મત્સ્યના બળથી માછીમારનાં બાવડાં જાણે છૂટાં પડી ગયાં, મોંમાં રક્તનો ગળફો આવ્યો. તેણે મત્સ્યને કહ્યું, ‘તારે આમેય મરવાનું છે, જોડજોડે મનેય કાં મારે?’ પછી તો માછીમારે શાર્કના ઝુંડ સામે ઝઝૂમવું પડ્યું. તે લડ્યો હારપૂનથી, હારપૂન તળિયે બેસતાં છરાથી, છરો ભાંગતાં હલેસાથી, અને અંતે સુકાનના લાકડાથી. તેણે કહ્યું, કદાચ શાર્કને, કદાચ પોતાને, ‘માણસ રોળાઈ શકે, રગદોળાઈ શકે, પણ હારી ન શકે.’
(‘આમંત્રણ’)