અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મગન અને ગાજર

From Ekatra Wiki
Revision as of 12:41, 23 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મગન અને ગાજર

સિતાંશુ યશશ્ચંદ્ર

મગન, ભઈ, આવું થાય આપડાથી?
આ આજે તું હરણિયાના પગનો તારો હલાઈ આયો.
ને કાલે મધરાતે ઊઠીને કહીશ :
‘ના હું તો ખઈશ મૂળા, મોગરી, ગાજર ને બોર સુધ્ધાં.’
મગન, ભઈ વચાર તો કર,
કે તું કોણ?
સપ્તરસીની પૂંછડીમાં આ તારો પેલો લંબર.
માતમા મરી ગયાના મેળાવડામાં મામલતદાર શાયેબનું
બોલતાં મોં શુકાય
તો ગામલોક પોંણીનું પવાલું લઈ આ તને મોકલે.
ને કોંટા પર ઊભો રહી કોઈન નાખે
તો કડંગ કટ ખરર ખરર ખટ ને આયી જ સમજો
તારા વજનની કાપલી.
ને પાછળ ભલા ભગવાનના હાથે લખાઈને આવે —
તુમ બડે પ્રાક્રમી વ બુદ્ધિશાળી હો.
અગલે અઠવાડિયેમેં આપકી ઉન્નતિ હોગી.

ન જ રોકાયો, એક આઠ દાડાયે, મગનિયા!
વિસવાસ જ ન મલે ભગવાન પર
ને હલાઈ આયો હરણિયાના પગનો તારો.
તેયે પાછલા પગનો નઈં.
જમણા પગનોયે નઈં.
આગલા ડાબા પગનો.
જરા જો તો ખરો
આ તારે લીધે
કોરિઆમાં કનીકાકીની કાકડી કપાઈ ગઈ
ને મંચૂરીઆમાં માઓ સે મુંગની મામી મરી ગઈ.
મગન મગન શુંઉંઉં કરી નાખ્યુંઉં તેં?
ઓ ભલા ભગવાન, એને માફ કરજે
એને ખબરે નથી કે એણે શું કરી નાખ્યું છે.

અરે રે, મગન
રાતે ગાજર?
(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૫૫-૫૬)